Monday, September 19, 2011

Mogarana phool(First novel)

મોગરાના ફૂલ
ગુજરાતી નવલિકા
લેખક મહેન્દ્ર  ભટ્ટ
(આ કૃતિ ગુજરાતી માસિક 'ચાંદની' ના ઓગસ્ટ ૧૯૮૧ માં રજુ થયેલી તે આપ ગુજરાતી મિત્રો સમક્ષ મૂકી રહ્યો છું મને આશા છે કે આપને જરૂર પસંદ આવશે )
"કેમ ધના?"
" આવો મંછાકાકા જુઓ એ...આ આપણે તો ચૂલામાં ભરાયા છીએ."
તાવડી ઉપર રોટલો નાખીને મંછારામની સામે આછું હસતો ધનો બોલ્યો. 
"તે ભઈ,તું દૂધ લેવા જતો હોઉં ને રમલીને બેહાડતો હોય તો? અલા ,તારે ધારિયું લેવાનું ને ચૂલો કેમ ચાલે?"
અને કાકાના સુચન ઉપર બેધ્યાન બની રોટલાની કોર સરખી કરતો ધનો હસ્યો,
"કાકા, અમે રિયા અઢી જણ,આવું આવું કરું એટલે રમલી મારી ખુશખુશાલ રે ",અને કાકા બૈરું ,સુખી એટલે ચકુડી સુખી,દૂધવાળાએ બુમ પાડી નથી ને રમલી હેડી    નથી,વાહે સાલ્લો  પકડીને ખેચાતી
ચકુડીની તો વાતજ ન પૂછો,મારી ભણી જોતી જાય ને રમલીની વાહે ખેચાતી જાય .બોલો,છીએ ને સુખી ?"
ધનો મૂછો ઉપર હાથ ફેરવતો  મંછાકાકાના ચહેરા સામે જોઈ રહ્યો,પણ  મંછાકાકાના ચહેરા ઉપર ખેચાયેલી રેખાઓમાં તેણે કૈંક ઉણપ અનુભવી,સફેદ દાઢીવાળો  ચહેરો આટલી ખુશી પર હસવો જોઈએઅને તેના હસવાથી ખુલી ગયેલા મોઢામાં પડી   ગયેલા દાતની બારીઓ જોઇને ધનો ખૂશ થવો જોઈએપણ મંછાકાકાના ગંભીર ચહેરાએ ધનાની ખુશી ઉપર વજ્રઘાત  કર્યો,  પણ  મંછોકાકો ઘણીવાર આમ એકાએક ગંભીર બની
જતો  એટલે  ધનાએ મન વાર્યું ,ચૂલામાં લાકડું સંકોરી ફૂક મારી. 

