Friday, June 3, 2022

નૃગ રાજાની કથા (શ્રીમદ ભાગવત અધ્યાય ચોસઠમો )

 

નૃગ રાજાની કથા 


 
શ્રી શુકદેવજી કહે છે - પ્રિય પરીક્ષિત ! એક દિવસ સામ્બ,પ્રદ્યુમ્ન,ચારૂભાનું અને ગદ વગેરે યદુવંશી રાજકુમારો ફરવા માટે ઉપવનમાં ગયા. ત્યાં ઘણો સમય સુધી રમતા રમતા તેમને તરસ લાગી. હવે તે અહીં તહીં પાણી શોધવા લાગ્યા. એક કુવા પાસે ગયા તેમાં પાણી તો ન હતું એક ખુબ વિચિત્ર જીવ દેખાઈ પડ્યો. તે જીવ પર્વત જેવો આકારનો એક ગિરગિટ હતો. તેને જોઈને તેમની આશ્ચર્યની સીમા ન રહી. તેમના હૃદય કરુણાથી ભરાઈ આવ્યા અને તેમણે તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરવા માંડ્યો.પરંતુ જયારે તે રાજકુમાર તે પડેલા ગિરગિટને ચામડું અને સુતરની દોરીથી બાંધીને બહાર ન કાઢી શક્ય ત્યારે કુતુહલતાથી તેમણે એ આશ્ચર્યમય વૃતાન્ત શ્રી કૃષ્ણની પાસે જઈને જણાવ્યું.જગતના જીવનદાતા ભગવાન શ્રી કૃષ્ણ તે કુવા પર આવ્યા. તેને જોઈને તેમણે રમત રમતમાં જમણા હાથથી - અનાયાસ જ તેને બહાર કાઢી લીધો. ભગવન શ્રી કૃષ્ણના કારકમળોનો સ્પર્શ થતા જ તેનું ગિરગિટ રૂપ જતું રહ્યું અને તે એક સ્વર્ગીય દેવતાના રૂપમાં ફેરવાઈ ગયો. હવે તેના શરીરનો રંગ તપાવેલા સોનાની જેમ ચમકી રહ્યો હતો. અને તેના શરીર પર અદભુત વસ્ત્રો,આભૂષણ અને પુષ્પોના હાર શોભી રહ્યા હતા. જોકે ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હતા કે એ દિવ્ય પુરુષને ગિરગિટ યોની કેમ મળી હતી તો પણ તે કારણ સર્વ સાધારણને ખબર પડી જાય એટલા માટે તેમણે એ દિવ્ય પુરુષને પૂછ્યું -‘મહાભાગ ! તમારું રૂપ તો ખુબ સુંદર છે તમે છો કોણ ? હું તો એવું સમજુ છું કે તમે જરૂર કોઈ શ્રેષ્ઠ દેવતા છો. ક્લયામૂર્તે ! કયા કર્મના ફળના રૂપમાં તમારે આ યોનિમાં આવવું પડ્યું હતું ? હકીકતમાં તમે એને યોગ્ય નથી. અમે લોકો તમારું વૃતાન્ત જાણવા માંગીયે છીએ. જો તમે અમને લોકોને તે બતાવવાનું ઉચિત સમજો તો આપનો પરિચય અવશ્ય આપો.

શ્રી શુકદેવજી કહે છે - પરીક્ષિત ! જયારે અનંતમૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણે રાજા નૃગને (કેમકે તેઓ જ એ રૂપમાં પ્રગટ થયા હતા.) એવી રીતે પૂછ્યું ત્યારે તેમણે પોતાનો સૂર્ય જેવો જાજલ્યવાન મુકુટ ઝુકાવી ભગવાનને પ્રણામ કર્યા અને તે એવી રીતે કહેવા લાગ્યા.

