Friday, September 7, 2018

શેઠની ચતુરાઈ

શેઠની ચતુરાઈ 


એક શેઠ ખુબ ધનવાન પત્ની સાથે એક રાત્રે શયન કરતા હતા,પણ ધનની ચિંતા અર્થે ઊંઘ  આવતી નહિ એટલે અડધી રાત સુધી જાગતા રહેતા.પત્ની ખુબ સમજાવે ત્યારે માંડ સુતા, એમાં એક દિવસ ચોર ઘરમાં ચોરી કરવાના હેતુ બારણું તોડી આવી ઘરની સ્થિતિનો તાગ કાઢતો જોવા મંડ્યો પણ જાગતા શેઠ પડખા ફેરવતા હતા એટલે સલામતી ના લાગતા એક બાજુ છુપાઈ ગયો.શેઠને ખબર પડી ગઈ કે ઘરમાં કોઈ ચોર છુપાઈ ગયો છે.પણ ઉભા થઈને પડકાર ફેંકે એટલી હિમ્મત નહિ એટલે જાનનું ઝોખમ લેવાય નહિ એટલે ચિંતાથી રેબઝેબ થતા પડખા ફેરવતા શું કરવું તેનો વિચાર કરતા રહ્યા કપાળે પરસેવો વળી ગયો પણ આવેલો ચોર કોઈ તક ઝડપે તે પહેલા કઈ કરવું પડે શેઠાણી તો ઊંઘતા હતા પણ રોજ શેઠને ઊંઘ ન  આવે એટલે તેમની ઊંઘ મતલબી થઇ ગઈ હતી,શેઠ બોલાવે તો પાછા ઉઠી જાય,એટલે શેઠે ઉઠીને ચોર સાથે બાખડયા વગર બુદ્ધિથી કામ લેવાનું નક્કી કર્યું.આમ હિમ્મત નહિ પણ બુદ્ધિ તો બાપદાદાની દેણ,એટલે શેઠાણીને કહ્યું,
"તું સાંભળે છે."એટલે શેઠાણી જાગ્યા પણ  ઉઠ્યા વગર છણકલુ કર્યું,
"હવે સુઈ જાવને, રાતે અડધી અડધી રાત સુધી,ઊંઘતા નથી ને ઊંઘવા દેતા નથી."પણ શેઠે કહ્યું
"અરે પણ વાત તો સાંભળ,મને એવું લાગે છે કે કોઈ બાળક આપણે ત્યાં જનમવાનો છે."અને બાળકની વાત આવી એટલે શેઠાણી ઉઠ્યા તો નહિ પણ પડખું ફેરવી શેઠની વાતમાં ભાગ લીધોને કહ્યું,
"હા તો,એ તો સારી વાત છે,ભગવાનનો પાડ આટલી ઉંમરે ખોળાનો ખૂંદનાર આવે."ઘરમાં છુપાયેલા ચોરની ચિંતા વધવા મંડી આ શેઠ જરૂર કોઈ મુશ્કેલી ઉભી કરશે.પણ તે ત્યાંનો ત્યાં ચુપકીદીથી છુપાયેલો રહ્યો.શેઠ બોલ્યા,
"તો ,તું કહે હું તને રોજ રોજ ઊંઘમાં ખલેલ પહોંચાડીને હેરાન તો નથી કરતોને?"
"એવું કેમ કહો છો,હું તમારી પત્ની છું,સુખ દુઃખની સાથી,ભગવાને બધું સુખ આપ્યું છે,પણ ચિંતા કરી કરીને તમને ઊંઘ નથી આવતી એની મને ચિંતા છે,શેર માટીની ખોટ છે,એ પુરી થાય તો તેનો પાડ,પણ ઊંઘ નહિ આવે તો  તબિયત બગડશે."અને વ્હાલ કરતા શેઠાણી એ શેઠના કપાળે
 હાથ ફેરવ્યો ત્યાં શેઠાણીનો હાથ પરસેવાથી પલળી ગયો અને બોલ્યા,
"એટલી બધી ગરમી તો નથી,તો આટલો બધો પરસેવો?"શેઠાણીની ચિંતા હવે વધી ગઈ,શેઠનું વજન આમે ય વધારે હતું ન થવાનું થઇ જાય,એટલે ડોક્ટર નજરે સામે આવ્યા.પણ શેઠાણી ને ક્યાં ખબર કે શેઠના પરસેવાનું કારણ શેઠની તબિયત નહિ બીજું કઈ છે.શેઠે શેઠાણીની ચિંતાનું સમાધાન કરતા કહ્યું,
