Sunday, October 28, 2018

સ્વપ્નું


સ્વપ્નું 




સવારની ઠંડી હવાના એક ઝોકાથી પ્રભાવિત મગનશેઠ રામનામના પ્રણામ સાથે ઉઠી ગયા,પણ શેઠાણીના નસકોરા નો અવાજ હજુ આવતો હતો,લક્ષ્મીજીના ચારો હાથ શેઠજી પર હતા પરંતુ ઉંમરના અડધા મુકામ પછી પણ પુત્રના કોઈ લક્ષણ ન હતા તેથી શેઠ ચિંતિત હતા પણ શેઠાણી નિશ્ચિંન્ત મને આરામ થી ઓર્ડર કરી શેઠ પર પ્રભાવ જમાવટ કરતા રહેતા.શેઠનું કઈ ચાલતું નહિ

શેઠ શરીરિક તેમજ આર્થિક રીતે ખુબ જ સુખી હતા એકમાત્ર નારાજગી પત્ની તરફની હતી,પોતે ધાર્મિક હોય સવારમાં વહેલા ઉઠી પોતાનું દૈનિક કામ પૂરું કરી પ્રભુના મંદિર પાસે બેસી પ્રાર્થના કરવાનો રોજના   તેમના નિયમ સાથે શેઠાણીના સંભળાતા નસકોરા ખુબ જ અવરોધક હતા. પ્રાર્થના કરતા મનને પ્રભુના પ્રેમ સાથે એકચિત્ત કરવાની તેમની મથામણ ક્યારેય સફળ થતી ન હતી,બધુજ સુખ હતું,પણ પ્રભુ તેમને માટે જેટલા મહત્વના હતા તેટલા શેઠાણી માટે કેમ ન હતા તે તેમને સમજ પડતી ન હતી,પણ અત્યાર સુધીના પત્નીને સમજાવવાના તેમના પ્રયત્નો નિરર્થક રહ્યા હતા, દરેકનો સ્વભાવ જુદો હોય તેમ શેઠાણી પણ ભગવાન સાથેના સબંધો પોતાની રીતે રાખવા માંગતા હતા,અને તેથી જ શેઠ કઈ શિખામણ આપવા જતા તો,તેમની ભૃકુટીનો ભોગ બનતા અને અપમાન થતા હવે તો કહેવાનું જ મૂકી દીધું હતું,અને સામાન્ય છે, પતિ પત્ની સબંધ અરસપરસ સરસ જેવો હોવો જોઈએ પણ બધું સુખ હોવા છતાં શેઠ ને જ બધું સહન કરવું પડતું.અને એટલેજ રોજ પ્રાર્થના કરતા પ્રભુને પત્નીનો સ્વભાવ સુધારવા પર વધુ ભાર મુકતા,પણ પ્રાણ વિનાની મૂર્તિમાં કોઈ ફેરફાર થતો નહોતો, ગમે તેમ શેઠને એક દિવસ ભગવાન પોતાની વાત માનીને દર્શન આપશે એવો વિશ્વાસ હતો.ઋષિ મુનિઓ પ્રભુની પ્રાપ્તિ માટે આખું જીવન મંત્ર પૂજા પાઠ પાછળ બહુ દુઃખ સહન કરીને વિતાવી દેતા અને તોય તે ઉપલબ્ધ ન હતું તો શેઠને આ કાળમાં કે જેને કલીનો કાળ કહેવાય તેમાં કેવી રીતે ઉપલબ્ધ થાય !પણ કહેવાય છે તેમ  કલીકાળમાં ભગવાન ખરા મનની પ્રાર્થનાથી મળવાની ખુબ જ શક્યતાઓ માનવામાં આવી છે તેમ કોઈ વખત શેઠનું મન લાગી જાયને તેમની માનતાઓ પુરી થાય,નહિ તો આટલી બધી સર્મુધ્ધી નો ઉપીયોગ કોણ કરશે,શેઠ શેઠાણી બંને પર હવે ગ્રે કલરના વાળ છવાવા મંડ્યા હતા, હવે જીવન ઘડપણ તરફ ગતિમાન થઇ ચૂક્યું હતું.એટલે શેઠને ખરેખરી ચિતાઓએ ઝકડી લીધા હતા.