 " કાકા આવડી કોટડી એ આપણું ઘર,એમાં આ અમારો નાનો સંસાર હેંડ્યો જાય છે તમારા આશીર્વાદે...."
" હા ભઈ ધના આપણે  રહ્યા ગરીબ જીવ,કન્ત્રાત્રી મહીને'દાડે  બહે રૂપરડી આપે,એમાં ખુશ થતા રહેવાનું "
વરસોના રખોપા કરીને ઘરડી થયેલી આંખોને આંગળીથી મસળતો મંછો બોલ્યો.
" એ તો ખાડો ભરાતો જાય ને ખાલી થતો રે',કાકા. ભગવાનની દેન છે,ઉપરવાળાની મહેરબાની કે કોઈ દી કોઈએ હાથ મારવા હુધ્ધા પ્રયત્ન નથી કર્યો."
એક ગરમ રોટલો કથરોટમાં મુકતા ધનો બોલ્યો.
"એવા એના ભોગ લાગ્યા કે રખોપું અભડાવે ને ધનાને ધારિયું પકડવું પડે."
"કાકા એ દી ભગવાન  જોવડાવે.
" લો, કાકા આવો હેઠા,ગરમ રોટલા ને પાપડીનું શાક,હેડો.."  
" ના ભઈ ધના,મારેય તારી કાકીને ખુશ રાખવાની છેહોકે.."
"એ તો ખરુજ ને તારે...,"
ધનાએ બીજો રોટલો તાવડીમાં નાખ્યો. 
" લો ઉઠો હવે"
મંછાકાકા સાંભળી  શકે એટલા ધીરા અવાંઝે લાજ કાઢતી  રમલી રણકી,અને મંછારામ " જઉં ત્યારે "કહેતાકને હેડતા થયા.
રમલીના રણકામાં ઘેલા એવા ધનાએ "લો કેમ હેડ્યા ?"એમ કહેતાકને બેસવા વાર્યા,પણ  બીડીનો કસ ખેચતા મંછાકાકા હાથ હલાવતા "પછી" નું સુચન કરતા જતા રહ્યા.
પછી ધનાએ રમલી સામે જોયું,જાણે  પહેલા ક્યારેય જોઈજ  હોઈ તેમ તેના ગૌર ચહેરા સામે જોતોજ રહ્યો ,
માથા પરથી સરી પડેલા સાડલામાં રમલી સુંદર લાગતી હતીઅને તેણે અંબોડે નાખેલા મોગરાના ફૂલ ધનાની હંમેશની ખુશીનું જાણે સ્વપ્ન હતા.
આખી ઓરડી મોગરાની મહેકથી મહેકતી હતી,અને એ સુગંધ ધનાના નાક સુધી પહોચતી ત્યારે તેને પામી લેવા ધનો કટિબદ્ધ થઇ જતો,હવા  એકાંતમાં તરંગીત બની જતી,અને રમલીનો ચહેરો ત્યારે રાતો થઇ જતોમોગરાના ફૂલ ક્યારે છૂટીને પડી જતા તેની કઈ ખબર પડતી નહિ.
આમ પુનરાવર્તન થતું રહેતું અને તેનો પ્રત્યાઘાત દાખવતી હતી ધનાની કાલીઘેલી ચકુડી.
આજે પણ પણ રમલી એવી ખુબજ  સુંદર દેખાતી હતીરાતો ચહેરો,મઝાના અંબોડે લાગેલા મોગરાના ફૂલો,નખશીખ સંગેમરમરનો સુંદર દેહ,રમલીમાં કંઈજ ઓછપ ન હતીધનાને ત્યાં આવવા સર્જાયેલી રમલીનું રૂપ અનોખું હતું,ધનો તેના નિરાલા રૂપને ચંદ્રમાંથી છુટા પડેલા કટકા જેવું સમજતો હતો,મોગરાની મહેક માણતા ધનાની આંખોમાં ત્યારે હરખનું પાણી ધસી આવતું અને એકાદ ઘૂટ ગળામાંથી પેટમાં ઉતરી જતું.

