Friday, August 5, 2016

બપોરનો સમય



બપોરનો સમય

-મહેન્દ્ર ભટ્ટ

બપોરનો સમય,ઉનાળાની ગરમ વહેતી લહેરોથી પ્રભાવિત થયેલું જીવન ક્યાંક ભારતના સુરત જિલ્લાના કોઈ ગામની શીમ પારના ખેતરોમાં શાંત થઇ ગયું હતું .પશુ પક્ષી પણ ઝાડના છાયાના સહારે ક્યાંક છુપાઈને ગરમીથી બચી રહ્યા હતા,આવા ગરમાટા વાતાવરણમાં પણ મણિગોર સાયકલ પર કાચી સડકો પર એક યજમાનની કથા સમેટીને કથામા મળેલી સામગ્રી સાયકલના કેરિયર ઉપર ઝોળીમાં બાંધી પોતાના ઘેર જઈ રહ્યા હતા,ક્યારેક યજમાન મૂકી જવાનો આગ્રહ કરતા પણ મણિગોર પોતાની રીતે જતા,આડેધ ઉંમરમાં હજુ જોમ હતું,માથા  ઉપર શિખા અને ધોતી ઝભ્ભો અને મોઝડી તેમને અસલ બ્રાહ્મણની ઝલક પુરી કરતા હતા,પ્રેમાળ પત્ની અને બે બાળકોના પ્યારમાં તેમનું જીવન હતું,આજે ગરમી ખુબ હતી એટલે લાલ છેટી તેમણે માથા ઉપર વીંટાળી દીધી હતી વાયરો ગરમ હતો પણ કીચુક કીચુક
અવાઝ કરતી તેમની સાયકલની ગતિમાં ગરમ પવન તેમના શરીરને  ઉપર વળેલા પરસેવાને સ્પર્સ કરી ઠંડુ કરતો હતો ,એકધારી ગતિમાં ચાલ્યા જતા ગોર એક મોટી ચીસ સાંભળી સાયકલને બ્રેક મારી સડક પર પગ ટેકવી  ઉભા રહી ચીસની દિશામાં જોવા લાગ્યા દૂર ખેતરમાં બે ત્રણ ઝાડ બાજુથી ' બચાવો'
"કોઈ મને બચાવો"  એવો અવાઝ આવીને પછી થોડીવાર શાંત થઇ ગયો,અવાઝ કોઈ સ્ત્રીનો હતો એટલે ગોર દ્વિધામાં પડી ગયા કે શું કરવું,આજુબાજુ કોઈ દેખાતું ન હતું,પોતાની પત્ની ને બાળકોનો વિચાર આવ્યો પણ તેમની માં જે આ દુનિયામાં ન હતા તેમની આપેલી શીખ  યાદ આવી ગઈ ,કોઈને પણ બેટા મુસીબતમાં મદદ કરવી,હવે આજુબાજુ માં તો કોઈ હતું નહિ પણ ગભરાતા મને ભગવાન અને ભગવાનના કામ માટે પોતાના જીવનને લક્ષયમાં લઇ મદદ કરવાના મનસૂબા સાથે સાઈકલને સ્ટેન્ડ ઉપર સાઈડમાં ચઢાવી અવાઝની દિશામાં ચાલવા માંડ્યા , પરસેવો હવે શરીર પરથી ટપકતો હતો,પાંચેક મિનિટમાં તે પેલા ઝાડો પાસે આવી ગયા ,એટલા ભાગમાં કોઈ લીલોતરી ન હતી ,પણ ગોરની નવાઈ વચ્ચે ત્યાં કોઈ ન હતું આજુબાજુ જોવા પ્રયત્ન કર્યો ,કદાચ કોઈ હોય પણ કઈ નજરે ન પડ્યું,મદદ માટે ની ચીસ પણ હકીકત હતી,અને આ બાજુથીજ આવી હતી, થોડીવાર જોઈ,કોઈએ ખરાબ કામ કરીને કોઈને મિટાવી તો દીધું ન હોય એવો ભયાનક વિચાર પસાર થયો પણ તેમણે તેમના  ગાલને અડી"રામ રામ" બોલી એવા વિચાર માટે અફસોસ વ્યક્ત કર્યો,પણ કૈક તો હતું,આજુબાજુ જુવારનો પાક લણણી માટે તૈયાર હતો,કેટલાય ખેતરો તેનાથી ભરેલા હતા,કોઈ ખરાબ કામ કરી છુપાઈ જાય તો ખબર પણ ન પડે,હતાશ થઇ કોઈને ન જોતા ગોરે ગામના સરપંચને ઘટનાની વાત  બતાવવાના નિર્ણય સાથે  પાછું ચાલવા માંડ્યું,અને સડક પર આવ્યા