"મને કઈ નથી થયું,તું ચિન્તા કર માં, પણ આપણા ઘરમાં બાળક નો જન્મ થાય તો તેનું નામ શું રાખીશું.?"અને ચિંતામાં પડેલા શેઠાણીને આવા કૂતરુહુલ વાળા સવાલે ઊંચેથી  પછાડી ઠેઠ પાયામાં લાવી દીધા.
"હજુ,કોઈ એંધાણ બંધાયા નથી ત્યાં નામ રાખવાની વાત,તમને જ તમારો પ્રશ્ન અજબ નથી લાગતો,"
અને શેઠાણી હસવા લાગ્યા,બધુજ ફેરવાઈ ગયું,રાતની શાંતિમાં ભંગ થયો.હસવાનો અવાજ ડબલ થતા,હવામાં ભળી ઘરની બારણાની તરાડોમાંથી આઝાદીથી શેરીમાં આવી ગયો.અને શેઠે હસવા મંડ્યા,છુપાયેલો ચોર પણ અચંબામાં પડી હસવાનું અટકાવતો કોઈ ખોટા સમયે,ખોટા ઘરમાં આવી ગયો એવું અનુભવતો ત્યાંથી કેવી રીતે ભાગવું તેનો વિચાર કરવા લાગ્યો આમ બુદ્ધિવાન શેઠે વાતાવરણ બદલી કાઢ્યું.અને શેઠે પોતાની વાત ચાલુ રાખી,
"પણ તું કહેતો ખરી,"એટલે હસતા શેઠાણીને પતિની વાતને સમર્થન આપ્યું,કહ્યું,
"ગમે તે,અમીચંદ ગોપીચંદ,ઉત્તમશેઠ...."પણ શેઠે કહ્યું,
"ના ના એવા નામ તો જુના થઇ ગયા,કૈક નવું નામ રાખીયે."અને શેઠાણી હોઠોમા મુસ્કરાતા બોલ્યા ,
"તો તમે જ કહી દો ને એટલે ઉંઘાય...."અને જયારે શેઠાણી મોટેથી હસ્યાં ત્યારે તે અવાજ એટલો મોટો હતો કે શેઠના ઘર પાસેથી રાતની ફેરીમાં  પસાર થતા બે પોલીસવાળા શેઠની વંડી પાસે ઉભા રહી ગયા,ધનવાન શેઠનું મોભાનું ઘર એટલે શેઠ શેઠાણી કોઈ મુસીબતમાં તો નથીને તેનો તાગ લેવા તે બંને અટક્યા અને બારીકાઈથી અવાજ સાંભળવા લાગ્યા.
ત્યાં શેઠ બોલ્યા,
"રણજિત સિંહ, ખેર સીંગ  એવું કઈ રાખીયે તો .."
"જાવ જાવ એવા તો કઈ નામ રખાતા હશે...આપણે વાણિયા અને રાજપુતી નામ.."અને શેઠની મસ્તી વધી ,અવાજ વધ્યો, પડઘો પડ્યો
"રણજી સિંહ, રણજિત સિંહ, ...."બહાર અવાજ સાંભળતા પોલીસવાલામાં એકનું નામ રણજિત સિંહ,  હતું એટલે તેણે બારણા પર ટકોરા મારી અવાજ કર્યો,
"શેઠ,બારણું ખોલો,કોઈ તકલીફ તો નથી ને " અને શેઠ જાણે લડવૈયા બન્યા, છલાન્ગ મારી શેઠે સીધા બારણાં તરફ દોટ દીધી,આ દ્રશ્ય જોતા શેઠાણી અને સાથે સાથે ચોરે ફાટી આંખે જોયું,બારણું ખુલી ગયું,
બહારથી પ્રશ્ન આવ્યો
"હું રણજિત,શેઠ કોઈ તકલીફ તો નથી ને"અને શેઠે કહ્યું
"આવો,ઘણી મોટી તકલીફ સામે ઉભી છે,"અને ચોરે સામે ચાલીને હાથ લાંબા કર્યા એટલે રણજિત સિંહે બેડી પહેરાવી દીધી,શેરમાટીની ખોટ તો પૂરતા પુરાશે પણ શેઠાણી પતિની ચતુરાઈ પર વારી ભેટી પડ્યા..