ધનો હરખાતો ,વળી ચંદ્રના એ ટુકડાની ધવલતામાંથી ધનાને મળેલી ચકુડી કાલીઘેલી ભાષા બોલતી ત્યારે ગદ ગદ થતો ધનો મોટેથી હસી પડતો કામમાં મગ્ન રમલી પણ એ જોઇને એકદમ હસી પડતી ,ધનાને જોતી ,અને પછી નીચું જોઈ લેતી,ધનાને શરમથી ઝુકી જતી રમલીને જોવાનો ખુબ આનંદ થતો.
આવું ચાલતું, ચાલતું રહેતું,રમલી પણ ધનાંના આનંદની સહભાગી બની રહેતી,મોગરાના વધારેને વધારે ફૂલોથી તે અંબોડો સજાવતી,અરે, ક્યારેક ચકુડીની નાની ચોટલીમાં પણ ફૂલો ખોસી દેતી,અને ધના સામે ગર્વથી જોતી,ચકુડી દોડતી ધના પાસે આવતી,ધનો તેને વહાલથી ઊંચકી લેતો.
"બાપુ...માં...એ..."અને તે વાળમાં ખોસેલા મોગરાના ફૂલો સુધી તેની નાજુક આંગળીઓ લઇ જતી ,ધનાને સમજાવતી ,ધનો તેને વહાલથી ચૂમી લેતો ,ચકુડી ખીલખીલાટ હસી પડતી.
એક વખત ધનાંની માં ગામડેથી આવી,તે ચકુડી માટે ચાંદીની સાંકળી લેતી આવેલી,પણ તેમાં ઘૂઘરીઓ  ન હતી, ધનો તો ઉપડયો બઝારમાં અને વધારે પૈસા ખર્ચીને ઝાંઝરી લઇ આવ્યો,અને ઝાંઝરી ચકુડીને પહેરાવી,કુતુહુલથી  ચકુડી ઝનઝન થતી ઝાંઝરીનો રણકાર સાંભળતી દોડતી,ધનો તેની પાછળ દોડતો,આખી ઓરડીમાં ઝાંઝરીનો ઝમકાર ગુંજી ઉઠતો.
આજે પણ રમલી અને ચકુડી બંનેના માથામાં મોગરાના ફૂલો હતા અને તેની સુગંધ ધનાના મનને ખેચી શકે તેમ હતી.
પણ ધનાના મનમાં આજે ઘમસાણ ચાલતું હતું,તેણે કૈક એવું સાભળ્યું હતું, જેનાથી કાયમ ખુશ રહેતો ધનો આજે ઉદાસ હતો.
 બધું ખરું,પણ ધનાનું મન ઘવાયેલું હતું,કશુંક થવાનું છેતેવા તેના મનમાં ભણકારા વાગી રહ્યા હતા,કૈક ખરાબ થવાનું  છે,તેનું મન પાછું પડતું હતું, તેના ચહેરા ઉપર નિરાશાના વાદળો  ઘેરાવા લાગ્યા હતા,હંમેશા ખુશીમય તેના ચહેરા ઉપરની આંખોને કિનારે ક્યાંક રાતા શેરડા ફૂતી રહ્યા હતા,તે તૂટેલી ખુરશી ઉપર ઉભો રહી પોતાની નજર બહાર ક્ષિતિજ સુધી લંબાવી રહ્યો.
મંછાકાકાએ કરેલું દૂધ લેવાનું સુચન તેને કૈક રહસ્ય્વાળું લાગ્યું હતું, તેણે  બે હાથે માથું દબાવી દીધું,અને અવિરત વહેતી વિચારધારાને રોકવા પ્રયત્ન કર્યો,પણ બંધમાં પડેલા ગાબડાને થીગડું શી રીતે મારી શકાય,પ્રવાહ અતિ વેગીલો બની ગાંડો થઇ જાય તો બંધ તૂટી   જાય પછી બધું તબાહ..... તબાહ....
નાધનાને આ બધું તબાહ નથી થવા દેવું,પોતે ગમેતેમ કરીને થીગડું મારશે,અચાનક વિચાર આવતા,ધનો નાનકડી ઓરડીમા આરામ   દેનારી તેની તૂટેલી ખુરશી ઉપર બેસીં ગયો,બાજુમાં પડેલા ધારિયાની ધાર ઉપર તેની આંગળીઓ ફરી ગઈ,આંગળીઓમાં લોહીની ટસર ઉપસી આવી.
તેણે  લોહીમાં ધસી આવેલા ઘોડાઓને ડાબી દીધા,ગરમીની ફરી વરેલી જ્વાળાઓ ઉપર પાણી  છાંટી દીધુંપણ આંખના કિનારાની રતાશમાં કઈ ફેરફાર  થયો 
@@@@@@@@@
પતિના બદલાયેલા ચહેરા ઉપરના  ભાવોને રમલીએ ત્રાંસી નજરે ભાળ્યા  હતા,પણ તેને  કંઈ બોલવું યોગ્ય  લાગ્યુંતે એક પત્ની હતી,ધનાંની પ્રેમાળ પત્ની,તે એક માં હતી,ધારિયાની ધારે રમવાવાળા ધણીને તે જાણતી હતી,વધારે પડતું કે એકદમ ઓછું વર્તન તેને ચાલે તેવું ન હતું,તેને સમતોલ રહેવું પડતું.
કદાચ કંઈ ભયાનકતા આવે અને ચકુડી એકલી પડી જાય તોના....આવું દ્રશ્ય તે કલ્પીજ કેમ શકે?,કેટલીક વખત વરસોની ખુશી એકજ મીનીટમાં રક્ત્વરણી બની જતી હોય છે!,તેના શરીરમાંથી ભયની એક કંપારી પસાર થઇ ગઈ,કેમકે  બધું શક્ય હતું,તે પોતે પતિવ્રતા હતી,તેનું મન પતિના આ એકાએક પરિવર્તનને પામવા કોશિશ કરતુ,પણ કંઈ બંધબેસતું ન હતું,પણ એવું તે શું હોઈ ,તેનો શું વાંક હતો,કે આટલી ઝડપથી આવો ફેરફાર થઇ જાય,અને ચકુડી પણ ભુલાઈ જાઈ? કદાચ મંછાકાકા એવી વાત લાવ્યા હોઈ....,એવી એટલે કેવી ?,
કંઈ સમજ પડતી ન હતી,છતાં મનને ઓછું ન આવવા દેતા તે સમતોલિત કરતી જતી હતીક્યારેક ધનાંની આંખો મળી જતી,તો તે સ્થિર થઇ જતી,કદાચ લુટાઈ ગયેલી પોતાની ખુશીનો તાગ મળી આવે,કદાચ ચકુડીના વ્હાલનું ઝરણું વહેતું થાય,પણ ધનો આંખ ફેરવી લેતો.
આંખોની  પરાકાસ્થા કેવું રૂપ ધરશે,દિલમાં ઉદભવેલા દર્દને દિલ ક્યાં સુધી સહી શકશે?,એવા વિચારો તે આંસુરૂપે વહાવી સાડીના છેડામાં શમાવી લેતી.
સાંજ પડી,સંધ્યા થઇ,ક્ષિતિજે રંગો  પુરાયા,આહ્લાદક વાતાવરણ,મનભાવન,પણ રમલી યથાવત રહી,રાત પડી,કાળાશ આવી,રંગો ઓગળી ગયા,કાળાશમાં શમાંઈ ગયા.       
@@@@@@@@@


