Monday, March 18, 2019

હોળી તેમજ ધુળેટીનીશુભકામનાઓ

.


હોળી તેમજ ધુળેટીનીશુભકામનાઓ 

Image result for holika dahanવાચક મિત્રો,
હોળી તેમજ ધુળેટીની આપ સહુ તેમજ આપના કુટુંબીજનોને મોગરાના ફૂલ બ્લોગ વતી  ખુબ ખુબ શુભકામનાઓ


પુરાણી માન્યતાઓ મુજબ ફાગણ માસની સુદ આથમ હોળાષ્ટકની શરૂઆત છે.આ તિથિ થી પૂનમ સુધી આઠ દિવસો ને હોળાષ્ટક કહે છે.હોળાષ્ટક ભક્તિની શક્તિનો પ્રભાવ બતાવે છે.ભગવાન વિષ્ણુએ દુરાચારી હિરણકશ્યપુનો ઉદ્ધાર કરવા તેમનો એક અંશ તેની પત્ની કયાધૂને ગર્ભમાં સ્થાપિત કરી પ્રહલાદના રૂપમાં લાવી ભક્તિનો મહિમા વધાર્યો જે તેના પિતા સહન કરી ન શક્યો અને પ્રહલાદને ભક્તિથી દૂર કરવા શુક્લ પક્ષની અષ્ટમીથી તેને બંદી બનાવી  અનેક રીતે મૃત્યુ દંડ આપ્યો પણ બધાથી ઉપર પ્રહલાદ ભક્તિને વળગી રહ્યો.તેનો બચાવ થયો એવી રીતે સાત દિવસો પસાર થઇ ગયા.અને હિરણકશ્યપુ હેરાન થઇ ગયો આથમે દિવસે
તેની બહેન હોલિકા જેને બ્રહ્માજીનું અગ્નિથી નહિ બળવાનું વરદાન હતું તે પ્રહલાદને જલતી જ્વાળાઓમાં પોતાના ખોળામા લઈને બેઠી પણ તે સળગી ગઈ અને પ્રહલાદનો બચાવ થઇ ગયો.
ત્યારથી ભક્તિ ઉપરના આ આઠ દિવસો અત્યાચારના રૂપમાં હોળાષ્ટક તરીકે મનાવાય છે.આ દિવસોમાં શુભ કામ થતા નથી.સુદ આથમે હોલિકાદહન માટેનું સ્થાન નક્કી કરવામાં આવે છે અને પૂનમને દિવસે સંધ્યાકાળે શુભ મુહૂર્તમાં પૂજા કરીને હોલિકા દહન કરવામાં આવે છે.

જય શ્રી કૃષ્ણ
મહેન્દ્ર ભટ્ટ.

Thursday, March 14, 2019

શિવપુરાણ

શિવપુરાણ

શિવનો અર્થ છે કલ્યાણ,શિવજીના માહાત્મ્યની આસપાસ આ પુરાણ શિવમહાપુરાણના નામે પ્રસિદ્ધ છે.ભગવાન શિવ પાપોથી મુક્ત કરનાર દેવ છે તે એટલા સરળ છે કે જલ્દી પ્રસન્ન થઇ જાય છે.માટે તેમનું એક નામ ભોળાનાથ પડ્યું છે.તેઓ મનવાંછિત ફળ આપનારા દેવ છે.૧૮ પુરાણોમાં ક્યાંક શિવ પુરાણ કે ક્યાંક વાયુપુરાણનું વર્ણન આવે છે.શિવપુરાણનો સબંધ શૈવ સાથે છે.આ પુરાણમાં મુખ્યત્વે શિવભક્તિ અને શિવમહિમાની આસપાસ વર્ણન થયું છે.બધા પુરાણોમાં શિવને ત્યાગ,તપસ્યા,વાત્સલ્ય અને કરુણાની મૂર્તિ બતાવવામાં આવ્યા છે.શિવ જલ્દી પ્રસન્ન થતા દેવ તરીકે વર્ણવામાં આવ્યાછે.પરંતુ શિવ પુરાણમાં તેમનું જીવનચરિત્રનું વર્ણન કરતા,રહેણીકરણી,વિવાહ અને પુત્રોના જન્મનું બારીકાઈથી વર્ણન કરવામાં આવ્યું છે.

શિવ મહિમા

ભગવાન શિવ ત્રિદેવોમાં લોકોપ્કારી,અને સદા હિત કરનારા દેવ માનવામાં આવ્યા છે.તેઓને સંહારના દેવ પણ કહેવામાં આવ્યા છે.બીજા દેવોની તુલનામાં શિવને ખુબ સરળ દેવ માનવામાં આવ્યા છે.બીજા દેવોની માફક તેમને મનાવવા સુગંધિત પુષ્પમાળા,કે મીઠાઈ ની જરૂર પડતી નથી.તે તો,ચોખ્ખું પાણી,બીલીપત્ર કાંટાવાળા ન ખાઈ શકાય તેવા ફળો અને ધંતુરાનાં ફૂલો ચઢાવવાથી પ્રસન્ન થઇ જાય છે.તેમને સુંદર વેશભૂષા કે અલંકારોની જરૂર નથી તે તો  ઓઘડ બાબા છે.
ગળામાં સાપ અને રુદ્રાક્ષની માલા વાળા,જટાઝૂંટ ચિતાની ભસ્મ શરીર પર લગાવી ફક્ત વાઘનું ચામડું,પહેરી ત્રિશુલ પકડી,પોતાની પગચંપીથી ડમરુના કર્ણભેદી અવાજથી સંસારને નચાવ્યા કરે છે તેથી તેમને નટરાજની ઉપમા આપવામાં આવી છે.તેમના પહેરવેશથી જીવન અને મૃત્યુનો બોધ મળે છે.માથા ઉપર ગંગા અને ચંદ્ર, જીવન અથવા કલાનું તેજ વધારે છે.શરીર ઉપર લગાવેલી ભસ્મ મૃત્યુનું પ્રતીક છે.ગંગાની ધારની માફક ચાલતું જીવન .છેલ્લે મૃત્યુના સાગરમાં ખોવાઈ જાય છે.રામચરિતમાનસમાં શ્રી તુલસીદાસે જેમને 'અશિવવેશધારી'અને 'નાનાવાહન નાનાભેષ'વાળા ગણોના અધિપતિ કહ્યા છે.તે શિવ ફક્ત આડંબર વગરના બધાને ગમે તેવો વેશ ધારણ કરે છે.તેઓ નીલકંઠ કહેવાય છે.કેમકે સમુદ્રમંથન સમયે દેવો તથા અસુરો બહુકીમતી રત્નોને હસ્તગત કરવાની મારામારી કરતા હતા ત્યારે કાલકૂટ ઝહેર નીકળ્યું ત્યારે કોઈ ગ્રહણ કરવા તૈયાર ન થયા અને પાછા પડી ગયા ત્યારે શિવજીએ એ મહાવિનાશક ઝહેરને ગળામાં ગ્રહણ કરી લીધું અને તેમનો કંઠ નીલો થઇ ગયો તેથી  તેઓ નીલકંઠ કહેવાયા. 

એવા અપરિગ્રહી અને પરોપકારી શિવનું ચરિત્રને વર્ણવવા જ આ પુરાણની રચના કરવામાં આવી છે.તે સંપૂર્ણ ભક્તિગ્રંથ છે.આ પુરાણમાં કળિયુગના પાપોથી પીડાતા વ્યક્તિને મુક્તિ માટે શિવજીની આરાધના નો માર્ગ બતાવવામાં આવ્યો છે.મનુષ્યે નિષ્કામભાવથી બધા કર્મો શિવને અર્પણ કરી દેવા જોઈએ.વેદો અને ઉપનિષદોમાં 'પ્રણવ ૐ 'ને મુક્તિનો આધાર બતાવવામાં આવ્યો છે.પ્રણવ મંત્રની સાથેસાથે 'ગાયત્રીમંત્ર' જાપને પણ શાંતિ અને મોક્ષકારક કહ્યો છે.

