Wednesday, December 26, 2018

મારુ આયખું ખૂટે જે ઘડીયે.....(ભજન)

મારુ આયખું ખૂટે જે ઘડીયે.....(ભજન)


મારુ આયખું ખૂટે જે ઘડીયે,ત્યારે મારા હૃદયમાં પધારજો,
છે અરજી તમોને બસ એટલી,મારા મૃત્યુને પ્રભુ સુધારજો...

હો...જીવનનનો ના કોઈ ભરોશો ,દોડા દોડીના આ યુગમાં,(૨)
અંતરીયાળે,જઈને પડું જો ઓચિંતા મૃત્યુના મુખમાં,
ત્યારે મારા સ્વજન બની આવજો,થોડા શબ્દો ધર્મના સુણાવજો
છે અરજી તમોને....

હો... દર્દો વધ્યા છે,આ દુનિયામાં,મારે રિબાવી રીબાવીને,(૨)
એવી બીમારી જો મુજને સતાવે,છેલ્લી પળોમાં,રડાવીને,
ત્યારે મારી મદદમાં પધારજો,પીડા સહેવાની શક્તિ વધારજો,
છે અરજી તમોને.....

હો... જીવવું થોડું ને જંજાળ ઝાઝી,એવી સ્થિતિ છે આ સંસારની,(૨)
છૂટવા દે ના મરતી વેળાએ,ચિંતા મને જો પરિવારની,
ત્યારે દીપક તમે પ્રગટાવજો,મારા મોહ તિમિરને હટાવજો
છે અરજી તમોને......

જય શ્રી કૃષ્ણ 

Thursday, November 22, 2018

મેવા મળે કે ના મળે (ભજન)



મેવા મળે કે ના મળે (ભજન)



મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે
મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે (૨)
મારો કંઠ મધુરો ન હોય ભલે મારો સુર બેસુરો હોય ભલે
શબ્દો મળે કે ના મળે મારે કવિતા તમારી કરવી છે....મેવા ......

હો .....આવે જીવનમાં તડકા ને છાયા સુખ દુઃખના પડે પડછાયા (૨)
કાયા રહે કે ના રહે મારે માયા તમારી કરવી છે ....મેવા ....
હું પંથ તમારો છોડું નહિ અને દૂર દૂર ક્યાંય દોડું નહિ
પુણ્ય મળે કે ના મળે મારે પૂજા તમારી કરવી છે ....મેવા.....


જય શ્રી કૃષ્ણ 

Thursday, November 15, 2018

એકજ અરમાન છે મને ......(ભક્તિ ગીત )



એકજ અરમાન છે મને ......(ભક્તિ ગીત)


એક જ અરમાન છે મને મારુ જીવન સુગંધી બને (૨)
ફૂલડાં બનું કે ધૂપસળી થાઉં,આશા છે સામગ્રી પૂજાની થાઉં.(૨)
ભલે કાયા આ રાખ થઇ શમે...મારુ જીવન ......હો ..એકજ .......
હો તડકા છાયા કે વા વર્ષાના વાયરા  તોયે કુસુમો કદી ન કરમાયા(૨)
પ્રભુ ચરણોમાં રહેવું ગમે ......મારુ જીવન ......હો એકજ .....
વાતાવરણમાં સુગંધ ન સમાતી,જેમ જેમ સુખડ ઓરસિયે ઘસાતી (૨)
પ્રભુ કાજે ઘસાવું ગમે ....મારુ જીવન .......હો એકજ .....
હો...જગની ખારાશ બધી ઉરમાં સમાવે તોયે સાગર મીઠી વર્ષા વર્ષાવે
સદા ભરતી ને ઓટમાં રમે ....મારુ જીવન .....મારુ જીવન......
હો એકજ......મારુ જીવન .........


જય શ્રી કૃષ્ણ 

Friday, November 2, 2018

શુભકામના

શુભકામના








પ્રિય વાચક મિત્રો
શરુ થતા દિવાળીના શુભ તહેવારો,દિવાળી તેમજ નવા વર્ષની
આપ તથા આપના કુટુંબીજનોને ‘મોગરાના ફૂલ ‘વતી ખુબ  ખુબ શુભ કામનાઓ.

જય શ્રી કૃષ્ણ.

- મહેન્દ્ર ભટ્ટ 

Sunday, October 28, 2018

સ્વપ્નું


સ્વપ્નું 




સવારની ઠંડી હવાના એક ઝોકાથી પ્રભાવિત મગનશેઠ રામનામના પ્રણામ સાથે ઉઠી ગયા,પણ શેઠાણીના નસકોરા નો અવાજ હજુ આવતો હતો,લક્ષ્મીજીના ચારો હાથ શેઠજી પર હતા પરંતુ ઉંમરના અડધા મુકામ પછી પણ પુત્રના કોઈ લક્ષણ ન હતા તેથી શેઠ ચિંતિત હતા પણ શેઠાણી નિશ્ચિંન્ત મને આરામ થી ઓર્ડર કરી શેઠ પર પ્રભાવ જમાવટ કરતા રહેતા.શેઠનું કઈ ચાલતું નહિ

શેઠ શરીરિક તેમજ આર્થિક રીતે ખુબ જ સુખી હતા એકમાત્ર નારાજગી પત્ની તરફની હતી,પોતે ધાર્મિક હોય સવારમાં વહેલા ઉઠી પોતાનું દૈનિક કામ પૂરું કરી પ્રભુના મંદિર પાસે બેસી પ્રાર્થના કરવાનો રોજના   તેમના નિયમ સાથે શેઠાણીના સંભળાતા નસકોરા ખુબ જ અવરોધક હતા. પ્રાર્થના કરતા મનને પ્રભુના પ્રેમ સાથે એકચિત્ત કરવાની તેમની મથામણ ક્યારેય સફળ થતી ન હતી,બધુજ સુખ હતું,પણ પ્રભુ તેમને માટે જેટલા મહત્વના હતા તેટલા શેઠાણી માટે કેમ ન હતા તે તેમને સમજ પડતી ન હતી,પણ અત્યાર સુધીના પત્નીને સમજાવવાના તેમના પ્રયત્નો નિરર્થક રહ્યા હતા, દરેકનો સ્વભાવ જુદો હોય તેમ શેઠાણી પણ ભગવાન સાથેના સબંધો પોતાની રીતે રાખવા માંગતા હતા,અને તેથી જ શેઠ કઈ શિખામણ આપવા જતા તો,તેમની ભૃકુટીનો ભોગ બનતા અને અપમાન થતા હવે તો કહેવાનું જ મૂકી દીધું હતું,અને સામાન્ય છે, પતિ પત્ની સબંધ અરસપરસ સરસ જેવો હોવો જોઈએ પણ બધું સુખ હોવા છતાં શેઠ ને જ બધું સહન કરવું પડતું.અને એટલેજ રોજ પ્રાર્થના કરતા પ્રભુને પત્નીનો સ્વભાવ સુધારવા પર વધુ ભાર મુકતા,પણ પ્રાણ વિનાની મૂર્તિમાં કોઈ ફેરફાર થતો નહોતો, ગમે તેમ શેઠને એક દિવસ ભગવાન પોતાની વાત માનીને દર્શન આપશે એવો વિશ્વાસ હતો.ઋષિ મુનિઓ પ્રભુની પ્રાપ્તિ માટે આખું જીવન મંત્ર પૂજા પાઠ પાછળ બહુ દુઃખ સહન કરીને વિતાવી દેતા અને તોય તે ઉપલબ્ધ ન હતું તો શેઠને આ કાળમાં કે જેને કલીનો કાળ કહેવાય તેમાં કેવી રીતે ઉપલબ્ધ થાય !પણ કહેવાય છે તેમ  કલીકાળમાં ભગવાન ખરા મનની પ્રાર્થનાથી મળવાની ખુબ જ શક્યતાઓ માનવામાં આવી છે તેમ કોઈ વખત શેઠનું મન લાગી જાયને તેમની માનતાઓ પુરી થાય,નહિ તો આટલી બધી સર્મુધ્ધી નો ઉપીયોગ કોણ કરશે,શેઠ શેઠાણી બંને પર હવે ગ્રે કલરના વાળ છવાવા મંડ્યા હતા, હવે જીવન ઘડપણ તરફ ગતિમાન થઇ ચૂક્યું હતું.એટલે શેઠને ખરેખરી ચિતાઓએ ઝકડી લીધા હતા.

પેઢી ઉપર તો શેઠજીની આગળ પાછળ સેવકો હતા એટલે સતત શેઠજી શેઠજી એવો ઉચ્ચાર તેમના કાને અથડાયા કરતો અને તે તેમને ખુબ જ ગમતું,નાના મોટા પ્રશ્નો સાથે પેઢીનો વ્યવહાર ચાલ્યા કરતો બાપ દાદાથી ચાલતી આવતી તેમની પેઢી કેટલાય કુટુંબોનું ભરણ પોષણ કરતી પરંતુ સુખની સાથે દુઃખ કાયમ જોડાયેલું રહે તેમ ઘેર પહોંચતા તેમનું ખુશીયોથી ભરેલું મન મુરઝાઈ જતું,જે જોઈએ તે માંગ શેઠાણીની પુરી થતી પણ શેઠ શેઠાણીને મનાવવામાં અસફળ હતા,શેઠાણીના પિયરમાંથી મહેમાનો સતત ચાલુ રહેતા,અને શેઠની પરવા કર્યા વગર શેઠાણી તેમનો બધો સમય તેમની સાથે પસાર કરી દેતા,અને તેની અસર તેમના શરીર ઉપર પણ થઇ હતી,પરણ્યા ત્યારે જે સ્કીની શરીર હતું તે ગોળ મટોળ થઈને કદરૂપું થઇ ગયું હતું,પણ મફતમાં મિજબાની મળતા તેમના ચાહકો તેમની જ વાહ વાહ કરતા,બધા સારા લાગતા પણ શેઠ કઈ કહેવા જાય એટલે ઘૂરક્યા કરતા  હવે શેઠ સવારની પ્રાર્થના માં ભગવાન પાસે ધંધાની કોઈ માંગણી નહોતા કરતા પણ શેઠાણીને એક પોતાની તરફ સારા વર્તાવ વાળી પ્રેમથી બોલનારી પત્નીમાં બદલાવ કરવાની વિનંતી કરતા,અરે વિનંતી શું આજીજી કરતા,અને જ્યારે આજની પ્રાર્થનામાં તેમણે પ્રભુ પાસે જયારે માંગણી દોહરાવી ત્યારે કોકે બારણે ટકોરા મારવાના શરુ કર્યા,અને ક્યાંક ભગવાનમાં મન લાગ્યું હતું તેમાં ભંગ પડ્યો,એક વખત એવું લાગ્યું કે રોજ ભગવાનને પ્રગટ થઇ દર્શન આપવાની માંગણી કરું છું તો કદાચ ભગવાન કે ભગવાનની પ્રેરણા તો ના હોય, પણ વિચાર બદલાયો તો પાછું બધું બદલાયું ભગવાનને દર્શન જ આપવા હોય તો તે તો અંતર્યામી છે બારણે ટકોરા મારવાની તેમને શું જરૂર?,એટલે કોઈ ફેરિયો કે આલતું ફાલતુ હશે સવારના પોરમાં બીજાનો વિચાર કર્યા વિના ચાલ્યા આવે,એટલે શેઠજીએ બહુ ધ્યાન ન આપ્યું અને શેઠાણી તો ભરનિંદ્રામાં,થોડીવાર પછી ઉભા થયેલા બારણે ટકોરાના સ્પંદનો શાંત થઇ ગયા,એટલે પાછા શેઠ પ્રાર્થના બાજુ વળ્યાં અને ત્યાં તો ફરી ટકોરા પડ્યા,અને સતત પડતા રહ્યા,શેઠ ગુસ્સે થવા જાય ત્યાં તેમના મને કાબુ મેળવી લીધો અને તેઓ શાંત રહ્યા પણ સતત અવાજથી શેઠાણી જાગશે તો પાછો દાડો બગડશે એ બીકે તેમણે ભગવાનની પુંજા પડતી મૂકી બારણા તરફ પ્રસ્થાન કર્યું.

