Monday, April 30, 2018

ચંદા

                                                  ચંદા




કોલેજના  નિજી જીવનમાં પ્રામાણિકતા પામેલા સુધીરનું નામ યુવક યુવતીઓમાં જાણીતું હતું પોતાના કામથી કામ,તેનો સ્વભાવ હતો,ઘણા યુવકો તેની નજીક સબંધ વધારવાનો પ્રયત્ન કરતા પણ સુધીર તેમાં કોઈ રસ લેતો નહિ એક્વખત  એક પિકનિકનું કોલેજ તરફથી આયોજન થયું ઘણા તેમાં જોડાયા.પીકનીક કોઈ પહાડી વિસ્તારમાં નક્કી થઇ હતી,ચંબલની ખીણ ત્યાંથી ખુબ નજીક હતી,ઘણા વખત પહેલા આ વિસ્તારમાં યોજેલી પીકનીક ખુબ સફળ થતા ફરીથી યોજવામાં આવી હતી,પહાડી પ્રદેશ હોવાથી પચીસેક જેટલા યુવક યુવતીઓ જોડાયા હતા.
પિકનિક પોઇન્ટ ઉપર પહોંચ્યા પછી સમજદાર યુવક યુવતીઓ જુદાજુદા ગ્રુપમાં પહાડના ચઢાણની મઝા લેવા નીકળી પડ્યા વિસ્તારમાં કોઈ ઝોખમ હતું નહિ વેરાન વસ્તીમાં ક્યારેક જંગલી પ્રાણીઓ નજરે પડતા,સુરજ ડૂબે તે પહેલા કેમ્પમાં પાછા આવી જવાની શરત હતી,સુધીર પણ ઈચ્છા ન હતી છતાં કેટલાક મિત્રોના આગ્રહે એક ગ્રુપમાં જોડાઇ ગયો,બે ત્રણ કલાકના સમય પછી તેનું ગ્રુપ કોઈ ભૂલથી તેનાથી છૂટું પડી ગયું પછી તેઓ ભેગા ન થઇ શકયા,એકલો સુધીર ગભરાઈ ગયો અજાણ્યા રસ્તે તે એવો ખોવાઈ ગયો કે કેમ્પ થી વિરુદ્ધ ઘભરાટમાં ને ઘભરાટમાં ખુબ દૂર થઇ ગયો,બૂમો પાડી પણ કોઈ જવાબ ન મળ્યો તે પોતે બરાબર હતો પણ તેને તેના ગ્રુપની ચિંતા થઇ થોડા સમય પછી તે ઝાડી બહાર એક રોડ ઉપર આવી ગયો,રોડ જોયો એટલે તેને હવે કોઈ મદદની આશા જન્મી તેના ખભે એક બગલ થેલો હતો જેમાં તેની થોડીક જરૂરી વસ્તુઓ હતી,તે જ્યાં ઉભો હતો ત્યાંથી રસ્તો બંને બાજુ નીચેની બાજુ જતો હતો ,તેને લાગ્યું કે તે જમણી બાજુથી આવ્યો હતો એટલે તેણે જમણી બાજુ જવાનું નક્કી કર્યું એટલે સુરજ ડુબતાં પહેલા કેમ્પ શોધી શકે ,તે ચાલવા મંડ્યો. નિર્જન રસ્તા ઉપર કેટલાક પક્ષીઓની ચહેક સિવાય બીજા કોઈ અવાજ નહોતા એકાદ કલાક ચાલ્યા છતાં કોઈ વસ્તી નજરે ન પડી,રસ્તો હતો એટલે તેને આશા હતી કોઈક તો મળશે ,થોડુંક ચાલ્યા પછી એક નમેલી ધર્મશાળા ના નિશાનવાળી સાઈન દેખાઈ તે ગુંચવાયો ,શું કરવું ,કેમકે નિશાન જે રસ્તો બતાવતું હતું તે પાછો ઝાડીમાં લઇ જતો હતો. હજુ સમય હતો એટલે તેણે હિમ્મત કરી, તે રસ્તા ઉપર ચાલવા મંડ્યો થોડા સમય પછી તે એક નાના ઓપનિંગમાં બે ચાર રૂમોવાળી ધર્મશાળામાં આવી ગયો જૂનું મકાન હતું, તેને કેમ્પ તો ન મળ્યો પણ વેરાનીમાં રોકાવા સહારાની આશા જન્મી હવે તે થોડો શાંત થયો,પણ વેરાન રસ્તા ઉપર ધર્મશાળા!, કૈક અજુગતું હતું પણ તેને માટે તો સહારો હતો એટલે ભગવાનનો પાડ માની  તેણે બારણાની સાંકળ ખખડાવી,
થોડીવાર થઇ પણ કોઈ ન આવ્યું ,તેણે ફરીથી સાંકળ ખખડાવતા પહેલા બીજા રૂમો તરફ જોઈ લીધું તે કઈ ખોટી જગ્યાએ તો ખખડાવતો નથી ને!,પણ પહેલો રૂમ હતો ઓફિસની કોઈ સાઈન ન હતી,એટલે તેણે બીજી વખત સાકળ ખખડાવી,હજુ તો પ્રકાશ  હતો,તેને થયું કોઈ આવતું કેમ નથી, બારણું અંદરથી બંધ હતું એટલે જરૂર કોઈ અંદર હતું ,આ વિચારે તેણે ફરીથી બીજા રૂમો તરફ જોયું બધા ઉપર તાળા મારેલા હતા,એનો અર્થ કોઈ મુસાફર અહીં નહોતા,જો રૂમ ન ખુલે તો શું સમજવું !  બાજુ ઉપર બારી પડતી હતી પણ તેમાંથી અંદર ઝાંખવાનું તેને  યોગ્ય ન લાગ્યું,થોડીવાર રાહ જોવામાં તેની ભલાઈ સમજી.
હવે તેની આશાઓ ફરીથી ચિંતામાં બદલાતી તેના ચહેરા ઉપર સાફ દેખાવા લાગી,તે હોશિયાર હતો પણ પોતાની જાતને ખુબ કમનસીબ સમજતો હતો,દુનિયાની ખોટી વસ્તુઓ બધી જ તેના ઉપર હુમલો કરતી હતી એવું તેણે અનુભવ્યું હતું,તેને કોઈના ઉપર ભરોષો નહોતો,ગમે તે વ્યક્તિ તેની સામે જુએ તો સાચો હતો છતાં કોઈની સામે જોઈ નહોતો શકતો,એટલે સામેવાળાઓ તેને સહેલાઈથી પજવી લેતા,તે ખસી જતો,આવું તો કોલેજમાં ઘણી વખત બન્યું હતું,એટલે તે એકલો રહેવા ટેવાઈ ગયો હતો,એક વખત એક પ્રોફેસરને દયા આવતા તેણે  તેને ખાનગીમાં બોલાવી પોઝિટિવ બનવા તેમજ હિંમતથી સામનો કરવા સલાહ આપી  હતી, પણ ગમે તેમ તે અત્યાર સુધી તો એવું મનોબળ કેળવી નહોતો શક્યો,બસ, સહન કરી લેતો,ઘણા તેની સાથે સારો સબંધ બાંધવા તૈયાર હતા,પણ તેને કોઈમાં ભરોષો નહોતો.કુટુંબમાં ફક્ત તેની માં હતી જેની ઉમર પણ સાઈઠ ઉપર થઇ ગઈ હતી,તેની સુધીરને કોઈ સારો સાથ મળે ને તે લગ્ન કરી લે તેવી પ્રબળ
 ઈચ્છા હતી જેથી પોતે શાંતિના શ્વાસ લઇ શકે,હજુ ઉમર થવા છતાં તે ફેક્ટરીમાં કામ કરતી હતી,આંખોમાં કાળા કુંડાળા તેની ચિતાઓની પ્રતીતિ કરતા હતા,સુધીરને પણ તેની ચિંતા હતી,તેને તેણે વારંવાર ચિંતા ન કરવા સમજાવી હતી,પણ માનું દિલ દીકરાનું શુભ સિવાય શું જોઈ શકે! ભગવાન  પર તેને પૂરો ભરોષો હતો ,સુધીર તેની ભાવનાની કદર કરતો પણ તેને કોઈ ભરોષો નહોતો,આજે આટલી મુસીબતમાં પણ તે તેના નસીબને કોષતો હતો.અને મન તો મન છે,મગજના રસ્તાઓ ઉપર ભૂલી બિખરી યાદો જોજનો દૂર પડી હોય પણ તેને ફરતા વાર ન લાગે,તેમ સુધીર ની સ્થિતિ નાજુક હતી,તે રાહ જોઈ રહ્યો હતો કોઈ બારણું ખોલે.
અને તેની ઈંતેજારીનો અંત આવ્યો બારણું ખુલી ગયું સામે એક નવયૌવના ઉભી હતી,અંદર ફાનસનો પ્રકાશ હતો,એક ટેબલ પર કેટલાક કાગળ અને ડાયરી જેવું પડ્યું હતું,કદાચ ધર્મશાળા અંગેના   લખાણ માટે હોય શકે,
"હલો હું ચંદા."અને ચંદાને જોઈ સુધીર માં કોઈ જાતની શક્તિ ઉભી થઇ નિસાસામાં ડૂબેલું તેનું મન એકદમ પ્રફુલ્લિત થઇ ગયું,તેણે જોયું સંધ્યા દેવીના આગમનથી આકાશમાં પણ ખુશીના રંગો ભરાઈ ગયા હતા,ખબર નહિ પણ એક ખુશીનું સ્મિત તેના ચહેરા ઉપર મલકાઈ ગયું.
"હલો,રૂમ જોઈએ છે?" ચંદા એક સુંદર નવયૌવના હતી,તેના નામ પ્રમાણે તેનો વાન હતો. સુધીર એટલો ખુશ હતો તો સામે ચંદા મોટેથી બોલી,તેને કહેવાનું મન થયું હું બહેરો નથી,એકદમ કડક છોકરી દેખાઈ તેની આંખોમાં કોઈ ખુશી નહિ બસ,કામથી કામનો પ્રશ્ન હતો,તે એકલી દેખાતી હતી પણ જાણે છોકરી હોવા છતાં તેને કોઈ ડર દેખાતો નહોતો,કદાચ ધંધાએ અને વેરાનીએ તેને એવી બનાવી દીધી હોય,  આગંતુક સાથે કોઈ એવી રીતે વાત કરે.પણ સુધીરને કામથી કામ તેણે ચહેરા ઉપર એકદમ ઉપસી આવેલી ખુશીનો કંટ્રોલ કર્યો અને કહ્યું,
"હા,ચંદા"અને ચંદા ટેબલ પાસે પડેલી ખુરશી પર બેઠી અને સુધીરને સામે બેસવા ઈશારો કર્યો
"૫૦ રૂપિયા એક રાતના ને રોકડા."સુધીરે ખિસ્સામાંથી પૈસા કાઢ્યા ૧૦૦ રૂપિયા જ હતા,તેમાંથી તેણે પચાસ આપી દીધા.સામેના એક બોર્ડ ઉપર ત્રણ ચાર ખીટી ઉપરની ચાવીઓમાંથી એક ચાવી લઇ ઉભી થઇ અને સાથે સુધીર પણ ઉભો થયો ચંદાએ બાજુનો રૂમ ખોલી આપ્યો,અને બોલી
"બેડ અને પાણીની વ્યવસ્થા છે,ખાવાપીવાનો ખર્ચો જુદો થશે."
"સારું, ચંદા "અને ચંદા પાછી તેના રૂમમાં ગઈ સુધીર રૂમ ખુલ્લો રાખી બેડ ઉપર બેઠો,બહાર અંધારું ડોકિયાં કરતુ હતું હવામાં ઠંડાશ હતી અને મંદ મંદ પવન સુધીરનો થાક ઉતારી રહ્યો હતો,પહાડી  ઉપર ચારેબાજુ સખ્તાઈ હતી,સહારો તો મળ્યો , આખી ધર્મશાળામાં એક માણસ હતું અને તે પણ છોકરી અને બોલે છે તો એવું કે કોઈ માહિતી પુછવી હોય તો સીધો જવાબ મળશે કે કેમ તે એક સવાલ હતો.તેને કેમ્પ વિષે પૂછવાની ઈચ્છા થઇ પણ ચંદાનું બારણું તો બંધ થઇ ગયું.તેને લાગ્યું કે આખા દિવસનો થાક તેને મિનિટમાં ઊંઘાડી દેશે એટલે માટીના ઘડામાંથી લોટામાં પાણી લઇ મોઢા પર છાંટ્યું અને લાંબા સમયની તૃષા શાંત કરવા આખો લોટો પાણી પી ગયો.જો કે રૂમમાં બધું જૂની પ્રથા પ્રમાણે હતું પણ બધું ચોખ્ખું હતું પાણી પણ તેને મીઠું લાગ્યું.કદાચ ચંદાને હિસાબે બધું ચોખ્ખું હશે,ચંદા તરફથી એટલું બધું બહુમાન ન મળ્યું પણ તે તેનું અપમાન પણ નહોતી કરતી,થોડી ગંભીર છે પણ કદાચ અહીંનું વાતાવરણ તેને માટે જવાબદાર હશે ગમે તેમ પણ તેને સહારો મળ્યો તેનાથી તે ખુશ હતો.