રાજા નૃગે કહ્યું - પ્રભુ ! હું મહારાજા ઈક્ષ્વાકુનો પુત્ર રાજા નૃગ છું. જયારે ક્યારેક કોઈએ આપની સામે દાનીયોની ગણતરી કરી હશે,ત્યારે તેમાં મારુ નામ પણ જરૂર આપના કાનોમાં પડ્યું હશે. પ્રભુ ! આપ બધાજ પ્રાણીઓની એકે એક વૃત્તિના સાક્ષી છો. ભૂત અને ભવિષ્યનું વ્યવધાન પણ આપના અખંડ જ્ઞાનમાં કોઈ પ્રકારનો અવરોધ નથી કરી શકતું. એટલે આપથી છૂપું જ શું છે ? તો પણ હું આપની આજ્ઞાનું પાલન કરવા માટે કહું છું. ભગવન ! પૃથ્વીમાં જેટલા ધૂળના કણો છે,આકાશમાં જેટલા તારાઓ છે અને વરષામાં જેટલી પાણીની ધારાઓ પડે છે મેં એટલીજ ગાયો દાન કરી હતી. તે બધી ગાયો દુધાર,નૌજવાન,સીધી,સુંદર,સુલક્ષણા અને કપીલા હતી. તેમને મેં ન્યાયના ધનથી મેળવી હતી. બધાની સાથે વાછરડા હતા. તેના શીંગડામાં સોનુ અને ખરીઓમાં ચાંદી મઢેલી હતી. તેમને વસ્ત્ર,હાર અને ઘરેણાથી સજાવી દેવાતી હતી.એવી ગાયો મેં આપી હતી. ભગવન ! હું યુવાવસ્થાથી સંપન્ન શ્રેષ્ઠ બ્રાહ્મણ કુમારોને -  જે સદ્ગુણી,શીલસંપન્ન,કષ્ટમાં પડેલા કુટુંબોવાલા,દંભરહિત તપસ્વી,વેદપાઠી,શિષ્યોને વિદ્યાદાન કરનારા તથા સચ્ચરિત્ર હોતા- વસ્ત્રભુષણથી અલંકૃત કરતો અને તે ગાયોનું દાન કરતો. એવી રીતે મેં ઘણી બધી ગાયો,પૃથ્વી,સોનુ,ઘર,ઘોડા,હાથી,દાસીઓ સાથે કન્યાઓ,તલના પર્વત,ચાંદી,શય્યા,વસ્ત્ર,રત્ન,ગૃહ સામગ્રી અને રથ વગેરે દાન કર્યા.અનેકો યંજ્ઞો કર્યા અને ઘણા બધા કુવા,વાવો વગેરે બનાવડાવ્યા. 