પ્રાર્થનામાં એકાગ્ર થતા મનનો સ્વભાવ શાંત હોવો જોઈએ પણ,બારણાં તરફ પ્રયાણ કરતા શેઠનો ચહેરો તિરસ્કારથી ધુંધવાતો હતો,બારણાના ટકોરાએ તેમની સ્થિતિ બદલી કાઢી હતી,હવે બારણું ખુલશે ત્યારે ટકોરા મારવા વાળાને નિરાશ થવું પડશે અને શેઠની દાટ ખાવી પડશે અથવા જો સ્થિતિ બદલાય તો શેઠને પણ કોઈ પોતાના ઘૂરકાટનો ભોગ બની સામનો કરવો પડે ,ગમે તે થાય કેમકે બારણું બંધ છે ને શેઠ ગુસ્સામાં છે,પણ છેલ્લે શેઠે બારણું ખોલ્યું એટલે કોઈ ઓફિસર જેવા દેખાતા ભાઈએ નમસ્કાર કરી સ્માઈલ આપ્યું પણ શેઠ તો શેઠ હતા એટલે તેમને કોઈ અસર ન થઇ અને ઘૂરકતવાળો ચહેરો સ્થિતિ બદલી ન શક્યો,એટલે પેલા એ કહ્યું ,
"મગન શેઠ,સવાર સવારમાં તમને હેરાન તો નથી  કર્યાને?" જયારે શેઠની દ્રષ્ટિ પેલા સાથે મળી ત્યારે ગમે તે થયું પણ શેઠનો ઘુરકાટ ઓછો થઇ ગયો અને બોલ્યા,
"ના, ના, એવું કઈ નથી બોલો શું કામ હતું?"અને સામે જવાબ મળ્યો,
"ના, ના, મારે કઈ કામ નહોતું પણ,હું પણ એક સેવક છું એટલે મારા બોસે તમારા કોઈ કામ માટે મને મોકલી આપ્યો."અને શેઠે,
" મારે કોઈ કામ નથી,મારી પેઢી ઉપરથી અહીં કોઈ ન આવે એટલે મારો સમય બગાડ્યા વગર બીજે જાવ ભાઈ,મારે ઘણું કામ છે." એમ કહી  બારણું બંધ કરવાનો પ્રયત્ન કર્યો તો પેલા માણસે વચ્ચે પગ મૂકી કહ્યું,
"શેઠ,હું પાછો જવા નથી આવ્યો,મને ખબર નથી પણ મારા બોસ તમારા પર ખુબ ખુશ છે અને તમને સાથે લઈને જ જવાનો ઓર્ડર છે,"અને કોઈ પણ પાયા વગરની વાતથી શેઠ ને મુંઝવણ થઇ,પણ પેલો કોઈ મક્કમ ઈરાદાથી ત્યાંથી ન ખસ્યો,નરવશ થયેલા  શેઠને પરાણે પૂછવું પડ્યું,
"ભાઈ,તમે કોણ છો,અને જે કઈ હોય તે ખુલ્લી રીતે કહો."એટલે પેલાએ પગ હટાવ્યો અને બોલ્યો,
"શેઠ,હું પાર્ષદ છું તમે ભગવાનને પ્રાર્થનામાં ખુબ વિનંતી કરી,એટલે જાતે ન આવી શક્યા પણ મને મોકલી આપ્યો,હવે તમારું દરેક કામ મારે કરવાનું છે,અને બધું ચુટકીમાં થઇ જશે."અને શેઠના ચહેરા પર રંગ ફેરવાયો,
"મશ્કરી કરો છો,પાર્ષદ અને આ વેશમાં,હું કઈ રીતે માનું ?"
"કેમ ,તમેજ તો વિચારતા હતા આ કલીનો કાળ છે,ને ભગવાન કે તેના પાર્ષદ કોઈ પણ રૂપમાં પ્રગટ થાય,અને શેઠાણી નો સ્વભાવ,અને વારસદારની ચિંતા,..." અને પાર્ષદ સ્માઈલ સાથે શેઠના ચહેરા સામે એકી ટસે જોઈ રહ્યો.હવે શેઠનો ચહેરો બદલાયો અને સ્માઈલ સાથે બોલ્યા,
"તો ખરેખર ભગવાને મારી પ્રાર્થના સાંભળી,અને તમને મોકલ્યા."
"અરે ખરેખર શું,આવો લાવો કોઈને ના મળે,હવે અંદર આવવાનું કહેશો કે હજુ કોઈ ખાતરી કરવી છે." ત્યાં તો અંદરથી શેઠાણીનો અવાજ આવ્યો,પણ અવાજમાં જાણે રણકાર હતો,પરણીને આવ્યા અને જે સ્થિતિ હતી તે દેખાવા લાગી,આ ફેરફાર શેઠ માટે જાણે પૂરતો હોય તેમ ઘેલા થઇ ગયા અને તરત જ પાર્ષદને માન ભેર આવકારી સોફા પર બેસાડ્યા,અને કહ્યું,
"હું જરા અંદર જઈ મારી પત્નીને તમારી આગતા સ્વાગતા કરવાની તૈયારી કરવા કહું,"પણ શેઠની નવાઈ વચ્ચે પાર્ષદે શેઠનો હાથ પકડી કહ્યું,
"એની કઈ જરૂર નથી,પણ આપણી પાસે સમય બહુ નથી અને,હજુ મારે બીજા બધા ભક્તો પાસે પણ જવાનું છે.એટલે તમો તૈયાર છો,"
"તૈયાર,શાને માટે..?"અને શેઠે હાથ છોડાવવા પ્રયત્ન કર્યો,ગભરાઈ ગયા અને બોલ્યા,
"સાહેબ મારો હાથ છોડો,હું એવી રીતે ન આવી શકું,"
"પણ તમને લીધા વગર જવાનો મને હુકમ નથી,એટલે ચાલો" અને હાથની પકડ મજબૂત થઇ શેઠ હાથ છોડાવવાની મથામણમાં પરસેવે રેબઝેબ થઇ ગયા.પણ હાથ ન છૂટ્યો અને શેઠે બચાવો બચાવો એમ જોરથી બૂમો પાડવા માંડી ત્યાં કોઈકના ભારે હાથનો સ્પર્શ થયો,અને શેઠ પથારીમાં હતા,સામે શેઠાણીની ઘૂરકતી લાલ આંખો  હતી,અને શેઠાણીએ શેઠનો હાથ પકડ્યો હતો,શેઠાણી બબડતાં હતા,
"ઊંઘતા નથી ને ઊંઘવા દેતા નથી,"શેઠ તરફ જોતા શેઠાણી પાસું ફેરવી સુઈ ગયા.અને શેઠ બબડતાં રહ્યા,
"તું તારે ઊંઘીજા,એ તો સ્વપ્નું હતું."
પણ શેઠે પોતાના શરીર તરફ નજર કરી તો પરસેવે રેબઝેબ હતું,પાર્ષદ નહોતો પણ હવે ચિંતા હતી,જો સ્વપ્નું સાચું પડે ને જવું પડે,એક ભયંકર કંપારી પસાર થઇ ગઈ,શેઠ નિરાશ હતા કેમકે શેઠના પરસેવા માટે કેમ?, શું?, શા માટે? પ્રશ્ન પૂછવા વાળું કોઈ ન હતું,સંતો કહે છે  તેમ મૃત્યુનો ભય કોઈને પણ સતાવે પણ અનિવાર્ય આ સત્ય માટે બીજો કોઈ રસ્તો જ નથી,આ બધું અહીં પહેલેથી ગોઠવાયેલું છે,તેના નિયમો છે અને તે પ્રમાણે જીવન શરુ થાય છે અને પૂર્ણ થાય છે,અને મળેલા જીવનને કેવી રીતે ભોગવવું તેનું તમારે નક્કી કરવાનું છે.પાપ પુણ્યની કોને ખબર પણ નિયતિ પ્રમાણે ન ચાલનારને દુઃખદાયી બનવું પડે તેમાં કોઈ શંકા નથી, જેમ તેમ પરિસ્થિતિને કાબુ કરવાનો પ્રયત્ન કરી શેઠે પાસું ફરી સુવાનો પ્રયત્ન કર્યો પણ બીજા સ્વપ્નની ચિતાએ તેમને ઊંઘ ના આવી,પાસા ફેરવતા પડ્યા રહ્યા.

-મહેન્દ્ર ભટ્ટ.

Friday, September 7, 2018

શેઠની ચતુરાઈ

શેઠની ચતુરાઈ 


એક શેઠ ખુબ ધનવાન પત્ની સાથે એક રાત્રે શયન કરતા હતા,પણ ધનની ચિંતા અર્થે ઊંઘ  આવતી નહિ એટલે અડધી રાત સુધી જાગતા રહેતા.પત્ની ખુબ સમજાવે ત્યારે માંડ સુતા, એમાં એક દિવસ ચોર ઘરમાં ચોરી કરવાના હેતુ બારણું તોડી આવી ઘરની સ્થિતિનો તાગ કાઢતો જોવા મંડ્યો પણ જાગતા શેઠ પડખા ફેરવતા હતા એટલે સલામતી ના લાગતા એક બાજુ છુપાઈ ગયો.શેઠને ખબર પડી ગઈ કે ઘરમાં કોઈ ચોર છુપાઈ ગયો છે.પણ ઉભા થઈને પડકાર ફેંકે એટલી હિમ્મત નહિ એટલે જાનનું ઝોખમ લેવાય નહિ એટલે ચિંતાથી રેબઝેબ થતા પડખા ફેરવતા શું કરવું તેનો વિચાર કરતા રહ્યા કપાળે પરસેવો વળી ગયો પણ આવેલો ચોર કોઈ તક ઝડપે તે પહેલા કઈ કરવું પડે શેઠાણી તો ઊંઘતા હતા પણ રોજ શેઠને ઊંઘ ન  આવે એટલે તેમની ઊંઘ મતલબી થઇ ગઈ હતી,શેઠ બોલાવે તો પાછા ઉઠી જાય,એટલે શેઠે ઉઠીને ચોર સાથે બાખડયા વગર બુદ્ધિથી કામ લેવાનું નક્કી કર્યું.આમ હિમ્મત નહિ પણ બુદ્ધિ તો બાપદાદાની દેણ,એટલે શેઠાણીને કહ્યું,
"તું સાંભળે છે."એટલે શેઠાણી જાગ્યા પણ  ઉઠ્યા વગર છણકલુ કર્યું,
"હવે સુઈ જાવને, રાતે અડધી અડધી રાત સુધી,ઊંઘતા નથી ને ઊંઘવા દેતા નથી."પણ શેઠે કહ્યું
"અરે પણ વાત તો સાંભળ,મને એવું લાગે છે કે કોઈ બાળક આપણે ત્યાં જનમવાનો છે."અને બાળકની વાત આવી એટલે શેઠાણી ઉઠ્યા તો નહિ પણ પડખું ફેરવી શેઠની વાતમાં ભાગ લીધોને કહ્યું,
"હા તો,એ તો સારી વાત છે,ભગવાનનો પાડ આટલી ઉંમરે ખોળાનો ખૂંદનાર આવે."ઘરમાં છુપાયેલા ચોરની ચિંતા વધવા મંડી આ શેઠ જરૂર કોઈ મુશ્કેલી ઉભી કરશે.પણ તે ત્યાંનો ત્યાં ચુપકીદીથી છુપાયેલો રહ્યો.શેઠ બોલ્યા,
"તો ,તું કહે હું તને રોજ રોજ ઊંઘમાં ખલેલ પહોંચાડીને હેરાન તો નથી કરતોને?"
"એવું કેમ કહો છો,હું તમારી પત્ની છું,સુખ દુઃખની સાથી,ભગવાને બધું સુખ આપ્યું છે,પણ ચિંતા કરી કરીને તમને ઊંઘ નથી આવતી એની મને ચિંતા છે,શેર માટીની ખોટ છે,એ પુરી થાય તો તેનો પાડ,પણ ઊંઘ નહિ આવે તો  તબિયત બગડશે."અને વ્હાલ કરતા શેઠાણી એ શેઠના કપાળે
 હાથ ફેરવ્યો ત્યાં શેઠાણીનો હાથ પરસેવાથી પલળી ગયો અને બોલ્યા,
"એટલી બધી ગરમી તો નથી,તો આટલો બધો પરસેવો?"શેઠાણીની ચિંતા હવે વધી ગઈ,શેઠનું વજન આમે ય વધારે હતું ન થવાનું થઇ જાય,એટલે ડોક્ટર નજરે સામે આવ્યા.પણ શેઠાણી ને ક્યાં ખબર કે શેઠના પરસેવાનું કારણ શેઠની તબિયત નહિ બીજું કઈ છે.શેઠે શેઠાણીની ચિંતાનું સમાધાન કરતા કહ્યું,
"મને કઈ નથી થયું,તું ચિન્તા કર માં, પણ આપણા ઘરમાં બાળક નો જન્મ થાય તો તેનું નામ શું રાખીશું.?"અને ચિંતામાં પડેલા શેઠાણીને આવા કૂતરુહુલ વાળા સવાલે ઊંચેથી  પછાડી ઠેઠ પાયામાં લાવી દીધા.
"હજુ,કોઈ એંધાણ બંધાયા નથી ત્યાં નામ રાખવાની વાત,તમને જ તમારો પ્રશ્ન અજબ નથી લાગતો,"
અને શેઠાણી હસવા લાગ્યા,બધુજ ફેરવાઈ ગયું,રાતની શાંતિમાં ભંગ થયો.હસવાનો અવાજ ડબલ થતા,હવામાં ભળી ઘરની બારણાની તરાડોમાંથી આઝાદીથી શેરીમાં આવી ગયો.અને શેઠે હસવા મંડ્યા,છુપાયેલો ચોર પણ અચંબામાં પડી હસવાનું અટકાવતો કોઈ ખોટા સમયે,ખોટા ઘરમાં આવી ગયો એવું અનુભવતો ત્યાંથી કેવી રીતે ભાગવું તેનો વિચાર કરવા લાગ્યો આમ બુદ્ધિવાન શેઠે વાતાવરણ બદલી કાઢ્યું.અને શેઠે પોતાની વાત ચાલુ રાખી,
"પણ તું કહેતો ખરી,"એટલે હસતા શેઠાણીને પતિની વાતને સમર્થન આપ્યું,કહ્યું,
"ગમે તે,અમીચંદ ગોપીચંદ,ઉત્તમશેઠ...."પણ શેઠે કહ્યું,
"ના ના એવા નામ તો જુના થઇ ગયા,કૈક નવું નામ રાખીયે."અને શેઠાણી હોઠોમા મુસ્કરાતા બોલ્યા ,
"તો તમે જ કહી દો ને એટલે ઉંઘાય...."અને જયારે શેઠાણી મોટેથી હસ્યાં ત્યારે તે અવાજ એટલો મોટો હતો કે શેઠના ઘર પાસેથી રાતની ફેરીમાં  પસાર થતા બે પોલીસવાળા શેઠની વંડી પાસે ઉભા રહી ગયા,ધનવાન શેઠનું મોભાનું ઘર એટલે શેઠ શેઠાણી કોઈ મુસીબતમાં તો નથીને તેનો તાગ લેવા તે બંને અટક્યા અને બારીકાઈથી અવાજ સાંભળવા લાગ્યા.
ત્યાં શેઠ બોલ્યા,
"રણજિત સિંહ, ખેર સીંગ  એવું કઈ રાખીયે તો .."
"જાવ જાવ એવા તો કઈ નામ રખાતા હશે...આપણે વાણિયા અને રાજપુતી નામ.."અને શેઠની મસ્તી વધી ,અવાજ વધ્યો, પડઘો પડ્યો
"રણજી સિંહ, રણજિત સિંહ, ...."બહાર અવાજ સાંભળતા પોલીસવાલામાં એકનું નામ રણજિત સિંહ,  હતું એટલે તેણે બારણા પર ટકોરા મારી અવાજ કર્યો,
"શેઠ,બારણું ખોલો,કોઈ તકલીફ તો નથી ને " અને શેઠ જાણે લડવૈયા બન્યા, છલાન્ગ મારી શેઠે સીધા બારણાં તરફ દોટ દીધી,આ દ્રશ્ય જોતા શેઠાણી અને સાથે સાથે ચોરે ફાટી આંખે જોયું,બારણું ખુલી ગયું,
બહારથી પ્રશ્ન આવ્યો
"હું રણજિત,શેઠ કોઈ તકલીફ તો નથી ને"અને શેઠે કહ્યું
"આવો,ઘણી મોટી તકલીફ સામે ઉભી છે,"અને ચોરે સામે ચાલીને હાથ લાંબા કર્યા એટલે રણજિત સિંહે બેડી પહેરાવી દીધી,શેરમાટીની ખોટ તો પૂરતા પુરાશે પણ શેઠાણી પતિની ચતુરાઈ પર વારી ભેટી પડ્યા..