હવે ખાવાપીવાનું જુદું એટલે ભૂખ તો લાગી હતી પણ પચાસ રૂપિયા જ હતા કાલે રહેવું પડ્યું તો કઈ ચંદા મફતમાં નથી રહેવા દેવાની,મજબુરીનો માર્યો ફરી સુધીર ચિંતામાં પડી ગયો અને તેણે બેડમાં પડતું મૂક્યું.પણ પાછું યાદ આવ્યું તેણે ઉભા થઇ બારણું બંધ કર્યું.અને તેની આંખો ઘેરાવા મંડી ,તે ઓસીકા પર માથું મૂકી સુઈ ગયો,થોડીવારમાં તો નસકોરા બોલવા મંડ્યા.પણ ફરી પાછી બારણા ઉપર સાંકળ ખખડી ઝબકીને જાગ્યો,તેણે બારણું ખોલ્યું.અને ચંદા સામે ચા લઈને ઉભી હતી હવે શું કરવું,તેને ખર્ચો નહોતો કરવો પણ ચા તૈયાર હતી કેમનો અનાદર કરવો.તેને કઈ સમજ ન પડી,પણ પૂતળાની માફક તે ઉભો રહ્યો , ચંદાએ ચા ટેબલ પર મૂકી ને બોલી,
"અત્યારે  ચા  પીવો, ખાવાનું કરું છું,થાક લાગ્યો લાગે છે, ઊંઘી ગયા હતા?"ઊંઘના ભારથી ભારે થયેલા મનને નવાઈ લાગી ઘડી પહેલાની ચંદા પૈસા મળતા શાંત દેખાઈ,પણ તેને જણાવી દેવાનું મન થયું તેની પાસે પચાસ રૂપિયા જ છે.તે બોલ્યો,
"હા,ચંદા જરા ઊંઘ આવી ગઈ."અને  ચંદા હસી
"એ તો અહીંની હવા જ એવી છે,વાંધો નઈ ચા પીઓ એટલે બધું બરાબર થઇ જશે ,અડધો કલાકમાં ખાવાનું થઇ જશે"અને તે ગઈ તેને પૈસાની વાત કરવી હતી પણ તે બોલી ન શક્યો હવે કાલે કેમનું થશે તેની ચિંતામાં તેણે ચાનો ઘૂંટડો ભર્યો, ચાનો ટેસ્ટ પણ સારો લાગ્યો એટલે બધું સારુંજ થશે એમ મનને આજ માટે મનાવી લીધું,થોડીવારમાં ચા પુરી થઇ.તેને ચંદા અંગે ઘણું પૂછવાનું મન થયું,પણ હમણાં તો આજની રાત શાંતિથી પસાર થાય તે વિચાર સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો,ઊંઘ તો આવતી હતી ,ખાવું નહોતું પણ બળજબરીથી ખાવું પડશે,ખબર નહિ .પણ તે વિચારે તેના પેટમાં જોરથી ભૂખ લાગી હવે છૂટકો નહોતો એટલે ઓશીકાને પેટ ઉપર દબાવી તે બેડ ઉપર બેસી ગયો અને ખોવાઈ ગયો.
અડધા કલાક પછી ચંદા ખાવા માટે બોલાવવા આવી,સુધીરે પાટલા ઉપર સ્થાન લીધું,તેણે આજુબાજુ જોયું,ખાવાની સામગ્રી સારા પ્રમાણમાં હતી,ચંદાએ ગરમગરમ રોટલી શાક અને દાળની  થાળી મૂકી,એક ડુંગરી તોડી કચુંબર બનાવી.સુધીર બોલ્યો,
"ખાવાનું જોતા જ પેટ ભરાય જાય એવું લાગે છે,ચંદા ,આટલી બધી સામગ્રી લેવા તું શહેરમાં જાય છે?"
તાવીમાં રોટલી નાખી ચંદા બોલી,
"ના,મારા બાપુજી લઇ આવે છે,અને તે શહેરમાં ગયા છે કાલે આવી જશે."ચંદાએ કહ્યું એટલે સુધીરને વાત કરવાનો અવકાશ મળ્યો
"ચંદા,જોકે, તું આ સ્થળથી ટેવાયેલી હશે,પણ અહીં એકલવાયી વેરાનીમાં તને કોઈ ડર નથી લાગતો."અને તરત બોલી
"બાબુજી વાત તો સારી કરી લો છો,એકલવાયી છોકરીની ખુબ ચિંતા થાય છે,તો અહીં જ રહી જજો,મને પણ સારું લાગશે." ચંદાના ચહેરા ઉપર સ્મિત રેલાયું તે જોઈને સુધીર ફરી બોલ્યો,
"મારુ નામ સુધીર છે,હું કોલેજમાં ભણું છું,કેમ્પમાં આવ્યો હતો,ભૂલો પડી ગયો,સારું થયું રહેવાનો સહારો મળી ગયો,નહિ તો મારુ શું થાત."
" અહીં તમારા જેવાજ મુસાફરો આવે છે ભૂલા પડેલા,એકાદ બે દિવસ રહી ,જતા રહે છે, ઘણા બધા કેમ્પમાં આવે છે."કદાચ ચંદાને સુધીર સાથે વાત કરવાનું ગમવા લાગ્યું હતું,વાત વાતમાં સુધીરે ઓડકારો ખાધો અને બોલ્યો,
" હવે બસ ચંદા ,ધરાઈ ગયો,ખુબ જ સ્વાદિષ્ટ ભોજન છે"અને ચંદા બોલી
"પૈસા પણ એવાજ લાગશે. "અને સુધીર બોલ્યો,
"બહુ બોલીને હું તને હેરાન તો નથી કરતોને ?"તરત જવાબ આવ્યો,
"ના ,ના,ધંધામાં તો બોલવું જ પડે ને !"અને થોડી રોટલી બનાવી તેણે હાથ ધોયા,સુધીર પાણી પીને ઉઠ્યો અને કહ્યું,
"ચંદા,હું પણ થાકેલો છું,કાલે વધુ વાત કરીશું,તારે કઈ કામ હોય તો, સાંકળ ખખડાવજે"અને તે બોલી
"મારે શું કામ હોય,અમારે તો રોજનું થયું,મૉટે ભાગે તો બાપા જ બધું સાંભળતા હોય,હું તો રસોઈ ને સાફ સૂફી વગેરે  સંભાળું."અને સુધીર બીજું કઈ બોલ્યા વગર તેના રૂમમાં ગયો,ચંદાએ પણ બહાર એક નજર નાખી બારણું બંધ કર્યું,રાત પડી ગઈ હતી,થાકને હિસાબે સુધીરને થોડીવારમાં જ ઊંઘ આવી ગઈ,પણ બે ત્રણ કલાક પછી તે એકદમ જાગી ગયો,રાત શાંત હતી તમરાનો અવાજ આવ્યા કરતો હતો પણ તેને લાગ્યું ચંદા કોઈની સાથે વાત કરતી હતી,તેને તપાસ કરવાનું મન થયું પણ કદાચ તેના પિતા આવ્યા હોય,એટલે મન મનાવી તે પડી રહ્યો,પણ બાજુમાં જ રૂમ હતો એટલે તેને સ્પષ્ટ સંભળાતું હતું તે કોઈ યુવાન સાથે વાત કરતી હતી,શું વાત કરતી હતી તેમાં તેને રસ નહોતો પણ તેને જાણવાની ઈચ્છા થઇ કે તે કોઈ મુસીબતમાં તો નથીને,પણ બીજી પળે તેણે વિચાર્યું ,મુસીબતમાં પણ તે શું કરી શકવાનો હતો,કોલેજમાં છોકરા ટપલી મારે તો ય સહન કરી લે તે ચંદાને કેમનો બચાવે,ગમે તેમ પણ તેનાથી ન રહેવાયું ઉભા થઇ તેણે ચંદાનું બારણું ખખડાવ્યું.ચંદાએ તરત જ બારણું ખોલ્યું,અને તેણે સામે એક પડછંદ ,મોટી મૂછોવાળો જુવાન બેઠેલો જોયો,બાજુમાં એક બંદૂક પડી હતી,યુવાનની  સામે આંખો મળતા જ તેની નજરો પાછી પડી અને યુવાન હસ્યો,ચંદા બોલી,
"શું થયું,ઊંઘ ના આવી."અને સુધીર બોલ્યો,
"ના, ના, આ તો અચાનક જાગ્યો ને અવાજ સાંભર્યો એટલે તને પૂછ્યું,"ચંદા બોલી,
"આ જયસિંગભાઈ છે,સામગ્રી આપવા આવ્યા હતા."અને એકીટસે જોતા યુવાને હાથ ઉંચો કરી સુધીરને હલોનો  ઈશારો કર્યો સુધીરે પણ માથું નમાવી તેનું અભિવાદન  કર્યું એટલે બીજી વાત ન થઇ ચંદાએ બારણું બંધ કર્યું,સુધીર બેડ પર બેઠો યુવાનને જોતા તેના હોશ ઉડી ગયા ,ઊંઘ ક્યાં ખોવાઈ ગઈ તેની ખબર જ ન પડી,ખુબ જ ઊંચો યુવાન તેને બાગી લાગ્યો,ચંબલની ખીણ નજીક હતી ,શા કારણે આવ્યો હશે,ચંદાને લૂંટી તો નહિ લે ને,અને ચંદાના ચહેરા ઉપર પણ કોઈ  ગભરાટ નહોતો,બાગી નો તેને ધાક લાગ્યો, સાંભર્યું હતું કે ચંબલના ડાકુ ખુબ જ ભયાનક હોય પણ આજે તે તેની બિલકુલ બાજુના રૂમ માં જ હતો,તે સપનું ન હતું,તેની પાસે બંદૂક પડી હતી.પણ ચંદાએકદમ બરાબર દેખાતી હતી ,કદાચ તેને બાગીનું દબાણ પણ હોય,તેનું મન જાત જાતના ભયના વિચારોમાં ઊંઘ ખોઈ બેઠું,આવા દ્ર્શ્યની સામે કોને ઊંઘ આવે.! ,તે બેઠો રહ્યો.જાણે મોત ડોકિયાં કરતુ હોય.તેણે લોટામાંથી પાણી પીધું તેની પણ તેને ખબર ન પડી. બે એક કલાક પછી ચંદાના રૂમનું બારણું ઉઘડવાનો અવાજ આવ્યો,સુધીર બધીજ પરિસ્થિતિને ખુબજ ઝીણવટથી સાંભળતો હતો,યુવાન બોલ્યો
"ચાલ તો ચંદા આવજે " અને આવજેના જવાબ સાથે  ચંદાનું બારણું બંધ થયું.તેના પગરખાનો અવાજ
સંભળાતો હતો તે જઈ રહ્યો હતો,રાત એટલી શાંત હતી કે પગરખાનો અવાજ પણ સ્પષ્ટ સંભળાતો હતો.તેને જતો જોઈ સુધીરે હાશકારો અનુભવ્યો,પણ બંધ થયેલો પગરખાનો અવાજ ફરી સંભળાવા લાગ્યો અને તે તેના બારણે અટક્યો,સુધીર ગભરાયો તેણે સાંકળ ન ખખડાવી પણ ખાતરી કરવા સુધીરે જ બારણું ઉઘાડ્યું.પેલો યુવાન ત્યાં ઉભો હતો.તેણે ઇશારાથી અંદર આવવાની પરવાનગી માંગી સુધીર નકારી ન શક્યો,સુધીરને થયું ચંદા આવે તો સારું,તેને થોડો ગભરાટ થયો.પણ યુવાન ખાટલા પર બેઠો,બેનાળી બાજુ પર મૂકી બોલ્યો