એક દિવસ કોઈ અપ્રતિગ્રહી (દાન ન લેનારો ) તપસ્વી બ્રાહ્મણની એક ગાય છૂટી પડીને મારી ગાયોમાં આવી ગઈ. મને એ વાતની બિલકુલ ખબર ન હતી. એટલે અજાણતા મેં કોઈ બીજા બ્રાહ્મણને દાન કરી દીધી. જયારે તે બ્રાહ્મણ એ ગાયને લઈ ચાલવા લાગ્યા ત્યારે તે ગાયના અસલી માલિકે કહ્યું -‘ આ ગાય મારી છે.’ દાન લઇ જતા બ્રહ્માને કહ્યું - ‘ એ તો મારી છે.કેમકે રાજા મૃગે મને તેનું દાન કર્યું છે.’ તે બંને બ્રાહ્મણ ઝગડતા ઝગડતા પોતાની વાત કાયમ કરવા મારી પાસે આવ્યા. એકે કહ્યું -‘ આ ગાય હમણાં હમણાંજ આપે મને આપી છે’ અને બીજાએ કહ્યું કે ‘જો એવી વાત હોય તો તમે મારી ગાય ચોરી લીધી છે ‘ ભગવન ! તે બંને બ્રાહ્મણની વાતો સાંભળી મારુ મન ભ્રમિત થઇ ગયું. મેં ધર્મસંકટમાં પડી તે બ્રાહ્મણોનો અનુનય વિનય કર્યો અને કહ્યું કે ‘ હું બદલામાં એક લાખ ઉત્તમ ગાયો આપીશ. આપ લોકો મને આ ગાય આપી દો.હું આપ લોકોનો સેવક છું. મારાથી અજાણતા આ અપરાધ થઇ ગયો છે. મારા આપ લોકો કૃપા કરો અને મને આ ઘોર કષ્ટ તથા ઘોર નરકમાં પડતા બચાવી લો.’  
‘રાજન ! હું એના બદલામાં કઈ નહિ લઉ.’ એમ કહી ગાયનો માલિક ચાલ્યો ગયો. ‘ તમે એના બદલામાં એક લાખ જ નહિ,દસ હજાર બીજી ગાયો આપો તો પણ હું નહિ લઉ.’ એમ કહી બીજો બ્રાહ્મણ પણ ચાલ્યો ગયો. દેવાધિદેવ જગદીશ્વર ! તેના પછી ઉંમર પુરી થતા યમરાજાના દૂતો આવ્યા અને મને યમપુરી લઇ ગયા. અહીં યમરાજાએ મને પૂછ્યું - ‘ રાજન ! તમે પહેલા આપના પાપનું ફળ ભોગવવા માંગો છો કે પુણ્યનું ? તમારા દાન અને પુણ્યને હિસાબે તમને એવું તેજસ્વી લોક મળનારું છે જેની કોઈ સીમા જ નથી.’ ભગવન ! ત્યારે મેં યમરાજાને કહ્યું - ‘ દેવ ! પહેલા હું મારા પાપનું ફળ ભોગવવા ઈચ્છું છું.’અને તેજ ક્ષણે યમરાજાએ કહ્યું - ‘ ‘તમે પડી જાઓ ‘ તેમનું એમ કહેતા જ હું ત્યાંથી પડ્યો અને પડતી વખતે મેં જોયું કે હું ગિરગિટ થઇ ગયો છું .પ્રભુ ! હું બ્રાહ્મણોનો સેવક,ઉદાર, દાની અને આપનો ભક્ત હતો. મને એ વાતની ઉત્કટ અભિલાષા હતી કે કોઈ પ્રકારે આપનું દર્શન થઇ જાય. એવી રીતે આપની કૃપાથી મારી પૂર્વજન્મની સ્મૃતિ નષ્ટ ન થઇ.ભગવન ! આપ પરમાત્મા છો. મોટા મોટા શુદ્ધ નુંહૃદય યોગેશ્વર ઉપનિષદોની દ્રષ્ટિથી (અભેદ દર્ષ્ટિથી) પોતાના હૃદયમાં આપના ધ્યાન કરતા રહે છે. ઇંદ્રાયાયીત પરમાત્મા ! સાક્ષાત આપ મારી આંખોની સામે શી રીતે આવી ગયા. કેમકે હું તો અનેક પ્રકારના વ્યસનો,દુઃખદ કર્મોમાં ફસાઈને આંધળો થઇ રહ્યો હતો. આપનું દર્શન તો ત્યારે થાય છે જયારે સંસારના ચક્કરથી છુટકારો મળવાનો સમય આવે છે. દેવતાઓના પણ આરાધ્ય દેવ ! પુરુસોત્તમ ગોવિંદ ! આપ જ વ્યક્ત અને અવ્યક્ત જગત તથા જીવોના સ્વામી છો. અવિનાશી અચ્યુત ! આપની કીર્તિ પવિત્ર છે. અંતર્યામી નારાયણ ! આપ જ બધી ઇન્દ્રિયો અને વૃત્તિયોના સ્વામી છો. પ્રભુ ! શ્રી કૃષ્ણ ! હવે હું દેવતાઓના લોકમાં જઈ રહ્યો છું. આપ મને આજ્ઞા આપો. આપ એવી કૃપા કરો કે હું ભલે ક્યાંય પણ રાહુ મારુ મન સદાય આપના ચરણકમળોમાં જ લાગ્યું રહે. આપ બધાજ કાર્યો અને કારણોના રૂપમાં વિદયમાંન છો. આપની શક્તિ અનંત છે અને આપ જાતે બ્રહ્મ છો. આપને હું નમસ્કાર કરું છું. સચ્ચિદાનંદ સ્વરૂપ સર્વાન્તર્યામી વાસુદેવ શ્રી કૃષ્ણ ! આપ બધાજ યોગોના સ્વામી યોગેશ્વર છો. હું આપને વારંવાર નમસ્કાર કરું છું. 

રાજા નૃગે એવી રીતે કહીને ભગવાનની પરિક્રમા કરી અને પોતાના મુકુટથી તેમના ચરણોમાં સ્પર્શ કરીને પ્રણામ કર્યા. પછી તેમની આજ્ઞા લઇ બધાની નજરો નજર તેઓ શ્રેષ્ઠ વિમાનમાં બેસી ગયા. 