-રજુઆત મહેન્દ્ર ભટ્ટ.

Monday, September 3, 2018

રક્ષાબંધન

રક્ષાબંધન


રક્ષાબંધન એ શ્રાવણ માસની પૂનમે આવતો હિન્દૂ અને જૈનોનો તહેવાર છે.જેમાં બહેન ભાઈને રેશમના અથવા સુતરના દોરાની રંગીન સુશોભિત રાખડી જમણા હાથે બાંધી સદા શુભની તથા  સુખ દુઃખમાં સદાય સાથે રહેવાની કામના કરે છે અને  ભાઈ બહેનને ઉપહાર અથવા ધન આપે છે.આ તહેવારમાં જાત જાતની રાખડીઓનો ઉપીયોગ કરવાંમાં આવે છે,ક્યાંક સોના ચાંદીની રાખડીઓ પણ બંધાય છે.આ ઉત્સવ પ્રાતઃ સમયે સ્નાનવિધિ પતાવી નવા વસ્ત્રો પરિધાન કરી તૈયાર થઇ કરવામાં આવે છે જેમાં બહેન એક થાળીમાં રાખડી,મીઠાઈ ,કુમકુમ,અક્ષત અને દિવા સાથે રાખી ભાઈના કપાળે ચાંલ્લો કરી અક્ષત લગાવી આરતી ઉતારે છે અને તેના જમણા હાથે રાખડી બાંધી ભેટે છે અને સદા સુખદુઃખમાં સાથે રહેવા તથા શુભની કામના કરે છે બદલામાં ભાઈ ઉપહાર અથવા ધન પ્રદાન કરી બહેનને ખુશ કરે છે.આ તહેવારમાં આચાર્યો,અને ગુરુજનો તેમના શિષ્યો તેમજ યજમાનોને સુતરની રાખડી બાંધી આશીર્વાદ આપે છે અને યજમાનો ધન ધાન્યથી પોતાના ગુરુજી અથવા આચાર્યોને ખુશ કરે છે.

પ્રાચીન કાળમાં સહુ પ્રથમ રાજા બલીને રાખડી બાંધવામાં આવી હતી ત્યારથી આજ સુધી પર્વનો ઉત્સવ મનાવવામાં આવે છે,રાખડીમાં રહેલી બાંધનારની લાગણી બંધાવનાર ની રક્ષા કરે છે,કોઈ પણ મુસીબતમાં સહાયક થાય છે.યુદ્ધના સમયમાં કુંતા માતાએ અભિમન્યુને અમર રાખડી બાંધી તેની રક્ષાની
અભ્યર્થના કરી હતી,જયારે શિષ્ય પોતાનું ભણતર પૂરું કરી આશ્રમ છોડતા હતા ત્યારે ગુરુજી અથવા ગુરુમાતા તેના ભાવીની શુભકામના માટે રક્ષાસૂત્ર બાંધતા હતા.

પ્રાચીન સમયમાં દેવ દાનવ વચ્ચે કાયમ યુદ્ધ થતું.ત્યારે ઇન્દ્રપુરી પર કાયમ ઝોખમ રહેતું, તેથી ઇન્દ્ર બૃહસ્પતિ પાસે ગયા અને ઈન્દ્રાણીએ યુદ્ધમાં વિજય માટે ઇન્દ્રના હાથે રેશમનો દોરો બાંધી વિજયની  પ્રાર્થના કરી હતી કહેવાય છે તે દિવસ શ્રાવણ માસની પૂનમ હતી  અને તેમાં ઇન્દ્રનો વિજય થયો હતો.

સ્કંધ પુરાણ,પદ્મપુરાણ તેમાં જ શ્રીમદ્ભાગવતમાં વામન અવતારમાં રક્ષાબંધનનો પ્રસંગ આવે છે જેમાં
એક વખત રાજા બલિએ પોતાના ૧૦૦માં યજ્ઞની પુર્ણાહુતી કરી તે વખતે રાજા ઇન્દ્રને દાનવ રાજાની શક્તિ વધી જવાથી પોતાનું ઇન્દ્રાસન છીનવી લેવાનું ઝોખમ દેખાયું ગુરુની સલાહથી ઇન્દ્રે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી મદદની માંગણી કરી વિષ્ણુ ભગવાને તેની પ્રાર્થના નો સ્વીકાર કરી મદદ કરવાનું વચન આપ્યું. વિષ્ણુ ભગવાને વામન અવતાર ધારણ કરી દાનવ રાજા બલીના ૧૦૦માં યજ્ઞની પૂર્ણાહૂતિમાં ઉપસ્થિત થઇ ભિક્ષા દાનની માંગણી કરી, બલીના સૈનિકોએ દ્વાર પર કોઈ બટુક બ્રાહ્મણ ભિક્ષા અર્થેની માંગણી સહ ઉપસ્થિત છે તેની રાજાને જાણ કરી,બલી દાનવ હતો પણ દાન ખુબ કરતો,તેણે તે બટુકને માન સહીત દરબારમાં લઇ આવવા સૈનિકોને કહ્યું.બલિએ બટુક વામન બ્રાહ્મણને કઈ પણ માંગવા કહ્યું એટલે વામને કહ્યું
"મારે ફક્ત ત્રણ ડગલાં પૃથ્વીની જરૂર છે જો તું દાનમાં આપી  શકે."બલી હસ્યો એટલે આખા દરબામાં હાસ્ય ફેલાઈ ગયું,રાજાએ કહ્યું,
"મહારાજ તમે એક બટુક છો અને તમારા ત્રણ ડગલાં પૃથ્વીથી શું પૂરું થશે,બીજું વધારે કઈ માંગો,હું મારુ આખું રાજ્ય આપી દઈશ,વચન આપું છું.."પણ જવાબમાં વામને કહ્યું,
"હું ખુબ સંતોષી બ્રાહ્મણ છું મારે ત્રણ ડગલાં પૃથ્વી મારા ગુજારા માટે અનુકૂળ છે વધુ કઈ ન જોઈએ."
એટલે ગુરુ શુક્રાચાર્યે બલીને ચેતવતા કહ્યું ,
"આ માંગણીમાં જરૂર કોઈ ચાલ છે "અને ધ્યાનમાં જોયું તો વામન સ્વરૂપમાં વિષ્ણુ પોતે હતા અને બલીને સત્ય કહી વચન ફોક કરવા કહ્યું પણ બલિએ ગુરુને કહ્યું ;
"હું, વચન બધ્ધ છું,એટલે તે વિષ્ણુ હોય તો પણ તેમની માંગણી સંતોશીશ."અને વામન ને તે જે માંગશે તે આપવા કહ્યું,વામન ભગવાને પોતાની માંગણી પ્રમાણે એક ડગલું ભરી પોતાનું કદ વધારી આકાશ ,બીજા ડગલામાં પૃથ્વી અને ત્રીજું ડગલું ઉપાડ્યું અને પૂછ્યું
"હવે તારી પાસે કઈ નથી તો આ ત્રીજું ડગલું ક્યાં મુકું.?"
બલિએ જરા પણ ખચકાયા વગર પોતાનું મસ્તક નમાવી કહ્યું
" પ્રભુ,આપણું પવિત્ર ડગલું મારા શીશ પર મુકો " અને વામન ભગવાને ત્રીજા ડગલામાં બલીને પાતાળમાં પહોંચાડી દીધો.પણ પ્રભુ ભક્તિમાં વચનબદ્ધ બલીથી પ્રભુ ખુબજ ખુશ થયા અને તેના દાનની સરાહના કરી ત્યારે રાજા બલિએ કહ્યું,
"પ્રભુ આપ ખુશ થયા હોતો હવે મારી એક માંગ છે આપ સદા મારી સાથે રહો."અને વિષ્ણુ ના પણ ન કહી શક્યા, વૈકુંઠમાં હાહાકાર મચી ગયો,લક્ષ્મીજી ચિંતામાં પડી ગયા,ત્યારે પ્રભુ ભક્ત નારદજી હાથમાં કરતાલ વગાડતા,નારાયણ નારાયણ કહેતા માતાજી સમક્ષ ઉપસ્થિત થયા.અને કહ્યું
"માતાજી ચિંતા ન કરો,અને આપ તુરંત પૃથ્વી પર જઈ રાજા બલીના હાથે રક્ષા બાંધી,પ્રભુની મુક્તિની માંગણી કરો,રાજા બલી આપની માંગણી જરૂરથી ધ્યાનમાં લેશે,"
અને આમ માતાજીએ બલીને રાખડી બાંધી તો વિષ્ણુ ભગવાનને પૂર્ણ મુક્ત ન કર્યા પણ ચાર માસ સાથે રહેવાનું કહ્યું અને બીજા આઠ માસ બ્રહ્મા અને મહાદેવને સાથે રહેવા કહ્યું ,બલીની માંગણીનો સ્વીકાર થયો અને ચાતુર્માસનું પર્વ શરુ થયું,,માતાજીએ બલીને રાખડી બાંધી તે દિવસ શ્રાવણ માસની પૂનમ હોય,તે દિવસથી રક્ષા બંધનનું પર્વ શરુ થયું,
દેવ સૂતી અગિયારસે દેવ સુઈ જાય, અષાઢમાસ શુક્લ પક્ષે પુરુસોત્તમ ભગવાન ક્ષીરસાગરમાં શેષનાગ ઉપર ચાતુર્માસ માટે યોગનિંદ્રામાં જતા રહે એ દિવસ જગન્નાથની પ્રસિદ્ધ રથયાત્રા પછી આવે તેને દેવ શયની એકાદશી કહેવામાં આવે તેને પદ્મા એકાદશી,અષાઢી એકાદશી તેમ જ હરિશયની એકાદશી જેવા બીજા નામોથી પણ સંબોધવામાં આવી છે અને દેવ ઉઠે તે અગિયારસે ચાતુર્માસનું વ્રત પૂરું થાય,
જ્યારે ચાતુર્માસની યોગનિંદ્રા પછી પ્રભુ જાગે તે દિવસ કારતક માસની શુક્લ પક્ષની અગિયારસ જેને પ્રબોધિની એકાદશી,દેવઉથની એકાદશી, દેવઉથ્થાન એકાદશી કહેવાય અને તે દિવસે ચાતુર્માસ પુરા થાય અને ત્યાર પછીની પૂનમે દેવ દિવાળી આવે.આ ચાતુર્માસનું પવિત્ર પર્વ ઉપવાસ તેમજ પ્રભુ પ્રાર્થના કરી હિંદુઓમાં  મનાવવાનું ખૂબ જ મહત્વ છે.
વ્રતી ચાતુર્માસ દરમ્યાન ઉપવાસ કરી પ્રભુ શરણ થઇ ભગવાનની સ્તુતિ કરે.