પેઢી ઉપર તો શેઠજીની આગળ પાછળ સેવકો હતા એટલે સતત શેઠજી શેઠજી એવો ઉચ્ચાર તેમના કાને અથડાયા કરતો અને તે તેમને ખુબ જ ગમતું,નાના મોટા પ્રશ્નો સાથે પેઢીનો વ્યવહાર ચાલ્યા કરતો બાપ દાદાથી ચાલતી આવતી તેમની પેઢી કેટલાય કુટુંબોનું ભરણ પોષણ કરતી પરંતુ સુખની સાથે દુઃખ કાયમ જોડાયેલું રહે તેમ ઘેર પહોંચતા તેમનું ખુશીયોથી ભરેલું મન મુરઝાઈ જતું,જે જોઈએ તે માંગ શેઠાણીની પુરી થતી પણ શેઠ શેઠાણીને મનાવવામાં અસફળ હતા,શેઠાણીના પિયરમાંથી મહેમાનો સતત ચાલુ રહેતા,અને શેઠની પરવા કર્યા વગર શેઠાણી તેમનો બધો સમય તેમની સાથે પસાર કરી દેતા,અને તેની અસર તેમના શરીર ઉપર પણ થઇ હતી,પરણ્યા ત્યારે જે સ્કીની શરીર હતું તે ગોળ મટોળ થઈને કદરૂપું થઇ ગયું હતું,પણ મફતમાં મિજબાની મળતા તેમના ચાહકો તેમની જ વાહ વાહ કરતા,બધા સારા લાગતા પણ શેઠ કઈ કહેવા જાય એટલે ઘૂરક્યા કરતા  હવે શેઠ સવારની પ્રાર્થના માં ભગવાન પાસે ધંધાની કોઈ માંગણી નહોતા કરતા પણ શેઠાણીને એક પોતાની તરફ સારા વર્તાવ વાળી પ્રેમથી બોલનારી પત્નીમાં બદલાવ કરવાની વિનંતી કરતા,અરે વિનંતી શું આજીજી કરતા,અને જ્યારે આજની પ્રાર્થનામાં તેમણે પ્રભુ પાસે જયારે માંગણી દોહરાવી ત્યારે કોકે બારણે ટકોરા મારવાના શરુ કર્યા,અને ક્યાંક ભગવાનમાં મન લાગ્યું હતું તેમાં ભંગ પડ્યો,એક વખત એવું લાગ્યું કે રોજ ભગવાનને પ્રગટ થઇ દર્શન આપવાની માંગણી કરું છું તો કદાચ ભગવાન કે ભગવાનની પ્રેરણા તો ના હોય, પણ વિચાર બદલાયો તો પાછું બધું બદલાયું ભગવાનને દર્શન જ આપવા હોય તો તે તો અંતર્યામી છે બારણે ટકોરા મારવાની તેમને શું જરૂર?,એટલે કોઈ ફેરિયો કે આલતું ફાલતુ હશે સવારના પોરમાં બીજાનો વિચાર કર્યા વિના ચાલ્યા આવે,એટલે શેઠજીએ બહુ ધ્યાન ન આપ્યું અને શેઠાણી તો ભરનિંદ્રામાં,થોડીવાર પછી ઉભા થયેલા બારણે ટકોરાના સ્પંદનો શાંત થઇ ગયા,એટલે પાછા શેઠ પ્રાર્થના બાજુ વળ્યાં અને ત્યાં તો ફરી ટકોરા પડ્યા,અને સતત પડતા રહ્યા,શેઠ ગુસ્સે થવા જાય ત્યાં તેમના મને કાબુ મેળવી લીધો અને તેઓ શાંત રહ્યા પણ સતત અવાજથી શેઠાણી જાગશે તો પાછો દાડો બગડશે એ બીકે તેમણે ભગવાનની પુંજા પડતી મૂકી બારણા તરફ પ્રસ્થાન કર્યું.