"સુધીર,મને બહુ  સમય નથી,અને તમે પણ થાકેલા હશો,મારા હાવ ભાવ ડ્રેસ થી તમને  થોડીક તકલીફ થઇ હશે,પણ એ અંગે બહુ ચર્ચા ન કરતા,હું એક વિનંતી કરવા પાછો આવ્યો છું,જોકે મારી તમારી મુલાકાત પાંચ મિનિટ કરતા પણ ઓછા સમયની હતી,પણ જો તમે કોલેજ પછી વિવાહિત થવા માંગતા હો તો,અમારી બેન ચંદાની ઈચ્છા છે,જો કે તેના હાવભાવથી મેં તેને દબાણ કરીને પૂછી લીધું હતું અને  કાલે તો તમે જતા રહેશો એટલે તે કહેતી હતી કે તમે કોલેજમાં ભણો છો અને ચંદા બહુ ભણી નથી,એટલે એ વાત નો કોઈ અર્થ નથી.કાકાની પણ ઉમર થઇ એટલે તેમની પણ ચંદાને સારા ઘરમાં વિવાહિત કરવાની ઉગ્ર ઈચ્છા છે,ચંદા તો પોતાની વાત નહિ કહે એટલે મને થયું કે આવ્યો છું અને યોગ્ય વ્યક્તિ છો તો જણાવતો જાઉં,કોઈ દબાણ નથી,ના ગમતું હોય તો કઈ વાંધો નહિ.દરેક દરેકના નસીબ"
ઊંડા વિચારમાં ઉતરી ગયેલા સુધીર અને એક ભાઈ તરીકે બેન માટે વાત કરી રહેલો ગંભીર માણસ ને જવાબ તો આપવો જ પડે,એટલે સુધીર બોલ્યો,
"ચંદા સુંદર છે પણ મારુ કુટુંબ ફક્ત બે વ્યક્તિનું છે હું અને મારી માં,માં ફેક્ટરીમાં કામ કરે છે,એટલે પૈસે ટકે,અમે મીડીયમ વર્ગના કહેવાય,માની પણ ઈચ્છા મારા વિવાહ જલ્દી થાય તેવી છે,અને કોલેજમાં મારે એવી કોઈ ખાસ દોસ્તી નથી ,પણ આ હકીકત છે, મને પણ ચંદા, તેની મજબૂતાઈ અને આંખોના તેજને જોતા જ ગમી ગઈ હતી,પણ એવી હિમ્મત થોડી કરાઈ,એટલે તમે મારા મનની વાત કરી છે."અને યુવાન હસ્યો અને ઉભો થયો,
"હમણાં જ પૂછી લઉં,મારી બેન છે.'હા' હોય તો નક્કી, ખરું.?"અને જવાબમાં સુધીર કઈ ન બોલ્યો પણ માથું નમાવી હકાર ભણી.
ફરી એકવાર ચંદાના બારણે ટકોરા પડ્યા ,બારણું ખુલ્યું,હસતા ભાઈને જોઈ ચંદા સમજી ગઈ ,શરમાઈ ગઈ ,વાત થઇ, સંમતિ થઇ, એ રાત તો ખુશીની રાત તરીકે પસાર થઇ ગઈ પણ પછી કાકાના આવ્યા પછી જે થવાનું હતું તે થયું અને આમ  વેરાનીમાં ચંદાના પ્રકાશનો સ્ત્રોત એક ભૂલા પડેલા મુસાફર સુધીર સાથે જોડાઈ વહેતો થયો.


-મહેન્દ્ર ભટ્ટ.

