Saturday, May 18, 2019

એક રાતની વાત

એક રાતની વાત 



રાકેશની નોકરીમાં બદલી થઇ અને તે વડોદરામાં, પોતાની પત્ની સાથે હવે તેને નવા સ્થાનમાં જવું પડશે,પોતાના પગારમાં જુના સ્થાનમાં સારું હતું,પત્ની સાથે ખુશ ખુશાલ જીવન, હવે વડોદરામાં કેવું હશે ! ,શહેર છે એટલે ખર્ચાનો પાર નહિ હોય,પણ નોકરીમાં બીજું શું કરી શકાય,નોકરી તો કરવી જ પડે,ચિંતાથી બદલાતા ચહેરાને જયાના આશ્વાસને થોડો શાંત કર્યો,પડશે તેવી દેવાશે તેમ કહી જયાએ તેનામાં કોઈ જોમ ભર્યું,ઘરમાં બે જણ પૂરતો સરસામાન હતો. તે વડોદરામાં રહેવાની વ્યવસ્થા કરવા જયા સાથે નીકળી પડ્યો.બહુ શોધને અંતે એક કમરો એક મહિનાની ડિપોઝિટ સાથે મળ્યો.ભાડું સસ્તું હતું, પણ વસ્તીમાં જયાને રુચિ નહોતી તેણે રાકેશને પોતાના મનની વાત કહી,રાકેશ પણ સંમત થયો કેમકે કેટલાક માણસોની નજર સારી ન હતી.તેણે બીજું કોઈ સ્થાન શોધવાનો વિચાર આવ્યો,પણ ડિપોઝિટના પૈસા આપી દીધા હતા એટલે મજબૂરીથી બંને નવા રૂમમાં પોતાના સરસામાન સાથે મુવ થયા,મકાન માલિકે એક પલંગ ત્યાં રહેવા દીધો હતો એટલે રાકેશને તેના ઉપર પાથરવા અને ઓઢવાની વ્યવસ્થા કરવી પડી,પછી તો ગમે તેમ મન મનાવી  રાકેશે નોકરીની શરૂઆત કરી,જયા ઘરકામ અને પુસ્તકો વાંચી સમય પસાર કરવા લાગી.
વસ્તીમાં દેખાતો ભય રોજનું થતા દેખાતો બંધ થયો.જયાને પણ શાકભાજી લેવા જવું પડતું એટલે ક્યાંક કોઈ હરકત થતી પણ તે અજાણ બની ત્યાંથી પસાર થઇ જતી ,એક દિવસ કોઈકે તેના ખભા પર હાથ મુક્યો,એટલે તે ગભરાઈ ગઈ કેમકે વસ્તીનું ચિત્ર તેના મન ઉપર ગભરાટના રૂપમાં સ્થાપિત થયેલું હતું,પાછળ ફરી જોયું તો એક સ્ત્રી હતી,જયારે તેની નજર મળી ત્યારે અવાજ આવ્યો,
"નવા રહેવા આવ્યા છો."
જયાનો શ્વાસ થંભ્યો અને તે બોલી ,
"હા,પણ તમે કોણ?"વાતમાં તમે શબ્દ આદરનું સ્થાન પ્રાપ્ત કરી,સારા માણસોની પ્રતીતિ થતી દેખાઈ.
"હું સરોજ ,તમારી પાડોશમાં રહું છું." જયાને કોઈ અજાણ આડેધ વયની સ્ત્રી સાથેની મુલાકાત કોઈ આશીર્વાદ માં બદલાતી દેખાઈ,કૈક સારું દેખાયું,અજાણતા હતી પણ તેના મનમાં આમંત્રણ આપવાની ઈચ્છા જાગી.પણ કહેતા તે રોકાઈ.
"મને ઘણા સરોજ માસી પણ કહે છે.એટલે તમે પણ કહી શકો"એટલે જયાએ સ્માઈલ આપ્યું અને કહ્યું,
"હું,જયા,મારા પતિની નવી બદલી થઇ એટલે અહીં મુવ થવું પડ્યું." અને જવાબ આવ્યો,
"હા,નોકરી તો કરવી જ પડે,પણ એક વસ્તુ કહેવા જેવી લાગે છે તમે સારા માણસો લાગો છો,એટલે કહું છું,કે તમારા રૂમમાં એક મહિનાથી વધુ કોઈ રહેતું નથી.તમને કોઈ તકલીફ ન હોય તો કઈ ચિંતાની જરૂર નથી,કે હું તેમ કહી તમને ડરાવતી પણ નથી."જયાની ખુશી હમણાં તો જવાન હતી,પણ શારદામાસીનું પાત્ર ચિનગારી ચાંપી આગ લગાડતું ગયું,તેના મનનું આમંત્રણ મનમાં રહી ગયું,પણ શાક લેવાનું બાકી હતું એટલે શારદામાંસીનું ઉપજેલું પાત્ર ફરી મળવાનો સંકેત કરી ત્યાંથી વિદાય થયું.શાક કયારે લેવાયું,પૈસા કેટલા આપ્યા તેની જયાને કૈજ ખબર ન હતી,હવે રાકેશને આ ખબર કહેવી પડશે,માંડ સેટ થયેલા ઘરમાં હવે ચિતાઓ ઘેરાવા મંડી,જયા ઘેર આવી બેસી પડી. 