કથા

ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં નાગશૈયા પર શયન કરતા હતા ત્યારે તેમની નાભિમાંથી એક સુંદર કમળ પ્રગટ થયું,તેના ઉપર બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું.માયાના વશથી તેમની ઉત્તપત્તિનું કારણ તેઓ સમજી ન શક્યા ચારેબાજુ ફક્ત પાણી દેખાતું હતું.ત્યારે એક આકાશવાણી થઇ ,"તપસ્યા કરો" તે અનુસાર બ્રહ્માજીએ બાર વર્ષની કઠોર તપસ્યા કરી ત્યારે ભગવાન વિષ્ણુએ ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થઇ બ્રહ્માને કહ્યું મેં તમારી સત્વ ગુણ થી ઉત્પત્તિ કરી છે.પણ માયાના વશમાં ભગવાનને સમજ્યા વગર બ્રહ્માજી તેમની સાથે યુદ્ધ કરવા મંડયા.
ત્યારે બંનેના વિવાદને શાંત કરવા એક જ્યોતિર્લિંગ પ્રગટ થયું.બંને નવાઈ પામી જ્યોતિર્લિંગને જોવા લાગ્યા.આ જ્યોતિર્લિંગના સ્વરૂપને સમજવા બ્રહ્માજીએ હંસનું રૂપ ધારણ કરી ઉપર તરફ અને ભગવાન વિષ્ણુએ વરાહનું રૂપ ધારણ કરી નીચે તરફ પ્રયાણ કર્યું પણ બંનેને  તેના આદિ અને અંતનો પત્તો ન લાગ્યો.
એવી રીતે ૧૦૦ વર્ષો પસાર થઇ ગયા.તે દરમ્યાન જ્યોતિર્લિંગમાંથી એક ૐકાર નામનો ધ્વનિ સંભળાયો.અને એક પાંચ મુખોવાળી મૂર્તિ દેખાઈ તે ભગવાન શિવ હતા.બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન શિવને પ્રણામ કર્યા ત્યારે શિવજીએ કહ્યું કે,
"તમે બંને મારા અંશથી ઉત્ત્પન્ન થયા છો."
અને પછી તેમણે બ્રહ્માજીને દુનિયાનું સર્જન અને ભગવાન વિષ્ણુને દુનિયાનું પાલન કરવાની જવાબદારી સોંપી.શિવ પુરાણમાં ૨૪૦૦૦ શ્લોકો છે. તેમાં તારકાસુરવધ,મદનદાહ,પાર્વતીની તપષ્યા,

શિવ પાર્વતી વિવાહ,કાર્તિકેયનો જન્મ,ત્રિપુરનો વધ,શિવ પુંજમાં કેતકીના ફૂલોનો નિષેધ,રાવણની શિવ ભક્તિ વગેરે પ્રસંગોનું વર્ણન છે.

શિવપુરાણોમાં બાર સંહિતાઓ છે.
૧.વિઘ્નેશ્વર સંહિતા ૨ રુદ્ર સંહિતા ૩.વૈનાયક સંહિતા ૪.ભૌમ સંહિતા ૫. માત્ર સંહિતા ૬.રુદ્ર એકાદશ સંહિતા ૭.કૈલાસ સંહિતા ૮. શત રુદ્ર સંહિતા.૯.કોટી રુદ્ર સંહિતા ૧૦.સહસ્ત્ર કોટી રુદ્ર સંહિતા ૧૧.વાયવીય સંહિતા ૧૨. ધર્મ સંહિતા.


આ સંહિતાઓનું શ્રવણ કરવાથી મનુષ્યના બધા પાપોનો નાશ થાય છે અને શિવધામની પ્રાપ્તિ થાય છે.મનુષ્યોએ ભક્તિ,જ્ઞાન અને વૈરાગ્ય સાથે ખુબ આદર સાથે તેનું શ્રવણ કરવું જોઈએ.બાર સંહિતાઓ સાથે આ શિવપુરાણ પરબ્રહ્મ ભગવાન શિવ સમાન વિરાજમાન છે અને ખુબજ ઊંચી ગતિ  આપનારું છે.

વિઘ્નેશ્વર સંહિતા:

આ સંહિતામાં શિવરાત્રી વ્રત,પંચકૃત્ય,ૐકારનું મહત્વ,શિવલિંગ પૂંજા અને દાન ઉપર કહેવામાં આવ્યું છે.શિવની ભસ્મ અને અને રુદ્રાક્ષનું મહત્વ પણ બતાવવામાં આવ્યું છે.રુદ્રાક્ષ જેટલો નાનો હોય તેટલું તેનું ફળ વધુ મળે છે.ખંડિત રુદ્રાક્ષ,જંતુ દ્વારા  નુકશાની રુદ્રાક્ષ અને ગોળ ન હોય તેવા રુદ્રાક્ષ ક્યારેય પહેરવા ન જોઈએ જે રુદ્રાક્ષમાં કુદરતી કાણું હોય તે સર્વોત્તમ રુદ્રાક્ષ હોય છે.
બધીજ જાતિના લોકોએ સવારે પ્રાતઃકાળમાં ઉઠીને સૂર્ય તરફ મુખ રાખી દેવો અથવા શિવજીનું ધ્યાન કરવું જોઈએ.જે ધનની આવક થાય તે આવકમાંથી,એક ભાગ વૃદ્ધિમાં,એક ભાગ ઉપભોગમાં તથા એક ભાગ ધર્મ કર્મમાં ખર્ચવો જોઈએ.એ સિવાય ક્રોધ ક્યારેય કરવો ન જોઈએ અને ક્રોધિત થવાય તેવી વાણી ક્યારેય બોલવી ન જોઈએ.

રુદ્ર સંહિતા:

રુદ્ર સંહિતામાં શિવજીનું જીવન ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે.તેમાં નારદ મોહની વાત,સતીનો દક્ષના યજ્ઞમાં દેહ ત્યાગ,પાર્વતી વિવાહ,મદન દહન,કાર્તિકેય અને ગણેશ પૂત્રો ના જન્મ, પાર્વતીપરિક્રમાની કથા,શંખચૂડ સાથે યુદ્ધ,અને તેના સંહારની કથાનો વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે.શિવપૂજન પ્રસંગમાં કહ્યું છે કે દૂધ,દહીં,મધ,ઘી અને સાકરના પંચામૃતથી નવડાવી ચંપો,
પાટલ,કરણ,કમળ અને મલ્લિકાનાં ફૂલો ચઢાવવા,પછી ધૂપ,દીવો,નૈવેદ અને અક્ષત ચઢાવવા તેનાથી શિવજી પ્રસન્ન થઇ જાય છે.
આ સંહિતામાં દુનિયાની ઉત્તપત્તિનું આદિકારણ શિવજીને માનવામાં આવ્યા છે શિવજી થી આદ્ય શક્તિ "માયા" નો આવિર્ભાવ થાય છે અને શિવજીથી બ્રહ્મા અને વિષ્ણુનું સર્જન બતાવાયું છે.

શતરુદ્ર સંહિતા:

આ સંહિતામાં શિવજીના બીજા ચરિત્રો,હનુમાન,શ્વેતમુખ અને ઋષભદેવનું વર્ણન છે.તેને શિવજીનો અવતાર કહેવામાં આવ્યો છે.શિવજીની આઠ મૂર્તિઓ પણ બતાવવામાં આવી છે.તે આઠ મૂર્તિઓમાં 
ધરતી,પાણી,અગ્નિ,પવન,અંતરિક્ષ,ક્ષેત્રજ,સૂર્ય અને ચંદ્ર અધિષ્ઠિત છે.આ સંહિતામાં શિવજીનું 
"અર્ધનારીશ્વર" રૂપ ધારણ કરવાની કથા કહેવામાં આવી છે.આ સ્વરૂપ શ્રુષ્ટિના વિકાસમાં 'મૈથુની ક્રિયા' ના યોગદાન  માટે ધારણ કર્યું હતું.
શિવપુરાણની 'શતરુદ્ર સંહિતાના'ના બીજા અધ્યાયમાં ભગવાન શિવજીને 'અષ્ટમૂર્તિ' કહી તેમના આઠ રૂપો શર્વ,ભાવ,રુદ્ર,ઉગ્ર,ભીમ,પશુપતિ,ઈશાન,અને મહાદેવનું વર્ણન છે.શિવજીની આ આઠ મૂર્તિઓ થી પંચમહાભૂત તત્વ,ઈશાન(સૂર્ય),મહાદેવ(ચંદ્ર),ક્ષેત્રજ્ઞ(જીવ) અધિષ્ઠિત છે.સચરાચર વિશ્વને ધારણ કરવું (ભાવ),વિશ્વની અંદર બહાર રહી વર્તમાનમાં સ્પંદિત થવું(ઉગ્ર)આકાશાત્મક રૂપ(ભીમ),બધાજ વિસ્તારના જીવોના પાપનાશક(પશુપતિ),જગતને પ્રકાશ આપનાર સૂર્ય (ઈશાન ), ત્રિલોકમાં ભ્રમણ   કરીને બધાને આશીર્વાદ આપવાનું (મહાદેવ) રૂપ છે.