Friday, April 20, 2018

વૈષ્ણવ સંતો


વૈષ્ણવ સંતો

Stamp on Tulsidas


વૈષ્ણવ સંતો જ્યારે મળતા ત્યારે ભક્તી અંગે કૈક ચર્ચા થતી,એક વખત સંત તુલસીદાસ અને સંત સૂરદાસનો ભેટો  થયો તુલસીદાસ બોલ્યા
"'જય સિયારામ"
 તો સુરદાસે જવાબ આપ્યો
" જય ગોપાલ "
બંને વિખ્યાત સંતો એક સિયારામ ની વાત કરે બીજા બાલ ગોપાલની બંને ભગવાનના ભક્તો તેમાં તુલસીદાસે કહ્યું
"હવે તો રામની  બાજુ આવી જાવ" સુરદાસે કહ્યું
"શા માટે, હું લડ્ડુ ગોપાલને માનું છું "તો તુલસીદાસે કહ્યું
"ચાલો નક્કી કરીએ કોણ મોટું "સુરદાસ સંમત થયા પણ કેવી રીતે તે પ્રશ્ન કર્યો તુલસીદાસે ઉપાય બતાવ્યો "એક ત્રાજવામાં હું બેસું અને બીજામાં તમે જે પલ્લું  નીચે નમે તેના ભગવાન મોટા "સુરદાસે સંમતિ આપી અને હરીફાઈ થઇ તુલસીદાસે જયસીયારામ કહ્યું અને સુરદાસ જય ગોપાલ કહી પલ્લામાં બેઠા પણ તુલસીદાસનું પલ્લું નમી ગયું એટલે તુલસીદાસ બોલ્યા ,
"હવે તો માની ગયાને? " સુરદાસને ખોટું લાગ્યું તે લડ્ડુગોપાલને ગમે તેમ બોલતા પોતાની લાકડી લઇ યાત્રાના રસ્તે એક ઝૂંપડીમાં આવી બેસી ગયા ત્યાં લડ્ડુ ગોપાલ પ્રગટ થયા અને કહ્યું ,
"સુરદાસ નારાજ છો ?" તો સુરદાસ કઈ ન બોલ્યા અને ભગવાને આંગળી અડાડી ટીખળ કરી
" શું થયું, સુરદાસ? "તો બોલ્યા,
" મારે તમારી સાથે  વાત નથી કરવી ".તો ભગવાને પૂછયું
"કેમ ?" અને સૂરદાસનો મિજાજ બગડ્યો બોલ્યા,
"રાક્ષસોને મારી શકો છો,દુનિયાને તકલીફમાં મદદ કરો છો ,હું પણ રોજ ભક્તિ કરું છું મારી વાત આવી ત્યારે પાણીમાં બેસી ગયા ,પલ્લામાં તમારું નામ દઈને બેઠો હતો તો થોડા ભારે  ન થવાય તુલસીદાસ સામે મારી આબરૂ ગઈ પણ તમારે શું? સૂરદાસનું જે થવાનું હોય તે થાય.આમ ભક્તોની લાજ રખાય".અને પ્રભુ હસ્યાં ,"કરો,જેમ મશ્કરી કરવી હોયતેમ". અને ભગવાન બોલ્યા
"ઉભારો, ભૂલ તમારી છે. ખરું કહેજો તમે પલ્લામાં બેસતા પહેલા શું કહ્યું હતું.?" સુરદાસ બોલ્યા
"જયગોપાલ "પ્રભુએ કહ્યું
"અને તુલસીદાસ શું બોલ્યા હતા ?"
"જય સીયા રામ  "પ્રભુ બોલ્યા,
" તો એ બતાવો બે વધારે કે ત્રણ "સુરદાસ બોલ્યા
"ત્રણ જ હોય ને ,પણ તમે કહેવા શું માંગો છો ?"પ્રભુએ કહ્યું
"તમે લડ્ડુ ગોપાલનું નામ લીધુ એટલે.એક નાનું બાળક અને તમે પણ હલ્કાફૂલ ને સામે ત્રાજવે રામ સીતા અને તુલસીદાસ ત્રણ હવે કયું પલ્લું નમે ,તમે જ કહો ..!"અને પ્રભુની વાત સુરદાસ માની ગયા અને લડ્ડુ ગોપાલને થેલામાં નાખી જય શ્રી કૃષ્ણ બોલતા દોડ્યા તુલસીદાસ પાસે અને કહ્યું
" ચાલો ફરી હરીફાઈ કરીયે મારી ભૂલ થઇ" તુલસીદાસ બોલ્યા,
" તમને જેણે ભણાવીને મોકલ્યા તેની મને ખબર છે પણ હરીફાઈ થઇ ગઈ હવે ફરીથી ના થાય કેમકે જો થાય તો તમે રાધે કૃષ્ણ કહી ને બેસો પણ પછી કોઈ પલ્લું નમે નહિ" અને સત્યને માની સુરદાસ હસી પડ્યા અને બંને ભક્તો રામ સિયા કે રાધે કૃષ્ણનો ભેદભાવ ભૂલી પ્રેમથી ભેટી પડ્યા.