પણ ત્યાં તેમની સાયકલ ન   હતી,હવે ગોર ગભરાયા,આજુબાજુ કોઈ ન હતું અને પહેલી વખત આવો અનુભવ થતો હતો,પોતાના ભગવાનને યાદ કર્યા,ભગવાન તો હાજર ન થયા પણ તેના નામના સહારે તેઓ થોડા શાંત થયા,ગોર જરૂર કોઈ મુસીબતનો ભોગ બની રહ્યા હતા,સાઇકલ પર ઝોળી હતી એટલે કોઈની દાનત બગડી હતી,પણ કોઈ સામે આવતું ન હતું,આ બધું દસ પંદર મિનિટમાં જ થઇ ગયું હતું, ઝોળીમાં અનાજ ,ફળ ફલાદિ વગેરે હતું પણ કથામા આવેલા આરતીના પૈસા ને દક્ષિણા તેમના ખિસ્સામાં હતા,બહુ પૈસા આવતા નહિ પણ આજુબાજુના બે ત્રણ ગામની યજમાની હતી,એટલે ગોરને ખાધે પીધે કોઈ તકલીફ ન હતી,પણ ઝડપથી ગોરે ભગવાનની મરજી માથે ચઢાવી,કોઈની મદદ જલ્દી  આવે તેની રાહ જોતા ઉભા રહ્યા,કોઈને મદદ કરવા ગયેલા ગોર મોટી મુસીબતમાં ફસાઈ ગયા,સાઇકલ ગઈ એટલે આજુબાજુ જરૂર કોઈ હતું અને જે હતું તે ખરાબ હતું તે હકીકત હતી એટલે કોઈની મદદ આવે અથવા તો શરણાગતિ,બેજ રસ્તા હતા,તે ગભરાટનો સામનો કરી સડક બાજુ જોઈ રહ્યા હતા,અને ખેતરમાંથી
અવાજ આવ્યો "ઇસ તરફ  આઓ  ,ચૂપ ચાપ "અને હવે ગોર ગભરાયા પણ છૂટકો ન હતો,કહેનાર હિન્દી બોલતો હતો, તેમણે અવાજ બાજુ ગભરાતા ચાલવા માંડ્યું, સામે કઈ કહેવાની ઈચ્છા  થઇ પણ ગમે તેમ ગોર ચૂપ રહ્યા, શું થશે ભગવાન જાણે પણ અત્યારે તે ચોર લુટારાના સકંજામાં જરૂર હતા,પહોંચ્યા તો એક જણાએ ઝડપથી તેમના હાથ પાછળથી બાંધી દીધા,ગોર મૌન રહ્યા,પણ જેણે હાથ બાંધ્યાં તેના હાથમાં ચપ્પુ હતું અને બુકાની પહેરેલી હતી ,બે જણા હતા,  લૂંટારા જરૂર હતા,"ચલો " એમ કહ્યું એટલે ગોર ભગવાન પર બધું છોડી ચાલવા માંડ્યા,પેલા ઝાડ પાસે પાછા પહોંચ્યા,બીજા ત્રણ ત્યાં હતા,પાંચની ટોળી હતી ,એમાં એક સરદાર જેવો હતો, બધાએ બુકાની પહેરી હતી,પેલો બોલ્યો,"મહારાજ હો"ગોરે કહ્યું " હા બ્રાહ્મણ છું ને કથા કરાવી મારે ઘેર જતો હતો ,આ મારી પાસે પચાસ રૂપિયા છે તે લઇ લો ને મને જવા દો ભાઈ"ગોરે આજુબાજુ નજર કરી ત્યાં કોઈ સ્ત્રી ન હતી,પણ એક ટેપ સરદારની પાસે દેખાતી હતી ,એટલે જરૂર કોઈ પેટરો રચાયો હતો,હવે મનોમન ગોર ભગવાનને યાદ કરતા હતા,ગમે તે રીતે તે છૂટે અને પોતાને ઘેર પહોંચે સરદાર પાછો બોલ્યો "ગભરાટ હોતા હૈ,હમ આપકો કુછ નહિ કરેંગે,હમ લુટેરે હૈ,કુછ ભી કર શકતે હૈ,આપકે પૈસે અપને પાસ રખો ઓર અપની સાઇકલ ઓર ઝોળી લે જાઓ,તુમ અચ્છે આદમી હો, "ગોર ના હાથ બંધનમાંથી મુક્ત થયા,ગોરને ભગવાન પર ભરોસો હતો,પણ આટલી ઝડપથી મુસીબતમાંથી બચાય તે પહેલી વખત બનતું હતું,તે શાંત પડ્યા,અને બોલ્યા "સરદાર શ્રી તમે હિન્દી ભાષી છો ,અને કઈ વસ્તુ તમને પ્રભાવિત કરી ગઈ કે તમે છોડી દીધો,"ગોરે વિસ્મયતાથી પૂછી લીધું