જય શ્રી કૃષ્ણ,
-રજૂઆત મહેન્દ્ર ભટ્ટ.

Wednesday, August 15, 2018

નિરંતર ફેરવાતી દુનિયા.


નિરંતર ફેરવાતી દુનિયા.




સવાર અને સૂર્યદેવનું આગમન આખા જગતનો પ્રાણ,મહારાજની પૂજા વિધિનો સમય,પરલોકમાં પણ નિત્ય નિયમ પણ એકજ ભય, સુધીરનો, એકજ રટણ,
'મારી પ્રીતિનું શું થયું હશે?'હમણાં હમણાંથી તો મહારાજને જાણે ત્રાસ લાગવા મંડ્યો હતો.તપ જપના પ્રતાપે શાંતિ ની એકાગ્રતા મેળવી ચૂકેલા મહારાજ હવે સુધીરથી ત્રાસી ગયા હતા,તેમને શું ખબર તેની પ્રીતિનું શું થયું હશે! તે કોઈ ભગવાન થોડા છે,પણ ન જાણે કેમ સુધીર તેમનો પીછો છોડતો ન હતો."પરલોક"એટલે આ જગતના જીવો  માટે કોઈ જુદી દુનિયા, પણ બધું અહીંનું અહીં,જીવ દેહ છોડી ક્યાં જાય એની કોઈને ખબર નહિ એટલે સંતોષ માટે પુરાણોથી ચાલતી આવતી પ્રણાલિકા,જે જીવ દેહ છોડે ત્યારે તેની સાથે જોડાયેલાને તેના વિરહનું દુઃખ થાય તેનું ક્યાંક તો સમાધાન કરવું પડે તેના માટે જુના જમાનાથી કરવામાં આવેલી સુવિધા જેથી સગા સબંધી તેમજ સ્નેહી પ્રાણ ત્યાગ પછી દેહનું વિધિ પૂર્વક સન્માન કરી ધીરે ધીરે સામાન્ય જીવનમાં ફરી ઓતપ્રોત થઇ પોતાની જવાબદારી સંભાળી વિરહિત જીવને ફોટામાં કંડારી તેના વિરહિત સમયે એકાદ પેઢી સુધી યાદ કરતા રહે, આ જગતનો ક્રમ,સમય જ બધું સરખું કરે નહિ તો જીવન જીવવું ઘણું અઘરું પડે, દેહથી છૂટો પડેલા જીવનું શું થાય તેની કોઈને ખબર નહિ,
પણ જન્મ પછીની લાંબી સફર પછી જીવ આધિ વ્યાધિ અને ઉપાધિથી જર્જરિત થયેલો દેહ છોડી દે. તેના અવયવોની કામ કરવાની શક્તિ ઘટી જાય અને ક્યારેક કામ કરતા બંધ થઇ જાય ત્યારે જીવ  જેને દુનિયાએ જાણ્યો નથી પણ એ તત્વ અમર છે તેની તેને ખબર છે, હિન્દૂધર્મ તેને એક શરીર છોડી બીજામાં એમ ૮૪ લાખના ફેરામાં ફરવાનું અનુમાન કરે છે.જુદી જુદી યોનિમાં માનવ યોની ને સર્વ શ્રેષ્ઠ યોની માનવામાં આવી છે.જ્યાં માનવ બધા જીવો કરતા વિશેષ બુદ્ધિ ધરાવે છે ત્યાં તેનું પ્રભુત્વ છે એટલેજ રોજ બરોજ પોતાની સ્થિતિ આધુનિક બનાવી હવે આકાશના શુન્યાવકાશમાં પણ પોતાની શોધ ચલાવવામાં સક્ષમ બન્યો છે. પણ આત્મા શું છે તે તત્વની તેને હજુ ખબર નથી
ત્યારે પરલોકમાં સુધીર પોતાને શરીર છૂટ્યા છતાં મહારાજને પ્રીતિના રટણથી હેરાન કરી રહ્યો હતો,કહેવાય છે જીવ જયારે દેહ, શરીર છોડે છે ત્યારે કોઈ સૂક્ષ્મ શરીર ધારણ કરે છે શારીરિક નહિ પણ મનની સ્થિતિઓ પર સવાર થઇ દુનિયાના બધાજ અનુભવ કરી શકે છે,કદાચ જયારે તે અત્યંત એકાગ્રતા માં પહોંચે છે ત્યારે કોઈ ભગવાન જેવી શક્તિ મેળવી દુનિયાના જીવોને સહાયક થાય છે કે જેને દુનિયા અલૌકિક ઘટના તરીકે સમજી બિરદાવે છે.
સુધીરનો આત્મા પણ ગાડીના અકસ્માત પછી શરીર છોડી તડપતા પ્રીતિના શરીરની આજુબાજુ ફરતો રહ્યો પણ જયારે કોઈ કાળી છાયાનું વૃંદ એક નાના દળના સ્વરૂપમાં પોતાના તરફ ધસમસતું આવ્યું તો ત્યાંથી તે ભાગ્યો અને જંગલમાં ધસમસતો આવ્યો જ્યાં એક ઝરણાના કિનારે આવેલી કોઈ તૂટેલી ઝૂંપડીના કોઈ ખૂણામાં છુપાઈ ગયો તેણે જોયું તો પેલું પાછળ પડેલું કાળું વાદળ ત્યાં પ્રવેશ કરી ન શક્યું અને તે બચી ગયો પણ પછી થોડીવારમાં ઝૂંપડીમાંથી બીજો અવાજ આવ્યો તે તેણે ખુબ જ બારીકાઈથી સાંભર્યો.તે એક પવિત્ર મહારાજનો હતો,
"તું બચી ગયો એ આ ઝૂંપડીના પવિત્ર સ્થાનનો મહિમા છે નહીતો જમ રાજાના દૂતો  તને પણ લઇ જતે.પણ તું બચી ગયો, આ સ્થાનમાં ઋષિઓના તપની શક્તિ શમાઈ છે એટલે અહીં શરણે થતો જીવ બચી જાય છે, શરીર બધાનું છૂટી જાય છે તેમ મારુ છૂટ્યાને ઘણો સમય થઇ ગયો પણ હજુ હું અહીં જપ તપનું મારુ નિત્ય ક્રમ કરી રહ્યો છું,

તો મહારાજ આપ ખુબ જાણો છો અને તપના બળે એટલું ન કહી શકો ,મારી પ્રીતિનું શું થયું હશે ?,
અને ફરી ફરી રિપીટ થતા આ પ્રશ્ને સદા શાંત મહારાજનું મન ડોલી ઉઠ્યું
“ મર્યા પછી પણ તારી માયા છૂટતી નથી ખરું ?”
"હું સંસારી છું,અને પ્રીતિ મારા પ્રેમની પૂજારણ છે સંધ્યાની એક પળોએ અમારા પ્રેમને જન્મ આપ્યો પણ એક મહિનાના ટૂંકા સમયમાં આ ગોઝારા અકસ્માતે બંનેના દેહોને રસ્તા પર તડફડતા ફેંકી દીધા ,મારુ શરીર તો શાંત પડી ગયું પણ પ્રીતિ તડફડતી હતી તે મને છેલ્લે દેખાયું પણ પછી તેને પડતી મૂકી હું ભાગ્યો,ખબર નહિ કેટલો સમય થઇ ગયો પણ અહીં નસીબ જોગે બચી રહ્યો છું બસ એકજ તમન્ના છે મારી પ્રીતિ માટે જાણવાની.પછી મારુ ગમે તે થાય." તેની   વાત પુરી થતા મહારાજને પણ લાગ્યું કે તેનો જીવ હજુ માયા મુકતો નથી એટલે પોતાના તપના ભોગે તેમણે તેને હેલ્પ કરવાનું વચન આપ્યું અને તેમની શરતો અનુસાર તે કહે તે પ્રમાણે પોતાની સાથે રહેવા કહ્યું જો તેમાં કોઈ પણ ભૂલ થાય તો જરૂરથી જમના દૂતો તેને પકડી લે,
અને થોડીવારમાં ધ્યાનમાં તેના અકસ્માતનું સ્થાન તેમણે જોયું ,મહારાજે કહ્યું
" જ્યાં સુધી તું મારી સાથે છે ત્યાં સુધી તને વાંધો નહિ આવે,પણ સ્થાન મળતા હવે જરૂરથી તારા પ્રશ્નનો ઉકેલ આવી જશે, હવે થોડીવારમાં ત્યાં જઈશું પછી ત્યાંથી પ્રીતિની ખબર પડશે પણ મારી પાછળ રહેજે કેમકે મારા એક ફૂટના પવિત્ર વર્તુળમાં કોઈ મારી આજ્ઞા વગર પ્રવેશી નહિ શકે,પણ હું તને પરવાનગી આપું છું એટલે મર્યાદા બહાર કઈ કરતો નહિ " અને એકબીજાની સમજ સાથે મહારાજ સાથે સુધીર પોતાના પ્રશ્નના સમાધાન માટે નીકળી પડ્યો,
માનવ આંખે આત્માનું રૂપ જોઈ ન શકાય અને જે જોઈ શકે તે જરૂર કોઈ ધ્યાની મહાત્મા હોય જે ભગવાનના પ્રેમની ખુબ નજીક હોય.કહેવાય છે કે આવા તપસ્વીઓએ જીવનું વર્ણન અત્યંત સુક્ષમ શરીર અને આગળ કોઈ તીક્ષણ ચાંચ વાળું બતાવ્યું છે,અને તેને  અત્યંત શક્તિશાળી અને અમર બતાવ્યો છે. ટાઢ તાપ કે અગ્નિ  પણ તેને કોઈ અસર કરી શકતા નથી.
જીવની ગતિ અત્યંત ઝડપી હોય થોડીજ પળોમાં સુધીર મહારાજ સાથે અકસ્માતના સ્થળે પહોંચી ગયો તે જોઈ  શકતો હતો મહારાજનું મન ધ્યાનમાં કેન્દ્રિત થઇ,શાંત હતું,અને ક્યારેક ક્યારેક બંધ આંખોની આસપાસ કોઈ કોઈ વાર તેજના ઝબકારા અનુભવાતા હતા.તે જોઈ શકતો હતો  આ સ્થળને જ્યા મોટા પથ્થર સાથે તેમની ગાડી અથડાઈ હતી,અને પ્રીતિ સાથે તે બહાર ફેંકાઈ ગયો હતો.એજ પથ્થર પાસે પ્રીતિ નો દેહ તડપતો હતો,તે પાસેજ હતો પણ પ્રીતિને મદદ ન કરી શક્યો ત્યારે કઈ સમજ ન પડતા   મદદ માટે તે આજુબાજુ જોઈ રહ્યો હતો પણ ચીલ ઝડપે ધસી આવતા કોઈ કાળા વાદળનો ભાસ થતા તે ત્યાંથી ભાગ્યો હતો.ત્યારે તેને ખબર પડી કે તે તેની ઝડપ ન હતી પણ જીવની ઝડપ હતી,તે મરી ચુક્યો હતો.
આનંદ પ્રમોદમાં પ્રીતિના હસવાના છેલ્લા પડઘા હજુ તેને યાદ હતા.અત્યારે તે કલ્પી શકતો હતો,જીવ જયારે જીવન પૂરું કરે ત્યારે બચવાની કોઈ આશા ન કરી શકે,કોઈ શક્તિ બચાવી ન શકે, તેનો માર્ગ આપોઆપ મોકળો થઇ જાય.આખી જિંદગી સાંભળ્યું હોય કે છેલ્લી ઘડી ભગવાનના નામના બે અક્ષર યાદ આવી જાય,પણ દસ દરવાજા બંધ થતા ખાલી પડેલા દેહમાં શૂન્યવકાશ સિવાય કઈ જ ન હોય.શાંત પડેલા દેહની આજુબાજુ આંટા મારતો જીવ બીજા કોઈ વિકલ્પ વગર વાતાવરણમાં ક્યાં ઓગળી જાય કોઈને ખબર નહિ.