પ્રાર્થનામાં એકાગ્ર થતા મનનો સ્વભાવ શાંત હોવો જોઈએ પણ,બારણાં તરફ પ્રયાણ કરતા શેઠનો ચહેરો તિરસ્કારથી ધુંધવાતો હતો,બારણાના ટકોરાએ તેમની સ્થિતિ બદલી કાઢી હતી,હવે બારણું ખુલશે ત્યારે ટકોરા મારવા વાળાને નિરાશ થવું પડશે અને શેઠની દાટ ખાવી પડશે અથવા જો સ્થિતિ બદલાય તો શેઠને પણ કોઈ પોતાના ઘૂરકાટનો ભોગ બની સામનો કરવો પડે ,ગમે તે થાય કેમકે બારણું બંધ છે ને શેઠ ગુસ્સામાં છે,પણ છેલ્લે શેઠે બારણું ખોલ્યું એટલે કોઈ ઓફિસર જેવા દેખાતા ભાઈએ નમસ્કાર કરી સ્માઈલ આપ્યું પણ શેઠ તો શેઠ હતા એટલે તેમને કોઈ અસર ન થઇ અને ઘૂરકતવાળો ચહેરો સ્થિતિ બદલી ન શક્યો,એટલે પેલા એ કહ્યું ,
"મગન શેઠ,સવાર સવારમાં તમને હેરાન તો નથી  કર્યાને?" જયારે શેઠની દ્રષ્ટિ પેલા સાથે મળી ત્યારે ગમે તે થયું પણ શેઠનો ઘુરકાટ ઓછો થઇ ગયો અને બોલ્યા,
"ના, ના, એવું કઈ નથી બોલો શું કામ હતું?"અને સામે જવાબ મળ્યો,
"ના, ના, મારે કઈ કામ નહોતું પણ,હું પણ એક સેવક છું એટલે મારા બોસે તમારા કોઈ કામ માટે મને મોકલી આપ્યો."અને શેઠે,
" મારે કોઈ કામ નથી,મારી પેઢી ઉપરથી અહીં કોઈ ન આવે એટલે મારો સમય બગાડ્યા વગર બીજે જાવ ભાઈ,મારે ઘણું કામ છે." એમ કહી  બારણું બંધ કરવાનો પ્રયત્ન કર્યો તો પેલા માણસે વચ્ચે પગ મૂકી કહ્યું,
"શેઠ,હું પાછો જવા નથી આવ્યો,મને ખબર નથી પણ મારા બોસ તમારા પર ખુબ ખુશ છે અને તમને સાથે લઈને જ જવાનો ઓર્ડર છે,"અને કોઈ પણ પાયા વગરની વાતથી શેઠ ને મુંઝવણ થઇ,પણ પેલો કોઈ મક્કમ ઈરાદાથી ત્યાંથી ન ખસ્યો,નરવશ થયેલા  શેઠને પરાણે પૂછવું પડ્યું,
"ભાઈ,તમે કોણ છો,અને જે કઈ હોય તે ખુલ્લી રીતે કહો."એટલે પેલાએ પગ હટાવ્યો અને બોલ્યો,
"શેઠ,હું પાર્ષદ છું તમે ભગવાનને પ્રાર્થનામાં ખુબ વિનંતી કરી,એટલે જાતે ન આવી શક્યા પણ મને મોકલી આપ્યો,હવે તમારું દરેક કામ મારે કરવાનું છે,અને બધું ચુટકીમાં થઇ જશે."અને શેઠના ચહેરા પર રંગ ફેરવાયો,
"મશ્કરી કરો છો,પાર્ષદ અને આ વેશમાં,હું કઈ રીતે માનું ?"
"કેમ ,તમેજ તો વિચારતા હતા આ કલીનો કાળ છે,ને ભગવાન કે તેના પાર્ષદ કોઈ પણ રૂપમાં પ્રગટ થાય,અને શેઠાણી નો સ્વભાવ,અને વારસદારની ચિંતા,..." અને પાર્ષદ સ્માઈલ સાથે શેઠના ચહેરા સામે એકી ટસે જોઈ રહ્યો.હવે શેઠનો ચહેરો બદલાયો અને સ્માઈલ સાથે બોલ્યા,