"આપ બ્રાહ્મણ હો,ઓર ભગવાનકી કૃપા આપ પર હોતી હૈ,સબ માનતે હૈ,ઔર  હમ ભી વહી માનતે હૈ,ઇસીલિયે હમારે લિયે દુઆ કરના,ઔર આપ જલ્દી નિકલો, ક્યોંકિ હમે કિસીકી લંબી હાજરી પસંદ નહિ હૈ,"ગોરને જવાબનો અંત થોડો ભારે લાગ્યો એટલે "ભગવાન તમારું ભલું કરે ભાઈ" એમ કહેતા સાઈકલને લઇ ચાલવા મંડ્યા,પણ ચાલતા રોકાયા,અને કહ્યું,"કોઈને બહુ હેરાન ન કરશો "અને સરદારે જવાબમાં ડોકી હલાવી પણ તેના ચહેરા પર હવે ગોર માટે શંકા ઉપજી એવું ગોરને લાગ્યું ,જય શ્રી કૃષ્ણ કહી તેઓ ચાલવા મંડ્યા,બધાની નજર ગોરને સડક સુધી જોતી રહી અને ગોરે સાયકલ પર બેસી ભગવાનનો પાડ માની ઘર માટે પ્રયાણ કર્યું ,ચાલતી સાયકલને ભૂલી ગોર કઈ કેટલાય વિચારોના સકંજામાં અટવાઈ પડયા,આવો સનસનાટી ભર્યો પ્રસંગ ભલ ભલાને વિચારતા કરી મૂકે,પણ એક પ્રશ્ને તેમને ખુબ દબાવ્યા ગોરાણીને આ પ્રસંગની વાત કહેવી કે નહિ અને જો કહે તો તેની અસરો તેમને માટે સહી સલામત હશે !! કેમકે આ લૂંટારા હતા,અને ગોરને વિના કોઈ હેરાનગતિ છોડ્યા તે એક અજાયબી હતી,પણ ગોરાણી ભૂલથી વાતનું વતેસર કરી દે અને વાત ફરતી થઇ ગઈ તો લૂંટારા જરૂર મરજીવા બને અને પછી તો જે ન બનવાનું બને ગોરને જરૂર જોખમ લાગ્યું,એટલે ન કહેવા માટે મનને મક્કમ કર્યું,પોતે સમજતા હતા કે આ પ્રસંગ આખા સમાજ સાથે જોડાયેલો છે, પણ પોતાના સંસારને જોખમ માં મુકવાનું તેમને પસંદ ન હતું,ભૂલીને વાત ને સમેટી લેવી એવા નિર્ણય સાથે ક્યારે ઘર આવી ગયું તેમની તેમને ખબર ન પડી પછી તો,ચાર પાંચ દિવસ ગોરને યજમાનના કામ માટે સતત જવાનું થયું,પણ તેજ સડક પર તેમની સાયકલ કીચુક કીચુક અવાજ કરતી જતી અને આવતી રહી અને ચીસની જગ્યા આવે એટલે ધીરા પડીને ઉભા રહી ગોર પગ ટેકવી પેલા ઝાડ તરફ જોતા રહયા પણ ત્યાં કોઈ અવાજ કે કોઈની ચીસ તેમને સાંભળવા ન મળતી. એક દિવસ તો ગોર તે જગ્યાએ જઈ પણ આવ્યા,પણ નવાઈ વચ્ચે ત્યાં કોઈ ન હતું,બધું ક્યાં ઓઝલ થઇ ગયું,ગોરને લાગ્યું કે લુટારાના રૂપમાં પાંચ પાંડવો તો નહિ આવ્યા હોય,અને  તે વિચારે તે પોતાને જાત પર હસતા રહયા,ઘોર કળિયુગમાં ક્યાંથી બને એ બધું,પણ એનો પડઘો રાતે ઊંઘમાં પણ પડતો,અને ગોરાણી પણ એકદમ હસવાના અવાજથી જાગી જતા,"તમને શું થાય છે"એવો પ્રશ્ન વારંવાર પૂછતા પણ તેમને કોઈપણ સંતોષ ભર્યો જવાબ ગોર પાસેથી મળ્યો ન હતો,સંતોષી ગોર રોજ પોતાની સાઈકલના કીચુક કીચુક અવાજ સાથે યજમાનવૃત્તિ કરવા નીકળી જતા. એક વાતને યાદ કરતા કે ભલા ભગવાન કયા રૂપમાં તેમની મદદે આવ્યા,પાંડવોની માફક સખાના રૂપમાં
કે આ પણ પોતાના વિચારોની અતિશયોક્તિ છે !!!.

