Monday, March 18, 2019

હોળી તેમજ ધુળેટીનીશુભકામનાઓ

.


હોળી તેમજ ધુળેટીનીશુભકામનાઓ 

Image result for holika dahanવાચક મિત્રો,
હોળી તેમજ ધુળેટીની આપ સહુ તેમજ આપના કુટુંબીજનોને મોગરાના ફૂલ બ્લોગ વતી  ખુબ ખુબ શુભકામનાઓ


પુરાણી માન્યતાઓ મુજબ ફાગણ માસની સુદ આથમ હોળાષ્ટકની શરૂઆત છે.આ તિથિ થી પૂનમ સુધી આઠ દિવસો ને હોળાષ્ટક કહે છે.હોળાષ્ટક ભક્તિની શક્તિનો પ્રભાવ બતાવે છે.ભગવાન વિષ્ણુએ દુરાચારી હિરણકશ્યપુનો ઉદ્ધાર કરવા તેમનો એક અંશ તેની પત્ની કયાધૂને ગર્ભમાં સ્થાપિત કરી પ્રહલાદના રૂપમાં લાવી ભક્તિનો મહિમા વધાર્યો જે તેના પિતા સહન કરી ન શક્યો અને પ્રહલાદને ભક્તિથી દૂર કરવા શુક્લ પક્ષની અષ્ટમીથી તેને બંદી બનાવી  અનેક રીતે મૃત્યુ દંડ આપ્યો પણ બધાથી ઉપર પ્રહલાદ ભક્તિને વળગી રહ્યો.તેનો બચાવ થયો એવી રીતે સાત દિવસો પસાર થઇ ગયા.અને હિરણકશ્યપુ હેરાન થઇ ગયો આથમે દિવસે
તેની બહેન હોલિકા જેને બ્રહ્માજીનું અગ્નિથી નહિ બળવાનું વરદાન હતું તે પ્રહલાદને જલતી જ્વાળાઓમાં પોતાના ખોળામા લઈને બેઠી પણ તે સળગી ગઈ અને પ્રહલાદનો બચાવ થઇ ગયો.
ત્યારથી ભક્તિ ઉપરના આ આઠ દિવસો અત્યાચારના રૂપમાં હોળાષ્ટક તરીકે મનાવાય છે.આ દિવસોમાં શુભ કામ થતા નથી.સુદ આથમે હોલિકાદહન માટેનું સ્થાન નક્કી કરવામાં આવે છે અને પૂનમને દિવસે સંધ્યાકાળે શુભ મુહૂર્તમાં પૂજા કરીને હોલિકા દહન કરવામાં આવે છે.

જય શ્રી કૃષ્ણ
મહેન્દ્ર ભટ્ટ.

Thursday, March 14, 2019

શિવપુરાણ

શિવપુરાણ

શિવનો અર્થ છે કલ્યાણ,શિવજીના માહાત્મ્યની આસપાસ આ પુરાણ શિવમહાપુરાણના નામે પ્રસિદ્ધ છે.ભગવાન શિવ પાપોથી મુક્ત કરનાર દેવ છે તે એટલા સરળ છે કે જલ્દી પ્રસન્ન થઇ જાય છે.માટે તેમનું એક નામ ભોળાનાથ પડ્યું છે.તેઓ મનવાંછિત ફળ આપનારા દેવ છે.૧૮ પુરાણોમાં ક્યાંક શિવ પુરાણ કે ક્યાંક વાયુપુરાણનું વર્ણન આવે છે.શિવપુરાણનો સબંધ શૈવ સાથે છે.આ પુરાણમાં મુખ્યત્વે શિવભક્તિ અને શિવમહિમાની આસપાસ વર્ણન થયું છે.બધા પુરાણોમાં શિવને ત્યાગ,તપસ્યા,વાત્સલ્ય અને કરુણાની મૂર્તિ બતાવવામાં આવ્યા છે.શિવ જલ્દી પ્રસન્ન થતા દેવ તરીકે વર્ણવામાં આવ્યાછે.પરંતુ શિવ પુરાણમાં તેમનું જીવનચરિત્રનું વર્ણન કરતા,રહેણીકરણી,વિવાહ અને પુત્રોના જન્મનું બારીકાઈથી વર્ણન કરવામાં આવ્યું છે.

