Wednesday, August 15, 2018

નિરંતર ફેરવાતી દુનિયા.


નિરંતર ફેરવાતી દુનિયા.




સવાર અને સૂર્યદેવનું આગમન આખા જગતનો પ્રાણ,મહારાજની પૂજા વિધિનો સમય,પરલોકમાં પણ નિત્ય નિયમ પણ એકજ ભય, સુધીરનો, એકજ રટણ,
'મારી પ્રીતિનું શું થયું હશે?'હમણાં હમણાંથી તો મહારાજને જાણે ત્રાસ લાગવા મંડ્યો હતો.તપ જપના પ્રતાપે શાંતિ ની એકાગ્રતા મેળવી ચૂકેલા મહારાજ હવે સુધીરથી ત્રાસી ગયા હતા,તેમને શું ખબર તેની પ્રીતિનું શું થયું હશે! તે કોઈ ભગવાન થોડા છે,પણ ન જાણે કેમ સુધીર તેમનો પીછો છોડતો ન હતો."પરલોક"એટલે આ જગતના જીવો  માટે કોઈ જુદી દુનિયા, પણ બધું અહીંનું અહીં,જીવ દેહ છોડી ક્યાં જાય એની કોઈને ખબર નહિ એટલે સંતોષ માટે પુરાણોથી ચાલતી આવતી પ્રણાલિકા,જે જીવ દેહ છોડે ત્યારે તેની સાથે જોડાયેલાને તેના વિરહનું દુઃખ થાય તેનું ક્યાંક તો સમાધાન કરવું પડે તેના માટે જુના જમાનાથી કરવામાં આવેલી સુવિધા જેથી સગા સબંધી તેમજ સ્નેહી પ્રાણ ત્યાગ પછી દેહનું વિધિ પૂર્વક સન્માન કરી ધીરે ધીરે સામાન્ય જીવનમાં ફરી ઓતપ્રોત થઇ પોતાની જવાબદારી સંભાળી વિરહિત જીવને ફોટામાં કંડારી તેના વિરહિત સમયે એકાદ પેઢી સુધી યાદ કરતા રહે, આ જગતનો ક્રમ,સમય જ બધું સરખું કરે નહિ તો જીવન જીવવું ઘણું અઘરું પડે, દેહથી છૂટો પડેલા જીવનું શું થાય તેની કોઈને ખબર નહિ,
પણ જન્મ પછીની લાંબી સફર પછી જીવ આધિ વ્યાધિ અને ઉપાધિથી જર્જરિત થયેલો દેહ છોડી દે. તેના અવયવોની કામ કરવાની શક્તિ ઘટી જાય અને ક્યારેક કામ કરતા બંધ થઇ જાય ત્યારે જીવ  જેને દુનિયાએ જાણ્યો નથી પણ એ તત્વ અમર છે તેની તેને ખબર છે, હિન્દૂધર્મ તેને એક શરીર છોડી બીજામાં એમ ૮૪ લાખના ફેરામાં ફરવાનું અનુમાન કરે છે.