વારે ઘડી મન પર ઘણ ઝીકાતા હતા,"અહીં કોઈ મહિનાથી વધુ ટક્યું નથી," અચાનક આવી પડેલા સરોજ માસીની વાતના જાણે પડઘા પડતા હતા, રાકેશ અને જયા આ વસ્તીના અનુભવ પછી માંડ સેટ થયા ત્યાં સરોજમાસી ક્યાંથી ટપક્યા,જયાને એક વિચાર તો એવો આવ્યો કે સીધા માણસોને આખી દુનિયા હેરાન કરે,તેમ તે પણ ડરાવતા હોય,રાકેશને વાત કરતા તે જરૂર દુઃખી થશે.અને તેનો સ્વભાવ તો મારાથી પણ નરમ,જયા નક્કી નહોતી કરી શકતી કે રાકેશને કહેવું કે ન કહેવું, પણ જો તેમનું કહેવું સાચું હોય અને ના કહે તો ,જરૂર કઈ અઘટિત થાય તે નક્કી હતું,સાચા માણસો માટે એવું બધું અચૂક બને.તેનો ચહેરો માયુશી પકડતો જતો હતો,રાકેશ બે કલાકમાં તો ઘેર આવી જશે.તેનું ભાન થતા તે ઉઠી અને રસોઈમાં મન લગાડ્યું,પણ સરોજમાસી,મન ઉપરથી જતા ન હતા,પાછા કેતા તા કે' કેમ કોઈ ટકતું નથી તેની તેમને ખબર નથી',હવે દીવાસળી ચાંપીને તે તો જતા રહ્યા,પછી શું, ચિનગારી આગ ન પકડે !,તેણે નિર્ણય કરી લીધો તે આ વાત રાકેશને જરૂર કહેશે.રસોઈ થયા પછી પાછી તેણે ચાખી એટલે,આ બધી માથાકૂટમાં કઈ ભુલાઈ ગયું હોય તો સુધારી લેવાય.પણ બધું બરાબર હતું.રાકેશ આવે ત્યાં સુધીમાં તેનું મન વિચારોથી કશોકશ ભરાઈને પડ્યું હતું. અને તે ઘડી પણ આવી ગઈ,રાકેશ આવ્યો પણ તે પણ થોડો નિરાશ દેખાયો,એટલે જયાએ પોતાની વાત કહેતા પહેલા રાકેશને સમજવા સ્મિત કરી પાણી આપતા પૂછ્યું, "રાકેશ બધું બરાબર તો છેને ?" "એમ તો બધું બરાબર છે પણ ખબર નહિ નવા આવેલાને કેવી રીતે ટ્રીટ કરવા તે બધા ભૂલી ગયા છે,એટીટ્યૂડની ખામી છે."અને તેણે પાણી પીધું,તે એક સારી પોસ્ટ ઉપર હતો.છતાં ઉદાસ હતો એટલે જયાને થયું કે નક્કી કૈક ખોટું થઇ રહ્યું છે,તે જયારે ભણતી હતી ત્યારે સહેલીઓ સાથે,જાત જાતની વાતો કરતી તેમાં આવતા વિષયોમાં એક વિષય આજના સમયમાં પણ લોકો ભૂત પ્રેત ને વાસ્તુ શાસ્ત્રની વાતો કરતા ત્યારે તે તેનો વિરોધ કરતી,પણ ખબર નહિ આજે સરોજ માસીની વાતથી તેનું મન તે ભયાનક વિચાર તરફ પણ દોરાઈ જતું હતું.આ બધું બદલી થયા પછી થઇ રહ્યું હતું,વડોદરા શહેરમાં રહેતા આવા બધા વિચારોને ક્યાં સ્થાન આપવું પણ તે વિચારી રહી હતી,શા માટે,તે સારું ભણેલી સુંદર યુવતી અને પત્ની હતી, રાકેશ પણ ચિંતિત હતો,હવે સમાધાન તો બે વચ્ચે જ થાય અને ચિંતા જાય, પણ તે તેટલું સરળ ન હતું.આવા વિચારો જયારે ઉપજે ત્યારે એવી મજબૂતાઈ પકડે કે ભલભલા હારી જાય.એ બધું તો પછી પણ રાકેશ શાંત ન થાય ત્યાં સુધી સરોજમાસીની વાત પણ કેવી રીતે કહી શકાય.
જયારે રાકેશ શાંત થયો ત્યારે તે બોલ્યો,
"જયા,કાલે મારી સાથે કામ કરે તે વિનુભાઈના છોકરાની બર્થડે માટે આમંત્રણ છે,અને કહ્યું છે કે રાતે મોડે સુધી ચાલશે એટલે બીજે દિવસે રજા હોય ત્યાં રાત રોકાઈ જવાનું કહ્યું છે.તો..."  રાકેશને ચિંતા મુક્ત થવા માટે જયાએ પણ કહી દીધું,
"તમને વાંધો ન હોય તો મને શું વાંધો?"અને ખુશીની એક લહેર વચ્ચે જવાનો નિર્ણય લેવાયો.જયારે ખાવા બેઠા ત્યારે જયાએ સરોજ માસીની  વાત કરી ફરી રાકેશ ચિંતિત થયો.પણ તે એ વાતથી એટલો ગંભીર ન હતો,એટલે એવું કઈ હશે તો ઘર બદલી કાઢીશું એવું કહી જયાને શાંત કરતા વાત ટૂંકાવી,ચારેક દિવસોમાં એવું કઈ દેખાયું ન હતું એટલે ચિતાઓને પડતી મૂકી બીજે દિવસે બર્થડે પાર્ટીમાં ગયા,ત્યાં રાત રોકાયા,સારા સ્વભાવના મિત્રના કુટુંબ સાથે ખુબ ખુશી બટોરી,બીજે દિવસે ઘેર આવ્યા.