શિવ મહિમા

ભગવાન શિવ ત્રિદેવોમાં લોકોપ્કારી,અને સદા હિત કરનારા દેવ માનવામાં આવ્યા છે.તેઓને સંહારના દેવ પણ કહેવામાં આવ્યા છે.બીજા દેવોની તુલનામાં શિવને ખુબ સરળ દેવ માનવામાં આવ્યા છે.બીજા દેવોની માફક તેમને મનાવવા સુગંધિત પુષ્પમાળા,કે મીઠાઈ ની જરૂર પડતી નથી.તે તો,ચોખ્ખું પાણી,બીલીપત્ર કાંટાવાળા ન ખાઈ શકાય તેવા ફળો અને ધંતુરાનાં ફૂલો ચઢાવવાથી પ્રસન્ન થઇ જાય છે.તેમને સુંદર વેશભૂષા કે અલંકારોની જરૂર નથી તે તો  ઓઘડ બાબા છે.
ગળામાં સાપ અને રુદ્રાક્ષની માલા વાળા,જટાઝૂંટ ચિતાની ભસ્મ શરીર પર લગાવી ફક્ત વાઘનું ચામડું,પહેરી ત્રિશુલ પકડી,પોતાની પગચંપીથી ડમરુના કર્ણભેદી અવાજથી સંસારને નચાવ્યા કરે છે તેથી તેમને નટરાજની ઉપમા આપવામાં આવી છે.તેમના પહેરવેશથી જીવન અને મૃત્યુનો બોધ મળે છે.માથા ઉપર ગંગા અને ચંદ્ર, જીવન અથવા કલાનું તેજ વધારે છે.શરીર ઉપર લગાવેલી ભસ્મ મૃત્યુનું પ્રતીક છે.ગંગાની ધારની માફક ચાલતું જીવન .છેલ્લે મૃત્યુના સાગરમાં ખોવાઈ જાય છે.રામચરિતમાનસમાં શ્રી તુલસીદાસે જેમને 'અશિવવેશધારી'અને 'નાનાવાહન નાનાભેષ'વાળા ગણોના અધિપતિ કહ્યા છે.તે શિવ ફક્ત આડંબર વગરના બધાને ગમે તેવો વેશ ધારણ કરે છે.તેઓ નીલકંઠ કહેવાય છે.કેમકે સમુદ્રમંથન સમયે દેવો તથા અસુરો બહુકીમતી રત્નોને હસ્તગત કરવાની મારામારી કરતા હતા ત્યારે કાલકૂટ ઝહેર નીકળ્યું ત્યારે કોઈ ગ્રહણ કરવા તૈયાર ન થયા અને પાછા પડી ગયા ત્યારે શિવજીએ એ મહાવિનાશક ઝહેરને ગળામાં ગ્રહણ કરી લીધું અને તેમનો કંઠ નીલો થઇ ગયો તેથી  તેઓ નીલકંઠ કહેવાયા. 

એવા અપરિગ્રહી અને પરોપકારી શિવનું ચરિત્રને વર્ણવવા જ આ પુરાણની રચના કરવામાં આવી છે.તે સંપૂર્ણ ભક્તિગ્રંથ છે.આ પુરાણમાં કળિયુગના પાપોથી પીડાતા વ્યક્તિને મુક્તિ માટે શિવજીની આરાધના નો માર્ગ બતાવવામાં આવ્યો છે.મનુષ્યે નિષ્કામભાવથી બધા કર્મો શિવને અર્પણ કરી દેવા જોઈએ.વેદો અને ઉપનિષદોમાં 'પ્રણવ ૐ 'ને મુક્તિનો આધાર બતાવવામાં આવ્યો છે.પ્રણવ મંત્રની સાથેસાથે 'ગાયત્રીમંત્ર' જાપને પણ શાંતિ અને મોક્ષકારક કહ્યો છે.