રજુઆત મહેન્દ્ર ભટ્ટ

Wednesday, April 18, 2018

દેવદાસનું ભૂત

દેવદાસનું ભૂત 



ગામમાં પાદરે બસ ઉભી રહી,તેમાંથી ચશ્મા પહેરેલ એક યુવાન ઉતર્યો,તેના હાથમાં બે ત્રણ પુસ્તકો હતા એટલે કદાચ કોઈ વિદ્યાર્થી હતો પણ તેની ઉંમર હિસાબે તે કોલેજમાં ભણતો હોય એવું અનુમાન કરી શકાય
ઉતર્યા પછી તેની નજરો અને ચહેરો  તેના અજાણ્યા પણાંની ચાડી ખાતા  હતા  અને તેની અસર હનુમાનની ડેરી બહાર બેઠેલા ચાર પાંચ યુવાનો ઉપર થઇ તેમાંથી એકે ઉભા થઇ પેલા યુવાન તરફ સીધું પ્રયાણ કર્યું નાનું ગામ હતું અને મોટે ભાગે ખેતીનો ધંધો હોવાથી ગામના ઘણા યુવકો નવરાશમાં આમ સમય પસાર કરવા ગપ્પા મારતાં બેઠા હોય,આજુબાજુના ઘણા મોટા ગામો સાથે શહેરનું જોડાણ હોવાથી કલાકે કલાકે બસો આવતી અને તેમાંથી અજાણ્યો યુવાન ગામ તરફ જતો હતો અને એકદમ સામે આવેલા યુવાનથી તે સજાગ થયો,પેલાએ પૂછ્યું,
“ક્યાંથી આવો છો,સાહેબ”અને સજાગ યુવક ચોંક્યો
“જુઓ,હું રાઘવ છું,અને પુષ્પાને ત્યાં આવ્યો છું “
“અચ્છા તો મામલો ઘણો ગંભીર છે,રાઘવભાઈ પણ પુષ્પાને મળતા પહેલા સામે બેઠેલા મારા મિત્ર બુધ્યાભાઈને મળવું જરૂરી છે,પછી હું જાતે પુષ્પાને ત્યાં લઇ જઈશ”સામે ઉભેલી મુસીબત કોઈ તોફાનના એંધાણ બતાવતી હતી પણ અજાણ્યા ગામમાં સામનો કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો,રાઘવ પેલા યુવક સાથે ગયો તો ત્યાં ખરેખર યુવાનોની આંખોમાં તોફાન દેખાયું ,
“બુધ્યાભાઇ,આ રાઘવભાઈ છે ને પુષ્પાબેનને ત્યાં આવ્યા છે” અને ત્યાં એક હાસ્યનું મોજું ફરી વળ્યું.
“જુઓભાઈ,પુષ્પા આ ગામની દીકરી છે અને સીધે સીધું કહું તો તે એક મોટા ઘરની દીકરી છે,જો તમારા આવવવાની તેના ઘરને ખબર ન હોય તો તમે મળી ન શકો,તમારે અહીથીજ પાછા જવું પડશે “રાઘવની આંખો પહોળી થઇ ગઈ,પ્રશ્નાર્થ તેની પાંપણે આવી લટકી પડ્યું ,તે ડેરીના ઓટલે બેસી પડ્યો યુવકો એકબીજા સામે જોવા લાગ્યા.
"આને દેવદાસનું ભૂત વળગ્યું લાગે છે."પેલી ટોળીમાંથી એક જણ બોલ્યો,રાઘવ સમજી ગયો હવે વાત વધુ બગડવા માંડી હતી,ગામના યુવકો છે,શહેરના છોકરાઓ પોતપોતાના ધંધામાં વ્યસ્ત હોય એટલે કદાચ મજાક મશ્કરી થાય તો વાતચીતમાં જ ક્યાંક અટકી જાય પણ તેને લાગ્યું કે અહીંના આ યુવકો ને શહેર સાથે સરખાવી ન શકાય,જો ગુસ્સો કરવા જાય તો જરૂર તેની મરામત થઇ જાય,શહેરમાં તો સાથી વિદ્યાર્થીની મદદ પણ મળે પણ અહીં કોણ,તે એકલો પુષ્પાને ઓળખે છે,પણ બુધ્યાની અટકાયત સામે શું દલીલ કરવી,તો શું તે પુષ્પાને નહિ મળી શકે,તેને તો તેની વાત કહેવી હતી એટલે તે અહીં સુધી ખેંચાઈ આવ્યો છે, ભવિષ્યની ખબર નથી પણ શરૂઆતમાં જ મુસીબતો નો ઢગલો થઇ જાય તો શું કરવું,
પણ જયારે મન કૈક ચોક્કસ ઉદેશ માટે નક્કી કરી લે પછી કોઈ પણ ભોગે પોતેજ સાચું તેમ માની દુનિયાના નિયમો તરફ બેદરકાર થઇ જાય, અને ખોટું તે ખોટું પછી ખોટાને સાચું કરવા જીદ કરવી તો શરીરનું પોટલું બનાવીને સમાજ બહાર ફેંકતા વાર ન લગાડે,રાઘવ શિથિલ થઈને યુવકોની મશ્કરી સાંભળો રહ્યો,પણ તેને પાછું નહોતું જવું,એટલે મક્કમ નિર્ણય સાથે ઉભો થયો,એટલે એક યુવકે કહ્યું,
"બસ આવવાને અડધો કલાકનો સમય છે,"અને રાઘવે હાથ જોડી કહ્યું,
"જુઓ હું પુષ્પાનો મિત્ર છું,અમે કોલેજમાં સાથે ભણીયે છીએ,અમે ગાઢ મિત્રો છીએ,પણ કેટલીક વસ્તુઓ કે પ્રશ્નના રૂપમાં છે અને ખાનગી છે તે તમને ન કહી શકું માટે પુષ્પાને મળવું જરૂરી છે."
અને યુવકોના ચહેરા ઉપર તેને વધુ ગુસ્સો દેખાયો,વાત વણસી,તેના જોડેલા હાથનું મૂલ્ય ઝીરો થઇ ગયું.
"એટલે તું નહિ માને,ખરુંને?"બુધ્યાએ પૂછ્યું,રાઘવ બોલ્યો,
"અરે,ભાઈ મને સમજવાની કોશિશ કરો,હું અહીં લડવા નથી આવ્યો,મને જવા દો,હું મારી જાતે પુષ્પાનું ઘર શોધી લઈશ,તમે શા માટે રોકો છો?"રાઘવે વિનંતી કરી.
"અમે,ભાઈયો છીએ,આ ગામની દીકરીના એટલે,તારા જેવા મવાલીને જાણ્યા વગર પુષ્પા પાસે મોકલી દઈએ,!!"અને એકે ઉભા થઈ તેનો હાથ ખેંચ્યો,એટલે માથાકૂટ વધે તે પહેલા ગામના એક વડીલ ત્યાંથી પસાર થતા હતા તેમણે આ જોયું અને યુવાનો વચ્ચે પડી સમજાવટ કરી,વડીલને પણ લાગ્યું કે દીકરીની બાબત છે,તેની પાસેથી જાણ્યા વગર ગમે તેને મળવા ન દેવાય એટલે યુવકો પાસે રાઘવને છોડી તે પુષ્પાના ઘરે ગયા.રાઘવને પણ લાગ્યું કે માથાકૂટ કરવામાં મઝા નથી,તેના મનમાં છેવટે કૈક આશા જાગી.પછી તે પાછો ડેરીના ઓટલે બેસી ગયો,યુવકો પણ કોઈ નવી ચહલ પહલના સંચારે રાહ જોવા લાગ્યા.દેવદાસનો શબ્દ હવે ગામે ગામ જાણીતો થઇ ગયો હોય, તેમ તેનો પ્રયોગ વારંવાર સાંભળવા મળતો.કોલેજોમાં યુવકો અને યુવતીના ટોળા હોય,તેમાં ગંભીર રીતે ભણવા વાળા નો સમુદાય બહોળો હોય પણ મઝાક મશ્કરીયાનું નાનું ગ્રુપ પણ તેઓને ભારે પડતું હોય.સિક્યુરિટીની મોટી વ્યવસ્થા હોય પણ ધમાલિયાને સંભાળવાની તેમને પણ તકલીફ પડે.
પેલા વડીલ ગામમાં સીધા પુષ્પાને ત્યાં પહોંચ્યા પુષ્પાના પિતા હીંચકા પર બેઠેલા હતા વડીલને જોતા તરત બોલ્યા, “ આવો આવો  હરજીભાઇ, આજે કઈ આ બાજુ ભૂલા પડ્યા,ખેતરે ગયા તા ?”
“ હા,થોડું નિંદામણ કરી આવ્યો.” અને વાત અટકાવી પ્રેમજીભાઈએ બૂમ પાડી
“બેટા,પુષ્પા પાણી લાવજે,હરજીકાકા આવ્યા છે “અને અંદરથી કોયલના ટહુકાર જેવો અવાજ આવ્યો
 “લાવી બાપુ “ અને થોડીવારમાં નમણી કોલેજકન્યા પાણી લઈને હાજર થઇ સાથે તેની માં રેવા પણ આવી અને હરજીભાઈને નમસ્કાર કર્યા.અહીં કોઈ મહેમાન આવે તો ઘરના બધા સભ્યો સ્વાગત કરે,પુષ્પાનો ભાઈ રોનક બહાર ગયો હતો એટલે તેની ગેરહાજરી હતી,
 “અરે રેવા, બેકપ ચા તો બનાવ,હું ને હરજીભાઇ બંને થોડા ગરમ થૈયે “અને હરજીભાઈની  ના છતાં રેવાબેન “હરજીભાઇ ઘણા વખતે આવ્યા છો ,બેસોને હમણાં બની જશે “ એમ કહેતા રસોડામાં ગયા ને પુષ્પાએ બાપા ને કાકા વચ્ચે બેસી હીંચકાને પગથી ઠેસો માર્યો અને હસી ,અને સાથેજ વડીલો ખુશ થયા
 “પ્રેમજીભાઈ,પુષ્પા તો ઘરની રોનક છે”અને પેમજીભાઈ તરત બોલ્યા
 “ રોનક તો છે જ ,અહીં ક્યાં ખાવા પીવાની ખોટ,પણ પારકી થાપણ,કાલે તેના ઘેર.” અને હરજીભાઇ બોલ્યા , “દીકરીની શોભા તેના સાસરે “તરત પુષ્પા બોલી
 “હું તો લગ્ન જ નથી કરવાની” અને એક ખુશીની લહેર વચ્ચે રેવાબેન ચા લઈને આવ્યા ,પણ ચા પીતાંપીતા હરજીભાઈએ જે કહેવાનું હતું તે કહી દીધું
 “ બેટા,રાઘવ નામનો કોઈ છોકરો તને મળવા આવ્યો છે ,કે છે તારી સાથે ભણે છે,તારી સાથે કઈ વાત કરવી છે એવું તે કહેતો હતો “ દીકરીની આસપાસ છવાયેલું વહાલનું વાદળ વિખરાઈ ગયું અને ચિંતાઓ હિબકારા મારતી માં-બાપની આંખો પલાળતી ગઈ પણ પુષ્પા બોલી,
“કાકા ,રાઘવ પાગલ છે કોલેજના એક ફંક્સન માં તે મારો પાર્ટનર હતો અને કલાકાર ફક્ત કલા પૂરતો સબંધ હોય,પણ પાછળ પડ્યો છે અહીં આવીને હદ કરી છે,હવે કઈ કરવું પડશે,ચાલો હું આવું છૂ ”
“કઈ જવાની જરૂર નથી,"
પ્રેમજીભાઈના ઈશારે બધાની નજર ફેરવાઈ,પ્રેમજીભાઈના બોલમાં ધીરાશ હતી એટલે પુષ્પા પ્રત્યે તેમનો વિશ્વાસ હજી કોઈ હેરાન ગતિનો ન હતો કેમકે કદાચ તે જાણતા હતા આજની દુનિયા અને તેના યુવાનો વિષે તેમણે આગળ કહ્યું,
"હરજીભાઇ,જો તમને વાંધો ન હોય તો યુવાનને અહીં લઇ આવો."અને તરત પુષ્પા બોલી
"પણ બાપા ,અહીં આવી તે તમારી દેખતા ગમે તેમ બોલશે તે હું સાંભળી નહિ લઉં"પુષ્પાની વાત કહેવાની રીત એકદમ તેજ જોઈ રેવા બેનથી ન રહેવાયું બોલ્યા,
"બેટા,જે કઈ હોય તે તારા બાપાને આજે કહી દેજે,નહિ તો તારો ભાઈ આવશે તો તોફાન કરી  પાડશે."
"માં એવું કઈ નથી,વિશ્વાસ રાખ આ એક પાગલ માણસ છે,કોલેજમાં બધા છોકરાઓ મઝાક મસ્તી તો કરતાજ હોય છે,આની સાથે મારો રોલ હતો અને તે મને કહેવા મંડ્યો છે હું તને ખુબ પ્રેમ કરું છું,હવે કોલેજમાં પણ બધા મઝાક કરે છે,એટલે હું તેનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરું છું પણ  તે હવે અહીં સુધી આવી ગયો છે."પુષ્પાએ પોતાની વાત દિલ ખોલીને કરી દીધી.એટલે હરજીભાઇ તરત બોલ્યા
"પ્રેમજીભાઈ,હું વચ્ચે પડ્યો ન હોત તો  બુઢિયો તેની મરામત કરી નાંખતે."
"ના ના એવું કઈ કરવાની જરૂર નથી,એમ કઈ મારવાથી કોઈ મુસીબત ન ટળે,એને અહીં લઇ આવો પુષ્પા,આપણે તેને શાંતિથી સમજાવીશું.પછી ન માને તો કાયદેસર જે કરવાનું હોય તે કરીશું.પણ પહેલા તેનું ગાંડપણ દૂર કરવું જરૂરી છે.મારપીટ કરવાથી મુસીબત થોડીવાર ટળી  જાય પણ પછી તારે તેજ કોલેજમાં ભણવાનું હોય તો ફરીથી હેરાનગતિ થાય, તેને માટે પણ ઉપાય છે,પણ હાલ પૂરતું તેની સાથે વાત કરી તેને જાણવાની જરૂર છે.એટલે તેને અહીં લઇ આવો."અને હરજીભાઇ ગયા,શાંત અને એક મોભાવાળા ઘરમાં મુસીબતો ના  વાદળો ફરી વળ્યાં,રેવાબેનનો ચહેરો પુષ્પાના સમજાવ્યા છતાં માયૂષ થઇ ગયો અને તે શાંત થવા રસોડામાં જતા રહ્યાં.
પુષ્પા વિચારોની હારમાળામાં અટવાઈ ગઈ,કોલેજના દ્રશ્યોની ઝડી લાગી ગઈ કે જ્યાં રાઘવની આકૃતિ તેની પાછળ પ્રેમનો ઝંડો ફરકાવી ઘસતી દેખાઈ,બચાવ કરતી તે તેને મર્યાદા બતાવતી રહી,પણ કોલેજનું વાતાવરણ તો ફક્ત મસ્તીને જોતું રાઘવને દેવદાસનું તખલ્લુસ દઈ બેઠું,તેની ખાસ સહેલીઓ પણ ધીરે ધીરે તેનાથી છેડો ફાડતી ટોળામાં ભળી ગઈ,તે એકલવાયી ઝઝૂમતી રહી અને રાઘવ તેનો પીછો કરતો હવે તેના ગામ અને ઘરમાં આવી રહ્યો હતો,ડેરીના યુવકોએ તો તેને દેવદાસનું ભૂત બતાવી દીધું,હવે તેનો કેમનો સામનો કરવો તેના વિચારો તેની શ્વાસોની રિધમ વધારી ગયા.હરજીકાકા ગયા અને થોડીવારમાં તેને લઈને આવ્યા.તેને જોતા જ પ્રેમજી ભાઈનું આંખો ઢળી ગઈ,ચશ્માવાળો યુવાન દેખાવમાં તો કોઈને ગમે તેવો ન હતો તો પુષ્પાએ તેની સાથે કેમનો રોલ કર્યો.પણ તે પ્રેમજીભાઈ સામે હાથ જોડીને ઉભો રહ્યો રસોડામાંથી રેવા બેન ધસી આવ્યા.પુષ્પા કઈ બોલવા જતી હતી તેને પ્રેમજીભાઈએ રોકી,
"જો ભાઈ રાઘવ,હું પુષ્પાનો ફાધર છું,અને તને શાંતિથી એક જ વસ્તુ કહું છું ,તું પુષ્પાનો પીછો છોડી દે,તે તને બિલકુલ પસંદ નથી કરતી,તે તારે માટે યોગ્ય નથી.અને તું તેમ નહિ કરે તો તારે ઘણું સહન કરવું પડશે,હવે અહીંથી જેમ આવ્યો તેમ જતો રહે અને મને ખબર પડી કે હજુ તું મારી દીકરીને હેરાન કરે છે તો હું તને જેલભેગો કરીશ. હવે આને તારે ધમકી સમજવી હોય તો ધમકી પણ હવે ચાલતી પકડ,ગામના છોકરાઓ જો હેરાન કરવાનું ચાલુ કરશે તો હું બચાવી નહિ શકું.માટે ચુપચાપ  ચાલ્યો જા."અને રાઘવ વિનંતી કરતો બોલ્યો,
"સર,તમે વડીલ છો,હું અહીં લડવા નથી આવ્યો,હું પુષ્પાને દિલથી ચાહું છું,અને તેને પણ મારા માટે લાગણી છે,ભલે તે તમારી સામે ના પડે.પણ હું તેને કેટલીય વખત કોલેજમાં પૂછતો રહ્યો પણ તે વાત જ નથી કરતી,એટલે અહીં આવ્યો છું,જો એકવાર તે મને કહી દે તો હું ચાલ્યો જઈશ,"
અને પુષ્પાનો જોરદાર અવાજ આવ્યો,
"મૂરખ મને ખરાબ શબ્દો બોલતા નથી આવડતા, પણ તારી સામેં  કોઈ છોકરી જોશે પણ નહિ,મારા કમનસીબ કે મેં તારી સાથે રોલ કર્યો.તારી મૂર્ખાઈની હદ તે વટાવી દીધી,અરીસામાં તે તારો ચહેરો જોયો છે ?,.બધા મારી સામે ટીકી ટીકીને જુએ છે ,તારી પાસે આબરૂ જેવી વસ્તુ હોય તો ચાલ્યો જા." અને તેનો હાથ બારણા બાજુ ઊંચો થઇ ગયો."અને પ્રેમજીભાઈ ઉભા થયા.રાઘવ ખચકાયો,પણ બોલ્યો,
"જતો રહું છું,અને તને ક્યારેય હેરાન નહિ કરું ફક્ત તને પૂછવા અહીં સુધી ખેંચાઈ આવ્યો હતો,પણ ચહેરાને જોઈને પ્રેમ ન કરતી,પ્રેમનું સ્થાન દિલમાં છે અને દિલથી તું મને ભલે ભૂલી જાય પણ હું તને નહિ ભૂલું,વચન આપું છું કે તને હવે ક્યારેય હેરાન નહિ કરું." ખબર નહિ પણ તે નિરાશ ચહેરે બીજું કઈ પણ બોલ્યા વગર જતો રહ્યો,વચ્ચે ડેરી ઉપર બેઠેલા,છોકરાઓએ ટકોર કરી,
"રાઘવ ,આવજે પાછો ન આવતો, નહિ તો પથરા પડશે.,"અને રાઘવ નીચું ઘાલીને ચાલતો રહ્યો.
કોઈ બોલ્યું "દેવદાસનું ભૂત " પણ તેણે સાંભળ્યું ન સાંભર્યું અને બસ આવી એટલે તે જતો રહ્યો,