અને જયાએ બારણે  મારેલું તાળું ખોલ્યું. તો આખા રૂમમાં બધું વેર વિખેર પડ્યું હતું,,લોખંડના પલંગની  આજુ બાજુ બુકો વેરવિખેર પડી હતી,અને દ્રશ્ય હોરર હતું બારણે તો તાળું હતું,,રૂમમાં બીજેથી ક્યાંય આવી શકાય તેવું ન હતું.રાકેશને જયા વળગી પડી રાકેશે તેને માંડ શાંત કરી,પછી બંને બધું સરખું કરવા લાગ્યા,પણ રાકેશે મકાન માલિકને બોલાવ્યો,તેને પણ કઈ ખબર ન પડી,એટલે રાકેશે પોલિસ ને ખબર કરવાનું કહ્યું.પણ જયાએ તેને રોક્યો,તે ગભરાઈ ગઈ હતી,એટલે વધુ માથાકૂટમાં ન પડતા મકાન  માલિકની સાથે વાત કરી તેમણે ત્યાંથી મુવ થવાનું નક્કી કર્યું,તેમના મિત્ર વિનુભાઈની મદદથી બીજું મકાન મળી ગયું,મકાન માલિક નિરાશ થયો પણ તે સાચો હતો કેમકે તેણે રાકેશને ડિપોઝીટ પાછી આપી દીધી,રાકેશે અડધા પૈસા લઇ ,કેમ થયું કોણે કર્યું,,તે બધા વિચારોને ત્યાંજ દફનાવી હોરર અનુભવ સાથે વિદાય લીધી,