કથા

ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં નાગશૈયા પર શયન કરતા હતા ત્યારે તેમની નાભિમાંથી એક સુંદર કમળ પ્રગટ થયું,તેના ઉપર બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું.માયાના વશથી તેમની ઉત્તપત્તિનું કારણ તેઓ સમજી ન શક્યા ચારેબાજુ ફક્ત પાણી દેખાતું હતું.ત્યારે એક આકાશવાણી થઇ ,"તપસ્યા કરો" તે અનુસાર બ્રહ્માજીએ બાર વર્ષની કઠોર તપસ્યા કરી ત્યારે ભગવાન વિષ્ણુએ ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થઇ બ્રહ્માને કહ્યું મેં તમારી સત્વ ગુણ થી ઉત્પત્તિ કરી છે.પણ માયાના વશમાં ભગવાનને સમજ્યા વગર બ્રહ્માજી તેમની સાથે યુદ્ધ કરવા મંડયા.
ત્યારે બંનેના વિવાદને શાંત કરવા એક જ્યોતિર્લિંગ પ્રગટ થયું.બંને નવાઈ પામી જ્યોતિર્લિંગને જોવા લાગ્યા.આ જ્યોતિર્લિંગના સ્વરૂપને સમજવા બ્રહ્માજીએ હંસનું રૂપ ધારણ કરી ઉપર તરફ અને ભગવાન વિષ્ણુએ વરાહનું રૂપ ધારણ કરી નીચે તરફ પ્રયાણ કર્યું પણ બંનેને  તેના આદિ અને અંતનો પત્તો ન લાગ્યો.
એવી રીતે ૧૦૦ વર્ષો પસાર થઇ ગયા.તે દરમ્યાન જ્યોતિર્લિંગમાંથી એક ૐકાર નામનો ધ્વનિ સંભળાયો.અને એક પાંચ મુખોવાળી મૂર્તિ દેખાઈ તે ભગવાન શિવ હતા.બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન શિવને પ્રણામ કર્યા ત્યારે શિવજીએ કહ્યું કે,
"તમે બંને મારા અંશથી ઉત્ત્પન્ન થયા છો."
અને પછી તેમણે બ્રહ્માજીને દુનિયાનું સર્જન અને ભગવાન વિષ્ણુને દુનિયાનું પાલન કરવાની જવાબદારી સોંપી.શિવ પુરાણમાં ૨૪૦૦૦ શ્લોકો છે. તેમાં તારકાસુરવધ,મદનદાહ,પાર્વતીની તપષ્યા,

શિવ પાર્વતી વિવાહ,કાર્તિકેયનો જન્મ,ત્રિપુરનો વધ,શિવ પુંજમાં કેતકીના ફૂલોનો નિષેધ,રાવણની શિવ ભક્તિ વગેરે પ્રસંગોનું વર્ણન છે.

શિવપુરાણોમાં બાર સંહિતાઓ છે.
૧.વિઘ્નેશ્વર સંહિતા ૨ રુદ્ર સંહિતા ૩.વૈનાયક સંહિતા ૪.ભૌમ સંહિતા ૫. માત્ર સંહિતા ૬.રુદ્ર એકાદશ સંહિતા ૭.કૈલાસ સંહિતા ૮. શત રુદ્ર સંહિતા.૯.કોટી રુદ્ર સંહિતા ૧૦.સહસ્ત્ર કોટી રુદ્ર સંહિતા ૧૧.વાયવીય સંહિતા ૧૨. ધર્મ સંહિતા.


આ સંહિતાઓનું શ્રવણ કરવાથી મનુષ્યના બધા પાપોનો નાશ થાય છે અને શિવધામની પ્રાપ્તિ થાય છે.મનુષ્યોએ ભક્તિ,જ્ઞાન અને વૈરાગ્ય સાથે ખુબ આદર સાથે તેનું શ્રવણ કરવું જોઈએ.બાર સંહિતાઓ સાથે આ શિવપુરાણ પરબ્રહ્મ ભગવાન શિવ સમાન વિરાજમાન છે અને ખુબજ ઊંચી ગતિ  આપનારું છે.

વિઘ્નેશ્વર સંહિતા:

આ સંહિતામાં શિવરાત્રી વ્રત,પંચકૃત્ય,ૐકારનું મહત્વ,શિવલિંગ પૂંજા અને દાન ઉપર કહેવામાં આવ્યું છે.શિવની ભસ્મ અને અને રુદ્રાક્ષનું મહત્વ પણ બતાવવામાં આવ્યું છે.રુદ્રાક્ષ જેટલો નાનો હોય તેટલું તેનું ફળ વધુ મળે છે.ખંડિત રુદ્રાક્ષ,જંતુ દ્વારા  નુકશાની રુદ્રાક્ષ અને ગોળ ન હોય તેવા રુદ્રાક્ષ ક્યારેય પહેરવા ન જોઈએ જે રુદ્રાક્ષમાં કુદરતી કાણું હોય તે સર્વોત્તમ રુદ્રાક્ષ હોય છે.
બધીજ જાતિના લોકોએ સવારે પ્રાતઃકાળમાં ઉઠીને સૂર્ય તરફ મુખ રાખી દેવો અથવા શિવજીનું ધ્યાન કરવું જોઈએ.જે ધનની આવક થાય તે આવકમાંથી,એક ભાગ વૃદ્ધિમાં,એક ભાગ ઉપભોગમાં તથા એક ભાગ ધર્મ કર્મમાં ખર્ચવો જોઈએ.એ સિવાય ક્રોધ ક્યારેય કરવો ન જોઈએ અને ક્રોધિત થવાય તેવી વાણી ક્યારેય બોલવી ન જોઈએ.