કોટિરુદ્ર સંહિતા:

કોટિરુદ્ર સંહિતામાં શિવજીના બાર જ્યોતિર્લિંગોનું વર્ણન છે.તે જ્યોતિર્લિંગો ક્રમમાં:સૌરાષ્ટ્રમાં સોમનાથ,શ્રીશૈલમાં મલ્લિકાર્જુન,ઉજ્જૈનમાં મહાકાલેશ્વર,ૐકારમાં અમલેશ્વર,હિમાલયમાં કેદારનાથ,ડાકિનીમાં ભીમેશ્વર,કાશીમાં વિશ્વનાથ,ગોમતી કિનારે ત્રયંબકેશ્વર,ચિતાભૂમિમાં વૈદયનાથ,સેતુબંધમાં રામેશ્વર,દારુકવનમાં નાગેશ્વર અને શિવાલયમાં ગુશ્વેશ્વર છે.આ સંહિતામાં વિષ્ણુ દ્વારા શિવના સહસ્ત્ર નામનું વર્ણન પણ છે.
સાથે શિવરાત્રી વ્રતના માહાત્મ્ય સંબધે વાઘ અને સત્યવાદી મૃગ  પરિવારની કથા પણ છે.ભગવાન 'કેદારેશ્વર જ્યોતિર્લિંગ' ના દર્શન કર્યા પછી બદ્રીનાથમાં ભગવાન નર-નારાયણના દર્શન કરવાથી મનુષ્યોના પાપનો નાશ થાય છે અને તેઓને જીવનમુક્તિ પણ મળી જાય છે. 
આ આશયના મહિમાને શિવપુરાણના કોટિરુદ્ધ સંહિતામાં બતાવવામાં આવ્યો છે.
આ સંહિતામાં ભગવાન શિવ માટે તપ,જ્ઞાન અને દાનનું મહત્વ પણ સમજાવ્યું છે.જો નિષ્કામ કર્મથી તપ કરવામાં આવે તો તેની મહિમા જાતે જ પ્રકટી ઉઠે છે.અજ્ઞાનના નાશથી સિદ્ધિ મળે છે.'શિવપુરાણ' ના અધ્યયનથી અજ્ઞાનનો નાશ થાય છે.આ સંહિતામાં જુદા જુદા પ્રકારના પાપો નો ઉલ્લેખ કરતા બતાવાયું છે કે કયું પાપ કરવાથી કયું નર્ક મળે છે.પાપ થઇ જાય તો તેના પ્રાયશ્ચિત્ત માટે ઉપાય વગેરે પણ બતાવાયા છે.

ઉમા સંહિતા:

ઉમા સંહિતામાં માતા પાર્વતીનું અદભુત ચારિત્ર તથા તેના સબંધે અદભુત લીલાઓ નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જો કે પાર્વતી, ભગવાન શિવજીના અડધા ભાગથી પ્રગટ થયા છે અને ભગવાન શિવજીનું આંશિક સ્વરૂપ છે.માટે આ સંહિતામાં ઉમા મહિમાનું વર્ણન કરીને અપ્રત્યક્ષ રૂપથી ભગવાન શિવજીના 'અર્ધનારીશ્વર' શરીરનું માહાત્મ્ય બતાવવામાં આવ્યું છે.

કૈલાસ  સંહિતા:



કૈલાસ સંહિતામાં ૐકારના મહત્વનું વર્ણન છે.તેના સિવાય યોગનો વિસ્તારથી ઉલ્લેખ છે.તેમાં વિધિ પૂર્વક શિવોપાસના,નંદી શ્રાદ્ધ અને બ્રહ્મયજ્ઞાદિ ની વિવેચન પણ  કર્યું  છે.ગાયત્રીજપનુ મહત્વ અને વેદોના બાવીસ મહાવાક્યોનો અર્થ પણ સમજાવ્યો છે.


વાયુ સંહિતા:
આ સંહિતાના પૂર્વ અને ઉત્તર ભાગમાં પાશુપત વિજ્ઞાન,મોક્ષ માટે શિવનું જ્ઞાન હોવું જરૂરી,હવન ,યોગ અને શિવ ધ્યાનનું મહત્વ સમજાવ્યું છે.શિવ જ સચરાચર જગતના એકમાત્ર દેવ છે.શિવજીના નિર્ગુણ અને સગુણ રૂપની રજુઆત કરતા કહેવામાં આવ્યું છે શિવ  એકજ છે જે બધાજ પ્રાણીઓ ઉપર દયા કરે છે.તે કાર્ય માટે જ તે સગુણ રૂપ ધારણ કરે છે.જેવી રીતે અગ્નિ તત્વ અને જળ તત્વ ને કોઈ ખાસ રૂપ માં રાખી લાવવામાં આવે છે તેમ શિવજી પોતાનું કલ્યાણકારી સ્વરૂપ સાકાર મૂર્તિના રૂપમાં પ્રગટ કરીને દુઃખી માણસ સામે આવે છે શિવજીના મહિમાનું ગીત જ આ પુરાણનો પ્રતિપાદય વિષય છે.

શિવપુરાણ સાંભળવાનું ફળ

શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કોઈપણ શ્રદ્ધા રાખીને શિવપુરાણ કથા સાંભળે છે તે જન્મ મરણના બંધન થી મુક્ત થઇ જાય છે અને ભગવાન શંકરના પરમ ધામમાં જાય છે.બીજા દેવતાઓની તુલનામાં ભગવાન શિવજી જલ્દી પ્રસન્ન થઇ જાય છે અને થોડી પૂજાનું ખૂબ જ મોટું ફળ આપી દે છે.એકવાર ભસ્માસુરે ભગવાન શંકરની તપસ્યા કરીને ઇચ્છિત ફળ માગ્યું કે હું જેના માથે હાથ મુકું તે ભષ્મ થઇ જાય,ભગવાન શંકર એટલા ભલા ભોળા કે કંઈપણ સમજ્યા વિચાર્યા વગર તથાસ્તુઃ કહી દીધું.

ભષ્માસૂરે વિચાર્યું કે પહેલા શંકરજીને જ ભષ્મ કરી જોઉં,અને તે ભગવાન શંકરની પાછળ દોડ્યો.ભગવાન શંકર દોડતા વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા.તો વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરી ભસ્માસૂરનો હાથ તેનાજ માથા ઉપર મુકાવી ભગવાન શિવજીની રક્ષા કરી.
 એટલે ભગવાન શંકરની થોડીક પૂજા કરો તો તો તે પ્રસન્ન થઇ  ખુબજ મોટું ફળ આપી દે છે.જે શિવપુરાણની કથા સાંભળે છે તેને કપિલ ગાયદાન જેટલું ફળ મળે છે.પુત્રહીનને પુત્ર,મોક્ષાર્થીને મોક્ષ,પ્રાપ્ત થાય છે અને તેના કોટિ જન્મોનાં પાપ નાશ પામે છે અને શિવધામની પ્રાપ્તિ થાય છે.માટે શિવપુરાણની કથાનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ.

જે કાયમ અનુસંધાનપૂર્વક આ શિવપુરાણને વાંચે છે અથવા કાયમ માત્ર તેના પાઠ પ્રેમપૂર્વક કરે છે તે પુણ્ય આત્મા છે.એમાં કોઈ સંશય નથી.જે બુદ્ધિશાળી પુરુષ અંતકાળમાં ભક્તિપૂર્વક આ પુરાણને સાંભળે છે તેના ઉપર ખુબજ પ્રસન્ન થયેલા ભગવાન મહેશ્વર પોતાનું ધામ પ્રદાન કરે છે.જે રોજ આદરપૂર્વક આ શિવપુરાણનું પૂજન કરે છે તે સંસારના બધાજ ભોગો ભોગવી અંતમાં ભગવાન શિવજીના ધામમાં જાય છે.જે રોજ આળસ વગર રેશમી વસ્ત્રો પહેરી શિવપુરાણનો સત્કાર કરે છે તે કાયમ સુખી રહે છે.

આ શિવપુરાણ નિર્મળ અને  ભગવાન શિવજીનું સર્વશ્વ છે જે આલોક અથવા પરલોકમાં સુખ મેળવવા માંગતા હોય તેણે આદર સાથે પ્રયત્નપૂર્વક તેનું સેવન કરવું જોઈએ.આ નિર્મળ અથવા ઉત્તમ શિવપુરાણ ધર્મ,અર્થ,કામ અને  મોક્ષરૂપ ચારે પુરુષાર્થોને આપવાવાળું છે.માટે કાયમ પ્રેમપૂર્વક તેનો વિશેષ પાથ અને શ્રવણ કરવું જોઈએ.