એક મોભાના ઘરમાં અમાનુષી વાત ઘરના દરેક સભ્યોને અસર કરતી ગઈ પછી તો રોનક પણ આવ્યો અને તેનો ગુસ્સો આસમાને પહોંચે તે પહેલા પ્રીતમભાઈએ તેને આ દીકરીનો કેસ છે અને તેના માટે સમજી વિચારીને પગલાં ભરવા પડે,ગમે ત્યારે ગમે તે કુટુંબમાં કોઈ પણ વસ્તુ બને ,ગુસ્સો એ બધાનું સમાધાન નથી,આજ સુધી આ ઘરમાં એવું કઈ બન્યું નથી માટે આપણે અજાણ છીએ,પણ હવે બન્યું તો સજાગ થવાની જરૂર છે.અને બાપાની વાત થી રોનક સંમત હતો,પણ પછી દિવસો વીતતા ગયા, પછી પુષ્પાને કોલેજ બદલાવી પણ પેલા રાઘવ તરફ્થી કોઈ હેરાનગતિ ના થઇ,કોઈ પણ દુઃખનું સમાધાન સમય  થી જ થાય તેમ,પ્રીતમ ભાઈનું કુટુંબ પણ સહજ થઇ ગયું.
પણ ગામની હવાએ આ બનાવની નોંધ લઇ, પુષ્પાને કોઈ આશંકાના ઘેરામાં ફસાવી દીધી અને તેમાંથી છૂટવા વખત જતા પ્રેમજીભાઈએ એક આફ્રિકાથી પોતાના પુત્રનું લગ્ન કરાવવા આવેલા એક કુટુંબમાં પુષ્પાને પરણાવી દીધી,પાંચ વર્ષનો સમય પસાર થઇ ગયો,આફ્રિકામાં રહેતી દીકરી માટે શરૂઆતમાં ખુબજ સારું રહ્યું,પ્રેમજીભાઈને પણ શાંતિ થઇ પણ બે વર્ષમાં રેવાબેન ન રહ્યા,એક હાર્ટએટેક તેમને ભરખી ગયો,રોનકે લગ્ન કર્યા એટલે થોડો સમય ફરી પાછો  ખુશીનો માહોલ સર્જાયો,વહુ સારી હતી,પણ દીકરીની વાત અને રેવાબેનની વિદાય પછી પ્રેમજીભાઈ જાણે એકલવાયા થઇ ગયા,કુટુંબ પાસે હજુ પૈસા બાબતની ખોટ ન હતી,આટલી જિંદગી ન હારેલા પિતાજીનું એકલવાયું રોનકે પણ નોંધ કર્યું,અને પુત્રના હિસાબે જે કરવું પડે તે તેણે કર્યું ,થોડો સમય સારું લાગ્યું ,પણ પછી એક દિવસ પુષ્પાના ઘરમાં માથાકૂટ થઇ,પતિની ખોટી આદતો માટે કહ્યું અને એક છોકરીની માને પતિએ છૂટાછેડા આપી દીધા,મજબૂત પુષ્પા એક સારી નોકરી કરતી એક વર્ષ તો રહી પણ પછી બેટીને લઇ પિતાની સંમતિથી ફરીથી પ્રેમજીભાઈને ત્યાં આવી ગઈ,તેને અહીં  સેટ કરવામાં તેની ભાભીએ ખૂબ જ સાથ આપ્યો,અને પુષ્પા ઝડપથી સેટ થઇ ગઈ.અને તેનું એક મોટી ફર્મમાં ઇન્ટરવ્યું નીકળ્યું ઘરના બધા સભ્યોની સંમતિથી તે ઇન્ટરવ્યૂ માટે ગઈ ,ભાઈ ભાભી પણ સાથે ગયા.દીકરીની મજબૂતાઈ જોઈ  પ્રેમજીભાઈ પણ મજબૂત થઇ ગયા,તેમનો સમય પસાર કરવા હવે તેમની સાથે નાની ગુડિયા હતી.પુષ્પાને નોકરી મળી ગઈ,હવે ફરીથી આ ઘર ખુશીયોથી ભરાઈ ગયું.એક દિવસ પુષ્પાનો બોસ તેમજ કેટલાક મિત્રો તેના ગામ આવ્યા,જયારે પુષ્પાનો બોસ પ્રેમજીભાઈ ને મળ્યો ત્યારે તેમની આંખો જીણી થઇ, અને તેને ઓળખી લીધો હોય તેમ બોલ્યા
"તું રાઘવ તો નહિ" અને આખું કુટુંબ ત્યાં આવી ગયું,પુષ્પા પણ તેને ઓળખી  શકી ન હતી તે ફક્ત તેને બોસ જ સમજતી હતી.આટલા વર્ષો પછી બધું બદલાઈ ગયું તો રાઘવ કેમ ન બદલાય.તે એક મોટી ફર્મનો મેનેજર હતો.રાઘવ માટે અત્યારે કોઈને ફરિયાદ ન હતી કેમકે તેણે પુષ્પાને ક્યારેય ફરી હેરાન કરી ન હતી.પણ પ્રીતમભાઈએ જે શોધ કરી તે સામે પુષ્પા ખુશ થઇ ગઈ,રાઘવે તેની વાત કરી તેણે હજુ લગ્ન નહોતા કર્યા,જો પુષ્પા હજુ પણ લગ્ન કરવા ઇચ્છતી હોય તો કોઈ પણ દબાણ વગર રાઘવ તેને દીકરી સાથે અપનાવવા તૈયાર હતો,અને જ્યાં બધું સારું જ થતું હોય ત્યાં પુષ્પાએ પણ તેની વાતનો સ્વીકાર કર્યો,શરણાઈએ તેના સુર રેલાવ્યા.અને ઘરની બગડેલી બાજીને દેવદાસના ભૂતે ફરી સંભાળી લીધી.