રુદ્ર સંહિતા:

રુદ્ર સંહિતામાં શિવજીનું જીવન ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે.તેમાં નારદ મોહની વાત,સતીનો દક્ષના યજ્ઞમાં દેહ ત્યાગ,પાર્વતી વિવાહ,મદન દહન,કાર્તિકેય અને ગણેશ પૂત્રો ના જન્મ, પાર્વતીપરિક્રમાની કથા,શંખચૂડ સાથે યુદ્ધ,અને તેના સંહારની કથાનો વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે.શિવપૂજન પ્રસંગમાં કહ્યું છે કે દૂધ,દહીં,મધ,ઘી અને સાકરના પંચામૃતથી નવડાવી ચંપો,
પાટલ,કરણ,કમળ અને મલ્લિકાનાં ફૂલો ચઢાવવા,પછી ધૂપ,દીવો,નૈવેદ અને અક્ષત ચઢાવવા તેનાથી શિવજી પ્રસન્ન થઇ જાય છે.
આ સંહિતામાં દુનિયાની ઉત્તપત્તિનું આદિકારણ શિવજીને માનવામાં આવ્યા છે શિવજી થી આદ્ય શક્તિ "માયા" નો આવિર્ભાવ થાય છે અને શિવજીથી બ્રહ્મા અને વિષ્ણુનું સર્જન બતાવાયું છે.

શતરુદ્ર સંહિતા:

આ સંહિતામાં શિવજીના બીજા ચરિત્રો,હનુમાન,શ્વેતમુખ અને ઋષભદેવનું વર્ણન છે.તેને શિવજીનો અવતાર કહેવામાં આવ્યો છે.શિવજીની આઠ મૂર્તિઓ પણ બતાવવામાં આવી છે.તે આઠ મૂર્તિઓમાં 
ધરતી,પાણી,અગ્નિ,પવન,અંતરિક્ષ,ક્ષેત્રજ,સૂર્ય અને ચંદ્ર અધિષ્ઠિત છે.આ સંહિતામાં શિવજીનું 
"અર્ધનારીશ્વર" રૂપ ધારણ કરવાની કથા કહેવામાં આવી છે.આ સ્વરૂપ શ્રુષ્ટિના વિકાસમાં 'મૈથુની ક્રિયા' ના યોગદાન  માટે ધારણ કર્યું હતું.
શિવપુરાણની 'શતરુદ્ર સંહિતાના'ના બીજા અધ્યાયમાં ભગવાન શિવજીને 'અષ્ટમૂર્તિ' કહી તેમના આઠ રૂપો શર્વ,ભાવ,રુદ્ર,ઉગ્ર,ભીમ,પશુપતિ,ઈશાન,અને મહાદેવનું વર્ણન છે.શિવજીની આ આઠ મૂર્તિઓ થી પંચમહાભૂત તત્વ,ઈશાન(સૂર્ય),મહાદેવ(ચંદ્ર),ક્ષેત્રજ્ઞ(જીવ) અધિષ્ઠિત છે.સચરાચર વિશ્વને ધારણ કરવું (ભાવ),વિશ્વની અંદર બહાર રહી વર્તમાનમાં સ્પંદિત થવું(ઉગ્ર)આકાશાત્મક રૂપ(ભીમ),બધાજ વિસ્તારના જીવોના પાપનાશક(પશુપતિ),જગતને પ્રકાશ આપનાર સૂર્ય (ઈશાન ), ત્રિલોકમાં ભ્રમણ   કરીને બધાને આશીર્વાદ આપવાનું (મહાદેવ) રૂપ છે.