શિવપુરાણ પુંજા વિધિ 

પૂજાના દિવસે સવારે સ્નાન વગેરે નિત્ય કર્મોથી પરવારી ત્યાર પછી પૂજાના સ્થળ ઉપર ભગવાન શીવ, માતા પાર્વતી અને નંદીને પવિત્ર જળ ચઢાવો.શિવલિંગ ઉપર માટીના વાસણમાં પવિત્ર જળ ભરીને બીલી પાત્ર,આકડાના અથવા ધંતુરાનાં ફૂલ,ચંદન અને અક્ષત સાથે ચઢાવો.જો નજીકમાં કોઈ શિવાલય ન હોય તો ભીની માટીમાંથી શિવલિંગ બનાવી તેની પુંજા પણ કરી શકાય છે.મહાશિવરાત્રીએ વ્રતની સાથે જાગરણ કરવું જોઈએ અને શિવપુરાણના પાથ સાંભળવા જોઈએ. બીજે દિવસે સવારે જવ,તલ,

ખીર અને બીલીપત્ર સાથે હવન કરી વ્રતની સમાપ્તિ કરવી જોઈએ.

શિવપુરાણ પૂજા વખતે આ વાતોનું પણ ધ્યાન રાખો.

જે પણ શિવપુરાણ કથા કરે છે તેને શરૂઆત કરવાના એક દિવસ પહેલા જ વાળ નખ વગેરે કપાવી લેવા જોઈએ.કારણકે કથા  પુરી થાય તે દરમ્યાન કોઈપણ પ્રકારનું ક્ષૌર કર્મ કરી શકાતું નથી.કથા સંભાળવવા વાળા પણ ધ્યાન રાખે કે જલ્દી ન પચે તેવા ખોરાક,દાળ,તળેલો ખોરાક મસૂર અને વાસી અનાજ ખાઈને શિવપુરાણ સાંભળવું ન જોઈએ.
કથા સાંભળનારે કથા વાંચનાર પાસે પહેલા દીક્ષા ગ્રહણ કરવી જોઈએ.દીક્ષા લીધા પછી બ્રહ્મચર્યનું પાલન કરવું,જમીન પર સૂવું,પતરાળામાં ખાવું અને રોજ કથા પુરી થયા પછી જ ખાવું જોઈએ.શિવપુરાણનું વ્રત જે કરે છે તેને દિવસમાં એક જ વાર જવ,તલ અથવા અક્ષત નું ભોજન કરવું જોઈએ.જેણે ફક્ત કથા સાંભળવાનું વ્રત લીધું હોય તેણે લસણ,ડુંગરી,હિંગ ગાજર વગેરે માદક પદાર્થો ન ખાવા જોઈએ.
કથા કરનારે કામ ક્રોધથી બચી સાધુ અને બ્રાહ્મણોની નિંદા ન કરવી જોઈએ.

ગરીબ,રોગી,કમનસીબ અને સંતાનવિહીન લોકોએ અવશ્ય કથાનું શ્રવણ કરવું જોઈએ.કથાનું વાચન કરનારની પુંજા કરી તેને દાન દક્ષિણા આપી સંતુષ્ટ કરવા જોઈએ.કથા સાંભળવા આવનાર બ્રાહ્મણોનું પણ સન્માન કરી દાન દક્ષિણા આપવા જોઈએ.

શિવપુરાણ કરાવવાનું મુહૂર્ત

શિવપુરાણ કથા કરાવવા માટે સહુ પ્રથમ વિદ્વાન બ્રાહ્મણો પાસે સારું મુહૂર્ત કઢાવવું જોઈએ.શિવ પુરાણ માટે શ્રાવણ,ભાદરવો,આષો,માગસર,મહા ,ફાગણ વૈશાખ,અને જેઠ મહિના વધુ શુભ છે  પણ વિદ્વાનોના કહેવા મુજબ જે દિવસે શિવપુરાણ કથા પ્રારંભ કરીએ તેજ શુભ મુહૂર્ત છે.

શિવપુરાણનું આયોજન ક્યાં કરવું

શિવપુરાણ કરવા માટેનું સ્થાન સામાન્ય રીતે ખૂબ જ પવિત્ર હોવું જોઈએ.જન્મભૂમિમાં તેનું આયોજન કરવાનું વિશેષ કહેવામાં આવ્યું છે.'જનની જન્મ ભૂમિશ્ચ:સ્વર્ગા
દપિ ગરિયશી ' તે ઉપરાંત તીર્થોમાં પણ શિવપુરાણનું આયોજન કરીને વિશેષ ફળ પ્રાપ્ત કરી શકાય છે.છતાંપણ જ્યા મનને સંતોષ મળે તે સ્થાન પર કથા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

શિવપુરાણ કરવાના નિયમો

શિવપુરાણના વક્તા વિધવાન બ્રાહ્મણ હોવા જોઈએ.તેમને શાસ્ત્રો અને વેદોનું સારું જ્ઞાન હોવું જોઈએ.બધાં બ્રાહ્મણ સારા આચરણવાળા અને સદાચારી હોવા જોઈએ.તે સંધ્યાવંદના અને રોજ ગાયત્રી જાપ કરતા હોવા જોઈએ.બ્રાહ્મણ અને યજમાને સાત દિવસો સુધી ઉપવાસ કરવા જોઈએ.ફક્ત એક સમય ભોજન કરવું.ભોજન શુદ્ધ શાકાહારી હોવું જોઈએ.સ્વાસ્થ્ય સારું ન હોય તો ભોજન કરી શકે છે.

શિવપુરાણમાં કેટલો ખર્ચ થાય છે.


આ ભૌતિક યુગમાં પૈસા વગર કશું શક્ય નથી,ધન વગર ધર્મ કરી શકાતો નથી, પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જેટલો ખર્ચ દીકરીના વિવાહ માટે કરીયે એટલો ખર્ચ શિવપુરાણ કથા માટે કરવો જોઈએ અને જેટલી ખુશીથી પુત્રીનો વિવાહ કરીએ એટલીજ ખુશીથી શિવપુરાણ કથા કરવી જોઈએ.

અસ્તુ .


Monday, March 4, 2019

મહાશિવરાત્રી


મહાશિવરાત્રી



પ્રિય વાચક મિત્રો 
શુભ પર્વ મહાશિવરાત્રીની આપ સહુને' મોગરાના ફૂલ બ્લોગ' વતી ખુબ ખુબ શુભ કામનાઓ,દેવાધિદેવ મહાદેવના આપ સહુ મિત્રો તેમજ આપના કુટુંબીજનો ઉપર ખુબ ખુબ આશીર્વાદ.

 મહાશિવરાત્રી વિષે.

મહાશિવરાત્રી ભગવાન શિવનું મોટું પર્વ છે.ફાગણમાસની વદ ચૌદસને દિવસે તેને મનાવવામાં આવે છે.આમ તો બારે માસ આ વ્રત ઘણા મનાવે છે, પણ ફાગણ માસમાં તેનું મહત્વ સર્વોત્તમ છે.આ દિવસે આખો દિવસ વ્રત રાખી મધ્યરાત્રે ભગવાન શિવની પુંજા કરવામાં આવે છે.ઘણા ભક્તો એ માને છે કે આ દિવસે ભગવાન શિવના વિવાહ માતા પાર્વતી સાથે થયા હતા.  આ વર્ષની મહાશિવરાત્રી સોમવારે છે તે વારનો સ્વામી ચંદ્રમા છે,ચંદ્રમાને જ્યોતિષશાસ્ત્ર સોમ કહે છે,અને ભગવાન શિવને સોમનાથ.માટે શિવજીને પ્રસન્ન કરવા આ દિવસ ખુબ મહત્વનો છે. શિવ યોગમાં પુંજા,ઉપવાસ અને જાગરણ કરવાથી ખુબ લાભ મળે છે.આ દિવસે શ્રવણ અને ધનિષ્ઠા નક્ષત્ર હોવાથી ત્રણ ત્રણ શુભ યોગ બને છે.
આમ તિથિ વાર અને નક્ષત્ર શુભ હોવાથી ત્રણ શુભ યોગોનો સંગમ મહાશિવરાત્રીને ખુબ જ લાભદાયક બનાવે છે.
આજના શુભ દિવસે નાહી ધોઈને શુદ્ધ થઇ શિવલિંગને એક થાળીમાં મૂકી ગંગાજળ,અને ચરણામૃત થી સ્નાન કરાવી ચંદન ,વસ્ત્ર, ફૂલ,બીલી પત્ર ચઢાવી ધૂપ દીવો કરી, શિવમંત્રની આરાધના કરી, નૈવેદ,પ્રસાદ ધરાવી આરતી કરવાથી ભગવાન શિવજી
ખુબ પ્રસન્ન થાય છે 

હર હર મહાદેવ.