રાજા નૃગના ચાલ્યા જવાથી બ્રાહ્મણોના પરમ પ્રેમી ધર્મના આધાર દેવકીનંદન ભગવાન શ્રી કૃષ્ણે ક્ષત્રિયોને શિક્ષા આપવા માટે ત્યાં ઉપસ્થિત પોતાના કુટુંબના લોકોને કહ્યું - ‘જે લોકો અગ્નિના જેવા તેજસ્વી છે,તેઓ પણ બ્રાહ્મણોનું થોડું પણ ધન ઝૂંટવીને પચાવી નથી શકતા.પછી જે અભિમાનથી પોતાને જુઠમૂઠ લોકોના સ્વામી બતાવે છે તે રાજા તો કેવી રીતે પચાવી શકે ? હું હળાહળ ઝેર ને ઝેર નથી માનતો કેમકે તેની ચિકિત્સા થાય છે. હકીકતમાં બ્રાહ્મણોનું ધન જ પરમ ઝેર છે તેને પચાવી લેવા માટે પૃથ્વીમાં કોઈ ઔષધ,કોઈ ઉપાય નથી.હળાહળ ઝેર ફક્ત ખાનારનાજ પ્રાણ લે છે. અને આગ પણ પાણી દ્વારા હોલવી શકાય છે પરંતુ બ્રાહ્મણના ધનરૂપ અરણીથી જે આગ પેદા થાય છે તે આખા કુળને સમૂળ બાળી નાખે છે. બ્રાહ્મણનું ધન જો તેની પુરે પુરી સંમતિ લીધા વગર ભોગવવામાં આવે ત્યારે તો તે ભોગવનારાના તેમના છોકરા,પૌત્રો -એ ત્રણ પેઢીઓને જ સાફ કરી નાખે છે. પરંતુ બળપૂર્વક હાથ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે તો પૂર્વ પુરુષોની દસ પેઢીયો અને આગળની પણ દસ પેઢીયો નાશ પામે છે. જે મૂર્ખ રાજા પોતાની રાજલક્ષ્મીનાં ઘમંડમાં આંધળો થઈને બ્રાહ્મણોનું ધન હડપી લેવા માંગે છે સમજવું જોઈએ કે તે જાણીજોઈને નર્કમાં જવાનો રસ્તો સાફ કરી રહ્યો છે. તે જોતો નથી કે તેને અધઃપતનના કેટલા ઊંડા ખાડામાં પડવું પડશે. જે ઉદાર હૃદય અને બહુકુટુંબી બ્રાહ્મણોની વૃત્તિ ઝૂંટવી લેવાઈ છે તેમના રડવાથી તેમની આંસુની બૂંદોથી ધરતીના જેટલા ધૂળકણો ભીના થાય તેટલા વર્ષો સુધી બ્રાહ્મણના સ્વત્વને ઝૂંટનારા તે ઉચ્ચશૃંખલ રાજા અને તેના વંશજો ને કુંભીપાક નર્કમાં દુઃખ ભોગવવું પડે છે. જે મનુષ્ય પોતાની અથવા બીજાની આપેલી બ્રાહ્મણોની વૃત્તિ તેમની જીવીકાના સાધન ઝૂંટવી લે છે તે સાઈઠ હજાર વર્ષો સુધી વિષ્ઠાના કીડા થાય છે. એટલે હું તો એજ ઈચ્છું છું કે બ્રાહ્મણોનું ધન ભૂલથી પણ ક્યારેય મારા કોષમાં ન આવે કેમકે જે લોકો બ્રાહ્મણોના ધનની ઈચ્છા પણ કરે છે - તેને ઝૂંટવવાની વાત તો અલગ રહી - તે આ જન્મમાં અલ્પઆયુ,શત્રુઓથી પરાજિત અને રાજ્યભ્રષ્ટ થઇ જાય છે. અને મૃત્યુ પછી પણ તે બીજાને દુઃખ આપનારા સાપ જ થાય છે. એટલે મારા આત્મિયો ! જો બ્રાહ્મણ અપરાધ કરે તો પણ તેમનાથી દ્વેષ ન કરો. તે મારી પણ કેમ ન બેસે અથવા ઘણી બધી ગાળો અને શ્રાપ પણ કેમ ન આપે તેમને તમો કાયમ નમસ્કાર જ કરો. જેવી રીતે હું સાવધાની થી ત્રણેય સમય બ્રાહ્મણોને પ્રણામ જ કરું છું તેમ જ તમે લોકો પણ કર્યા કરો. જે મારી આ આજ્ઞાનું ઉલ્લંઘન કરશે તેને હું ક્ષમા નહિ કરું દંડ જ આપીશ. કદાચ બ્રાહ્મણોનું ધનનું અપહરણ થઇ જાય તો તે અપહૃત ધન તે અપહરણ કરનારાઓને - અજાણતા તેના દ્વારા આ અપરાધ થયો હોય તો પણ - અધઃપતનના ખાડામાં નાખી દે છે. જેમ બ્રાહ્મણની ગાયને અજાણતા તેને લેનારા રાજા નૃગને નર્કમાં નાખી દીધો હતો. પરીક્ષિત ! બધાજ લોકોને પવિત્ર કરનારા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાવાસીયોને આવી રીતે ઉપદેશ આપીને પોતાના મહેલમાં ચાલ્યા ગયા.  