કોટિરુદ્ર સંહિતા:

કોટિરુદ્ર સંહિતામાં શિવજીના બાર જ્યોતિર્લિંગોનું વર્ણન છે.તે જ્યોતિર્લિંગો ક્રમમાં:સૌરાષ્ટ્રમાં સોમનાથ,શ્રીશૈલમાં મલ્લિકાર્જુન,ઉજ્જૈનમાં મહાકાલેશ્વર,ૐકારમાં અમલેશ્વર,હિમાલયમાં કેદારનાથ,ડાકિનીમાં ભીમેશ્વર,કાશીમાં વિશ્વનાથ,ગોમતી કિનારે ત્રયંબકેશ્વર,ચિતાભૂમિમાં વૈદયનાથ,સેતુબંધમાં રામેશ્વર,દારુકવનમાં નાગેશ્વર અને શિવાલયમાં ગુશ્વેશ્વર છે.આ સંહિતામાં વિષ્ણુ દ્વારા શિવના સહસ્ત્ર નામનું વર્ણન પણ છે.
સાથે શિવરાત્રી વ્રતના માહાત્મ્ય સંબધે વાઘ અને સત્યવાદી મૃગ  પરિવારની કથા પણ છે.ભગવાન 'કેદારેશ્વર જ્યોતિર્લિંગ' ના દર્શન કર્યા પછી બદ્રીનાથમાં ભગવાન ર-નારાયણના દર્શન કરવાથી મનુષ્યોના પાપનો નાશ થાય છે અને તેઓને જીવનમુક્તિ પણ મળી જાય છે. 
આ આશયના મહિમાને શિવપુરાણના કોટિરુદ્ધ સંહિતામાં બતાવવામાં આવ્યો છે.
આ સંહિતામાં ભગવાન શિવ માટે તપ,જ્ઞાન અને દાનનું મહત્વ પણ સમજાવ્યું છે.જો નિષ્કામ કર્મથી તપ કરવામાં આવે તો તેની મહિમા જાતે જ પ્રકટી ઉઠે છે.અજ્ઞાનના નાશથી સિદ્ધિ મળે છે.'શિવપુરાણ' ના અધ્યયનથી અજ્ઞાનનો નાશ થાય છે.આ સંહિતામાં જુદા જુદા પ્રકારના પાપો નો ઉલ્લેખ કરતા બતાવાયું છે કે કયું પાપ કરવાથી કયું નર્ક મળે છે.પાપ થઇ જાય તો તેના પ્રાયશ્ચિત્ત માટે ઉપાય વગેરે પણ બતાવાયા છે.

ઉમા સંહિતા:

ઉમા સંહિતામાં માતા પાર્વતીનું અદભુત ચારિત્ર તથા તેના સબંધે અદભુત લીલાઓ નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જો કે પાર્વતી, ભગવાન શિવજીના અડધા ભાગથી પ્રગટ થયા છે અને ભગવાન શિવજીનું આંશિક સ્વરૂપ છે.માટે આ સંહિતામાં ઉમા મહિમાનું વર્ણન કરીને અપ્રત્યક્ષ રૂપથી ભગવાન શિવજીના 'અર્ધનારીશ્વર' શરીરનું માહાત્મ્ય બતાવવામાં આવ્યું છે.

કૈલાસ  સંહિતા:



કૈલાસ સંહિતામાં ૐકારના મહત્વનું વર્ણન છે.તેના સિવાય યોગનો વિસ્તારથી ઉલ્લેખ છે.તેમાં વિધિ પૂર્વક શિવોપાસના,નંદી શ્રાદ્ધ અને બ્રહ્મયજ્ઞાદિ ની વિવેચન પણ  કર્યું  છે.ગાયત્રીજપનુ મહત્વ અને વેદોના બાવીસ મહાવાક્યોનો અર્થ પણ સમજાવ્યો છે.


વાયુ સંહિતા:
આ સંહિતાના પૂર્વ અને ઉત્તર ભાગમાં પાશુપત વિજ્ઞાન,મોક્ષ માટે શિવનું જ્ઞાન હોવું જરૂરી,હવન ,યોગ અને શિવ ધ્યાનનું મહત્વ સમજાવ્યું છે.શિવ જ સચરાચર જગતના એકમાત્ર દેવ છે.શિવજીના નિર્ગુણ અને સગુણ રૂપની રજુઆત કરતા કહેવામાં આવ્યું છે શિવ  એકજ છે જે બધાજ પ્રાણીઓ ઉપર દયા કરે છે.તે કાર્ય માટે જ તે સગુણ રૂપ ધારણ કરે છે.જેવી રીતે અગ્નિ તત્વ અને જળ તત્વ ને કોઈ ખાસ રૂપ માં રાખી લાવવામાં આવે છે તેમ શિવજી પોતાનું કલ્યાણકારી સ્વરૂપ સાકાર મૂર્તિના રૂપમાં પ્રગટ કરીને દુઃખી માણસ સામે આવે છે શિવજીના મહિમાનું ગીત જ આ પુરાણનો પ્રતિપાદય વિષય છે.