Sunday, February 17, 2019

મત્સ્યાવતાર


ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતારની કથા




કલ્પાંત(પ્રલય) પહેલા એકવાર બ્રહ્માજીની અસાવધાનીના કારણે ખુબ જ ભયંકર એવા હયગ્રીવ નામના એક દાનવે વેદોને ચોરી લીધા હતા.અને તેના કારણે ભારતમાંથી તે સમયે જ્ઞાન ખોવાઈ ગયું હતું.ચારેબાજુ અજ્ઞાનતાનો અંધકાર ફેલાઈ ગયો હતો અને પાપ અને અધર્મ વધી ગયા હતા.ત્યારે ભગવાને મત્સ્ય રૂપ માં આવી હયગ્રિવનો નાશ કરી વેદોની રક્ષા કરી હતી. ભગવાને મત્સ્ય રૂપ ધારણ કેવી રીતે કર્યો તેની વિસ્મયભરી કથા આ પ્રમાણે છે.
કલ્પાંત ની પહેલા સત્યવ્રત નામના પુણ્યશાળી રાજા તપ કરી રહ્યા હતા.પુણ્યશાળી રાજા ખુબ ઉદાર દિલના હતા.સવારનો સમય હતો.સૂર્યોદય થઇ ગયો હતો સત્યવ્રત કૃતમાલા નદીમાં સ્નાન કરી રહ્યા હતા. ત્યારે તર્પણ કરવા રાજાએ હાથમાં  અંજલિ લઇ પાણી ગ્રહણ કર્યું તો પાણી સાથે એક નાની માછલી પણ આવી ગઈ.તેણે માછલીને પાણીમાં છોડી દીધી.તો માછલી બોલી,
“રાજાજી,પાણીમાં મોટા મોટા જીવો નાના નાના જીવોને મારીને ખાઈ  જાય છે,મને પણ  કોઈ મોટો જીવ જરૂર મારીને ખાઈ જશે,કૃપા કરીને મારી રક્ષા કરો.”
સત્યવ્રતના હૃદયમાં દયા આવી તેણે માછલીને પાણીથી ભરેલા કમંડળમાં મૂકી દીધી ,અને નવાઈ પમાડે તેમ માછલી એક રાતમાં એટલી મોટી થઇ ગઈ કે કમંડળ પણ તેના રહેવા માટે નાનું પડવા લાગ્યું.બીજા દિવસે માછલીએ સત્યવ્રતને કહ્યું,
“રાજાજી મારા રહેવાને માટે હવે બીજી વ્યવસ્થા કરો કેમકે હું ખુબ મોટી થઇ ગઈ છું,મને કમંડળમાં હરવા ફરવાની ખુબ તકલીફ પડે છે.”
સત્યવ્રતે માછલીને કમંડળમાંથી કાઢી એક પાણી ભરેલા માટલાંમાં મૂકી,પણ ગજબ થઇ ગયો અને બીજી રાતે  માછલી એટલી વધી ગઈ કે માટલું પણ નાનું પડવા લાગ્યું.તેણે સત્યવ્રતને કહ્યું,
“રાજાજી મારો હવે રહેવાનો બીજો બંદોબસ્ત કરો હવે માટલું પણ નાનું પડે છે.”
ત્યારે સત્યવ્રતે માછલીને માટલામાંથી કાઢી સરોવરમાં મૂકી દીધી,પણ સરોવર માછલી માટે નાનું પડી ગયું,ત્યાર પછી  સત્યવ્રતે માછલીને નદીમાં અને પછી સમુદ્ર માં મૂકી દીધી,અને નવાઈ વચ્ચે માછલીનું શરીર એટલું બધું વધી ગયું કે સમુદ્ર પણ નાનો પડવા લાગ્યો.ત્યારે માછલીએ સત્યવ્રતને ફરી કહ્યું,
"મહારાજ હવે મારો રહેવાની કોઈ બીજી વ્યવસ્થતા કરો આ સમુદ્ર પણ મારે માટે કામનો નથી."
સત્યવ્રત ભ્રમણામાં પડી ગયો તે આજ સુધી આવી કોઈ માછલી જોઈ નહોતી,તે આજીજી ભર્યા શબ્દોમાં બોલ્યો,
"મારી બુદ્ધિને બેચેનીના સાગરમાં ડુબાવી દેનાર આપ કોણ છો?, તમારું શરીર રોજબરોજ જે ગતિથી વધી રહ્યું છે તે જોતા કોઈ પણ જાતના સંદેહ વગર એ કહી શકાય કે આપ જરૂર ભગવાન છો, જો એ વાત સાચી હોય તો કૃપા કરીને કહો તમે માછલીનું શરીર કેમ ધારણ કર્યું છે.”
સાચેજ તે ભગવાન શ્રી હરિ હતા,મત્સ્ય રૂપધારી શ્રી હરિએ જવાબ આપ્યો,
“રાજન,હયગ્રીવ નામના રાક્ષસે વેદોની ચોરી કરી છે,દુનિયામાં અજ્ઞાન અને અધર્મનો અંધકાર છવાઈ ગયો છે.મેં હયગ્રિવને મારવા મત્સ્ય રૂપ ધારણ કર્યું છે.આજથી સાતમા દિવસે ધરતી પર પ્રલય થશે,સાગર ઉભરાઈ જશે,અતિવૃષ્ટિ થશે,આખી દુનિયા પાણીમાં ડૂબી જશે.ચારેબાજુ પાણી સિવાય કઈ જ નહિ દેખાય.
તમારી પાસે એક હોડી આવશે તેમાં તમો બધું અનાજ,ઔષધિઓ અને સપ્ત ઋષિઓ સાથે બેસી જજો .ત્યાં હું આપને ફરીથી નજરે પડીશ.અને તમને હું આત્મ તત્વનું જ્ઞાન આપીશ.”
સત્યવ્રત તે દિવસથી શ્રી હરિનું ધ્યાન કરતો સૃષ્ટિના પ્રલયની રાહ જોવા લાગ્યો.સાતમા દિવસે પ્રલયના ચિન્હો દેખાવા લાગ્યા .સાગરના પાણી તેનો કિનારો છોડી બહાર ઉભરાવવા મંડ્યા .અતિવૃષ્ટિ થવા મંડી.l
  
થોડીવારમાં ચારેબાજુ પાણી પાણી થઇ ગયું આખી દુનિયા પાણીમાં સમાઈ ગઈ તે વખતે એક હોડી આવી.સત્યવ્રત સપ્તઋષિઓ સાથે તે નાવડીમાં બેસી ગયો, તેમાં બધી જ  જાતના અનાજો અને ઔષધિઓના બીયા ભરી લીધા.
નાવડી પ્રલયના સાગરમાં તરવા લાગી,પ્રલયના સાગરમાં તે નાવડી સિવાય દૂર સુધી કઈ જ દેખાતું ન હતું એકદમ મત્સ્યરૂપી ભગવાન ત્યાં ઉપસ્થિત થયા સત્યવ્રત તેમજ સપ્તઋષિ જનો ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા,
“હે પ્રભુ ! આપ જ દુનિયાના આદિ પાલક પિતા છો,આપ જ રક્ષક છો.કૃપા કરીને અમોને આપની શરણોમાં લઇ અમારી રક્ષા કરો.”
સત્યવ્રત અને સપ્તઋષિયોની પ્રાર્થનાથી મત્સ્યરૂપી ભગવાન પ્રસન્ન થયા.તેમણે આપેલા વચનનું પાલન કરતા સત્યવ્રતને આત્મતત્વનું જ્ઞાન આપ્યું.કહ્યું ,
“બધા પ્રાણીઓમાં મારો વાસ છે,કોઈ ઊંચ કે નીચ નથી.બધા પ્રાણીઓ એક સમાન છે.દુનિયા નાશવંત છે નાશવંત જગતમાં મારા સિવાય કઈ જ નથી.જે પ્રાણીઓ મને બધામાં જોઈને જીવન પસાર કરે છે તે અંતે મારામાં સમાઈ જાય છે.