-રજુઆત મહેન્દ્ર ભટ્ટ.

Monday, September 3, 2018

રક્ષાબંધન

રક્ષાબંધન


રક્ષાબંધન એ શ્રાવણ માસની પૂનમે આવતો હિન્દૂ અને જૈનોનો તહેવાર છે.જેમાં બહેન ભાઈને રેશમના અથવા સુતરના દોરાની રંગીન સુશોભિત રાખડી જમણા હાથે બાંધી સદા શુભની તથા  સુખ દુઃખમાં સદાય સાથે રહેવાની કામના કરે છે અને  ભાઈ બહેનને ઉપહાર અથવા ધન આપે છે.આ તહેવારમાં જાત જાતની રાખડીઓનો ઉપીયોગ કરવાંમાં આવે છે,ક્યાંક સોના ચાંદીની રાખડીઓ પણ બંધાય છે.આ ઉત્સવ પ્રાતઃ સમયે સ્નાનવિધિ પતાવી નવા વસ્ત્રો પરિધાન કરી તૈયાર થઇ કરવામાં આવે છે જેમાં બહેન એક થાળીમાં રાખડી,મીઠાઈ ,કુમકુમ,અક્ષત અને દિવા સાથે રાખી ભાઈના કપાળે ચાંલ્લો કરી અક્ષત લગાવી આરતી ઉતારે છે અને તેના જમણા હાથે રાખડી બાંધી ભેટે છે અને સદા સુખદુઃખમાં સાથે રહેવા તથા શુભની કામના કરે છે બદલામાં ભાઈ ઉપહાર અથવા ધન પ્રદાન કરી બહેનને ખુશ કરે છે.આ તહેવારમાં આચાર્યો,અને ગુરુજનો તેમના શિષ્યો તેમજ યજમાનોને સુતરની રાખડી બાંધી આશીર્વાદ આપે છે અને યજમાનો ધન ધાન્યથી પોતાના ગુરુજી અથવા આચાર્યોને ખુશ કરે છે.

પ્રાચીન કાળમાં સહુ પ્રથમ રાજા બલીને રાખડી બાંધવામાં આવી હતી ત્યારથી આજ સુધી પર્વનો ઉત્સવ મનાવવામાં આવે છે,રાખડીમાં રહેલી બાંધનારની લાગણી બંધાવનાર ની રક્ષા કરે છે,કોઈ પણ મુસીબતમાં સહાયક થાય છે.યુદ્ધના સમયમાં કુંતા માતાએ અભિમન્યુને અમર રાખડી બાંધી તેની રક્ષાની
અભ્યર્થના કરી હતી,જયારે શિષ્ય પોતાનું ભણતર પૂરું કરી આશ્રમ છોડતા હતા ત્યારે ગુરુજી અથવા ગુરુમાતા તેના ભાવીની શુભકામના માટે રક્ષાસૂત્ર બાંધતા હતા.