બીજા દિવસે ધનો મંછાકાકાની  રાહ જોઇને બેઠો,મંછાકાકાને કૈક પૂછવું હતું,પણ દૂધવાળો આવ્યો એની બુમ સાંભળી રમલી વાસણ લઈને ગઈ,  પાછળ  તેનો સાલ્લો પકડી ચકુડી ચાલતી હતી,  આજે ચકુડીને ખેચાવું પડતું  હતું,કેમકે રમલીની ચાલમાં  કૈક દર્દ ઉભું થયું હતું,તે ભાંગી પડી હતી,  
પણ તૂટેલી ખુરસી ઉપર બેઠેલો ધનો  દર્દને એક બનાવટ સમજતો હતો,મંછાકાકાના આવ્યા પછી તે પૂછવાનો હતો,પણ રમલીએ મોગરાને અંબોડે લગાડેલો હતો,,ત્યાં કેમ દર્દ ન આવ્યું,કે રમલી મોગરો લગાવવાનું ભૂલી ન ગઈ?,બાજુના બંગલાનો મોગરોજ કાપી નાખુંનખરા ભુલાવી દઉ .
અને ધનો ખુરશીને ખસેડી દીવાલની નજીક લાવ્યો ખુરશી ઉપર ચઢી ગયો અને દિવાલના કોઈક છિદ્રમાંથી જોવા લાગ્યો,પણ બહાર ટ્રકવાળાએ ઇટોની દીવાલ કરી દીધેલી હતી,તેના મનનો ગુસ્સો વધી ગયો. 
તો એ દીવાલ દૂધવાળાને અને  રમલીને ગળી ગઈ, ?. થોડીવાર ફાફા મારી તે નીચે ઉતરી આવ્યોપણ મનમાં શંકા કુશંકાઓ છવાઈ ગઈ,,તેની દાતની બત્રીસી વારેઘડીયે ઉઘાડ બંધ
થતી હતી,તેની નશો ખેચાતી હતી,દૂધ લેતા કેટલીવાર ?
તેના મનમાં અનેક દ્રશ્યો પસાર થઈગયા,છેવટે ગુસ્સાથી પર થતું મન સીમા વટાવી ગયું,તેના હાથમાં ધારિયું હતું,.કે જેની ધાર અતિ તિક્ષ્ન  હતી,         




"રમલી ....."
ભયંકર અવાજ  હતો,તેમાં આવેશ હતો,ક્યાંક વિનાશ હતો,ભયંકરતા હતી,રમલીએ બુમ સાંભળી,આવી બુમ તેણે પહેલા ક્યારેય  સાંભળી ન હતી,તેના મનનું પારેવડું ફફડી ઉઠ્યું,તેના હાથમાંથી તપેલી છટકી ગઈ,તે દોડવા લાગી,ચકુડીને રમાંડતા મંછકાકા પણ દોડવા લાગ્યા,દૂધવાળો સાયકલ ઘસેડી બધાની  પાછળ પાછળ  ખેચાવા લાગ્યો.
રમલીએ બારના પાસે ઉભેલા ધનાંને જોયો,પણ ત્યારે  તેને કાળ જેવો લાગ્યો.
"તે સજાવેલો મોગરો ક્યાં છે? આ તારું સગું નહિ થાય....."
અને રમલીનો હાથ અંબોડે ગયો,ત્યાં મોગરાના ફૂલો  હતા,ધનાંનું ધારિયું ઉચકાઈ  ગયું,પણ મંછાકાકાનો હાથ વચ્ચે આવ્યો ,ચકુડી તેમના હાથમાં હતી,ધનાંની નજર ચકુડી ઉપર પડી,મોગરાના ફૂલો ચકુડીના હાથમાં હતાતેણે રમલીના માથામાંથી ખેચી કાઢ્યા હતા કેમકે તેણે ચકુડીના માથામાં મોગરો ખોસ્યો ન હતો,દૂધવાળો ડઘાઈ ગયો.      
 સમાપ્ત