સમાપ્ત.

Friday, July 29, 2016

અમને અડશો ના.......(ભજન ભક્ત સત્તારનું)

અમને અડશો ના.......(ભજન ભક્ત સત્તારનું)



અમને અડશો ના અભડાશો,પછી નાવાને ક્યાં જશો(2)....અમને.....
જાતજાતના બંધન છૂટ્યા,છૂટી જૂઠી લાજ,
ગુરુપ્રતાપે,અમને મળ્યું છે પ્રેમ નગરનું રાજ (2)..અમને......
અભડાવવાની બીક ન હોય તો આવો અમારી પાસે,(2)
નાતીલા જો નિંદા કરશે,તો પાપ બધાય ધોવાશે ..તમારા પાપ...અમને...
નાતના જુઠા બંધનમાંહીં,કદીય ના બંધાશું ..અમે કદીય..(2)
સર્વાન્ગી બની,સર્વે સ્થળે પ્રેમી થઈને જાશું..અમે પ્રેમી ....અમને .....
પ્રેમપંથના અમો પ્રવાસી,પ્રેમી નામ અમારું (2)
વહેમની વાતે કોણ જાયે,જ્યા જણાયું હું અને મારું ..જ્યા જણાયુ ...અમને.....
ઊંચ નીચના ભેદ જે ભૂલે તે સાચું સુખ માણે..(2)
દાસ સત્તાર કહે સમજાવી,ઓલ્યા અભિમાની શું જાણે,..ઓલ્યા અભિમાની..અમને....
પછી તમે ન્હાવાને ક્યાં જાશો......

                                                         જય શ્રી કૃષ્ણ.

Friday, July 15, 2016

રામ ભજ તું.....

રામ ભજ તું.....



રામ ભજ તું ,રામ ભજીલે,પ્રભુ ભજીલે પ્રાણિયા....
પ્રભુ ભજ્યા એ તો પાર પહોંચ્યા,ચૌદ લોકે જાણ્યા ....-રામ ભજતું.....
એ જી સૌને માયા ભેળી કીધી,અને દાસે બેઠો ભોણીયા,(૨)
મરણ વેળાએ એને કામ ન આવી,અવગતે અણીયા ....રામ ભજ તું......
એ જી મોહમાયાએ બહુ બંધ લીધા,એમાં પ્રભુને ન ભજાણીયા  (૨)
ભૂંડી વેળાના ભૂત સર્જ્યા,એમ કહેતા જાય છે કાણિયા....રામ ભજ તું......
એ જી માયા મસની ઓરડી છે,એમાં કોક વિરલા રહી જાણીયા (૨)
ખાધી પીધી એણે ખૂબ ખર્ચી,દિલમાં ડાઘ ન આણિયા... .રામ ભજ તું......
એ જી બળ કરડે બહુ કીધી,સગાળશાશેઠ વાણિયા,(૨)
મોરધ્વજ રાજાને જનકવિદેહી,હરિશ્ચન્દ્ર હાટે વેચાણિયા....રામ ભજ તું.....
એ જી મારા ગુરુએ ગોવાળી કીધી ,અને મૂળ ધર્મમાં લાવીયા(૨)
દાસી જીવણ સંતો દીનને ચરણે,અંતે અમરાપુર માણીયા....રામ ભજ તું...... .

.જય શ્રી કૃષ્ણ.

Monday, July 4, 2016

શ્રી દત્ત ઉપાસના




શ્રી દત્ત ઉપાસના







ઉત્પત્તિ અને વિકાસ
(લેખક ધીરુભાઈ જોષી ,મ.સ. યુનિ.વડોદરાએ પ્રસિદ્ધ કરેલ મૂળ અંગ્રેજી મહા નિબંધનો લેખકે કરેલો ગુજરાતી અનુવાદ જુલાઈ ,૧૯૭૯)

(આરંભે,:-શ્રી ગણેશ ,દત્તાત્રેય ભગવાન અને પૂજ્ય શ્રી રંગ અવધુતજીનાં ચરણકમળમાં સાષ્ટાન્ગ પ્રણિપાત કરી આ અનુવાદનો આરંભ પ.પૂ. વાસુદેવાનંદસરસ્વતી સ્વામી મહારાજ શ્રીનો દત્તઉપાસના ના ઇતિહાસમાં જે ફાળો છે તેનાથી કરીએ છીએ,આગામી દિવસોમા સ્વામી મહારાજશ્રીની પુણ્યતિથિ તથા પછી જન્મતિથિ આવી રહી છે,વળી મહાનિબંધના પ્રારંભમાં જે ઉત્ત્પત્તિ વગેરેની જે વાતો છે, તે થોડી શાસ્ત્રીય હોવાથી,નદી મુખથી જ સમુદ્ર મા પ્રવેશ કરવો રહ્યો,એ ન્યાયે,તથા આપણે ત્યાં મહાભારત વાંચવા માટે જેમ વિરાટ પર્વથી શરૂ કરવાનો પ્રઘાત છે,તેને યાદ કરી થીસીસ મહાનિબંધનો અનુવાદ વચમાંથી આપવાનું શરૂ કરવાનું ધાર્યું છે,આ ઉપરાંત ગુજરાતમાં દત્તાત્રેય ભગવાનની લીલાનો વિસ્તાર સ્વામી મહારાજશ્રીના ગરુદેશ્વરાગમન  પછી ધીરે ધીરે વિસ્તર્યો અને પૂજ્ય શ્રી રંગ અવધૂતજીએ  એને વ્યાપક સ્વરૂપ આપ્યું,તે દ્રષ્ટિએ પૂ. શ્રી ના ગુરુજીથી આરંભ કરવો યોગ્ય લાગ્યો છે,
પૂજ્ય શ્રી નો સમાગમ નાનપણથી જ પૂ. પિતાજીની ભક્તિને કારણે થયો અને પૂ.શ્રી નું વાત્સલ્યપૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત થયું,વળી પ્રાતઃ:સ્મરિણય પ્રા.સ્વ. ગોવિંદલાલ ભટ્ટ ,જેમની નિશ્રામાં, આ મહાનિબંધ લખાયો,અને જેમને એનું ગુજરાતી  થાય એવો અંતરનો ઉમળકો હતો,તે સર્વને આરંભમાં અનેકાનેક પ્રણામ કરી આ અનુવાદની સંમતિ આપવા બદલ,મહારાજા સયાજીરાવ યુનિ. ના અધિકારીઓનો આભાર માનું છું.-લેખક.)