પણ મર્યા પછી પણ સુધીર પ્રીતિને યાદ કરતો અહીં સુધી ખેંચાઈ આવ્યો હતો,કોઈ સ્વાર્થ કહે તો સ્વાર્થ પણ પ્રીતિ તેની હતી,પત્ની ન હતી પરંતુ પ્રીત પછીના પત્નીત્વના રસ્તા પર સુધીર સાથે તે પોતાનું મન મનાવી ચુકી હતી અને એટલેજ સુધીર હજુ તેને ભૂલી શકતો ન હતો, અને મહારાજ તેના કોઈ સારા કર્મ હશે એટલે તેના પ્રશ્ન ના ઉકેલમાં વચનબદ્ધ થયા હતા.
પ્રીતિ તેની હતી સુધીરનો ચોક્કસ વિશ્વાસ હતો,પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી,મર્યા પછી તેની ચાહતને પડતી મૂકી તેને ભાગવું પડ્યું હતું,પણ પરલોકના અનુભવ પછી તેને  ખબર હતી તે હવે જીવિત ન  હતો,પણ તેનો  આત્મા હજુ જાણવા માંગતો હતો અને મહારાજને પણ ખબર હતી તેમનું સન્યાસી જીવન અને સુધીરના સંસારી જીવન વચ્ચે ઘણો તફાવત હતો,એટલે સુધીરના સંતોષ માટે તે પોતાના રોજના નિયમથી અલગ થઇ પોતાની બ્રહ્મ શક્તિના આધારે અકસ્માતના સ્થળેથી સુધીરની  પ્રીતિ વિષે વધુ માહિતી એકત્ર કરી રહ્યા હતા,તેમની એકાગ્રતાનું પરિણામ જાણવા તત્પર સુધીર હજુ પણ પ્રીતિ માટે કેટલો વ્યાકુળ હતો તે જણાય આવતું હતું.આખરે મહારાજની આંખો ખુલી અને મહારાજે કહ્યું,
"સુધીર  ,પ્રીતિ હવે સ્વસ્થ છે પણ ...."મહારાજના ખચકાટને અનુભવતો સુધીર સમજી ગયો કે કૈક ખોટું થયું છે,અને મહારાજે કહ્યું,
" હું સમજી શકું અને જોઈ શકું છું કે તારી યાદો એક ફોટામાં મઢીને દીવાલ ઉપર સુશોભિત છે,તેના ઉપર સુખડનો  હાર શોભાયમાન છે.પણ તેનું જીવન કરવત બદલી બીજા પુરુષની સાથે જોડાઈ ગયું છે.જે સામાન્ય રીતે તેની ઉમર જોતા સ્વીકાર્ય છે,અને એનો એ અર્થ કે સમયે હવે તારી પાસેથી પ્રીતિને છીનવી લીધી છે.,તારી ઈચ્છા થી આપણે અહીં સુધી આવ્યા પણ તેના નિજી જીવન સુધી પણ પહોંચી શકાશે."અને નિરાશાને વ્યક્ત કરતા સુધીરે મહારાજની સાચી વાતનો સ્વીકાર કરી હવે મન પ્રભુ ભજનમાં લગાવવાંનું નક્કી કર્યું પણ મહારાજે  પ્રીતિનો પ્રત્યક્ષ અનુભવ  કરવા સુધીરને સૂચન કર્યું સુધીર સંમત થતા તેઓ પ્રીતિના આવાસ સુધી આવી ગયા જ્યાં સુધીરે વિતાવેલી પ્રીતિ સાથેની યાદો ત્યાંની ચીજો ,રહેણી કરણી સર્વે તેને લાગણીમય કરતી ગઈ પણ હવે તેના નિજી જીવનમાં શક્ય હોય તો પણ તેણે દખલ ન કરવાનું નક્કી કર્યું,તેણે જોયું ત્યાં આવાસ ઉપર તાળું હતું,ઘરમાં કોઈ ન હતું,એટલે મહારાજની સંમતિથી તે રોકાયો,થોડીવારમાં પ્રીતિ તેના નવા પુરુષ સાથે આવી તે જોતો રહ્યો તાળું ખુલ્યું,ઘરમાં દાખલ થઇ અને તેના ફોટા પાસેથી પસાર થઇ પણ તેણે તે તરફ જોયું પણ નહિ,એટલે સુધીરે  વિચાર્યું  ફોટો રાખવાનો હવે શું અર્થ છે તે દુઃખી થયો તેણે જોયું પ્રીતિનું નવું જીવન ખુશીમય હતું,તેણે સમય સાથે પોતાની જૂની જિંદગી બદલી નવી દુનિયાના નવા ચહેરા સાથે મન મેળવી લીધું હતું,સુધીરે મહારાજનો આભાર માની ફરી તેમના સ્થાને જવાનું નક્કી કર્યું,જતા મહારાજે કહ્યું ,
"આ દુનિયા છે અહીં નિરંતર ફેરફાર થતા રહે છે,માટે દુઃખી થયા વગર જાતેજ બદલાવું પડે છે.તારા કે મારા વગર દુનિયા કે સમય અટકતા નથી,માટે દુઃખી ના થા,અને પરમ પિતાની શોધમાં લાગી જા."
છેલ્લી વિદાય લેતા પહેલા સુધીર પોતાને સમાલી શક્યો પણ મહારાજને પ્રશ્ન કર્યો,
" મહારાજ શ્રી એવું કઈ કરી શકાય કે મારો ફોટો પાડી શકાય,જેથી પ્રીતિં મને સદા ભૂલી શકે."મહારાજે કહ્યું
"કરી શકાય,ત્રાટક વિદ્યાથી તેને પાડી શકાય પણ તેનાથી તે ભયભીત થશે કે આવું કેમ બન્યું,અનેક સવાલો અને વહેમ તેના નિજી જીવનમાં પરેશાની લાવી શકે,તારી યાદ સદા ભૂલવામાં માનસિક રીતે જરૂર પરેશાન થઇ જશે,માટે સમય આવશે તારોં ફોટો આપોઆપ ઉતરી જશે,તેની તું શું કામ ચિંતા કરે છે.હવે તે જોયું અહીં  તારા માટે કઈ જ નથી,તને સંતોષ હોય તો હવે પ્રસ્થાન કરીયે." અને સુધીર મહારાજ સાથે સંમત થતા બંને ફરી તપોભૂમિ એવી ઝૂંપડીમાં આવી,પરમ પિતા પરમેશ્વરની શોધમાં લાગી ગયા.તે પણ એક ભગીરથ કાર્ય હતું કેમકે વર્ષોની મહારાજની શોધ છતાં હજુ કઈ શોધી શક્યા ન હતા.

-મહેન્દ્ર ભટ્ટ.

Tuesday, August 14, 2018

સ્વાતાંત્ર્ય દિવસની શુભકામનાઓ


૧૫ મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિવસની શુભ કામનાઓ 




વાચક મિત્રો,
સ્વાતંત્ર્ય દિવસની આપ સહુ દેશવાસીઓને મોગરાના ફૂલ બ્લોગ વતી મહેન્દ્ર ભટ્ટની ખુબ શુભ કામનાઓ ત્રિરંગાને નમન કરી આપણા દેશનું સ્વાભિમાન વધારી સહુ સાથે ઉદઘોષ કરીએ,

જય ભારત,જય હિંદ 

Tuesday, July 31, 2018

સમુદ્ર મંથન

સમુદ્ર મંથન 

Image result for samudra manthan

જયારે દુર્વાસા ઋષિએ ઇન્દ્રને  અભિમાની કહી શ્રાપ આપ્યો ત્યારે ગુરુજી શુક્રાચાર્યે દૈત્યરાજ બલિને ઇન્દ્ર ઉપર હુમલો કરી ઇન્દ્રલોક લઇ લેવા કહ્યું અને બલિએ દેવોને ભ્રષ્ટ કરી રાજ્ય છીનવી લીધું આથી હતાશ દેવોએ વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી વિષ્ણુ ભગવાને પ્રગટ થઇ બ્રહ્માની આગેવાની હેઠળ સર્વ દેવોને દૈત્યો સાથે મૈત્રીપૂર્ણ  ભાવે સમજૂતી કરી સમુદ્ર મંથન માટે સમજાવવા કહ્યું.દૈત્યોને પણ ખબર હતી કે તેથી લાભ જ થવાનો હતો,પરંતુ એકલા દૈત્યો કે એકલા દેવો થી તે શક્ય ન હતું બધાએ મળીને જ સમુદ્ર મંથન કરવું પડે અને દૈત્યોએ દેવોની વાત નો સ્વીકાર કરી સહમતી આપી,મંદરાચલ પર્વતનું  વલોણું બનાવાયું અને વાસુકી નાગને નેતરાના રૂપમાં ઉપીયોગ કરી તેને ઊંડી ઊંઘનું પ્રદાન કરી સમુદ્ર મંથનથી થનારી પીડાથી રાહત આપી.વિષ્ણુ ભગવાને દૈત્યયોને દૈત્ય બની અને દેવતાઓને દેવતા બની શક્તિ આપી,અને જાતે કાચબાનો અવતાર લઇ સમુદ્ર તળિયે એક યોજન માં વિસ્તરી મંદરાચલ પર્વતનો પાયો બન્યા જેથી વલોવવામાં સરળતા પડે એકબાજુ દૈત્યો અને એકબાજુ દેવો વાસુકિને પકડી  ઉભા રહ્યા પણ દેવો વાસુકી ના મોઢા તરફ હોવાથી દૈત્યોને શંકા પડી અને તેથી તેઓ શક્તિશાળી હતા એટલે તેમને ખસેડી પોતે મુખ બાજુ આવી ગયા અને દેવોએ પૂછડાં બાજુ સ્થાન લેતા સમુદ્ર મંથન શરુ થયું.
સહુ પ્રથમ રત્ન વિષ(કાલકૂટ) નીકળ્યું,જેનાથી દેવો તેમજ દૈત્યો ખૂબ જ બળવા લાગ્યા હવે તેના દાહથી બચવા તેઓએ દેવાધિદેવ મહાદેવનું સ્મરણ કર્યું,શંકર ભગવાન ત્યાં આવવા તૈયાર થયા ત્યારે પાર્વતીજીએ કહ્યું  કે વિષ પીવાથી મૃત્યુ થશે જ,પણ શંકર ભગવાને દેવો અને દૈત્યોની મદદ માટે પ્રથમ સ્થાન આપ્યું ત્યારે પાર્વતીજીએ  પૂછ્યું દેવાધી દેવ મારો ખ્યાલ કરો અને કહો મારુ સ્થાન તમારા શરીરમાં ક્યાં છે.ત્યારે કહ્યું મારા હૃદયમાં તો  પાર્વતીજીએ કહ્યું તો હું પણ મરી જઈશ પણ ભગવાને કહ્યું હું તેને કંઠથી નીચે ઉતરવા નહિ દઉં એવું વચન આપી વિદાય લીધી,અને વિષને હથેળીમાં લઇ ગ્રહણ કર્યું અને કંઠથી નીચે ઉતરવા ન દીધું એટલે તેઓ "નીલકંઠ મહાદેવ "કહેવાયા થોડું ઘણું હથેળીમાથી   જમીન પર પડ્યું તેને સાપ વીંછી તથા  અન્ય જંતુઓએ ગ્રહણ કર્યું.આમ મહાદેવે દેવો અને દૈત્યોની વીટમ્બણાનું સમાધાન કર્યું.
સમુદ્ર મંથન આગળ વધ્યું તો બીજું રત્ન કામધેનુ  ગાય  નીકળી જેને ઋષિયોએ રાખી,ત્રીજું ઉચ્ચેશ્ર્યા અશ્વ નીકળ્યો તેને બલિએ રાખ્યો,ચોથું ઐરાવત હાથી નીકળ્યો તેને ઇન્દ્રએ રાખ્યો,કૌસ્તુભ મણિ વિષ્ણુએ રાખ્યો,કલ્પવૃક્ષ અને રંભા નામની અપ્સરા નીકળી તેને દેવલોકમાં રાખ્યા,સાતમા લક્ષ્મીજી નીકળ્યા તેમણે તો જાતેજ વિષ્ણુ ભગવાન પર પોતાની પસંદગી ઉતારી વરમાળા પહેરાવી દીધી,કન્યાના રૂપમાં
વારુણી પ્રગટ થઇ તેને દૈત્યોએ રાખી,પછી ચંદ્રમા,પારિજાતક વૃક્ષ અને શંખ નીકળ્યા.