-મહેન્દ્ર ભટ્ટ. 

Monday, April 9, 2018

જલારામ બાપા

જલારામ બાપા 


વીરપુરમાં રહેતા એક શ્રીમાન ધંધાદારી શ્રી પ્રધાન ઠાકર,જેમની ખુબજ ધર્મિષ્ઠ અને માયાળુ પત્ની શ્રીમતી રાજબાઇ ને પુત્રનો જન્મ થયો જેનું નામ બોઘનભાઈ રાખવામાં આવ્યું. તે જ્યારે પાંચ વર્ષનો થયો ત્યારે સંત શ્રી રઘુવીરજી અને બીજા સાથી સાધુઓ વીરપુરમાં આવ્યા,આ સાધુ સંતો દ્વારકાની જાત્રાએ જઈ રહ્યા હતા, તેઓએ વીરપુરના લોકોને ખાવા અંગે કોઈ વ્યવસ્થા માટે પૂછ્યું,એક માણસે કહ્યું તમો પ્રધાન ઠાકરને ત્યાં જાઓ તેઓ તમને જમાડશે,અને તેઓ તેમને ત્યાં ગયા તો પ્રધાન ઠાકર તેમજ તેમના પત્ની રાજબાઈએ તેમનું ખૂબ જ ભાવભર્યું સ્વાગત કર્યું અને હૃદયના ખરા ભાવથી રાજબાઈયે તેમના માટે તરત રસોઈ બનાવી દીધી,અને જેમાંથી સંતો ખૂબ જ સંતોષ પામ્યા,અને રાજબાઈને આશીર્વાદ આપતા કહ્યું

"માતા,હવે તમારું શુભ થવાનું છે,તમારે ત્યાં બીજા પુત્રનો જન્મ થશે તે ખૂબ જ ધર્મિષ્ઠ અને આખા કુટુંબની  ૭૨ પેઢીઓમાં તમારું નામ રોશન કરશે જે ભારતના ઇતિહાસમાં સવર્ણ અક્ષરે લખાશે.આમ આશીર્વાદ આપી સંતો દ્વારકાની જાત્રાએ નીકળી ગયા,થોડા સમય પછી રાજબાઈને બીજા પુત્રનો જન્મ થયો,તેમનું નામ જલારામ રખાયું માં-બાપ તેને ખુબજ ઉમદા રીતે પ્રેમથી લાલન પાલન કરવા લાગ્યા આ પછી ત્રીજા પુત્રનો જન્મ થયો જેનું નામ દેવજી રાખવામાં આવ્યું,

એક વખત એક વૃદ્ધ સંત શ્રી ગિરનારથી પધાર્યા તો શ્રીમતી રાજબાઈએ તેમનું ખૂબ જ સ્વાગત કર્યું અને જમણ માટે કહ્યું,પણ તેમને તો તેમનો બીજો પુત્ર જલારામ અંગે જાણવું હતું તો બહાર રમતા જલારામ ત્યાં આવ્યા અને સંતોને જોઈ તેમને પ્રણામ કર્યા તો સંત શ્રી એ તેના માથા ઉપર હાથ રાખી આશીર્વાદ આપ્યા,અને પૂછ્યું ,
"પુત્ર મને ઓરખ્યો?"ત્યારે જલારામે ફરી દંડવત કર્યા અને સંત અદ્રશ્ય થઇ ગયા રાજબાઈને રઘુવરદાસની જન્મ પહેલાની મુલાકાત યાદ હતી,જેમાં તેમણે રાજબાઈને આશીર્વાદ આપ્યા હતા,ખુબજ ભાવુક થઇ રાજબાઇ પુત્ર જલારામને જોઈ રહ્યા,ત્યારબાદ જલારામને પૂર્વ જન્મની કૈક યાદ થઇ તો તેઓ 'સીતા રામ રામ રામ ' વગેરે બોલવા લાગ્યા તો તેના પિતાને ચિતા થઇ જલાબાપા કઈ સંત ન બની જાય તો તેમણે તેમના નાના ભાઈને બોલાવી કોઈ યોગ્ય વહુ શોધવા કહ્યું. તેમના ભાઈએ એક આટકોટ શહેરમાંથી  સોળ વર્ષની દીકરી કે જે શ્રી પ્રાગજીભાઈ ઠાકરની પુત્રી હતી જેનું નામ વીરબાઈ હતું તે શોધ જલાબાપા માટે ખુબજ યોગ્ય હતી કેમકે વીરબાઈ ખુબજ ધર્મિષ્ઠ અને ઉમદા સ્વભાવની હતી.

લગ્ન પછી વીરબાઈએ પોતાના પતિની દરેક પ્રવુતિ સાથે ખુબજ હૃદયપૂર્વક સાથ આપ્યો જેનાથી જલાબાપાનું કામ ખુબજ સરળ થયું.જલાબાપા જે તેમની પ્રવુતિઓ કરતા તેનાથી લોકો તેમને ખુબજ પવિત્ર ભાવથી ફોલો કરતા,દિવસો વીતતા ગયા અને જલાબાપાની  પ્રવુતિઓ વધુને વધુ પવિત્ર ભાવવાળી થતી ગઈ જો દિલનો ખરો ભાવ હોય તો ભગવાન પણ આપણા ઘરની મુલાકાત લે.

જલારામ તેમના પિતાની દુકાનની  કાળજી લેતા ત્યારે  સાધુ સંતો,ગરીબો માંગણી કરતા, તેમ દુકાનની ચીજો આપી દેતા,દુકાનોની બે લાઈનો હતી બીજા વેપારીઓને આ બિલકુલ ગમતું નહિ.સવારે બીજા વેપારીઓ દુકાન ખોલી સાફ સૂફી કરતા ત્યારે ૧૦- ૧૨ સાધુઓ   ગામમાં આવતા અને ચીજો માટે પૂછતાં  વેપારીઓએ  અનસુની કરી અને  છેલ્લે આવેલી જલારામની દુકાને જાઓ ત્યાં બધું મળશે એમ કહેતા સાધુ ખુશ થઈને જલારામની દુકાને ગયા,જલારામ પણ દુકાન ખોલી સાફ સૂફી કરતા હતા  પણ સાધુઓને જોઈ કામ બંધ કરી હાથ જોડી
 "જય સિયારામ" એમ કહી
"આવો,ક્યાંથી આવો  છો ને હું શું સેવા કરી શકું?" એમકહ્યું, એવા ભાવભર્યા વર્તાવથી સાધુઓ ખુશ થઇ જતા.વૃદ્ધ સાધુએ કહ્યું
"શેઠજી અમે મથુરાથી આવ્યા છીએ અને ગિરનાર જઇયે છીએ,અમારે માટે ખાવાની કેટલીક ચીજ વસ્તુઓની જરૂર છે વ્યવસ્થા કરીં શકશો?"જલારામેં કહ્યું
" મહારાજ ,આ સેવક તમારી ઈચ્છા મુજબ સેવા કરવા હાજર છે. " આ સાંભળી સાધુઓ મોટેથી
"રામજી કી જય" એમ કહી સ્નાન માટે ગયા,વૃદ્ધ સાધુ જલારામ સાથે રહ્યા, અને જોઈતી દાળ ચોખા વગેરે સામગ્રી મેળવી,સાધુ પાસે ઘી માટે  વાસણ ન હતું તો જલારામ દુકાનમાંથી પાંચ શેરની બરણી લાવી તેને ઘી થી ભરી દીધી,અને બધી સામગ્રી સાધુ ઓ ઉંચકી ન શકે તો જલારામે દુકાન બંધ કરીને વસ્તુઓ ઉંચકી તેમની સાથે ગયા.