શિવપુરાણ સાંભળવાનું ફળ

શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કોઈપણ શ્રદ્ધા રાખીને શિવપુરાણ કથા સાંભળે છે તે જન્મ મરણના બંધન થી મુક્ત થઇ જાય છે અને ભગવાન શંકરના પરમ ધામમાં જાય છે.બીજા દેવતાઓની તુલનામાં ભગવાન શિવજી જલ્દી પ્રસન્ન થઇ જાય છે અને થોડી પૂજાનું ખૂબ જ મોટું ફળ આપી દે છે.એકવાર ભસ્માસુરે ભગવાન શંકરની તપસ્યા કરીને ઇચ્છિત ફળ માગ્યું કે હું જેના માથે હાથ મુકું તે ભષ્મ થઇ જાય,ભગવાન શંકર એટલા ભલા ભોળા કે કંઈપણ સમજ્યા વિચાર્યા વગર તથાસ્તુઃ કહી દીધું.

ભષ્માસૂરે વિચાર્યું કે પહેલા શંકરજીને જ ભષ્મ કરી જોઉં,અને તે ભગવાન શંકરની પાછળ દોડ્યો.ભગવાન શંકર દોડતા વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા.તો વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરી ભસ્માસૂરનો હાથ તેનાજ માથા ઉપર મુકાવી ભગવાન શિવજીની રક્ષા કરી.
 એટલે ભગવાન શંકરની થોડીક પૂજા કરો તો તો તે પ્રસન્ન થઇ  ખુબજ મોટું ફળ આપી દે છે.જે શિવપુરાણની કથા સાંભળે છે તેને કપિલ ગાયદાન જેટલું ફળ મળે છે.પુત્રહીનને પુત્ર,મોક્ષાર્થીને મોક્ષ,પ્રાપ્ત થાય છે અને તેના કોટિ જન્મોનાં પાપ નાશ પામે છે અને શિવધામની પ્રાપ્તિ થાય છે.માટે શિવપુરાણની કથાનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ.

જે કાયમ અનુસંધાનપૂર્વક આ શિવપુરાણને વાંચે છે અથવા કાયમ માત્ર તેના પાઠ પ્રેમપૂર્વક કરે છે તે પુણ્ય આત્મા છે.એમાં કોઈ સંશય નથી.જે બુદ્ધિશાળી પુરુષ અંતકાળમાં ભક્તિપૂર્વક આ પુરાણને સાંભળે છે તેના ઉપર ખુબજ પ્રસન્ન થયેલા ભગવાન મહેશ્વર પોતાનું ધામ પ્રદાન કરે છે.જે રોજ આદરપૂર્વક આ શિવપુરાણનું પૂજન કરે છે તે સંસારના બધાજ ભોગો ભોગવી અંતમાં ભગવાન શિવજીના ધામમાં જાય છે.જે રોજ આળસ વગર રેશમી વસ્ત્રો પહેરી શિવપુરાણનો સત્કાર કરે છે તે કાયમ સુખી રહે છે.

આ શિવપુરાણ નિર્મળ અને  ભગવાન શિવજીનું સર્વશ્વ છે જે આલોક અથવા પરલોકમાં સુખ મેળવવા માંગતા હોય તેણે આદર સાથે પ્રયત્નપૂર્વક તેનું સેવન કરવું જોઈએ.આ નિર્મળ અથવા ઉત્તમ શિવપુરાણ ધર્મ,અર્થ,કામ અને  મોક્ષરૂપ ચારે પુરુષાર્થોને આપવાવાળું છે.માટે કાયમ પ્રેમપૂર્વક તેનો વિશેષ પાથ અને શ્રવણ કરવું જોઈએ.