અંતે ધન્વંતરિ વૈદ્યં અમૃતનો ઘડો લઈને પ્રગટ થયા ,દૈત્યો શક્તિમાન હતા તે ઘડો છીનવી લીધો અને અંદરોદર લડાઈ  કરવા લાગ્યા શાપિત .દેવો પાસે તો શક્તિ હતી જ નહિ એટલે હતાશ  બનીને જોઈ
રહ્યા આ જોઈ વિષ્ણુ ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું અને તે એટલું બધું આકર્ષિત હતું કે દેવો દૈત્યો અને દેવાધિદેવ મહાદેવ પણ તેમાં મોહિત થઇ ગયા,દૈત્યો પાસે અમૃતનો ઘડો હતો એટલે મોહિનીના મોહમાં બધા દૈત્યોને મોહિનીને અમૃત આપવા કહેવામાં આવ્યું  પણ મોહિનીએ કહ્યું મારા પર વિશ્વાસ કર્યા  વગર તમે તમારી જાતેજ વહેંચી લો,પણ જાત જાતના વ્યંગ કરતા દૈત્યો મોહીઓના વશમાં આંધળા હતા એટલે ઘડો મોહિનીને આપી દીધો અને મોહિનીએ તેનો લાભ લઇ અમૃત દેવોને પાવા માંડ્યું ,દૈત્યોને ખબર પડે તે પહેલા દેવોએ અમૃત  ગ્રહણ કરી લીધું પણ રાહુ નામનો એક દાનવ દેવોની બાજુ મોહિનીના રૂપમાં વિષ્ણુની ચાલ પારખી જતા અમૃત પી ગયો અને ત્યાં સૂર્ય અને ચંદ્રએ તેને જોઈ લીધો એટલે વિષ્ણુ ભગવાને તરત સુદર્શનથી  તેને કાપી નાખ્યો તેના બે ભાગ થઇ ગયા અમૃતના પ્રભાવથી તેનું શરીર અને માથું રાહુ કેતુના રૂપમાં બે ગ્રહ બની અંતરિક્ષમાં સ્થાપિત   થયા,અને વેર ભાવે સૂર્ય અને ચંદ્રનું તે ગ્રહણ કરાવે છે.

દેવોને આમ અમૃત પીવડાવી વિષ્ણુ ભગવાન ત્યાંથી  અદ્રશ્ય થઇ ગયા,જયારે મદહોશ દાનવો હોશમાં આવ્યા ત્યારે ખુબજ ક્રોધી બની દેવો ઉપર પ્રહાર કરવા લાગ્યા પણ મોટા સંગ્રામ પછી ઇન્દ્રએ પોતાનું રાજ્ય ઇન્દ્રલોક ફરીથી  બલિરાજા પાસેથી મેળવી લીધું.


પવિત્ર ચાતુર્માસની આ રજૂઆત આપ સહુ વાચક મિત્રો તેમજ કુટુંબીજનો માટે શુભ બની રહે તેવી શુભેચ્છા સાથે હર હર મહાદેવ,

જય શ્રી કૃષ્ણ
રજુઆત મહેન્દ્ર ભટ્ટ 


Friday, July 27, 2018

ગજેન્દ્ર મોક્ષ

ગજેન્દ્ર મોક્ષ




 ગજેન્દ્ર મોક્ષની કથા પવિત્ર ગ્રંથ ભાગવત પુરાણના આઠમા સ્કંધમાં આલેખવામાં આવી છે.ઘણા જુના સમયમાં દ્રવિડ દેશમાં ઇન્દ્રદુયમ નામના ધર્મપ્રિય રાજા રાજ્ય કરતા હતા,તે પોતે પોતાના ઇષ્ટ દેવની આરાધનામાં વધારે સમય વિતાવતા હોવાથી રાજ્ય કારોબારમાં બહુ ધ્યાન આપી નહોતા શકતા.જો કે પ્રજા ખુબજ શુખ શાંતિથી જીવન જીવતી હતી તેને તે પોતાના ઇષ્ટ દેવની કૃપા માનતા હતા.
રાજા પોતાની આરાધના ઉત્તરોત્તર વધારતા જ રહ્યા,તેના કારણે તે રાજપાટ છોડી મલય પર્વત ઉપર તપસ્વીના વેશમાં રહેવા લાગ્યા થોડા સમયમાં આરાધના એટલી વધી ગઈ કે રાજપાટ,પ્રજા તથા પોતાની પત્ની પણ વિસરાઈ ગયા,
એકવાર રાજા સ્નાનવિધિ પતાવીને પોતાની વિષ્ણુ ઉપાસનામાં એટલા એકલીન થયા કે બહારનું  જગત પણ ભુલાઈ ગયું,તે વખતે અગત્સ્ય મુનિ તેમના શિષ્યો સાથે ત્યાં પધાર્યા,પણ પોતે ધ્યાનાવસ્થ હોવાથી તેમની આગતા સ્વાગતા ન થઇ.રાજા એ મૌનવ્રત ધારણ કર્યું હતું.રાજાની સ્થિતિમાં કોઈ ફરક ન પડતા,અગત્સ્ય મુનિ ક્રોધિત થયા.અને એક અભિમાની રાજા ની એક હાથી જેવી હરકત બ્રાહ્નણ દેવતા માટે અપમાનિત માની શાપ આપી દીધો,કે તેની હાથી જેવી જડબુદ્ધિ  માટે તેને હાથીની યોનિ પ્રાપ્ત થાય.
શાપ આપી અગત્સ્ય મુનિ ત્યાંથી જતા રહ્યા,તેને રાજાએ ભગવાનની કૃપા સમજી તેમના ચરણોમાં વંદન કર્યું.
હજારો યોજન લાંબો વિશાલ અને ઊંચા ત્રિકુટ  પર્વત પર હાથીઓના ઝુંડમાં અતિ શક્તિશાળી અને કદાવર પરાક્રમી ગજેન્દ્રનો  ઉછેર થયો,આ શ્રાપિત રાજા હાથી યોનિમાં ઉછળતા ગયા આજુ બાજુ સુંદર ઉપવન તથા કુદરતનો અનેરો દેખાવ હતો.ત્યાં કુદરત એટલી આકર્ષિત હતી કે તેની તળેટીમાં ઋતુમાંન  નામના વરુણ ત્યાં ક્રીડા કાનૂન કરતા.તેની નજીક આ હાથીઓનું ઝુંડ વિહાર કરતુ.

એકવાર ગજેન્દ્ર તેમના સાથિયો સાથે ફરતા એક તળાવના કમળના પુષ્પોની સુગંધ અને સુંદરતાથી આકર્ષિત થઇ મોહિત થયા અને તળાવના પાણીનો એકબીજા પર છંટકાવ  કરી આનંદ કરવા લાગ્યા
અને તૃષા સંતોષવા લાગ્યા ,અને જોત જોતામાં ઠંડક અને તૃષા સંતોષી તળાવના નિર્મલ પાણીમાં ગજેન્દ્ર પ્રવેશી પોતાના સાથિયો પર સૂંઢમાં પાણી ભરી છાંટવા લાગ્યા આ ક્રીડા દરમ્યાન તેઓ ઊંડા પાણીની ગંભીરતા તેમજ અન્ય ભયથી વિમુક્ત હતા અને તે દરમ્યાન તેમનો પગ એક મગરે અચાનક પકડી લીધો અને ગજેન્દ્ર જોર જોરથી ચીસ પાડવા લાગ્યા આ જોઈ અન્ય સાથિયો પણ ભયભીત થયા.પોતાની પત્નીઓ અને બાલ હાથી પણ ઝુંડમાં હતા,ગજેન્દ્ર શક્તિશાળી હતા પણ મગરના મોઢામાંથી પોતાનો પગ ન છોડાવી શક્યાં, પોતાના સાથિયો તથા પત્નીઓને મદદ માટે પુકાર કર્યો પણ મૃત્યુના ભયથી કોઈએ મદદ ન કરી પણ સાથીની અસહાય સ્થિતિમાં સરોવરના પાણીમાં અને બહાર ચિસો પાડતું ઝુંડ દોડતું રહ્યું.પણ ગજેન્દ્રને કોઈ સહાય ન મળી
આમ ગજેન્દ્ર અને મગર બંને શ્રાપિત હતા અને તેનું ફળ પોત પોતાની રીતે ભોગવી રહ્યા હતા,ગંધર્વ શ્રેષ્ઠ હુહુ મહર્ષિ દેવળના શ્રાપથી મગર બન્યા હતા.તે પણ ખુબ પરાક્રમી હતા એટલે બંને વચ્ચે ભયંકર યુદ્ધ થઇ રહ્યું હતું,ગજેન્દ્ર ક્યારેક મગરને કિનારા બાજુ ખેંચિ જતા તો મગર ગજેન્દ્રને  પાણીમાં ખેંચી જતો આમ ખુબ યુદ્ધ થયું આથી પાણી પણ ખુબ ગંદુ થઇ ગયું અને પાણીમાં અન્ય પ્રાણીઓ તથા જીવ જંતુ પણ મુશ્કેલીમાં મુકાયા. પરાક્રમી ગજેન્દ્રનો  પ્રાણ આખરે સંકટમાં આવી ગયો,કહેવાય છે એક હજાર વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું.પણ આટલા લાંબા યુદ્ધ પછી પણ બંને જીવિત હતા તે જોઈને અન્ય દેવો પણ નવાઈ પામ્યા.પૂર્વ જન્મમાં ભગવાનની  ખુબ આરાધના કરી હોવાથી તેને વિષ્ણુ ભગવાનની સ્મૃતિ થઇ અને તેણે મંત્રો સ્તોત્રો ને યાદ કરી વિષ્ણુની સ્તુતિ કરી.
છેલ્લે ગજેન્દ્ર શિથિલ થઇ ગયા શરીર શક્તિ વિહીન થઇ ગયું. મગર તો પાણીમાં રહેતો હતો એટલે તેની શક્તિમાં કોઈ ફેરફાર ન થયો.ગજેન્દ્ર નિરાશ થઇ ગયા પરંતુ સ્તુતિની અસર થઇ પૂર્ણ પરસોત્તમ વિષ્ણુ ભગવાન ગરુડ પર સવાર થઇ આવી પહોંચ્યા.તેની સ્તુતિથી ત્યાં પ્રગટ થઇ ગયા.અને સુદર્શન ધારણ કરી મગર તરફ આગળ વધ્યા પ્રભુને  જોઈ અસહાય ગજેન્દ્રે   પોતાની નજીકમાં ખીલેલું કમળને પોતાના સૂંઢમાં  લઇ ઉંચુ કરી કહ્યું,
"પ્રભુ ,નારાયણ ભગવાન આપને વંદન કરું છું."
ગજેન્દ્રની સ્થિતિ જોઈ ભગવાન વિષ્ણુ ગરુડ પરથી કૂદી પડ્યા અને ગજેન્દ્ર અને મગરને બહાર ખેંચી,સુદર્શનથી મગરનું મોઢું ફાડી  ગજેન્દ્રને છોડાવ્યો.
ભગવાનનો સ્પર્શ થતા મગરના  શરીરે દિવ્ય રૂપ ધારણ કરી પ્રભુના ચરણોમાં પ્રણામ કર્યા.શ્રાપિત    હુહુ ભગવાનની ત્રણ વાર પ્રદક્ષિણા કરી પોતાના ધામમાં જતો રહ્યો.ગંધર્વો,દેવી દેવતાઓ ભગવાનના ગુણગાન ગાઈ ગજેન્દ્રનો મોક્ષ જોઈ પુષ્પોની વર્ષા કરી,ભગવાન વિષ્ણુએ ગજેન્દ્રનો મોક્ષ કરી તેમનો પાર્ષદ બનાવી લીધો અને કહ્યું
" પ્રિય ગજેન્દ્ર, બ્રહ્મમુહૂર્તમાં જે કોઈ તારી કરેલી સ્તુતિ ગાઈ મારી પ્રાર્થના કરશે તેને હું મૃત્યુ સમયે શુદ્ધ બુદ્ધિનું દાન કરીશ."
આટલું કહી ભગવાન વિષ્ણુ ગરુડ પર સવાર થઇ,ગજેન્દ્રને પાર્ષદ સ્વરૂપમાં સાથે લઇ પોતાના દિવ્ય ધામમાં જતા રહ્યા.(.વિકલોપીડિયાના આધારે.)

જય શ્રી કૃષ્ણ
રજુઆત મહેન્દ્ર ભટ્ટ

Tuesday, July 17, 2018

સાંભળેલી એક ધર્મ કથા......

સાંભળેલી એક ધર્મ કથા......