જય શ્રી કૃષ્ણ 

Thursday, June 2, 2022

પોઝિટિવીટી - નેગેટિવિટી

 પોઝિટિવીટી - નેગેટિવિટી



ભીંતમાં ફેંકેલા દડાની જેમ આપણા સારા-ખરાબ કર્મો સમયની દીવાલ પર અથડાઈને પાછાં ફરે છે.... પૂર્વજન્મ અને પુનર્જન્મમાં ન માનતા હોઈએ તો પણ કર્મ, એનર્જી (ઊર્જા), ઓરા (આભા) અને વ્યક્તિના વાઈબ્રેશન્સ (ગૂઢ અસર) ઉપર તો વિશ્વાસ કરવો જ પડે. આપણી ભીતર ચાલતા સુખ-અસુખ, ઈર્ષા-તિરસ્કાર, શ્રદ્ધા-સ્નેહ, શાંતિ અને સંતોષ કે અશાંતિ અને ઈરિટેશન આપણી ઊર્જા-એનર્જી પર અસર કરે છે. ભીતરની એનર્જી બદલાય એટલે આપણી ઓરા અથવા આભા બદલાય છે. આપણી ઓરા (આભા)ની અસર આપણા વાઈબ્રેશન્સને જન્મ આપે છે.

આ વાઈબ્રેશન્સ એવુ ગૂઢ અસર છે કે જે સામેની વ્યક્તિને સંવાદ કે સ્પર્શ વગર આપણી ભીતર ચાલી રહેલી ગડમથલ કે શાંતિનો અનુભવ કરાવે છે. વ્યક્તિ જેટલી વધુ સેન્સિટિવ (સંવેદનશીલ) એટલી વાઈબ્રેશન્સ રિસિવ કરવાની એની શક્તિ વધારે... ભીતરની એનર્જી, આપણા મન સાથે જોડાયેલી છે. ઘણીવાર જાગૃત મગજમાં ન વિચાર્યું હોય એવું પણ જો મનમાં ચાલતું હોય તો એની અસર એનર્જી પર થયા વગર રહેતી નથી... જેમ પાણીમાં નાખેલું શાહીનું ટીપું ધીમે ધીમે પ્રસરે છે એમ નેગેટિવિટી અથવા નકારાત્મકતા સ્વચ્છ પાણીને ધીમે ધીમે પોતાનો રંગ આપે છે. એકવાર રંગ પ્રસરવા લાગે પછી એને પાણીમાંથી છૂટો પાડવો અઘરો છે એવી જ રીતે નેગેટિવિટીને પ્રસરવા લાગે પછી એને છૂટી પાડવાનું કામ અઘરું છે (બને તો આવું ટીપું મનના સ્વચ્છ જળમાં પડવા દેવું જ નહીં) છતાં, અશક્ય નથી.

આપણી ભીતર જે ઊર્જા ઉત્પન્ન થાય એ પ્રસ્વેદ કે ઉચ્છવાસની જેમ બહાર કાઢી નાખવાની શરીરને આદત છે... જે ઊર્જા ઉત્પન્ન થાય એ બહાર નીકળતાં આપણી આભામાં ભળે છે. ખૂબ હેન્ડસમ કે સુંદર દેખાતા લોકો સમય સાથે કદરૂપા થઈ જાય છે અને કેટલાક લોકો એવા દેખાવડા ન હોય તો પણ એમની આભા એટલી સુંદર હોય છે કે એમના તરફ જોયા વગર રહી શકાય નહીં... આ એમની ભીતરની ઊર્જા છે. જે એમની ઓરા બનીને બહાર આવે છે. 

જે ઓરા, આવા આપણા શરીરની આસપાસ રચાય છે એને અમુક રંગોમાં વહેંચવામાં આવે છે. હવે તો વિજ્ઞાન પણ આ ઓરાના રંગોને વર્ગીકૃત કરી શકે છે. આ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી વાત છે કે, શરીરની ભીતર જન્મ લેતી સારી-ખરાબ ઊર્જા અંતે આપણા અસ્તિત્વનું દર્પણ બની જાય છે... 