"તો ખરેખર ભગવાને મારી પ્રાર્થના સાંભળી,અને તમને મોકલ્યા."
"અરે ખરેખર શું,આવો લાવો કોઈને ના મળે,હવે અંદર આવવાનું કહેશો કે હજુ કોઈ ખાતરી કરવી છે." ત્યાં તો અંદરથી શેઠાણીનો અવાજ આવ્યો,પણ અવાજમાં જાણે રણકાર હતો,પરણીને આવ્યા અને જે સ્થિતિ હતી તે દેખાવા લાગી,આ ફેરફાર શેઠ માટે જાણે પૂરતો હોય તેમ ઘેલા થઇ ગયા અને તરત જ પાર્ષદને માન ભેર આવકારી સોફા પર બેસાડ્યા,અને કહ્યું,
"હું જરા અંદર જઈ મારી પત્નીને તમારી આગતા સ્વાગતા કરવાની તૈયારી કરવા કહું,"પણ શેઠની નવાઈ વચ્ચે પાર્ષદે શેઠનો હાથ પકડી કહ્યું,
"એની કઈ જરૂર નથી,પણ આપણી પાસે સમય બહુ નથી અને,હજુ મારે બીજા બધા ભક્તો પાસે પણ જવાનું છે.એટલે તમો તૈયાર છો,"
"તૈયાર,શાને માટે..?"અને શેઠે હાથ છોડાવવા પ્રયત્ન કર્યો,ગભરાઈ ગયા અને બોલ્યા,
"સાહેબ મારો હાથ છોડો,હું એવી રીતે ન આવી શકું,"
"પણ તમને લીધા વગર જવાનો મને હુકમ નથી,એટલે ચાલો" અને હાથની પકડ મજબૂત થઇ શેઠ હાથ છોડાવવાની મથામણમાં પરસેવે રેબઝેબ થઇ ગયા.પણ હાથ ન છૂટ્યો અને શેઠે બચાવો બચાવો એમ જોરથી બૂમો પાડવા માંડી ત્યાં કોઈકના ભારે હાથનો સ્પર્શ થયો,અને શેઠ પથારીમાં હતા,સામે શેઠાણીની ઘૂરકતી લાલ આંખો  હતી,અને શેઠાણીએ શેઠનો હાથ પકડ્યો હતો,શેઠાણી બબડતાં હતા,
"ઊંઘતા નથી ને ઊંઘવા દેતા નથી,"શેઠ તરફ જોતા શેઠાણી પાસું ફેરવી સુઈ ગયા.અને શેઠ બબડતાં રહ્યા,
"તું તારે ઊંઘીજા,એ તો સ્વપ્નું હતું."
પણ શેઠે પોતાના શરીર તરફ નજર કરી તો પરસેવે રેબઝેબ હતું,પાર્ષદ નહોતો પણ હવે ચિંતા હતી,જો સ્વપ્નું સાચું પડે ને જવું પડે,એક ભયંકર કંપારી પસાર થઇ ગઈ,શેઠ નિરાશ હતા કેમકે શેઠના પરસેવા માટે કેમ?, શું?, શા માટે? પ્રશ્ન પૂછવા વાળું કોઈ ન હતું,સંતો કહે છે  તેમ મૃત્યુનો ભય કોઈને પણ સતાવે પણ અનિવાર્ય આ સત્ય માટે બીજો કોઈ રસ્તો જ નથી,આ બધું અહીં પહેલેથી ગોઠવાયેલું છે,તેના નિયમો છે અને તે પ્રમાણે જીવન શરુ થાય છે અને પૂર્ણ થાય છે,અને મળેલા જીવનને કેવી રીતે ભોગવવું તેનું તમારે નક્કી કરવાનું છે.પાપ પુણ્યની કોને ખબર પણ નિયતિ પ્રમાણે ન ચાલનારને દુઃખદાયી બનવું પડે તેમાં કોઈ શંકા નથી, જેમ તેમ પરિસ્થિતિને કાબુ કરવાનો પ્રયત્ન કરી શેઠે પાસું ફરી સુવાનો પ્રયત્ન કર્યો પણ બીજા સ્વપ્નની ચિતાએ તેમને ઊંઘ ના આવી,પાસા ફેરવતા પડ્યા રહ્યા.

-મહેન્દ્ર ભટ્ટ.