વાસુદેવાનંદ સરસ્વતી (ઈ.સ.૧૮૫૪-૧૯૧૪)

"મનુષ્યે સગુણ બ્રહ્માની ઉપાસના દ્વારા જ જીવનમાં પોતાના ધ્યેયને પૂર્ણ કરવા પ્રયત્ન કરતા જઈ સંતોષ માનવો જોઈએ,સગુણ ઉપાસના વિના બ્રહ્માનો સાક્ષાત્ત્કાર નથી,જેમ રાજાને પોતાના કાયદા અને સિક્કા પ્રત્યે અનહદ માન હોય છે,તે જરીતે પરમાત્માને પોતાના સગુણ સ્વરૂપ વિશે અને શાસ્ત્રો પ્રત્યે ગાઢ આદર હોય
છે,એ સાચું છેકે સિક્કો એ રાજા નથી પરંતુ તેના વિના રાજા માટે વ્યવહારિક મુશ્કેલી પડે જ; અને એ પણ
સાચું છે કે રાજા વિના સિક્કાનું કોઈ મહત્વ નથી.તેના કાયદાને માન આપતા રાજા ખુશ થાય છે. તે જ રીતે
શાસ્ત્રાજ્ઞાનું પાલન કરવાથી મનુષ્ય ઉપર ઈશ્વર ખુશ થાય છે,આ કારણે મનુષ્યે ઈશ્વરના સગુણ સ્વરૂપને
ભજવું જોઈએ,શાસ્ત્રોએ નિયત કરેલી આજ્ઞા પાળવી જોઈએ અને એ રીતે પોતાના જીવનને સમુન્નત કરવું
જોઈએ."
ઉપર્યુક્ત અવતરણ એક એવા સંતની કલમમાંથી લેવામાં આવ્યું છે,જે સમાજમાં અત્યંત આદરપાત્ર છે.
શ્રીપાદવલ્લભ અને અને નૃસિંહસરસ્વતીના  સમયમાં લોકો કર્મને અત્યંત પ્રાધાન્યતા આપતા.પરંતુ સમય જતા કર્મઠતાએ પોતાની સાર્થકતા ગુમાવી.વાસુદેવાનંદસરસ્વતીએ જોયું કે લોકો બ્રહ્મજ્ઞાનની મોટી મોટી વાતો કરે છે,પણ તેનો કક્કોય જાણતા નથી.વળી તો નિત્ય અને નૈમિત્તિક કર્મો કરે છે ખરા પણ તેની પાછળ રહેલો ઉદ્દેશ જાણતા નથી. એ સાચું છે કે કર્મ અને વિધ વિધાનો મનુષ્યના હૃદયને શુદ્ધ કરે છે,પરંતુ દુન્યવી આનંદપ્રમોદની વચમાં મનની ચંચળતાને કાબુમાં લેવી ખૂબ જ કઠિન છે.પરમાત્માની ઉપાસનાથી જ મનને કાબુમાં લાવી શકાય છે.વાસુદેવાનંદસરસ્વતીએ લોકોની આ વૃત્તિ નિહાળી અને તેમને ઉપાસના પ્રત્યે વધુ ઝોક  આપ્યો.આ ઉપાસના એમના જીવનના આચારમાં સમગ્રપણે વણાઈ  ગઈ હતી.એમણે એમના છેલ્લા ઉપદેશમાં પણ સાધારણ મનુષ્યે એના રોજિંદા જીવનમાં કેવી રીતે રહેવું એની વ્યવહારિક સમજણ સાથે પ્રભુ ઉપાસના પર જ ભાર મુક્યો છે.આ ઉપદેશને એમના સમગ્ર લખાણો અને ઉક્તિઓના સાર સમો ગણ્યો છે.(જુઓ: ગુરુદેવ ચરિત્ર પૃ.૧૧૬).
તે ઉપદેશમાં તેમણે કહ્યું છેકે સ્વકર્તવ્યપાલનથી પરિશુદ્ધ થયેલા હૃદયમાં જ ઉપાસના સ્થિર રહે છે.