મત્સ્યરૂપી ભગવાન પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત થતા સત્યવ્રતનું જીવન ધન્ય થઇ ગયું.તે જીવતા જ જીવન મુક્ત  થઇ ગયો.પ્રલયનો પ્રકોપ શાંત થતા મત્સ્યરૂપી ભગવાને હયગ્રિવને મારી તેની પાસેથી વેદ લઇ લીધા.ભગવાને બ્રહ્માજીને ફરીથી વેદ આપી દીધા.આ રીતે ભગવાને મત્સ્યાવતાર ધારણ કરીને વેદોનો ઉદ્ધાર તો કર્યો જ સાથે દુનિયાના બધા જ પ્રાણીઓનું કલ્યાણ કર્યું.આ રીતે ભગવાન સમયે સમયે અવતાર ધારણ કરી સજ્જનો તથા સાધુઓનું કલ્યાણ કરે છે.

જય શ્રી કૃષ્ણ.
રજુઆત 

Friday, January 25, 2019

ગણતંત્ર દિવસની શુભ કામનાઓ

પ્યારા વાચક મિત્રો,
ગણતંત્ર દિવસની આપ સહુને “મોગરાના ફૂલ “ બ્લોગ વતી
ખુબ ખુબ શુભ કામનાઓ
-મહેન્દ્ર ભટ્ટ

Wednesday, January 9, 2019

દાનવીર કર્ણ

દાનવીર કર્ણ





Image result for danveer karn

કુંતાના કુંવારાપણથી શરુ થતી આ કથા છેક મહાભારતના અંતમાં પૂર્ણ થાય છે,મહાભારતના યુદ્ધ કાળમાં યાદવ રાજા સુરસેન ની પુત્રી પ્રીથાજે પછી કુંતા નામે ઓરખાયી,તે ચતુર્માસનાં સમયમાં એક વખત દુર્વાસામુનિ સુરસેનના દરબારમાં ચાતુર્માસ વિતાવવા આવ્યા તે સમયે કુંતા એ પોતાના પિતાના કહેવાથી દુર્વાશા મુનિની ખુબજ સેવા કરી તેથી તેઓ ખુબ પ્રસન્ન થયા અને સિદ્ધ મંત્રનું વરદાન આપી કહ્યું પુત્રી જ્યારે તું કોઈ પણ દેવનું સ્મરણ કરશે ત્યારે તે ઉપસ્થિત થશે અને પુત્ર પ્રદાન કરશે,ચાતુર્માસ પુરા થયે દુર્વાસામુનિ કુટુંબને આશીર્વાદ પ્રદાન કરી વિદાય થયા,કુંવારી કુંતી પોતાના પ્રથમ માસિક ધર્મ પછી વધારે ઉત્તેજિત  થઇ અને  પોતાને મળેલા સિદ્ધ મંત્ર ફળશે કે નહિ તેની ઉત્તેજનામાં ઉપીયોગ કરી સૂર્યદેવને આમંત્રણ આપતા સૂર્યદેવ પ્રગટ થયા સિદ્ધ મંત્રના પ્રભાવે તે ગર્ભવતી થઇ અને કુંવારાપણામાં   જ પુત્રની પ્રાપ્તિ થતા લોક્લાજથી તે ગભરાઈ ગઈ અને પુત્રને એક બાસ્કેટમાં મૂકી ગંગાના પ્રવાહમાં વહાવી દીધો.આ બાસ્કેટ વહેતી વહેતી એક કિનારા પર આવી જ્યા અધિરથનંદન જે ધુતરાષ્ટ્ના રાજ્ય હસ્તિનાપુરમાં ભીષ્મપિતાના સારથી તરીકે કામ કરતા હતા,તેમના હાથમાં આવી બાળકને જોતા તુરત તેમણે તેમની પત્ની રાધા પાસે જઈ સારા સમાચારથી બાળકના ઉછેર કરવાનું નક્કી કર્યું.બાળક મોટું થવા લાગ્યું,જન્મથીજ ખુબ તેજ અને મજબૂત બાંધો હતો.કુટુંબમાં તેનું વાસુસેન નામ અપાયું , જે માતાના નામ રાધા પરથી રાધેય તરીકે પણ ઓરખાયો.

વાસુસેન મોટો થતા તેને અસ્ત્ર શસ્ત્ર વિદ્યા માટે તેના પાલક પિતા અધિરથનંદન આચાર્યની શોધ કરવા લાગ્યા તે વખતે ગુરુ ધ્રોણ નું નામ મુખ્ય હતું અને તેઓ હસ્તિનાપુરના રાજકુમારોને શિક્ષા આપતા હતા
જયારે વાસુસેનની  શિક્ષા માટે પૂછ્યું તો ગુરુ ધ્રોને તુરંત ના પાડી કહ્યું એ શૂતપુત્ર છે અને હું ફક્ત ક્ષત્રિયોને જ શિક્ષા આપું છું આથી નારાજ થઇ અધિરથનંદન બીજા કોઈ આચાર્યની શોધ કરવા લાગ્યા,તેઓ સારથી હતા પણ વસુસેનને અસ્ત્રવિદ્યા શીખવાની લગન હતી, તે સૂર્યદેવની કૃપાથી કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો,અને તેથી તેની હાર અસંભવ હતી.આચાર્યમાં બીજું નામ પરશુરામનું હતું પણ તેઓ ફક્ત બ્રાહ્મણોને શિક્ષા આપતા હતા એટલે કર્ણ જૂઠું બોલી પોતાને બ્રાહ્મણ બતાવ્યો,અને તેણે ગુરુ પરશુરામ પાસે શિક્ષા ગ્રહણ કરી પરંતુ એક વખત જયારે પરશુરામ તેની જાંઘ પર માથું મૂકી આરામ કરતા હતા ત્યારે કર્ણની બીજી જાંઘ પર એક વીંછી વારંવાર ડંખ દેવા મંડ્યો ગુરુના આરામમાં ખલેલ ન પડે માટે તેણે વીછીનો ઘા સહન કરી લીધો પણ તેથી લોહી નીકળ્યું અને ગુરુને ખબર પડી કે આટલું સહન તો ફક્ત ક્ષત્રિય જ કરી શકે એટલે સત્ય બહાર આવતા કર્ણને ગુરુએ શ્રાપ આપ્યો અને કહ્યું કે તારી શીખેલી વિદ્યાની તારે જ્યારે ખરેખર જરૂર પડશે ત્યારે તું ભૂલી જઈશ.શ્રાપ આપી દીધા પછી ગુરુને તેના પ્રત્યે લાગણી થઇ અને તેને વિજય ધનુષ્ય પ્રદાન કર્યું.આમ કર્ણ પોતાની આવડત અને વિદ્યાના અનુભવે એક શૂરવીર યોદ્ધા બની ગયો સમય જતા તેને હસ્તિનાપુરમાં પોતાનું નામ કર્યું અને તેનાથી આકર્ષિત થઇ દુર્યોધને તેને પોતાનો ખાસ મિત્ર બનાવી અંગનું રાજ્ય આપ્યું જેથી તે અંગરાજ નામે પણ ઓરખાયો.

જ્યારે હસ્તિનાપુરના રાજકુમારોની વિદ્યા સંપૂર્ણ થઇ ત્યારે ગુરુદેવ ધ્રોને એક રંગભૂમિનો કાર્યક્રમ રાખ્યો જેમાં સહુ રાજકુમારોને ભાગ લેવાનું આમંત્રણ અપાયું,અર્જુન સહુથી શ્રેષ્ઠ હતો એટલે કર્ણ પણ ત્યાં હતો તેણે અર્જુનને ઢવન્ધ યુદ્ધ માટે લલકાર્યો ત્યારે કૃપાચાર્યે તેનો અવરોધ કરતા કહ્યું તે રાજકુમાર નથી તેથી તે ભાગ ન લઇ શકે અને તેજ સમયે દુર્યોધને તેને અંગદેશનો રાજા બનાવી દીધો તેના બદલામાં કર્ણ દુર્યોધનની ઈચ્છા મુજબ તેનો ખાસ મિત્ર બની ગયો અને પાંડવો અને ખાસ કરીને અર્જુનનો ખુબજ વિરોધી બની ગયો.
આ પછી જયારે ચિત્રાંગદ ની રાજકુમારીના સ્વંયવરમાં રાજકુમારીએ દુર્યોધનને ન સ્વીકાર્યો ત્યારે દુર્યોધને તેને પરાણે ઉપાડીને લઇ ગયો તેથી ત્યાં ઉપસ્થિત સહુ રાજાઓ ક્રોધે ભરાયા અને યુદ્ધ માટે પાછળ પડ્યા ત્યારે કર્ણ એકલે હાથે તેઓ સાથે લડ્યો અને જયચંદ, શિશુપાલ,દંતચક્ર,સાલ્વં અને રુક્મીને પરાસ્ત કર્યા અને પોતાના મિત્રની મદદ કરી.