આપણા અસ્તિત્વમાંથી નીકળતા આપણી ઊર્જાના તરંગો સામેની વ્યક્તિ સુધી પહોંચે છે. એને વાઈબ્રેશન્સ કહેવાય છે. રેડિયો, ટેલિવિઝન કે સાઉન્ડના તરંગો દેખાતા નથી, પરંતુ ટ્રાન્સમિટર એને રિસિવ કરે એટલે એ દૃશ્ય કે શ્રાવ્યમાં પલટાય છે એવી જ રીતે, સામેની વ્યક્તિ તરફથી આવતા અદૃશ્ય તરંગો આપણે અજાણતાં જ ઝીલી લઈએ છીએ અને આપણી ભીતરની ઊર્જા એનું અર્થઘટન કરે છે. આ બધી સાવ ક્ષણોમાં બનતી પ્રક્રિયા છે. હવે વિજ્ઞાને સાબિત કરી દીધું છે કે, માણસના શરીરનું યંત્ર એના મન સાથે અભિન્નપણે જોડાયેલું છે. માઈન્ડ એન્ડ બોડી કેન નોટ બી સેપરેટેડ... એમ તબીબી વિજ્ઞાન, અધ્યાત્મ અને આયુર્વેદ જેવા મહત્વના જ્ઞાન આ વાતને સ્વીકારે છે.

કેટલાક લોકો ગમે અને કેટલાક લોકો કારણ વગર ન ગમે... એવું કેમ થાય ? એનો આ જવાબ છે. બે લોકોની એનર્જી એકબીજા સાથે મેચ થાય, અને બે લોકોની એનર્જી એકબીજા ઉપર વિપરિત અસર કરે... એકની ભીતર શાંતિ અને એકની ભીતર અશાંતિ હોય, એક સંતોષી-આનંદી હોય અને બીજી વ્યક્તિ ચીડાયેલી-અધૂરપ અનુભવતી હોય તો એ બંને લાંબો સમય સાથે ન જ રહી શકે.

આપણે બધાએ સૌથી પહેલાં ભીતરની ઊર્જા પર કામ કરવું જોઈએ... જો આપણી ભીતર મન સ્વચ્છ હશે તો બહારથી આવતી નેગેટિવિટી તેલના ટીપાની જેમ ઉપર તર્યા કરશે, પરંતુ પાણી સાથે ભળી નહીં શકે. ઊર્જા પોઝિટિવ (હકારાત્મક) હશે તો આભા (ઓરા) પણ ધીમે ધીમે સાફ થતો જશે. સ્વચ્છ ઓરામાંથી આવતા વાઈબ્રેશન પણ પોઝિટિવ જ હશે... 

વિજ્ઞાનમાં એક બીજો શબ્દ છે, 'કોહેઝન'. એક પદાર્થ એના જેવા બીજા પદાર્થને ખેંચે છે... અર્થ એ થયો કે, નેગેટિવિટી એના જેવા, અને પોઝિટિવિટી એના જેવા વાઈબ્રેશન્સને ખેંચે. આપણે ભીતરથી સ્વચ્છ અને આનંદિત હોઈશું તો આપોઆપ એવા જ લોકો અને એવી જ ઊર્જા આપણા તરફ ખેંચાશે. ભીતરથી નેગેટિવ, ઈર્ષાળુ, ઝઘડાળુ, અસંતોષી હોઈશું તો એવી જ ઊર્જાને આપણી તરફ ખેંચતા રહીશું.

નિર્ણય આપણો છે. પ્રયાસ પણ આપણો જ હોઈ શકે. આપણે જે કરીશું તે જ આપણા સુધી પાછું ફરશે... દીવાલ પર ફેંકેલા દડાની જેમ.

 માન, સ્નેહ, ક્ષમા, વહાલ કે ઉદારતાના દડા ફેંકીશું તો એ જ પાછા આવશે. અપમાન, તિરસ્કાર, કટુતા કે ઈર્ષાના દડા ફેંકીશું તો એને પણ આપણે જ ઝીલવા પડશે, ક્યારેક નહીં ઝીલાય તો આપણને જ વાગશે.  ખરૂંને? 

(એક પબ્લિશ્ડ લેખ )

જય શ્રી કૃષ્ણ