ઉપાસના સ્થિર થયા પછી જ મનુષ્યને શાંતિ મળે છે અને તે પછી જ્ઞાન મળે છે જે તેને મોક્ષ અપાવે છે.ઉપાસના ઉપરનો સ્વામી મહારાજનો આ ઝોક ધ્યાનમાં લઈને જ પૂ.શ્રી રંગ અવધૂત મહારાજશ્રીએ વાસુદેવાનંદસરસ્વતીના આલેખેલા જીવન ચરિત્રને 'ઉપાસનાકાંડ' એવું નામ આપ્યું છે ,આ ઉપાસનાકાંડ
એમણે રચેલ શ્રીગુરુલીલામૃત ગ્રંથનો છેલ્લો અને ત્રીજો ભાગ છે.(જુઓ:ઉપાસનાકાંડની પ્રસ્તાવના)

શ્રે વાસુદેવાનંદસરસ્વતીનો જન્મ સાવંતવાડી નજીકના એક નાના ગામ માણગાંવમાં થયો હતો.તેમના પિતા ગણેશ ભટ્ટ વ્યાવહારિક વાતોમાં ધ્યાન આપતા ન હતા તેથી દાદા હરિભટ્ટજીએ એમના પ્રતિ કાળજી રાખી ભણાવ્યા.એમના જન્મ પહેલા ગણેશ ભટ્ટ દત્તાત્રેય ભગવાનની ઉપાસના માટે ઘણા વરસો    ગાણગાપુર જતા હતા અને ત્યાં જ રહેતા,એક વખત તેમને આદેશ થયો કે તેમણે ગાણગાપુર છોડી પોતાના વતનમાં જ જવું કારણકે હવે ગાણગાપુર આવવાની કોઈ જરૂર તેમને માટે નથી. આ પછી થોડાજ સમયમાં ગણેશભટ્ટના પત્ની રમાબાઈએ શ્રાવણ વદ પાંચમ શકે ૧૭૭૬ મા (ઈ.સ.૧૮૫૪ ) વાસુદેવને જન્મ આપ્યો.
વેદ અને જ્યોતિષમાં નિષ્ણાત એવા શ્રી શંભુ શાસ્ત્રી પાસે થોડો સમય તેમણે શિક્ષણ લીધું.પરંતુ થોડાજ સમયમાં શિષ્ય ગુરુને ટપી ગયો.જે ગુરુથી સહન ન થતા તેમણે તેને છોડી દીધા,ત્યાર પછી તેમણે તે સમયના વિખ્યાત જ્યોતિષી શ્રી નીળમભટ્ટ પાધ્યે પાસે શિક્ષણ લેવાનું શરૂ કર્યું .પરંતુ તે ઘરના સંજોગોને કારણે માત્ર નવ મહિનામાંજ છોડી દેવું પડ્યું.અવારનવાર સાવંતવાડીમા પોતાની મુશ્કેલીયોના નિવારણ અર્થે  જતા અને ત્યાંના શ્રી વિષ્ણુ ભટ્ટ અલવણી  પાસેથી તે અંગે માર્ગદર્શન,
મદદ મેળવતા. જો કે ઘણું ખરું જ્ઞાન તો તેઓને સ્વયંપ્રજ્ઞાથી જ પ્રાપ્ત થતું.આમ બાર વર્ષની ઉંમરમાં તેઓ દસગ્રંથિ થયા.
વાસુદેવ આ ગમ કરી પઠન ઋગ્વેદ જાણ,
સપદઘનકર્મસંહિતા થયા દસગ્રંથિ માન.૩૬.
બાર વરસની ઉંમરે વિપ્રાશિષથી એમ
દસગ્રંથિ નામે થયા પ્રસિદ્ધ સઘળે તેમ.  ૩૭.
(શ્રી ગુ.લી.ઉપાસનાકાંડ પૃ.૫)
તેઓ બાલ્યકાળથી તેજસ્વી હતા એટલુંજ નહીં એમનું; હૃદય ભક્તિભાવથી ભરપૂર હતું.યુવાન વયથી
ઓ શાસ્ત્રજ્ઞા પ્રમાણે વર્તતા અને જોડા તથા છત્રી વાપરતા નહીં.આરંભથી જ તેમને મંત્ર વિદ્યા સાધ્ય હતી એ સંબંધમાં ઘણી આખ્યાયિકાઓ તેમની  સાથે જોડાય છે અને ઉદઘૃત પણ થઈ છે. યુવાન વયના શાસ્ત્રી બુવા પ્રત્યે ગામમાં લોકોને ઘણો આદરભાવ હતો .તેમણે ૨૧ વર્ષની  વયે અન્નપૂર્ણા સાથે લગ્ન કર્યું અને તેમના લગ્ન પછી ૧૮૭૭ મા તેમના પિતાજીનો સ્વર્ગ વાસ  થયો.