જુદી જુદી યોનિમાં માનવ યોની ને સર્વ શ્રેષ્ઠ યોની માનવામાં આવી છે.જ્યાં માનવ બધા જીવો કરતા વિશેષ બુદ્ધિ ધરાવે છે ત્યાં તેનું પ્રભુત્વ છે એટલેજ રોજ બરોજ પોતાની સ્થિતિ આધુનિક બનાવી હવે આકાશના શુન્યાવકાશમાં પણ પોતાની શોધ ચલાવવામાં સક્ષમ બન્યો છે. પણ આત્મા શું છે તે તત્વની તેને હજુ ખબર નથી
ત્યારે પરલોકમાં સુધીર પોતાને શરીર છૂટ્યા છતાં મહારાજને પ્રીતિના રટણથી હેરાન કરી રહ્યો હતો,કહેવાય છે જીવ જયારે દેહ, શરીર છોડે છે ત્યારે કોઈ સૂક્ષ્મ શરીર ધારણ કરે છે શારીરિક નહિ પણ મનની સ્થિતિઓ પર સવાર થઇ દુનિયાના બધાજ અનુભવ કરી શકે છે,કદાચ જયારે તે અત્યંત એકાગ્રતા માં પહોંચે છે ત્યારે કોઈ ભગવાન જેવી શક્તિ મેળવી દુનિયાના જીવોને સહાયક થાય છે કે જેને દુનિયા અલૌકિક ઘટના તરીકે સમજી બિરદાવે છે.
સુધીરનો આત્મા પણ ગાડીના અકસ્માત પછી શરીર છોડી તડપતા પ્રીતિના શરીરની આજુબાજુ ફરતો રહ્યો પણ જયારે કોઈ કાળી છાયાનું વૃંદ એક નાના દળના સ્વરૂપમાં પોતાના તરફ ધસમસતું આવ્યું તો ત્યાંથી તે ભાગ્યો અને જંગલમાં ધસમસતો આવ્યો જ્યાં એક ઝરણાના કિનારે આવેલી કોઈ તૂટેલી ઝૂંપડીના કોઈ ખૂણામાં છુપાઈ ગયો તેણે જોયું તો પેલું પાછળ પડેલું કાળું વાદળ ત્યાં પ્રવેશ કરી ન શક્યું અને તે બચી ગયો પણ પછી થોડીવારમાં ઝૂંપડીમાંથી બીજો અવાજ આવ્યો તે તેણે ખુબ જ બારીકાઈથી સાંભર્યો.તે એક પવિત્ર મહારાજનો હતો,
"તું બચી ગયો એ આ ઝૂંપડીના પવિત્ર સ્થાનનો મહિમા છે નહીતો જમ રાજાના દૂતો  તને પણ લઇ જતે.પણ તું બચી ગયો, આ સ્થાનમાં ઋષિઓના તપની શક્તિ શમાઈ છે એટલે અહીં શરણે થતો જીવ બચી જાય છે, શરીર બધાનું છૂટી જાય છે તેમ મારુ છૂટ્યાને ઘણો સમય થઇ ગયો પણ હજુ હું અહીં જપ તપનું મારુ નિત્ય ક્રમ કરી રહ્યો છું,