 વાર્તાને ચાંદનીના ચર્ચા ચોરો વિભાગમાં કેટલાક વાચક મિત્રોએ પસંદ કરી પોતાનું મંતવ્ય રજુ કર્યું હતું.
પેટલાદથી રમણીક નડિયાદ
 "મોગરાના ફૂલ"(લે.  શ્રી મહેન્દ્ર ભટ્ટ)માં પોતાની પત્નીના ચારિત્ર અંગે પતિના મનમાં ઉત્પન્ન થયેલી શંકાની વાત કહેવાઈ છે, કૃતિમાં ધનો અને રમલીના દામ્પત્યજીવનનું પ્રતિક છે,તે દિવસે 
રમલીના અંબોડામાં મોગરો હોતો નથી તેથી ધનાના મનમાં શંકા દ્રઢ થાય છેને હાથમાં ધારિયું લે છે,ત્યારે વાચકનું મન ફફડી ઉઠે છે,પરંતુ ચકુડીના હાથમાં રહેલા મોગરાના ફૂલ જોઇને ધનાની 
શંકા ખંડિત થઇ જાય છે અને અમંગલ થતું અટકી જાય છે. પ્રસંગની જમાવટ અને શૈલીની રોચકતા વાર્તાને વાચનક્ષમ બનાવે છે.
નડિયાદથી નૈકલ ગાગેરા 
મોગરાના ફૂલના પ્રતિક સમી ધના અને રમલીની મૌન પ્રીતની સુવાસ શ્રી મહેન્દ્ર ભટ્ટે સુંદર રીતે "ચાંદની"માં તેમની કૃતિ "મોગરાના ફૂલ"દ્વારા વાચકોને અર્પી છે.પુરુષમાં શંકાનો કીડો સળવળી ઉઠે ત્યારે છાતી  ફાડીને પ્રેમ કરનારો માણસ પત્નીની હત્યા કરવાનો વિચાર કરે તે વાસ્તવિકતાનો નિર્દેશ કરતી  નવલિકા ખુબ ગમી,"ચકુડી"એ  નાવ્લીકાનો ભાર ખેચી લીધો છે,વાર્તાનો અંત જોરદાર છે.

ખેરવાથી હાજીભાઇ ઈ.  મેમણ
"મોગરાના ફૂલ"માં પતિની શંકા તેના દામ્પત્યજીવનને વેરવિખેર કરવાની  હદે પહોચે છે. "મોગરાના ફૂલ"નો  પ્રતિક તરીકે ઉપયોગ સારો કરાયો છે. તાજા ફૂલ,નાની બાળકી,નાયકની જીવન વાડીનું ફૂલ- તેની સુવાસ -દામ્પત્યજીવનની મધુરતા--તેને સ્થાને  જોતા હથિયાર ઉગામતો ધનીયો 
ચકુડીના હાથમાં ફૂલ જોતા અટકી જાય છે,રસાવહ કૃતિ છે.
નડિયાદથી ગીરીશ શ્રીમાળી 
સામાન્ય કથાવસ્તુને પોતાની વિશિષ્ઠ રીતે આલેખી લેખકે સુંદર રીતે પ્રયોજી"મોગરાના ફૂલ" વાર્તામાં ધનાના પાત્રને  સારી રીતે ઉપસાવ્યું છે વાર્તા પ્રવાહી શૈલીમાં આલેખાઈ છે,
લેખકની બારીક અવલોકનશક્તિ પ્રગટ થયા વિના રહેતી નથી. 
@*@*@*@*@*

હવે ‘મોગરાના ફૂલ ‘નવલિકા એ વિસ્તૃત રૂપ લઇ ૧૧ પ્રકરણની નવલકથા તરીકે,પુસ્તક રૂપ તેમજ ‘ઈ બુક’ (કિન્ડલ એડિસન ) નું રૂપ લઇ લીધું છે જે ‘એમેઝોન ‘ ઉપર ઉપલબ્ધ છે.