એકવાર વિષ્ણુ ભગવાન શેષનાગની શૈયા ઉપર આરામ કરતા વિચારતા હતા અને તેમને પૃથ્વી પર
આંટો મારવાનું મન થયું,વિચાર્યું ઘણા વખતથી ગયો નથી તો  ચાલ ભ્રમણ કરી આવું અને તેઓ તૈયાર થયા તો લક્ષ્મી માતાજીએ પૂછ્યું પ્રભુ,ક્યાંની તૈયારી તો પ્રભુએ પૃથ્વી ઉપર ભ્રમણ કરવા જાઉં છું એવું કહ્યું તો માતાજીએ કહ્યું પ્રભુ આજ્ઞા હોય તો હું પણ સાથે આવું ,તો પ્રભુએ કહ્યું એક શરતે કે ઉત્તર દિશા તરફ ન જુઓ,અને માતાજી સંમત થયા,અને પૃથ્વી પર બંને વિહાર કરવા લાગ્યા.ચારે કોરેથી સુંદરતાથી ઉભરાતી કુદરત પ્રભુના આગમનથી વધારે પ્રભાવિત થઇ ,સુગંધિત સમીરે માતાજીનું મન મોહી લીધું અને પ્રભુની શરત વિસરાઈ ગઈ,તેમણે ઉત્તર દિશામાં જોયું તો એક ખેતરમાં સુંદર રંગ બેરંગી ફૂલો ખીલ્યા હતા,તેની સુંદરતાનું આકર્ષણ માતાજી રોકી ન શક્યા અને પેલા ઉપવનમાંથી એક સુંદર ફૂલ તોડ્યું.આ ઉપવન એક ગરીબ બ્રાહ્મણનું હતું,જ્યારે પ્રભુ તરફ આવ્યા ત્યારે પ્રભુએ તેમને શરતની યાદ કરાવી અને કહ્યું,કોઈના ઉપવનમાંથી વગર પૂછ્યે ફૂલ તોડવું ન જોઈએ એ એક અપરાધ છે.દેવી ને ભૂલ સમજાતા પ્રભુ પાસે ક્ષમા યાચના કરી પણ પ્રભુએ કહ્યું દેવી અપરાધ કર્યો છે માટે સજા તો ભોગવવી જ પડે.અને તેની સજા છે ત્રણ વર્ષ સુધી તે ગરીબ બ્રાહ્મણને ત્યાં રહી નોકર તરીકે  કામ કરવાનું.ત્રણ વર્ષની અવધી પુરી થયે  તમો મૂળ સ્વરૂપ ધારણ કરી શુરસાગરમાં આવી શકશો ,માતાજી પોતાની ભૂલથી નિરાશ થયા પણ પ્રાણનાથની આજ્ઞા અને ભૂલની સજા માથે ચઢાવી ગરીબ બ્રાહ્મણના દ્વાર પર ઉભા રહ્યા બ્રાહ્મણ તેમની પત્ની અને ત્રણ પુત્રીઓ સાથે ઉપવનને છેડે પોતાની ઝૂંપડીમાં રહેતા હતા,પોતાના દ્વાર ઉપર કોઈ ને ઉભેલું જોઈ ત્યાં ગયા તો ગરીબ કન્યા ઉભી હતી તેણે
હાથ જોડી પોતાને કોઈ કામ આપવા માંગણી કરી તો ગરીબ બ્રાહ્મણે લાચાર થઇ કહ્યું કે હું પોતે ગરીબ છું અને ગુજારો ચલાવવાની ખુબ તકલીફ છે પણ તમે મારી પુત્રી જેવા ધારી હું દયા કરી તમારી વાતને સ્વીકારું છું અને તકલીફ હોવા છતાં બ્રાહ્મણે પોતાના દયા ધર્મનું પાલન કર્યું અને ગરીબ દીકરી તો સાક્ષાત લક્ષ્મીજી હતા એટલે તેજ દિવસથી બ્રાહ્મણના સારા દિવસોની શરૂઆત થઇ ઉપવનના ફૂલો વેચાઈ ગયા અને ધાર્યા કરતા વધુ ધન આવ્યું અને પછી તો માતાજી ત્યાં કામ કરતા રહ્યા અને બ્રાહ્મણની ઉત્તરોત્તર પ્રગતિ વધતી રહી,પછી તો ઝૂંપડી હતી ત્યાં ખૂબ જ સુંદર મકાન થયું પણ આ બધું કેમ થયું તે બ્રાહ્મણ ધનના મોહમાં વિચારી ન શક્યો.બધીજ સ્થિતિ ફેરવાઈ તે ધનિક બની ગયો ત્રીજા વર્ષના અંત પછીની સવારે તેણે દ્વાર પર લક્ષ્મી માતાજીને ઉભેલા જોયા,માતાજીના દર્શનથી તેનું શીશ ઝૂકી ગયું અને નોકરના વેશમાં તેણે માતાજી પાસે ત્રણ વર્ષ સુધી કામ કરાવ્યું તેનો તેને ખુબ ક્ષોભ થયો પણ તેમાં તેનો અપરાધ ન હતો એટલે માતાજીએ આશીર્વાદ આપ્યા અને જીવ્યો ત્યાં સુધીસુખ શાંતિ અને વૈભવમાં પ્રભુ ભજનમાં કુટુંબ સાથે સમય વિતાવ્યો.

એટલે જીવનમાં પ્રભુ કોઈ પણ વેશે આવી શકે છે ફક્ત પ્રેમ હોય તો,માટે જીવનમાં પ્રભુ સાથે પ્રેમ કરો,પિતા પુત્રને જન્મ આપી કદી ભૂલતો નથી પણ અહીં આવ્યા પછી મોહ માયામાં ફસાતા પુત્ર પ્રભુને ભૂલી જાય છે,અને ન કરવાના કાર્યો કરતા અધો ગતિને પામે છે.પૃથ્વી પર આપણે બધા એકલપંથી મુસાફર છીએ પણ પિતાને ભૂલી જઈને મોટો અપરાધ કરતા તેની દયાથી વંચિત થઇ જન્મોજન્મના ચક્કરમાં અટવાયા કરીએ છીએ.

જય શ્રી કૃષ્ણ.

હમ તુમ્હારે હૈ .......(હિન્દી ભજન)

હમ તુમ્હારે  હૈ .......(હિન્દી ભજન)



હમ તુમ્હારે હૈ પ્રભુજી,હમ તુમ્હારે થે,
હમ તુમ્હારે હી રહેંગે, હો મેરે પ્રિયતમ ......
તુમ હમારે હૈ પ્રભુજી, તુમ હમારે હો
તુમ હમારે હી રહોગે, હો મેરે પ્રિયતમ ....
તુમ્હે છોડ હે નંદ દુલારે કોઈ ન મિત હમારા,
કિસકે આગે જાય પુકારે કોઈ ન હૈ હમારા
અબ તો આકે બાહ પકડ લો ઓ મેરે પ્રિયતમ .....તુમ હમારે ......
તેરે કારણ સબ જગ છોડા,તુમ સંગ નાતા જોડા
એકબાર પ્રભુ બસ યે કેહ દો,તું મેરા મૈં તેરા
સચ્ચી પ્રીતકી રીત નીભા દો ઓ મૅરે પ્રિયતમ.....હમ તુમ્હારે......
દાસકી યહ બિનતી સુન લીજે, ઓ વ્રજરાજ દુલારે,
આખરી આશ યહી જીવનકી પૂરણ કર દો પ્યારે (૨)
એક બાર હૃદયસે લગાઓ, ઓ મૅરે પ્રિયતમ (૨) ... તુમ હમારે......

જય શ્રી કૃષ્ણ .


Sunday, July 8, 2018

શક્તિ પીઠ

શક્તિ પીઠ 


હિન્દૂ ધર્મ અનુસાર,પુરાણમાં રાજા દક્ષ પ્રજાપતિએ હરિદ્વારમાં બૃહસ્પતિસર્વ નામના યજ્ઞનું આયોજન કર્યું,તેમાં બ્રહ્મા,વિષ્ણુ,ઇન્દ્ર વગેરે સહુ દેવી દેવતાઓને આમંત્રિત કર્યા પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને અપમાનિત કરવા આમંત્રિત ન કર્યા,એ સમય્ર નારદ ઋષિ નારાયણ નારાયણ નું કીર્તન કરતા,કૈલાશ પર્વત ઉપર દક્ષના પુત્રી તથા શંકર ભગવાનના પત્ની સતી માતા પાસે આવ્યા અને પોતે જાણતા હતા કે દેવાધિદેવને આમંત્રણ નથી છતાં બોલ્યા,
" માતાજી,સહુ તૈયાર થઈને જઈ રહ્યા છે અને આપ હજુ તૈયાર નથી"ત્યારે સતી માતા એ પૂછ્યું,
"શું પ્રસંગ છે,તેની મને ખબર નથી,તો તૈયાર થવાની વાત ક્યાં રહી.?"
તો નારદજી તરત બોલ્યા,
"માતાજી આપના પિતા દક્ષ પ્રજાપતિ મહાન યજ્ઞ કરી રહ્યા છે ત્યાં સહુ જઈ રહ્યા છે ને તમને આમંત્રણ નથી મળ્યું"અને માતાજી બોલ્યા,
"પિતાજી યજ્ઞ કરે અને આમંત્રણની શી જરૂર,હું મહાદેવને જણાવી ત્યાં જવાની તૈયારી કરું છું."
"અવશ્ય દેવી,અહીંથી પસાર થતો હતો એટલે આપના દર્શને આવ્યો તો સારું થયું આપને યજ્ઞ વિષે ખબર પડી,ચાલો તો માતાજી પ્રણામ." એમ કહી નારાયણનું કીર્તન કરતા,ચિનગારી છેડી નારદજીએ  નારાયણ નું કીર્તન કરતા પ્રસ્થાન કર્યું.,સતી માતા સીધા મહાદેવ પાસે ગયા,મહાદેવજીને ખબર હતી હવે સતીને મનાવવા મુશ્કેલ છે,છતાં તેમની વાત સાંભળી ,
"સ્વામી ,પિતાજી મહાન યજ્ઞ કરી રહ્યા છે અને આપણે ત્યાં જવું જોઈએ."મહાદેવે કહ્યું ,
"દેવી,આપને  કોણે કહ્યું?"ત્યારે સતી બોલ્યા,
"નારદ મુનિ,આપણા દર્શનની ઈચ્છાથી અહીં આવ્યા હતા,તો તેમની પાસેથી જાણવા મળ્યું,"મહાદેવ બોલ્યા ,
'સમજ્યો,પરંતુ દેવી આપણને પિતાશ્રીનું આમંત્રણ નથી,તો આમંત્રણ વગર જવું યોગ્ય નથી."તરત સતી બોલ્યા
"સ્વામી,પિતાજીને હું મનાવી લઈશ,કદાચ ભૂલી ગયા હશે."પણ મહાદેવજીએ તરત કહ્યું,
"દેવી,આમંત્રણ વગર જતા અપમાન થશે,અને આમંત્રણ વગર હું નહિ આવું,તમને જવાની છૂટ છે"મહાદેવજીએ સતી માતાને ખુબ સમજાવ્યા પણ ન  માન્યા એટલે જવાની છૂટ આપી અને સાથે નંદીને રક્ષા માટે રહેવાનું કહ્યું,,સતીમાતાનો વિયોગ નિશ્ચિત સમજી મહાદેવજીને સમાધિ લાગી ગઈ.

સતી મહાદેવની મના છતાં પિતાને ત્યાં આવ્યા ,મહા યજ્ઞમાં ભાગ લેવા બ્રહ્મા વિષ્ણુ સિવાય ઘણા દેવી દેવતાઓ આવ્યા હતા,યજ્ઞની વિધિમાં જ્યા ત્રિદેવોને  સ્થાન આપવામાં આવે છે તેમાં બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનનું સ્થાન હતું પરંતુ મહાદેવનું સ્થાન ન હતું,તે જોઈ દેવી ખુબ નારાજ થયા,અને પોતાના પિતા ઉપર ગુસ્સે ભરાયા,પોતાના પતિનું અપમાન તેઓ ન સહી શક્યા,એટલામાં  દક્ષ પ્રજાપતિ જાતેજ ત્યાં આવ્યા અને બોલ્યા,
"અહીં તું શા માટે આવી છે,તને તારા પતિની માફક ઘમંડ આવી ગયું છે."ગુસ્સેથી બેકાબુ સતીથી ન રહેવાયું,પોતાના પિતાની ક્રૂરતા ઉપર નફરત કરતા બોલ્યા,
"હું ધારું તો હમણાંજ તમને મૃત્યુ દંડ આપી શકું તેમ છું,પણ હું તેમ નહિ કરું,પરંતુ જે ઘરમાં મારુ પોષણ થયું તે પોષણ પામેલા દેહનો જ હું વિનાશ કરી નાખું છું " અને પલકવારમાં યજ્ઞ કુંડમાં કૂદી પોતાના દેહનો ત્યાગ કર્યો,પોતે જગદંબા હતા દક્ષને પલકમાંજ મારી નાખત પણ પોતાના પતિના અપમાન માટે જે યોગ્ય હતું તે તેમણે કર્યું,સાથે આવેલા નંદીને પણ બચાવ માટે સમય ન મળ્યો,તે માંડ દક્ષથી પોતાની જાત બચાવી મહાદેવ સુધી પહોંચ્યો અને માતાજીના સમાચાર આપ્યા ,

સમાચાર સાંભળી મહાદેવનું ત્રીજું લોચન ઉઘડી ગયું અને પોતાના ગણોને  હુકમ કર્યો દક્ષનો સર્વનાશ કરી નાખો,અને ગણોએ હાહાકાર મચાવી દીધો આવેલા મહેમાનો જીવ બચાવી ભાગી ગયા.ગણોએ દક્ષનો સર્વ નાશ કરી દક્ષનું માથું કાપી નાખ્યું.હવે યજ્ઞ અધૂરો રહેતા દેવોએ ભગવાન વિષ્ણુને સ્તુતિ કરી,મહાદેવે મહાકાલનું રૂપ લેતા દક્ષના યજ્ઞકુંડમાંથી સતીનો દેહ કાઢી ખભે નાખી ભયંકર ગુસ્સામાં ફરવા લાગ્યા,મૃત્યુનું કાર્ય રોકાઈ ગયું,નવા જન્મો થતા રહ્યા,અને સ્થિતિની ભયંકરતાથી પૃથ્વી પર બધે ત્રાહિ મામ થઇ ગયું,મહાદેવના ગુસ્સાના દાહમાં દુનિયા બળવા માંડી, હવે કોઈ પણ ભોગે મહાદેવને શાંત કરવાની જવાબદારી વિષ્ણુ અને બ્રહ્મા ઉપર આવી ગઈ,વિષ્ણુ ભગવાને સુદર્શનને મહાદેવને ખબર ન પડે એ રીતે સતીના દેહના ટુકડા કરવાનું સૂચન કર્યું,સુદર્શને પોતાના હુકમનું પાલન કર્યું નાના નાના ભાગમાં દેહના ટુકડા કર્યા    જે ભારત માં બાવન જુદા જુદા પ્રાંતમાં પડ્યા અને તે જ્યા પડ્યા ત્યાં સતીમાતાની  શક્તિપીઠ તરીકે   સ્થપાયા જે હાલમાં પણ માનવ માટે કલ્યાણકારી છે.