તો મહારાજ આપ ખુબ જાણો છો અને તપના બળે એટલું ન કહી શકો ,મારી પ્રીતિનું શું થયું હશે ?,
અને ફરી ફરી રિપીટ થતા આ પ્રશ્ને સદા શાંત મહારાજનું મન ડોલી ઉઠ્યું
“ મર્યા પછી પણ તારી માયા છૂટતી નથી ખરું ?”
"હું સંસારી છું,અને પ્રીતિ મારા પ્રેમની પૂજારણ છે સંધ્યાની એક પળોએ અમારા પ્રેમને જન્મ આપ્યો પણ એક મહિનાના ટૂંકા સમયમાં આ ગોઝારા અકસ્માતે બંનેના દેહોને રસ્તા પર તડફડતા ફેંકી દીધા ,મારુ શરીર તો શાંત પડી ગયું પણ પ્રીતિ તડફડતી હતી તે મને છેલ્લે દેખાયું પણ પછી તેને પડતી મૂકી હું ભાગ્યો,ખબર નહિ કેટલો સમય થઇ ગયો પણ અહીં નસીબ જોગે બચી રહ્યો છું બસ એકજ તમન્ના છે મારી પ્રીતિ માટે જાણવાની.પછી મારુ ગમે તે થાય." તેની   વાત પુરી થતા મહારાજને પણ લાગ્યું કે તેનો જીવ હજુ માયા મુકતો નથી એટલે પોતાના તપના ભોગે તેમણે તેને હેલ્પ કરવાનું વચન આપ્યું અને તેમની શરતો અનુસાર તે કહે તે પ્રમાણે પોતાની સાથે રહેવા કહ્યું જો તેમાં કોઈ પણ ભૂલ થાય તો જરૂરથી જમના દૂતો તેને પકડી લે,
અને થોડીવારમાં ધ્યાનમાં તેના અકસ્માતનું સ્થાન તેમણે જોયું ,મહારાજે કહ્યું
" જ્યાં સુધી તું મારી સાથે છે ત્યાં સુધી તને વાંધો નહિ આવે,પણ સ્થાન મળતા હવે જરૂરથી તારા પ્રશ્નનો ઉકેલ આવી જશે, હવે થોડીવારમાં ત્યાં જઈશું પછી ત્યાંથી પ્રીતિની ખબર પડશે પણ મારી પાછળ રહેજે કેમકે મારા એક ફૂટના પવિત્ર વર્તુળમાં કોઈ મારી આજ્ઞા વગર પ્રવેશી નહિ શકે,પણ હું તને પરવાનગી આપું છું એટલે મર્યાદા બહાર કઈ કરતો નહિ " અને એકબીજાની સમજ સાથે મહારાજ સાથે સુધીર પોતાના પ્રશ્નના સમાધાન માટે નીકળી પડ્યો,
માનવ આંખે આત્માનું રૂપ જોઈ ન શકાય અને જે જોઈ શકે તે જરૂર કોઈ ધ્યાની મહાત્મા હોય જે ભગવાનના પ્રેમની ખુબ નજીક હોય.કહેવાય છે કે આવા તપસ્વીઓએ જીવનું વર્ણન અત્યંત સુક્ષમ શરીર અને આગળ કોઈ તીક્ષણ ચાંચ વાળું બતાવ્યું છે,અને તેને  અત્યંત શક્તિશાળી અને અમર બતાવ્યો છે. ટાઢ તાપ કે અગ્નિ  પણ તેને કોઈ અસર કરી શકતા નથી.
જીવની ગતિ અત્યંત ઝડપી હોય થોડીજ પળોમાં સુધીર મહારાજ સાથે અકસ્માતના સ્થળે પહોંચી ગયો તે જોઈ  શકતો હતો મહારાજનું મન ધ્યાનમાં કેન્દ્રિત થઇ,શાંત હતું,અને ક્યારેક ક્યારેક બંધ આંખોની આસપાસ કોઈ કોઈ વાર તેજના ઝબકારા અનુભવાતા હતા.તે જોઈ શકતો હતો  આ સ્થળને જ્યા મોટા પથ્થર સાથે તેમની ગાડી અથડાઈ હતી,અને પ્રીતિ સાથે તે બહાર ફેંકાઈ ગયો હતો.એજ પથ્થર પાસે પ્રીતિ નો દેહ તડપતો હતો,તે પાસેજ હતો પણ પ્રીતિને મદદ ન કરી શક્યો ત્યારે કઈ સમજ ન પડતા   મદદ માટે તે આજુબાજુ જોઈ રહ્યો હતો પણ ચીલ ઝડપે ધસી આવતા કોઈ કાળા વાદળનો ભાસ થતા તે ત્યાંથી ભાગ્યો હતો.ત્યારે તેને ખબર પડી કે તે તેની ઝડપ ન હતી પણ જીવની ઝડપ હતી,તે મરી ચુક્યો હતો.
આનંદ પ્રમોદમાં પ્રીતિના હસવાના છેલ્લા પડઘા હજુ તેને યાદ હતા.અત્યારે તે કલ્પી શકતો હતો,જીવ જયારે જીવન પૂરું કરે ત્યારે બચવાની કોઈ આશા ન કરી શકે,કોઈ શક્તિ બચાવી ન શકે, તેનો માર્ગ આપોઆપ મોકળો થઇ જાય.આખી જિંદગી સાંભળ્યું હોય કે છેલ્લી ઘડી ભગવાનના નામના બે અક્ષર યાદ આવી જાય,પણ દસ દરવાજા બંધ થતા ખાલી પડેલા દેહમાં શૂન્યવકાશ સિવાય કઈ જ ન હોય.શાંત પડેલા દેહની આજુબાજુ આંટા મારતો જીવ બીજા કોઈ વિકલ્પ વગર વાતાવરણમાં ક્યાં ઓગળી જાય કોઈને ખબર નહિ.