પ્રાચીન સમયમાં દેવ દાનવ વચ્ચે કાયમ યુદ્ધ થતું.ત્યારે ઇન્દ્રપુરી પર કાયમ ઝોખમ રહેતું, તેથી ઇન્દ્ર બૃહસ્પતિ પાસે ગયા અને ઈન્દ્રાણીએ યુદ્ધમાં વિજય માટે ઇન્દ્રના હાથે રેશમનો દોરો બાંધી વિજયની  પ્રાર્થના કરી હતી કહેવાય છે તે દિવસ શ્રાવણ માસની પૂનમ હતી  અને તેમાં ઇન્દ્રનો વિજય થયો હતો.

સ્કંધ પુરાણ,પદ્મપુરાણ તેમાં જ શ્રીમદ્ભાગવતમાં વામન અવતારમાં રક્ષાબંધનનો પ્રસંગ આવે છે જેમાં
એક વખત રાજા બલિએ પોતાના ૧૦૦માં યજ્ઞની પુર્ણાહુતી કરી તે વખતે રાજા ઇન્દ્રને દાનવ રાજાની શક્તિ વધી જવાથી પોતાનું ઇન્દ્રાસન છીનવી લેવાનું ઝોખમ દેખાયું ગુરુની સલાહથી ઇન્દ્રે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી મદદની માંગણી કરી વિષ્ણુ ભગવાને તેની પ્રાર્થના નો સ્વીકાર કરી મદદ કરવાનું વચન આપ્યું. વિષ્ણુ ભગવાને વામન અવતાર ધારણ કરી દાનવ રાજા બલીના ૧૦૦માં યજ્ઞની પૂર્ણાહૂતિમાં ઉપસ્થિત થઇ ભિક્ષા દાનની માંગણી કરી, બલીના સૈનિકોએ દ્વાર પર કોઈ બટુક બ્રાહ્મણ ભિક્ષા અર્થેની માંગણી સહ ઉપસ્થિત છે તેની રાજાને જાણ કરી,બલી દાનવ હતો પણ દાન ખુબ કરતો,તેણે તે બટુકને માન સહીત દરબારમાં લઇ આવવા સૈનિકોને કહ્યું.બલિએ બટુક વામન બ્રાહ્મણને કઈ પણ માંગવા કહ્યું એટલે વામને કહ્યું
"મારે ફક્ત ત્રણ ડગલાં પૃથ્વીની જરૂર છે જો તું દાનમાં આપી  શકે."બલી હસ્યો એટલે આખા દરબામાં હાસ્ય ફેલાઈ ગયું,રાજાએ કહ્યું,
"મહારાજ તમે એક બટુક છો અને તમારા ત્રણ ડગલાં પૃથ્વીથી શું પૂરું થશે,બીજું વધારે કઈ માંગો,હું મારુ આખું રાજ્ય આપી દઈશ,વચન આપું છું.."પણ જવાબમાં વામને કહ્યું,
"હું ખુબ સંતોષી બ્રાહ્મણ છું મારે ત્રણ ડગલાં પૃથ્વી મારા ગુજારા માટે અનુકૂળ છે વધુ કઈ ન જોઈએ."
એટલે ગુરુ શુક્રાચાર્યે બલીને ચેતવતા કહ્યું ,
"આ માંગણીમાં જરૂર કોઈ ચાલ છે "અને ધ્યાનમાં જોયું તો વામન સ્વરૂપમાં વિષ્ણુ પોતે હતા અને બલીને સત્ય કહી વચન ફોક કરવા કહ્યું પણ બલિએ ગુરુને કહ્યું ;
"હું, વચન બધ્ધ છું,એટલે તે વિષ્ણુ હોય તો પણ તેમની માંગણી સંતોશીશ."અને વામન ને તે જે માંગશે તે આપવા કહ્યું,વામન ભગવાને પોતાની માંગણી પ્રમાણે એક ડગલું ભરી પોતાનું કદ વધારી આકાશ ,બીજા ડગલામાં પૃથ્વી અને ત્રીજું ડગલું ઉપાડ્યું અને પૂછ્યું