 સુદર્શનનું કામ પૂરું થયું હવે મહાદેવને શાંત કરવાનું ભગીરથ કામ હતું,મહાદેવજીને દુનિયાની શાંતિ અને ધર્મનું સ્થાન સાચવવા વિનંતી કરી ,કહ્યું
"પ્રભુ,શરુ થયેલો યજ્ઞ સંપૂર્ણ થવો જરૂરી છે,અને તે યજ્ઞનો યજમાન રાજા દક્ષ છે જેનો શિરચ્છેદ થયો છે,
પ્રભુ તેની હાજરી વગર યજ્ઞ પૂરો નહિ થાય,માટે શાંત થાવ."દુનિયાના ક્રમની જવાબદારી ત્રિ  દેવની હોય
દેવાધિદેવ શાંત બન્યા અને દક્ષને બકનું માથું મૂકી જીવિત કરી યજ્ઞ ની પુર્ણાહુતી કરી.
પછી તો સતી માતાનો બીજો જન્મ હિમાલયને ત્યાં પાર્વતી તરીકે થયો

હર હર મહાદેવ,
રજુઆત-મહેન્દ્ર ભટ્ટ 
(કથામૃતનાં આધારે).

Friday, July 6, 2018

સંત વાણી

સંત વાણી 




ઉનાળાના સમયમાં ગરમીના સમયમાં પાણીની પરબ ઠેર ઠેર મંડાઈ ત્યાં પીવાના પાણીની સગવડતા વિના મૂલ્ય આપવામાં આવે ,ત્યાં એક ગામના પીપળાના ઝાડ નીચે આવી પરબ માંડી એક છોકરો બધાને પાણી આપી ગરમીમાં તૃષા શાંત કરે,કોઈ મૂલ્ય નહિ પણ વળતરમાં તેને આશીર્વાદ મળે,એક વખત ચાર વટેમાર્ગુ તેની પાસે આવી ચઢ્યા તેણે ભાવથી ખબર અંતર પૂછી બધાને ઠંડુ પાણી પાયું,અને પછી તો આ વટેમાર્ગુઓ તેનો ભાવ જોઈને સતત તેની પાસે પાણી પીવા આવતા,પછી તો વખત જતા તેને દોસ્તી થઇ ગઈ, પછી તો ઓરખાણ આપતા તેને જાણવા મળ્યું કે તેના મિત્રો જમના દૂતો છે.હવે જરૂર નવાઈ લાગે,માનવ વસ્તીમાં યમના દૂતોનો ભેટો થાય,પણ ઘણા વખતથી આવતા એટલે છોકરાને તેમની સાથે ગમી ગયેલું ,યમદૂતો કોઈના મૃત્યુનો સમય નજીક હોય એટલે આવે અને તેના આત્માને ચિત્રગુપ્તના ચોપડા પ્રમાણે તેના કરેલા કર્મ પ્રમાણે નરક કે સ્વર્ગમાં યમરાજાના નિર્ણય પછી મૂકી આવે.હવે આ ચાર યમદૂતોનો આ પરબ પાસેથી જવાનો રસ્તો એટલે ત્યાં પાણીથી સંતોષ મેળવી તેમના મિત્ર છોકરા સાથે ગમતી વાતો કરી પોતાના કામે જતા રહે,પણ છોકરાને એક દિવસ પોતાનું મૃત્યુનો સમય જાણવાનો વિચાર આવ્યો અને તેની રજૂઆત તેણે તેના  મિત્રોને કરી,હવે તેઓ તો નોકરી કરતા હતા એટલે છોકરાને સમજાવવા પ્રયત્ન કર્યો કે આ અંગત વાત હોય અમારાથી ન કહી શકાય અને એ વિષે જાણ્યા પછી માનવને દુઃખ થયા વિના રહે નહિ કેમકે મૃત્યુની પીડા ખુબ જ હોય,પણ છોકરાએ તેમને વિનંતી કરી કે તમે રોજ ચીત્રગુપ્તનો ચોપડો જોતા જ હોય અને મારા મિત્ર છો તો આટલું મારુ કામ ન કરો...પેલા મિત્રોએ છોકરાને ખુબ સમજાવ્યો પણ તેણે પોતાની ઈચ્છા દ્રઢ કરી વિનંતી કરી આખરે યમદૂતો એ તેની માંગણી સંતોષવા ની કબૂલાત કરી,બીજે દિવસે તેઓ તેનું મ્ર્ત્યુ વિષે જોઈને આવ્યા તો બધાના ચહેરા ઉપર દુઃખ છવાયેલું હતું અને એક યમદૂત તો રડતો હતો.એટલે છોકરાને પોતાનું મૃત્યુ વિપરીત અથવા નજીકમાં લાગ્યું તેણે તેના મિત્રોને તેની વિગત દુઃખી થયા વગર કહેવા કહ્યું કેમકે જે કઈ વિગત હતી તેમાં કોઈ ફેરફાર તો કરી શકાવાનો ન હતો કેમકે જન્મ અને મૃત્યુ તો વિધાતાની દેણ છે અને તેમાં ભગવાન સિવાય કોઈ ફેરફાર ન કરી શકે.આખરે તેને જાણવા મળ્યું કે તેનું મૃત્યુ તેના લગ્ન થયા પછી તેની પત્નીને પ્રથમ સમય મળતા પહેલા સર્પદંશથી થશે.અને તેમાં એક જમદૂત રડતો હતો તેને શાંત થવા કહ્યું પણ તે  શાંત ન થયો  અને તેણે રડતા કહ્યું કે મારા મિત્રને સર્પ દંશ આપવા મને સર્પ બનવાનું ફરમાન છે.એનો અર્થ એવો થયો કે હવે થોડા સમયમાં તેનું મૃત્યુ થશે કેમકે તેના લગ્ન નક્કી થઇ ગયા છે.પણ પોતાના મિત્રોને શાંત કરતા તે છોકરો બોલ્યો ભગવાનના કામમાં કોઈ ફેરફાર કરી ન કરી શકે એટલે એનો સ્વીકાર કરવો જ રહ્યો,સમય પસાર થયો અને મિત્રો પરબ ઉપર  મળતા રહ્યા પણ જેને સર્પ બનવાનું હતું તે યમદૂતને શાંત કરતા કહ્યું
" તારે જે કામ કરવાનું છે તે અવશ્ય કરવું કેમકે તે તને સોંપવામાં આવ્યું છે મારે માટે થઈને તું દુઃખી ન થા,એ તો તારી ફરજ છે"
અને વાજતે ગાજતે છોકરાના લગ્ન થયા,તે રાત્રે જયારે પોતાની પત્નીને પ્રથમ વખત તે મળવા સીડી ચઢવા ગયો ત્યાં ઉપરથી તેનો મિત્ર તેને સર્પ દંશ આપવા નીચે આવવા લાગ્યો અને તેની પત્ની જે પોતાના પતિનું સ્વાગત કરવા ફૂલનો હાર અને ભોજન નો થાળ તૈયાર કરી બેઠી હતી તેણે સીડી ઉપર પગનો અવાજ સાંભળ્યો,પણ તેણે કોઈ વાત કરતુ જણાયું એટલે અહીં પતિ સિવાય બીજું કોણ હોય એટલે નવાઈથી તે સીડી ઉપરની  તેના પતિ સાથેની કોઈની વાત બારીકાઈથી સાંભળવા ઉત્સુક બની તેમાં તેણે તેના પતિને સર્પદંશથી મૃત્યુ થવાની વાત નિશ્ચિત સાંભળી તે એકદમ ઉદાસ થઇ ગઈ ,પતિ મિલન પહેલા જ મૃત્યુ પામશે. એ જાણી તેણે પોતાના પતિ માટે સજાવેલો ફૂલનો હાર તથા ભોજનનો થાળ નકામા સમજી તે નિરાશ થઇ બેસી પડી,તેણે જે સાંભર્યું તેમાં તેના પતિનું મૃત્યુ નક્કી હતું અને તેમાં તે કઈ કરી ન શકે પણ તેને વિચાર આવ્યો કે આ ભોજનનો થાળ કોઈ ભુખ્યાને આપી તૃપ્ત કરું તો થોડોક તો મૃત્યુમાં સુધારો થાય,તેના પતિએ પરબ માંડી આખું જીવન તરસ્યા જીવોને તૃપ્તિ આપી તો આ ભોજનથાળ કોઈની ક્ષુધા શાંત કરે ,પણ રાતનો સમય કોણ ભૂખ્યું હોય,પણ તેનો વિચાર સારો હતો
એટલે એક વણજારા પિતાની દીકરીએ રાતે પુત્રનો જન્મ આપ્યો અને પછી તેને ખુબ ભૂખ લાગી ઘરમાં ખાવાનું કૈજ નહિ એટલે તેણે તેના પિતાને કહ્યું મને ખાવા કૈજ ન મળે તો હું મારા પુત્રને   ખાઈ જઈશ અને પિતા એ તેને શાંત કરી અને કહ્યું હું તારે માટે ખાવાનું શોધી લાવું છું તે પહેલા તું આવું કોઈ પગલું ન ભરતી અને તે શેરીએ સાદ્  પાડતો ખાવાનું માંગવા લાગ્યો અને તે ફરતો  આ છોકરાની શેરીમાં આવી ચઢ્યો તો છોકરાની પત્નીએ પાછળ ના દરવાજેથી ભોજનનો થાળ આ વણજારા બાપને આપી દીધો અને તેની છોકરીની ક્ષુધા શાંત થઇ એટલે તે છોકરીએ અને તેના બાપે છોકરાની પત્નીને સૌભાગ્યવતીના આશીર્વાદ આપી દીધા.તેના પ્રતાપે છોકરાને વારંવાર સર્પ દંશ આપવા છતાં છોકરો જીવંત રહ્યો,જમદૂતે જમરાજા પાસે પોતાની વાત કહી ત્યાં પ્રભુ જાતે જમરાજા પાસે ઉભેલા જોયા, અને ભગવાને પેલી વણજારા પુત્રી ના સાચા દિલના આશીર્વાદ માન્ય રાખી જમરાજાને છોકરાને ૧૦૦ વર્ષનું આયુષ્ય આપવા સૂચન કર્યું આમ ભગવાન સાચા ભક્તની સદા સહાય કરતા હોય,આ છોકરાને ભૂખ અને તરસ ની મદદ કરવા બદલ ૧૦૦ વર્ષનું આયુષ્ય પ્રદાન કર્યું.અને સંદેશ આપ્યો કે ભૂખ્યા  અને તરસ્યા જીવને જે  સહાય  કરશે તેની મદદ કરવા તે હંમેશા તૈયાર રહેશે.

જય શ્રી કૃષ્ણ 
રજૂઆત મહેન્દ્ર ભટ્ટ.

Wednesday, July 4, 2018

ફોર્થ ઓફ જુલાઈની શુભેચ્છાઓ

ફોર્થ ઓફ જુલાઈ ની શુભેચ્છાઓ  

Image result for 4rth of july weekend 2018
અમેરિકામાં વસતા પ્રિય વાચક મિત્રો તેમજ શુભેશ્ચકોને ફોર્થ ઓફ જુલાઈના સ્વાતંત્ર્યદિનની શુભેચ્છાઓ,
મોગરાના ફૂલ બ્લોગ વતી  મહેન્દ્ર ભટ્ટના જય શ્રી કૃષ્ણ.