-મહેન્દ્ર ભટ્ટ

Wednesday, May 8, 2019

સંત વાણી


સંત વાણી 


એક ચોર તેના વિસ્તારમાં ચોરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો,રજવાડું હતું એટલે પકડાઈ જતા મોટી સજાનો સતત ભય તેના માથે રહેતો પણ ખરાબ આદતમાં પણ તે ગમે તે રીતે સજાથી બચી જતો તેને એક છોકરો હતો અને ચોરનો છોકરો ચોર તેમ બાપે તેને પણ ચોરીનો જોખમ વાળો ધંધો શીખવાડવા મંડ્યો તે શીખી ગયો,પણ તેના બાપાએ એક સલાહ આપી ને કહ્યું,
"બેટા,સંતો જ્યાં પ્રવચન કરતા હોય ત્યાં સાંભળવું નહિ અને કાનમાં આંગણી નાખી નીકળી જવું"
તેણે પોતાના પિતાની સલાહનું બરાબર પાલન કરવા માંડ્યું ,તે એક મહાન ચોર બની ગયો પણ એક વખત તેને પોતાની આવડતને રાજાના મહેલમાં અજમાવવાનો વિચાર આવ્યો અને તે ચાલી નીકળ્યો,,પોતે અનુભવી હતો એટલે જતો હતો અને રસ્તામાં એક ઝાડ નીચે કેલાક લોકોના સમુદાયને એક સંત ઉપદેશ આપી રહ્યા હતા ,એટલે બાપાની સલાહને યાદ કરી તેણે બંને કાનોમાં આંગળી નાખી દીધી અને જેથી તેને કઈ સંભળાયું નહિ,પણ ચોરની આદત પ્રમાણે તે વારે ઘડી લોકોની નજરોથી બચવા પ્રયત્ન કરતો  અને તેમ કરતા ભૂલથી તેને એક પથ્થરની ઠેસ વાગી અને તે પડી ગયો અને તેના કાનમાંથી આંગળી નીકળી ગઈ,તેથી સંતના ઉપદેશના કેટલાક શબ્દો તેના કાને અથડાયા સંત કહેતા હતા,ખોટું બોલવું નહીં,અને જેનું ખાવું તેનું ક્યારેય ખોદવું નહિ,તે ત્યાંથી ભાગ્યો પણ બાપાની સલાહની અવગણના થઇ, થોડે દુરજ રાજાનો મહેલ હતો,તે તેની નજીક પહોંચી ગયો પણ સંતવાણી ની અસર એવી થઇ કે તે ખોટું બોલી ન શક્યો અને સીધો દરવાજે પહોંચ્યો, દરવાને રોક્યો અને પૂછ્યું ક્યાં જાય છે તો તેણે કહી દીધું કે હું ચોર છું ને ચોરી કરવા આવ્યો છું ખબર નહિ પણ પેલા દરવાને તેને રોક્યો નહિ અને જવા દીધો.મહેલમાં ખજાના પાસે તે સહેલાઈથી પહોંચી ગયો અને હીરા માણેકથી ઝળહરતા ખજાનામાંથી તેને અમૂલ્ય રત્નોની ચોરી કરી પોટલું બાંધ્યું પણ પાછા જતા તે જતો હતો અને તેની નજર રસોડા તરફ પડી એટલે દરબારી ભોજન માટે તેની ભૂખ જાગી અને તેણે પેટ ભરી ખાધું,અને પછી પાણી પીને પોટલું પાછું ખભે નાખ્યું અને જતો હતો ત્યાં ફરીથી સંતવાણીનો પ્રભાવ જાગ્યો જેમાં સંતનો સંદેશો જેનું ખાવું તેનું ખોદવું નહિ,તેની અસરે રાજાનું ભોજન આરોગ્યું તો હવે રાજાનું  નુકશાન પણ ન થાય એટલે તેણે પોટલું ત્યાંજ રહેવા દીધું અને ખાલી હાથે નીકળી પડ્યો ફરી દરવાને રોક્યો અને પૂછ્યું ચોરી કરી તો જવાબ આપે તે પહેલા રસોડામાંથી રસોયા ચોર ચોર ની બૂમો પાડતા તેની પાછળ આવ્યા અને દરવાને તેને પકડી રાજાના દરબારમાં  હાજર કર્યો હવે તેને ખબર પડી કે રાજા મોટી સજા કરશે પણ સંતવાણીના પ્રભાવે તેનો પીછો ન મુક્યો અને તેથી રાજાએ પૂછ્યું તો તેણે સાચે સાચી વાત બતાવી રાજા સામે નજર ઝુકાવી ઉભો રહ્યો પણ સત્યનો વિજય થયો રાજાએ પ્રભાવિત થઇ તેને દરબારમાં નોકરી આપી તે મનોમન સંતનો ઉપકાર માનતો ખુબ ખુશ થયો,તેના પિતા ચાર દિવસે તે પાછો ન આવ્યો એટલે સમજી ગયા કે રાજાના દરબારમાં ચોરી કરવાનું તેને મોંઘુ પડી ગયું અને પોતે છોકરો ગુમાવ્યાનો અફસોસ કરવા લાગ્યા પણ બીજે દિવસે તે સુંદર કપડાં પહેરી પિતા પાસે આવ્યો ત્યારે પિતા ખુબ ખુશ થયો અને સમજ્યો કે છોકરો ચોરીના ધંધામાં પારંગત થઇ ગયો પણ જયારે છોકરાએ તેમને સાચી હકીકત જણાવી ત્યારે તેને પણ સંતવાણી ની અસર થઇ અને ચોરીનો ધંધો આખા કુટુંબમાંથી જતો રહ્યો,અને કુટુંબ સંતવાણીના પ્રભાવે સુખી થઇ ગયું

જય શ્રી કૃષ્ણ.

.રજુઆત મહેન્દ્ર ભટ્ટ