ફતેહપુર ગામના  કોરીની  નાની મોટી વસ્તુઓ ચોરી કરવાની ટેવ હતી.તે એવો  ચતુર હતો  કે ક્યારેય પકડાતો નહિ.પણ એક વખત વીરપુરના ઠાકોરે પકડી પાડ્યો.તેને જેલભેગો કર્યો.જયારે જલારામે આ  જાણ્યું તો ખબર પડી પકડાયેલો ચોર તેના ગુરુજીના ગામનો હતો તો તેમણે તેના ભાઈ સાથે ચર્ચા કરી ઠાકોરજીના મહેલમાં ગયા,ત્યાં રાજાએ તેમને આવકાર આપ્યો પછી જલારામે કહ્યું.
"બાપુ,ફતેહપુરનો કોળી તમારી જેલમાં છે."તો રાજાએ કહ્યું
"હા ભગત,પણ તેનું શું?"તો જલારામે કહ્યું
"કૈજ નહિ બાપુ પણ તે મારા ગુરુજીના ગામનો છે.એટલે તેનું મારા માટે માંન છે,કૃપા કરી તમે તેને છોડી દો." રાજાએ કહ્યું
"ભગત એ એક મોટો ચોર છે અને ઘણી મુશ્કેલીથી તે પકડાયો છે."તો જલારામે કહ્યું
"હશે ,પણ જો જરૂરત જ હોય તો તેની જગ્યાએ મને જેલમાં બંધ કરો"તો રાજાએ કહ્યું
"તેવું કેવી રીતે બને?"તો જલારામે કહ્યું
"હું તેના બધા દોષ મારે માથે લઉં છું અને તેની જગ્યાએ જેલમાં જવા માંગુ છું"જલારામે તેમના હાથજોડીને વીરપુરના ઠાકોર સામે પોતાની પાઘડી ઉતારી,ઠાકોર એકદમ ઉભા થયા અને બૂમ પાડી
"ઉભા રહો ભગત તમે મને પાપ કરવા દબાણ કરી રહ્યા છો,તમારી ગુરુ પ્રત્યેની લાગણી કેટલી મજબૂત છે તે જોઈ અમારે દંડવત કરવા જોઈએ તમારી હાજરી અમારે માટે ખુબ જ નસીબદાર છે."એમ કહી રાજાએ કોટવાલને બોલાવી કોળીને છોડવાનો આદેશ કર્યો  બાપાએ ઠાકોરને
"આવજો " કહી કોળીને પોતાને ત્યાં લાવી તેને પ્રેમથી ભોજન કરાવ્યું આવી હતી જલારામ બાપાની ગુરુ ભક્તિ.

જલારામ બાપા તેમના સેવા કાર્યના અનુસંધાનમાં પોતાના લગ્ન જીવનથી ખુબ દૂર રહેતા નસીબજોગે પત્ની વીરબાઈમા  તેમના કાર્યમાં તેમનો સદા સાથ આપતા,જ્યારે જલારામબાપા પવિત્ર સ્થળોની જાત્રાએ જતા તો વીરબાઈમા તેમની સાથે જતા,ફક્ત ૧૮  વર્ષની ઉંમરમાં જલારામબાપાએ ફતેહપુરનાં શ્રી ભોજલરામને  ગુરુ તરીકે અપનાવી લીધા અને તેના અનુસંધાનમાં બાપાને રામના નામની ગુરુમાલા અને મંત્ર આપવામાં આવ્યા.અને ગુરુજીના આશીર્વાદથી પૂજ્ય જલારામ બાપાએ પ્રધાન ઠાકરના નામે સદાવ્રત ચાલુ કર્યું,૧૬ વર્ષની ઉંમરે લગ્ન થયા પછી પોતાના પિતા સાથે બિઝનેસ માં સાથ આપતા મોટેભાગે તેઓ સાધુ સંતો ની સેવા માં સમય પસાર કરતા જો કે ઘરગથ્થુ જીવન થી અલગ થઇ જલારામે પોતાના પિતા સાથેના બિઝનેસથી જુદા થઇ તેમના કાકા સાથે રહેવા લાગ્યા અને વીરબાઈએ પુરા સહકારથી પતિનો  સાથ નિભાવ્યો.

એક દિવસ એક સાધુ ત્યાં આવ્યાં અને તેમને રામની મૂર્તિ આપી અને ભવિષ્ય વાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે. જલારામે તે રામની મૂર્તિની ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને તેના થોડા દિવસ બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનની મૂર્તિ મળી આવી. આ સાથે ત્યાં સીતા અને લક્ષમણની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે.આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું. આ બધુ કાર્ય જલારામે શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈ માના સહયોગથી અને પછી એકલે હાથે સંભાળ્યું. બાદના વર્ષોમાં ગામવાળાઓએ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામને સહયોગ આપ્યો. એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા ચમત્કારી અક્ષયપાત્રને કારણે અન્નની કદી ખોટ થતી નહીં ત્યાર બાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી. વીરપુર આવતા દરેક વ્યક્તિને નાતજાત કે ધર્મના ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતું. આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ છે.

એક સમયે હરજી નામના એક દરજી તેમની પાસે પિતાના પેટના દરદની ફરિયાદ લઈને ઈલાજ માટે આવ્યા. જલારામે તેમના માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તેમનું દર્દ શમી ગયું. આમ થતા તેઓ સંત જલારામના ચરણે પડી ગયા અને તેમને "બાપા" કહી સંબોધ્યા. ત્યારથી તેમનું નામ જલારામ બાપા પડી ગયું. આ ઘટના પછી લોકો તેમની પાસે પોતાની વ્યાધિઓના ઇલાજ માટે અને અન્ય દુઃખો લઈને આવવા લાગ્યાં. જલારામ બાપા ભગવાન રામ પાસે તેમના માટે પ્રાર્થના કરતા અને લોકોનાં દુઃખ દૂર થઈ જતાં. હિંદુ તેમજ મુસલમાન બંને ધર્મના લોકો તેમના અનુયાયીઓ બન્યા. ૧૮૨૨માં જમાલ નામના એક મુસલમાન વ્યાપારીનો પુત્ર બિમાર પડ્યો, દાક્તરો-હકીમોએ તેના સાજા થવાની આશા મૂકી દીધી હતી. તે સમયે હરજીએ જમાલને પોતાને મળેલા પરચાની વાત કરી. તે સમયે જમાલે પ્રાર્થના કરી કે જો તેમનો પુત્ર સાજો થઈ જશે તો તેઓ જલારામ બાપાના સદાવ્રતમાં ૪૦ મણ અનાજ દાન કરશે. તેમનો પુત્ર સાજો થતા જમાલ ગાડું ભરીને અનાજ લઈને જલારામ બાપાને મળવા ગયા અને કહ્યું "જલા સો અલ્લાહ".

એક સમયે સ્વયં ભગવાન એક વૃદ્ધ સંતનું રૂપ લઈને આવ્યાં અને કહ્યું કે તેમની સેવા માટે જલારામે પોતાની પત્ની વીરબાઈ મા તેમને દાન કરી દેવી. જલારામે વીરબાઈ સાથે મસલત કરી અને તેમની રજા મળતા તેમણે વીરબાઈને સંતની સેવા માટે મોકલી આપ્યાં. પણ અમુક અંતર ચાલીને જંગલમાં પહોંચતા સંતે વીરબાઈ માને ત્યાં થોભીને રાહ જોવાનું કહ્યું. તેણીએ ત્યાં રાહ જોઈ પણ તે સંત પાછા ન આવ્યા. તેથી ઉલટું આકાશવાણી થઈ કે આ તો માત્ર દંપતિની મહેમાનગતિ ચકાસવાની પરીક્ષા હતી. તે સંત ગયા તે પહેલા તેઓ વીરબાઈ મા પાસે એક દંડો અને ઝોળી મૂકતાં ગયાં હતાં. વીરબાઈ મા ઘરે આવ્યાં અને જલારામબાપાને આકાશવાણી, દંડા અને ઝોળીની વાત કરી. આ દંડો અને ઝોળી આજે પણ વીરપુરમાં જોઈ શકાય છે. તેને કાચની પેટીમાં પ્રદર્શન માટે મૂકેલા છે.

ભૂતકાળમાં લોકોએ એટલું બધું દાન કર્યું છે કે સંવત ૨૦૦૦ પછી જલારામ વીરપુરના મંદિરના સદાવ્રતમાં કોઈ પણ દાન લેવામાં આવતું નથી,સદાવ્રત એ ૨૪ કલાક ચાલતી વ્યવસ્થા છે સદાવ્રત પહેલા જલારામ બાપા ને લોકોના ખેતરોમાં કામ મળતું અને કામના બદલામાં તેમને જે અનાજ મળતું તે બે માણસ માટે ખૂબ જ હોવાથી પોતાની પત્ની વીરબાઈમાં સામે સદાવ્રત ખોલવાની ઈચ્છા બતાવી જેમાં પોતાના પતિની કોઈ પણ સાથમાં સદા સાથ આપનારી પત્નીની ના કેમ હોય શકે અને આમ સદાવ્રતની સેવા કરતા કરતા પૂજ્ય જલાબાપાએ ૧૮૭૯ માં પોતાની પત્નીનો સાથ ગુમાવ્યો પછી એકલે હાથે સેવા આપતા ફેબ્રુઆરીની ૨૩ તારીખે ૧૮૮૧માં  સંવત ૧૯૩૭ વીરપુર ગુજરાત ખાતે ૮૧ વર્ષની ઉંમરે પ્રાર્થના દરમ્યાન તેમનો સ્વર્ગવાસ થયો.

કહેવાય છે કે આજે પણ જલારામ બાપાનું ખરા હૃદયથી  ધ્યાન લઇ જે મનોકામના  કરવામાં આવે છે તે અવશ્ય પુરી થાય છે  દિવાળી પછી સાતમને દિવસે જલારામ જયંતિ મનાવવામા આવે છે.કારતક સુદ સાતમ, આ દિવસે  વીરપુરમાં મોટો મેળો ભરાય છે.ખીચડી અને બુંદી ગાંઠિયાનો પ્રસાદ લેવા ભક્તોનો ખુબ ધસારો થાય છે,બાપાના મંદિરમાં લખપતિ કે ગરીબ સહુને માટે સેવા એક સરખી ભેદ ભાવ વગરની આપવામાં આવે છે આવા મહાન સંતના પરચા ખુબ જ પ્રસિદ્ધ છે

પૂજ્ય જલાબાપા સહુનું કલ્યાણ કરે


બોલો શ્રી જલારામ બાપાની જય,


રજુઆત મહેન્દ્ર ભટ્ટ (પ્રસિદ્ધ લેખો , પ્રવચનના આધારે)