કર્ણ શકુનીમામાનો ખુબ વિરોધી હતો કેમકે તે દુર્યોધનને હંમેશા પાંડવો સામે કુટિલ ચાલ શીખવાડતા હતા,જયારે જુગારની રમત અને લાક્ષાગૃહ બંને શકુનિની ચાલ હતી અને કર્ણ  હંમેશા,દુર્યોધનને યોદ્ધાની માફક લડવાનું કહેતો હતો તેને આ બધું પસંદ ન હતું,
જયારે દ્રૌપદીના સ્વયંવર નો સમારોહ હતો ત્યારે કર્ણ એક નિપુર્ણ બાણાવળી હોવાથી દ્રૌપદીનો હાથ ગ્રહણ કરવામાં સક્ષમ હતો પરંતુ  જયારે તે ભાગ લેવા ઉભો થયો ત્યારે કૃષ્ણના ઈશારે દ્રૌપદી એ તેને સૂતપુત્ર કહી અસ્વીકાર્યોં અને પાંડવો પણ બ્રાહ્મણના વેશમાં ત્યાં હતા,ત્યારે સહુ રાજાઓ અસફળ થતા છેલ્લે અર્જુને નિશાન સાંધી દ્રૌપદીનો હાથ ગ્રહણ કર્યો આથી કર્ણની દુશ્મની અર્જુન તરફ વધી ગઈ,

 અંગદેશના રાજા બન્યા પછી કર્ણ એ જાહેર કર્યું કે જયારે સવારે તે સૂર્યદેવની પૂજા કરતો હશે તે દરમ્યાન કોઈ પણ ભીક્ષુક કઈ પણ માંગશે તો તેનું તે આમરણાંત  દાન કરશે અને તે માટે તે વચનબદ્ધ છે.આનો લાભ ઇન્દ્ર દેવે લેવાનું નક્કી કર્યું કેમકે મહાભારતનું યુદ્ધ નજીક આવી રહ્યું હતું અને કર્ણ અર્જુનને પરાસ્ત કરે તે તેમને માન્ય ન હતું કેમકે અર્જુન ઇન્દ્રના સિદ્ધમંત્રથી ઉતપન્ન થયો હતો અને પોતાનો પુત્ર પરાસ્ત થાય તે તેમને મંજુર ન હતું,આથી સૂર્યદેવે કર્ણને આ વાતથી ચેતવ્યો અને કહ્યું ઇન્દ્ર બ્રાહ્મણના વેશમાં તારા કવચ કુંડળ માંગવા આવશે તેનો તું વિરોધ કરજે  પણ ચેતવણી   છતાં તેણે  કહ્યું હું વચનબદ્ધ  છું એટલે પૂજા વખતે કોઈ પણ આવશે અને જે  માંગશે તે હું આપી દઈશ

આ પછી જે બનવાનું હતું તે બન્યું અને ઇન્દ્ર રાજાએ કર્ણના કવચ કુંડળ માંગી લીધા,ઇન્દ્દની ઓરખ થતા ઇન્દ્રે  બદલામાં કૈક માંગવાનું કહ્યું પણ કર્ણ દાન પાછળ કઈ લેવા તૈયાર ન હતો,તેણે માંગવાનો અસ્વીકાર્ય કર્યો ત્યારે ઇન્દ્રે તેમનું વિજય શસ્ત્ર આપ્યું જેનો તે એક વખત ઉપીયોગ કર્યા પછી તે પાછું ઇન્દ્ર પાસે જતું રહેશે.

દુર્યોધનને ચક્રવર્તી બનાવવા તેણે ઘણા રાજાઓને પરાસ્ત કરી દુર્યોધનની બાજુ ફેરવી દીધા,તે એક કુશળ બાણાવળી  હતો બ્રહ્માસ્ત્ર ચલાવવાનું તે જાણતો હતો.પણ પરશુરામનો શ્રાપ હતો એટલે તે ઉપીયોગ કરી શકે તેમ ન હતો.

યુદ્ધ નિવારવાના ઘણા પ્રયત્નો છતાં કઈ પરિણામ ન આવ્યું ત્યારે શ્રી કૃષ્ણ કર્ણ  પાસે આવ્યા કેમકે તે એક અર્જુનની બરાબરીનો યોદ્ધો હતો અને દુર્યોધનની ખાસ મિત્ર હતો એટલે જો તેને અસલ તે કોણ છે તે જણાવવામાં આવે તો થોડો બદલાવ કરી શકાય એટલે આવીને શ્રી કૃષ્ણે તેને સમજાવ્યો તારા માતાજી કુંતા છે અને તું પાંડવ છે એટલે તું પાંડવ નો પક્ષ લે ,યુધિષ્ઠિર ગાદી છોડી રાજ્ય તને આપી દેશે પણ તે માન્યો નહિ અને કહ્યું કે હું દુર્યોધનને વચન આપી ચુક્યો છું, મરતા  સુધી હું તેની મિત્રતા નિભાવીશ એટલે એમાં કોઈ ફેરફાર નહિ થાય આખરે શ્રી કૃષ્ણ નિરાશ થઈને બોલ્યા જેવી તારી ઈચ્છા પરંતુ હું તારી અસલિયત ગુપ્ત રાખીશ

 આ પછી યુદ્ધ ખૂબ જ નજદીક હોવાથી કુંતાજી પણ તેને સમજાવવા આવ્યા ,તેમણે પણ તેની પરખ આપતા કહ્યું તું મારો પુત્ર છે માટે કોન્તેય છે નહિ કે રાધેય,પણ તેણે કહ્યું હું રાધેય બનવાનું વધુ પસંદ કરીશ કેમકે ઘણા વર્ષો પહેલા જયારે રંગભૂમિના  અવસર માં જો આપે મને કોન્તેય કહ્યો હોત તો અત્યારે ઘણું બદલાયું હોત પણ હવે એ કઈ શક્ય નથી હું માતા તરીકે માનું છું અને વચન આપું છું કે અર્જુન સિવાય કોઈ પાંડવ નો હું વધ નહિ કરું,તમારા પાંચ પુત્રો જરૂર રહેશે ક્યાં તો હું અને ક્યાં તો અર્જુન,અને આખરે કુંતાજી પણ નિરાશ થયા પણ જતા તેમણે એટલું કહ્યું કે પુત્ર તું નાગશસ્ત્રનો ઉપીયોગ ફક્ત એક વખત કરજે અને તેણે તેમ કરવાનું વચન આપ્યું અને કહ્યું માતા મારી ઓરખ અંત સુધી ગોપનીય રાખજો અને આશીર્વાદ આપી કુંતા વિદાય થયા હતા.

અનેક પ્રયત્નો છતાં જ્યારે યુદ્ધ ન રોકી શકાયું ત્યારે દુર્યોધને પૂજ્ય ભીષ્મ પિતામહને યુદ્ધના મુખ્ય સેનાપતિ બનવા વિનંતી કરી , પિતામહે તેનો સ્વીકાર તો કર્યો પણ સામે એક શરત રાખી કે તેમની આગેવાની નીચે કર્ણ યુદ્ધમાં પ્રવેશ નહિ કરી શકે અને સમજાવવા છતાં પિતામહ ન માન્યા તો કર્ણને
યુદ્ધની બહાર રહેવું પડ્યું જયારે દસમા દિવસે યુદ્ધમાં પૂજ્ય ભીષ્મ પિતામહ ઘાયલ થયા ત્યારે અગિયારમા દિવસે કર્ણ પ્રવેશી શક્યો.