"હવે તારી પાસે કઈ નથી તો આ ત્રીજું ડગલું ક્યાં મુકું.?"
બલિએ જરા પણ ખચકાયા વગર પોતાનું મસ્તક નમાવી કહ્યું
" પ્રભુ,આપણું પવિત્ર ડગલું મારા શીશ પર મુકો " અને વામન ભગવાને ત્રીજા ડગલામાં બલીને પાતાળમાં પહોંચાડી દીધો.પણ પ્રભુ ભક્તિમાં વચનબદ્ધ બલીથી પ્રભુ ખુબજ ખુશ થયા અને તેના દાનની સરાહના કરી ત્યારે રાજા બલિએ કહ્યું,
"પ્રભુ આપ ખુશ થયા હોતો હવે મારી એક માંગ છે આપ સદા મારી સાથે રહો."અને વિષ્ણુ ના પણ ન કહી શક્યા, વૈકુંઠમાં હાહાકાર મચી ગયો,લક્ષ્મીજી ચિંતામાં પડી ગયા,ત્યારે પ્રભુ ભક્ત નારદજી હાથમાં કરતાલ વગાડતા,નારાયણ નારાયણ કહેતા માતાજી સમક્ષ ઉપસ્થિત થયા.અને કહ્યું
"માતાજી ચિંતા ન કરો,અને આપ તુરંત પૃથ્વી પર જઈ રાજા બલીના હાથે રક્ષા બાંધી,પ્રભુની મુક્તિની માંગણી કરો,રાજા બલી આપની માંગણી જરૂરથી ધ્યાનમાં લેશે,"
અને આમ માતાજીએ બલીને રાખડી બાંધી તો વિષ્ણુ ભગવાનને પૂર્ણ મુક્ત ન કર્યા પણ ચાર માસ સાથે રહેવાનું કહ્યું અને બીજા આઠ માસ બ્રહ્મા અને મહાદેવને સાથે રહેવા કહ્યું ,બલીની માંગણીનો સ્વીકાર થયો અને ચાતુર્માસનું પર્વ શરુ થયું,,માતાજીએ બલીને રાખડી બાંધી તે દિવસ શ્રાવણ માસની પૂનમ હોય,તે દિવસથી રક્ષા બંધનનું પર્વ શરુ થયું,
દેવ સૂતી અગિયારસે દેવ સુઈ જાય, અષાઢમાસ શુક્લ પક્ષે પુરુસોત્તમ ભગવાન ક્ષીરસાગરમાં શેષનાગ ઉપર ચાતુર્માસ માટે યોગનિંદ્રામાં જતા રહે એ દિવસ જગન્નાથની પ્રસિદ્ધ રથયાત્રા પછી આવે તેને દેવ શયની એકાદશી કહેવામાં આવે તેને પદ્મા એકાદશી,અષાઢી એકાદશી તેમ જ હરિશયની એકાદશી જેવા બીજા નામોથી પણ સંબોધવામાં આવી છે અને દેવ ઉઠે તે અગિયારસે ચાતુર્માસનું વ્રત પૂરું થાય,
જ્યારે ચાતુર્માસની યોગનિંદ્રા પછી પ્રભુ જાગે તે દિવસ કારતક માસની શુક્લ પક્ષની અગિયારસ જેને પ્રબોધિની એકાદશી,દેવઉથની એકાદશી, દેવઉથ્થાન એકાદશી કહેવાય અને તે દિવસે ચાતુર્માસ પુરા થાય અને ત્યાર પછીની પૂનમે દેવ દિવાળી આવે.આ ચાતુર્માસનું પવિત્ર પર્વ ઉપવાસ તેમજ પ્રભુ પ્રાર્થના કરી હિંદુઓમાં  મનાવવાનું ખૂબ જ મહત્વ છે.
વ્રતી ચાતુર્માસ દરમ્યાન ઉપવાસ કરી પ્રભુ શરણ થઇ ભગવાનની સ્તુતિ કરે.

જય શ્રી કૃષ્ણ,
-રજૂઆત મહેન્દ્ર ભટ્ટ.