પણ મર્યા પછી પણ સુધીર પ્રીતિને યાદ કરતો અહીં સુધી ખેંચાઈ આવ્યો હતો,કોઈ સ્વાર્થ કહે તો સ્વાર્થ પણ પ્રીતિ તેની હતી,પત્ની ન હતી પરંતુ પ્રીત પછીના પત્નીત્વના રસ્તા પર સુધીર સાથે તે પોતાનું મન મનાવી ચુકી હતી અને એટલેજ સુધીર હજુ તેને ભૂલી શકતો ન હતો, અને મહારાજ તેના કોઈ સારા કર્મ હશે એટલે તેના પ્રશ્ન ના ઉકેલમાં વચનબદ્ધ થયા હતા.
પ્રીતિ તેની હતી સુધીરનો ચોક્કસ વિશ્વાસ હતો,પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી,મર્યા પછી તેની ચાહતને પડતી મૂકી તેને ભાગવું પડ્યું હતું,પણ પરલોકના અનુભવ પછી તેને  ખબર હતી તે હવે જીવિત ન  હતો,પણ તેનો  આત્મા હજુ જાણવા માંગતો હતો અને મહારાજને પણ ખબર હતી તેમનું સન્યાસી જીવન અને સુધીરના સંસારી જીવન વચ્ચે ઘણો તફાવત હતો,એટલે સુધીરના સંતોષ માટે તે પોતાના રોજના નિયમથી અલગ થઇ પોતાની બ્રહ્મ શક્તિના આધારે અકસ્માતના સ્થળેથી સુધીરની  પ્રીતિ વિષે વધુ માહિતી એકત્ર કરી રહ્યા હતા,તેમની એકાગ્રતાનું પરિણામ જાણવા તત્પર સુધીર હજુ પણ પ્રીતિ માટે કેટલો વ્યાકુળ હતો તે જણાય આવતું હતું.આખરે મહારાજની આંખો ખુલી અને મહારાજે કહ્યું,
"સુધીર  ,પ્રીતિ હવે સ્વસ્થ છે પણ ...."મહારાજના ખચકાટને અનુભવતો સુધીર સમજી ગયો કે કૈક ખોટું થયું છે,અને મહારાજે કહ્યું,
" હું સમજી શકું અને જોઈ શકું છું કે તારી યાદો એક ફોટામાં મઢીને દીવાલ ઉપર સુશોભિત છે,તેના ઉપર સુખડનો  હાર શોભાયમાન છે.પણ તેનું જીવન કરવત બદલી બીજા પુરુષની સાથે જોડાઈ ગયું છે.જે સામાન્ય રીતે તેની ઉમર જોતા સ્વીકાર્ય છે,અને એનો એ અર્થ કે સમયે હવે તારી પાસેથી પ્રીતિને છીનવી લીધી છે.,તારી ઈચ્છા થી આપણે અહીં સુધી આવ્યા પણ તેના નિજી જીવન સુધી પણ પહોંચી શકાશે."અને નિરાશાને વ્યક્ત કરતા સુધીરે મહારાજની સાચી વાતનો સ્વીકાર કરી હવે મન પ્રભુ ભજનમાં લગાવવાંનું નક્કી કર્યું પણ મહારાજે  પ્રીતિનો પ્રત્યક્ષ અનુભવ  કરવા સુધીરને સૂચન કર્યું સુધીર સંમત થતા તેઓ પ્રીતિના આવાસ સુધી આવી ગયા જ્યાં સુધીરે વિતાવેલી પ્રીતિ સાથેની યાદો ત્યાંની ચીજો ,રહેણી કરણી સર્વે તેને લાગણીમય કરતી ગઈ પણ હવે તેના નિજી જીવનમાં