શિવપુરાણ પુંજા વિધિ 

પૂજાના દિવસે સવારે સ્નાન વગેરે નિત્ય કર્મોથી પરવારી ત્યાર પછી પૂજાના સ્થળ ઉપર ભગવાન શીવ, માતા પાર્વતી અને નંદીને પવિત્ર જળ ચઢાવો.શિવલિંગ ઉપર માટીના વાસણમાં પવિત્ર જળ ભરીને બીલી પાત્ર,આકડાના અથવા ધંતુરાનાં ફૂલ,ચંદન અને અક્ષત સાથે ચઢાવો.જો નજીકમાં કોઈ શિવાલય ન હોય તો ભીની માટીમાંથી શિવલિંગ બનાવી તેની પુંજા પણ કરી શકાય છે.મહાશિવરાત્રીએ વ્રતની સાથે જાગરણ કરવું જોઈએ અને શિવપુરાણના પાથ સાંભળવા જોઈએ. બીજે દિવસે સવારે જવ,તલ,

ખીર અને બીલીપત્ર સાથે હવન કરી વ્રતની સમાપ્તિ કરવી જોઈએ.

શિવપુરાણ પૂજા વખતે આ વાતોનું પણ ધ્યાન રાખો.

જે પણ શિવપુરાણ કથા કરે છે તેને શરૂઆત કરવાના એક દિવસ પહેલા જ વાળ નખ વગેરે કપાવી લેવા જોઈએ.કારણકે કથા  પુરી થાય તે દરમ્યાન કોઈપણ પ્રકારનું ક્ષૌર કર્મ કરી શકાતું નથી.કથા સંભાળવવા વાળા પણ ધ્યાન રાખે કે જલ્દી ન પચે તેવા ખોરાક,દાળ,તળેલો ખોરાક મસૂર અને વાસી અનાજ ખાઈને શિવપુરાણ સાંભળવું ન જોઈએ.
કથા સાંભળનારે કથા વાંચનાર પાસે પહેલા દીક્ષા ગ્રહણ કરવી જોઈએ.દીક્ષા લીધા પછી બ્રહ્મચર્યનું પાલન કરવું,જમીન પર સૂવું,પતરાળામાં ખાવું અને રોજ કથા પુરી થયા પછી જ ખાવું જોઈએ.શિવપુરાણનું વ્રત જે કરે છે તેને દિવસમાં એક જ વાર જવ,તલ અથવા અક્ષત નું ભોજન કરવું જોઈએ.જેણે ફક્ત કથા સાંભળવાનું વ્રત લીધું હોય તેણે લસણ,ડુંગરી,હિંગ ગાજર વગેરે માદક પદાર્થો ન ખાવા જોઈએ.
કથા કરનારે કામ ક્રોધથી બચી સાધુ અને બ્રાહ્મણોની નિંદા ન કરવી જોઈએ.

ગરીબ,રોગી,કમનસીબ અને સંતાનવિહીન લોકોએ અવશ્ય કથાનું શ્રવણ કરવું જોઈએ.કથાનું વાચન કરનારની પુંજા કરી તેને દાન દક્ષિણા આપી સંતુષ્ટ કરવા જોઈએ.કથા સાંભળવા આવનાર બ્રાહ્મણોનું પણ સન્માન કરી દાન દક્ષિણા આપવા જોઈએ.

શિવપુરાણ કરાવવાનું મુહૂર્ત

શિવપુરાણ કથા કરાવવા માટે સહુ પ્રથમ વિદ્વાન બ્રાહ્મણો પાસે સારું મુહૂર્ત કઢાવવું જોઈએ.શિવ પુરાણ માટે શ્રાવણ,ભાદરવો,આષો,માગસર,મહા ,ફાગણ વૈશાખ,અને જેઠ મહિના વધુ શુભ છે  પણ વિદ્વાનોના કહેવા મુજબ જે દિવસે શિવપુરાણ કથા પ્રારંભ કરીએ તેજ શુભ મુહૂર્ત છે.