નરસોબા વાડી તરફ ગમન માટે એક દૈવી અદભુત આદેશ અને વ્યવસ્થા થતા તે થોડો સમય વાડીમાં રહ્યા.અહીં તેમને તેમના જીવન કાર્યનું દર્શન થયું અને દૈવી રીતે તેમને માર્ગ દર્શન પણ મળ્યા કર્યું. અહીં તેઓ ગોવિંદ સ્વામી અને મૌની સ્વામીના ગાઢ પરિચયમાં આવ્યા.આ બંને સંતો આધ્યાત્મિક માર્ગમાં,
મોક્ષ પથમાં આગળ વધેલા હતા અને મહદ અંશે સમાજોપયોગી કાર્યો કરતા ત્યાં રહેતા હતા.ધીરે ધીરે બ્રહ્મજ્ઞાનના માર્ગ તરફ આગળ વધતા વાયુદેવાનંદજીને જે જે દૈવી અનુભવો થવા લાગ્યા તેને દૈવી રીતેજ સમજૂતી પણ તેમને મળવા લાગી. ગુરુ ચરિત્રના સપ્તાહ પારાયણ પછી તેમણે વાડી છોડ્યું
અને ઘેર જઈ ચાંદ્રાયણ વ્રત કર્યું . ફરી પાછા તેઓ વાડી ગયાઅને ત્યાં લગભગ ચાર માસ રહ્યા . આ દરમ્યાન તેમને સ્વપ્નમાં દત્તાત્રેય ભગવાને મંત્રોપદેશ કર્યો  અને માણગાંવ જવાનો અને  ત્યાં રહી  કાર્ય
રવાનો આદેશ થયો.રસ્તામાં કાગળ ગામમાં પરમાત્માની કૃપાથી દત્ત ભગવાનની મૂર્તિ અચાનક મળી.
દત્ત ભગવાનની કૃપાથીતેમણે અહીં ઘણા માણસોને આધિભૌતિક તથા આધ્યાત્મિક કષ્ટોના નિવારણ કરી સાચે રસ્તે ચઢાવ્યાના અનેક ઉદાહરણો મળે છે. સાત વર્ષના માણગાવના આ નિવાસમાં ચોક્કસ અને પૂર્વ નિશ્ચિત કાર્યક્રમ કે જેમાં પરમાત્મા દત્તની સંપૂર્ણ કૃપા ભળેલી હતી તે દ્વારા તેમણે યોગ માર્ગમાં  અને ભક્તિ પંથમાં ખુબજ  પ્રગતિ કરી ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત કરી શિષ્ટ લોકો દ્વારા 'શાસ્ત્રી બુવા'ના માનભર્યા નામથી સંબોધાવા લાગ્યા.માણગાંવમાં આવેલું દત્તાત્રેય ભગવાનનું મંદિર આ સંતના સ્મારક તરીકે આજે ય  ઉભું છે કે જ્યા આ સંતે અત્યંત અલ્પ સમયના ગાળામાં ઘણા લોકોને આકર્ષ્યા અને તેમના પર અનુગ્રહ કરી વરદાન આપ્યા. આ જ સ્થળે અને આ જ મંદિરમાં એક વખત પરમાત્માએ તેમને વરદાન આપ્યુ કે હવેથી તેમને માણસની શ્રદ્ધા જોઈ તપાસી યોગ્ય માર્ગદર્શન આપવું અને પરમાત્મા ભક્તોની ઈચ્છા તે મુજબ પરિપૂર્ણ કરશે (શ્રી.ગુ.લી. ૩.-૧૧૩-૧૯).આ દિવસથી વાસુદેવ પ્રભુની આજ્ઞા વિના એક પણ ડગલું ભરતા નહીં
થયા દત્ત અદ્રસ્ય ત્યાં! તે દિનથી જાણ ;
વાસુદેવ ડગ ના ભરે દત્તાજ્ઞા વિણ  માન.૮૮