શક્ય હોય તો પણ તેણે દખલ ન કરવાનું નક્કી કર્યું,તેણે જોયું ત્યાં આવાસ ઉપર તાળું હતું,ઘરમાં કોઈ ન હતું,એટલે મહારાજની સંમતિથી તે રોકાયો,થોડીવારમાં પ્રીતિ તેના નવા પુરુષ સાથે આવી તે જોતો રહ્યો તાળું ખુલ્યું,ઘરમાં દાખલ થઇ અને તેના ફોટા પાસેથી પસાર થઇ પણ તેણે તે તરફ જોયું પણ નહિ,એટલે સુધીરે  વિચાર્યું  ફોટો રાખવાનો હવે શું અર્થ છે તે દુઃખી થયો તેણે જોયું પ્રીતિનું નવું જીવન ખુશીમય હતું,તેણે સમય સાથે પોતાની જૂની જિંદગી બદલી નવી દુનિયાના નવા ચહેરા સાથે મન મેળવી લીધું હતું,સુધીરે મહારાજનો આભાર માની ફરી તેમના સ્થાને જવાનું નક્કી કર્યું,જતા મહારાજે કહ્યું ,
"આ દુનિયા છે અહીં નિરંતર ફેરફાર થતા રહે છે,માટે દુઃખી થયા વગર જાતેજ બદલાવું પડે છે.તારા કે મારા વગર દુનિયા કે સમય અટકતા નથી,માટે દુઃખી ના થા,અને પરમ પિતાની શોધમાં લાગી જા."
છેલ્લી વિદાય લેતા પહેલા સુધીર પોતાને સમાલી શક્યો પણ મહારાજને પ્રશ્ન કર્યો,
" મહારાજ શ્રી એવું કઈ કરી શકાય કે મારો ફોટો પાડી શકાય,જેથી પ્રીતિં મને સદા ભૂલી શકે."મહારાજે કહ્યું
"કરી શકાય,ત્રાટક વિદ્યાથી તેને પાડી શકાય પણ તેનાથી તે ભયભીત થશે કે આવું કેમ બન્યું,અનેક સવાલો અને વહેમ તેના નિજી જીવનમાં પરેશાની લાવી શકે,તારી યાદ સદા ભૂલવામાં માનસિક રીતે જરૂર પરેશાન થઇ જશે,માટે સમય આવશે તારોં ફોટો આપોઆપ ઉતરી જશે,તેની તું શું કામ ચિંતા કરે છે.હવે તે જોયું અહીં  તારા માટે કઈ જ નથી,તને સંતોષ હોય તો હવે પ્રસ્થાન કરીયે." અને સુધીર મહારાજ સાથે સંમત થતા બંને ફરી તપોભૂમિ એવી ઝૂંપડીમાં આવી,પરમ પિતા પરમેશ્વરની શોધમાં લાગી ગયા.તે પણ એક ભગીરથ કાર્ય હતું કેમકે વર્ષોની મહારાજની શોધ છતાં હજુ કઈ શોધી શક્યા ન હતા.

-મહેન્દ્ર ભટ્ટ.

Tuesday, August 14, 2018

સ્વાતાંત્ર્ય દિવસની શુભકામનાઓ


૧૫ મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિવસની શુભ કામનાઓ 




વાચક મિત્રો,
સ્વાતંત્ર્ય દિવસની આપ સહુ દેશવાસીઓને મોગરાના ફૂલ બ્લોગ વતી મહેન્દ્ર ભટ્ટની ખુબ શુભ કામનાઓ ત્રિરંગાને નમન કરી આપણા દેશનું સ્વાભિમાન વધારી સહુ સાથે ઉદઘોષ કરીએ,

જય ભારત,જય હિંદ