શિવપુરાણનું આયોજન ક્યાં કરવું

શિવપુરાણ કરવા માટેનું સ્થાન સામાન્ય રીતે ખૂબ જ પવિત્ર હોવું જોઈએ.જન્મભૂમિમાં તેનું આયોજન કરવાનું વિશેષ કહેવામાં આવ્યું છે.'જનની જન્મ ભૂમિશ્ચ:સ્વર્ગા
દપિ ગરિયશી ' તે ઉપરાંત તીર્થોમાં પણ શિવપુરાણનું આયોજન કરીને વિશેષ ફળ પ્રાપ્ત કરી શકાય છે.છતાંપણ જ્યા મનને સંતોષ મળે તે સ્થાન પર કથા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

શિવપુરાણ કરવાના નિયમો

શિવપુરાણના વક્તા વિધવાન બ્રાહ્મણ હોવા જોઈએ.તેમને શાસ્ત્રો અને વેદોનું સારું જ્ઞાન હોવું જોઈએ.બધાં બ્રાહ્મણ સારા આચરણવાળા અને સદાચારી હોવા જોઈએ.તે સંધ્યાવંદના અને રોજ ગાયત્રી જાપ કરતા હોવા જોઈએ.બ્રાહ્મણ અને યજમાને સાત દિવસો સુધી ઉપવાસ કરવા જોઈએ.ફક્ત એક સમય ભોજન કરવું.ભોજન શુદ્ધ શાકાહારી હોવું જોઈએ.સ્વાસ્થ્ય સારું ન હોય તો ભોજન કરી શકે છે.

શિવપુરાણમાં કેટલો ખર્ચ થાય છે.


આ ભૌતિક યુગમાં પૈસા વગર કશું શક્ય નથી,ધન વગર ધર્મ કરી શકાતો નથી, પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જેટલો ખર્ચ દીકરીના વિવાહ માટે કરીયે એટલો ખર્ચ શિવપુરાણ કથા માટે કરવો જોઈએ અને જેટલી ખુશીથી પુત્રીનો વિવાહ કરીએ એટલીજ ખુશીથી શિવપુરાણ કથા કરવી જોઈએ.

અસ્તુ .


Monday, March 4, 2019

મહાશિવરાત્રી


મહાશિવરાત્રી



પ્રિય વાચક મિત્રો 
શુભ પર્વ મહાશિવરાત્રીની આપ સહુને' મોગરાના ફૂલ બ્લોગ' વતી ખુબ ખુબ શુભ કામનાઓ,દેવાધિદેવ મહાદેવના આપ સહુ મિત્રો તેમજ આપના કુટુંબીજનો ઉપર ખુબ ખુબ આશીર્વાદ.

 મહાશિવરાત્રી વિષે.

મહાશિવરાત્રી ભગવાન શિવનું મોટું પર્વ છે.ફાગણમાસની વદ ચૌદસને દિવસે તેને મનાવવામાં આવે છે.આમ તો બારે માસ આ વ્રત ઘણા મનાવે છે, પણ ફાગણ માસમાં તેનું મહત્વ સર્વોત્તમ છે.આ દિવસે આખો દિવસ વ્રત રાખી મધ્યરાત્રે ભગવાન શિવની પુંજા કરવામાં આવે છે.ઘણા ભક્તો એ માને છે કે આ દિવસે ભગવાન શિવના વિવાહ માતા પાર્વતી સાથે થયા હતા.  આ વર્ષની મહાશિવરાત્રી સોમવારે છે તે વારનો સ્વામી ચંદ્રમા છે,ચંદ્રમાને જ્યોતિષશાસ્ત્ર સોમ કહે છે,અને ભગવાન શિવને સોમનાથ.માટે શિવજીને પ્રસન્ન કરવા આ દિવસ ખુબ મહત્વનો છે. શિવ યોગમાં પુંજા,ઉપવાસ અને જાગરણ કરવાથી ખુબ લાભ મળે છે.આ દિવસે શ્રવણ અને ધનિષ્ઠા નક્ષત્ર હોવાથી ત્રણ ત્રણ શુભ યોગ બને છે.
આમ તિથિ વાર અને નક્ષત્ર શુભ હોવાથી ત્રણ શુભ યોગોનો સંગમ મહાશિવરાત્રીને ખુબ જ લાભદાયક બનાવે છે.
આજના શુભ દિવસે નાહી ધોઈને શુદ્ધ થઇ શિવલિંગને એક થાળીમાં મૂકી ગંગાજળ,અને ચરણામૃત થી સ્નાન કરાવી ચંદન ,વસ્ત્ર, ફૂલ,બીલી પત્ર ચઢાવી ધૂપ દીવો કરી, શિવમંત્રની આરાધના કરી, નૈવેદ,પ્રસાદ ધરાવી આરતી કરવાથી ભગવાન શિવજી
ખુબ પ્રસન્ન થાય છે 

હર હર મહાદેવ.