તેમણે ઈ.સ.૧૮૮૯ મા માણગાંવ છોડ્યું અને લોકો ઉધ્ધારારથે   ફરવા માંડ્યું . પ્રથમ તેઓ નરસોબાની
વાડી ગયા અને પછી એક સ્થેળેથી બીજે એમ ફરતા રહ્યા.અહીં(વાડીમાં) તેમણે  મૃત પુત્રની પાછળ શોક કરતી પોતાની પત્નીને બ્રહ્મજ્ઞાનનો બોધ આપ્યો.શ્રી ફડકે નામના વિદ્વાને આવા અપૂર્વ પતિ-પત્નીના સંવાદની નોંધ લઈ લખ્યું કે કપિલે પોતાની માતા દેવહૂતિને અને દત્તાત્રેયે અનસૂયાને જ્ઞાન આપ્યું ,સાંભળ્યું છે પણ આ તો અસાધારણ અને અભૂતપૂર્વ છે.આ પછી અન્નપૂર્ણામાનો  વૈશાખ વદ ૧૪(શકે ૧૮૧૩)ના રોજ ગોદાવરીના કિનારા પર ગંગાખેડમાં દેહવિલય થયો અને તેમને ચૌદ દિવસ થતાં જ  તેમણે 36 વર્ષની ઉંમરે સન્યાસ ગ્રહણ કર્યો.
-નારેશ્વરનો નાદ ના સૌજન્યથી

Thursday, June 30, 2016

સખી


સખી

શાને તું વ્યથા થકી દુભાતી  સખી
જ્યારે ઉપવન સુંદરતાની રેલે બૌછાર,
હજી તો આ જીવન કોમળ છે સખી
મંદ મંદ અનિલ વહે સુગંધિત આસપાસ
હું તો તારી સખી,કઈ ચિંતા તને સતાવે
મને નહીં કહે સખી,જ્યારે અહીં આનંદ અપાર
હું પૂછી  જોઉં,આ કુદરતને  કદાચ કોઈ રસ્તો મળે
ગાઢી મિત્રતામાં ક્યાંથી આવું સર્જન થયું !!
જ્યારે કુદરત ને  કોઈ ચિત્રકારે કેન્વાસે મઢી,
બોલ સખી કઈ તો બોલ,કોણે તને આમ દુઃખી કરી,
તારી વ્યથા તે મારી વ્યથા,તારા દુખે હું દુઃખી
સખી,ચિંતા ન કરીશ,રહીશું સુખ દુઃખમાં સાથ.



-મહેન્દ્ર ભટ્ટ    

Friday, June 17, 2016

નારાયણ નામની હો (ગુરુભજન)



                                નારાયણ નામની હો


                                                  નારાયણ નામની હો માળા છે ડોકમાં(૨)
                                                   ગુરુજીના નામની હો માળા છે ડોકમાં....(૨)

                                                   જુઠું બોલાય નહિ,ખોટું લેવાય નહિ(૨)
                                                   અવળું ચલાય નહિ હો,માળા છે ડોકમાં..
                                                   ગુરુજીના નામની હો....

                                                   ક્રોધ કદી થાય નહી, પરને નિંદાય  નહિ(૨)
                                                   કોઈને દુભવાય નહિ હો,માળા છે ડોકમાં...
                                                   ગુરુજીના નામની હો.....

                                                   પરને પીડાય નહિ,હુપદ ધરાય નહિ(૨)
                                                   પાપને પોષાય નહિ હો માળા છે ડોકમાં...
                                                   ગુરુજીના નામની હો ....

                                                   સુખમાં છકાય નહિ,દુઃખમાં રડાય નહિ(૨)
                                                   ભક્તિ ભૂલાય નહિ હો ,માળા છે ડોકમાં.....
                                                   ગુરુજીના નામની હો ....

                                                   ધન સંગરાય નહિ,એકલા ખવાય નહિ,(૨)
                                                   ભેદ રખાય નહિ હો માળા છે ડોકમાં....
                                                   ગુરુજીના નામની હો.....

                                                   બોલ્યું બદલાય નહિ,ભેખને સજાય નહિ,(૨)
                                                   બાનું લગવાય નહિ હો,માળા છે ડોકમાં....
                                                   ગુરુજીના નામની હો.....

                                                   શ્રી હરી હરા નંદ કહે,સત્ય છુપાય નહિ(૨)
                                                   નારાયણ વિશરાય નહિ હો,માળા છે ડોકમાં....
                                                   ગુરુજીના નામની હો....

                                                                     જય શ્રી કૃષ્ણ.

Monday, June 13, 2016

"સંવર્ધન માતૃભાષાનું"

.   એક અગત્યના સારા સમાચાર:



આપણું સહિયારું પુસ્તક "સંવર્ધન માતૃભાષાનું" હવે એમેઝોન ઉપરથી પણ મળશે. "દુનીયાનાં સૌથી જાડા પુસ્તકમાં"મારી કૃતિ પણ છે. પિતૃદિને ભેટ આપવા લાયક આ પુસ્તકની સાચી જગ્યા આપના ઘર નજીકની લાઇબ્રેરી છે. કે આપના ગુજરાતી સમાજની ઓફીસ કે લાઇબ્રેરી,

મારી કૃતિ "મોગરાના ફૂલ"(નવલકથા) તથા "ચાંદની રાત" (ટુકી વાર્તાઓનો સંગ્રહ) "સંવર્ધન માતૃભાષાનું" પુસ્તકમાં સામેલ છે,




આ પુસ્તક હવે એમઝોન.કોમ ઉપર ઉપલબ્ધ છે.