મહાભારતના યુદ્ધમાં  તેરમા દિવસે સર્વોચ્ચ સેનાપતિ ધ્રોણાચાર્ય હતા તેમણે યુદ્ધિષ્ઠિરને બંદી બનાવવા ચક્રવ્યૂહની રચના કરી. આ ચક્રવ્યૂહ ફક્ત શ્રી કૃષ્ણ અને અર્જુન જ જાણતા હતા,પણ દુર્યોધનના સાસન હેઠળનું રાજ્ય ટ્રીગતના રાજાઓ શ્રી કૃષ્ણ અને અર્જુનને લડતા લડતા ખુબ દૂર લઇ ગયા,અભિમન્યુ ચક્રવ્યૂહમાં પ્રવેશવાનું  જાણતો હતો પણ બહાર નીકળવાનું નહોતું આવડતું જયારે તેના પિતા અર્જુન ચક્રવ્યૂહની રચના તેની માતાને સમજાવતા હતા ત્યારે માતાના ગર્ભમાં તે સાંભળતો હતો પણ માતાને ઊંઘ આવી જતા તે પુરી સાંભળી શક્યો ન હતો એટલે જેવો તેણે ચક્રવ્યૂહમાં પ્રવેશ કર્યો , જયદ્રથે સહુનો રસ્તો રોકી દીધો અને પાંડવોને પ્રવેશતા અટકાવ્યા આથી અભિમન્યુ ચક્રવ્યૂહમાં એકલો પડી ગયો એકલા હાથે તેણે ઘણા યોધ્ધાને પરાસ્ત કર્યા પણ ધ્રોણે દુર્યોધનને અભિમન્યુનો વધ કરવાનો નિર્દેશ કર્યો કર્ણ  એ બાણ ચલાવી અભિમન્યુના રથનું એક પૈડું તોડી નાખ્યું એટલે તે જમીન પર પડ્યો અને બીજા બધા કૌરવોએ આક્રમણ કરતા અભિમન્યુ ઘાયલ થઇ મરી ગયો.અર્જુનને યુદ્ધ પૂરું થતા ખબર પડી કે જયદ્રથનો પુત્રવધમાં મુખ્ય હાથ હતો તો બીજા દિવસના અંત સુધીમાં જયદ્રથને  મારી ન નાખે તો પોતે અગ્નિ સ્નાન કરશે એવી તેણે પ્રતિજ્ઞા કરી.

ચૌદમો દિવસ યુદ્ધ માટે કૌરવ પક્ષ માટે ખુબજ ખતરનાક હતો કેમકે ભીમનો પુત્ર ઘટોરગચ્છ જે અર્ધ રાક્ષસ હતો તેણે અર્ધી કૌરવ સેનાનો ખાત્મો કર્યો અને તેથી પરેશાન દુર્યોધને કર્ણને ગમે તે રીતે તેને નાશ કરવાનું કહ્યું અને આદેશ અનુસાર કર્ણ એ ઇન્દ્રે આપેલું વિજય શસ્ત્રનો ઉપીયોગ કર્યો અને ઘટોર્ઘચ્છનો નાશ થયો પણ પછી તે શસ્ત્ર ઇન્દ્ર પાસે જતું રહ્યું જેથી અર્જુનને મારવા તેનો ઉપીયોગ ન કરી શક્યો

સોળમા દિવસે યુદ્ધમાં કર્ણ અને ભીમ  વચ્ચેના મલ્લયુદ્ધમાં ભીમને જમીન ઉપર ધસેડી વસ્ત્રવિહીન કર્યો પણ તેને જીવનદાન દઈને જીવતો રહેવા દીધો જયારે અર્જુન કર્ણ સામે આવ્યો તો કૃષ્ણએ અર્જુનને બચાવ્યો, બાણોથી કર્ણ  અર્જુનને બંદીવાન બનાવે છે પણ સૂર્યાસ્ત થતા અર્જુનનો બચાવ થઇ જાય છે.

યુદ્ધના સત્તરમા દિવસ પહેલા કર્ણનો સામનો ભીમ અતિરિક્ત બધા પાંડવો સાથે થયો અને બધાને કર્ણ એ પરાસ્ત કર્યા પરંતુ કુંતાજીને દીધેલા વચન અનુસાર તેણે કોઈને માર્યા નહિ,
ફક્ત અર્જુન ઉપર પોતાનું વિજય ધનુષ્ય ઉપર ભાર્ગવાશસ્ત્ર ચલાવ્યું અને તેથી ઘણા યોદ્ધાઓ માર્યા ગયા,બાકી  બચેલા યોદ્ધાઓ પ્રાણની રક્ષા માટે અર્જુન પાસે ગયા,અર્જુને કહ્યું ભાર્ગવાશસ્ત્રને  નિશસ્ત્ર કરવું અસંભવ છે અને જો કર્ણ તેને ભાગવા દે તો તે પણ ભાગી જશે,શ્રી કૃષ્ણે અર્જુનને ભયભીત જોયો અને કર્ણની સામે તે થાકે પછી લાવવાનો નિર્ણય કર્યો.અને તેને ભગાડવાનો પ્લાન બનાવ્યો તેથી અર્જુનને ભાગતો જોઈ કર્ણ એ ભાર્ગવાશસ્ત્ર પાછું ખેંચી લીધું.

પણ છેલ્લે એ ઘડી આવી ગઈ કે જેમાં અર્જુન અને કર્ણ આમને સામને આવી ગયા.કર્ણનું વિજય ધનુષ્ય પરશુરામે ભેટના સ્વરૂપ આપ્યું હતું,જે વિશ્વકર્માએ પોતે બનાવ્યું હતું.અને દુર્યોધનના કહેવાથી શૈલ્ય  કે જે પાંડવોના મામા હતા તેને કર્ણનો સારથી બનાવવામાં આવ્યો જે સારથિના બધા ગુણોથી ભરપૂર હતો.લડાઈમાં જયારે અર્જુનના  બાણો કર્ણના રથ પર પડ્યા તો  કર્ણનો રથ કેટલાક વાર પાછળ ખસી ગયો,જયારે કર્ણના બાણોથી અર્જુનનો રથ એક વેંત જ પાછળ ખસ્યો પણ શ્રી કૃષ્ણે કર્ણના વખાણ કર્યા તેથી અર્જુને ચકિત થઈને પોતે પ્રભાવશાળી હોવા છતાં કર્ણના વખાણનું કારણ પૂછ્યું જેના જવાબમાં શ્રી કૃષ્ણે કહ્યું તે રથ ખસેડ્યો તેમાં ફક્ત કર્ણ અને શૈલ્ય જ હતા  જયારે તારા રથમાં હું તું અને શ્રી હનુમાન ત્રણ હોવા છતાં તે એક વેંત ખસેડી શક્યો. કર્ણ એ અર્જુનના ધનુષ્યની દોરી તેર વખત તોડી નાખી,બંને જણા દૈવ શક્તિઓના શસ્ત્રોના જાણકાર યોદ્ધા હતા એટલે યુદ્ધ ખૂબ જ ભયંકર અને લાંબુ ચાલ્યું એક વાર કર્ણ એ નાગાસ્ત્ર ચલાવી દીધું જેમાં શ્રી કૃષ્ણે રથને સહેજ ફેરવ્યો અને શસ્ત્ર અર્જુનના માથા ઉપરથી તેના મુગટને છેદી પસાર થઇ ગયું.નાગાસ્ત્ર જેને આધીન હતું તે દેવે કર્ણને તેને ઉપીયોગ ફરીથી કરવાનો કહ્યો જેથી તે અર્જુનના શરીરને વેધી શકે પણ કુંતાજીને  કર્ણ એ આપેલા વચન અનુસાર તેણે તેમ કરવાની ના પાડી.
યુદ્ધ બરાબર ગતિથી આગળ વધી રહ્યું હતું પણ કર્ણના રથનું એક પૈડું ધરતી માતાના શ્રાપ અનુસાર જમીનમાં ખુંપી ગયું આથી  કર્ણ એ અર્જુનને કહ્યું કે યુદ્ધના નિયમો અનુસાર તે બાણ ચલાવવાનું બંધ કરે જેથી તે પોતાનો રથ વ્યવસ્થિત થતા ફરીથી નીતિથી યુદ્ધ કરી શકે.ત્યારે શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કર્ણને યુદ્ધના નિયમો બતાવવાનો કોઈ અધિકાર નથી કેમકે અભિમન્યુના વધ વખતે તેણે કોઈ નિયમનું પાલન કર્યું ન હતું અને દ્રૌપદીના વસ્ત્ર હરણ વખતે આખી રાજ્યસભા સામે દ્રૌપદીને વેશ્યા કહી હતી.
જુગાર મંડાયો ત્યારે તેનો ધર્મ ક્યાં ગયો હતો એટલે તેને કોઈ અધિકાર નથી, અત્યારે તે અસહાય છે એટલે તુરંત તેનો વધ કરે નહિ તો પાંડવો ક્યારેય તેને મારી નહિ શકે અને યુદ્ધ ક્યારેય જીતી નહિ શકાય.ત્યારે અર્જુને એક દૈવીય સશ્ત્ર નો ઉપીયોગ કરીને કર્ણનું માથું ધડથી જુદું કરી નાખ્યું જયારે કર્ણનું શરીર જમીન ઉપર પડ્યું ત્યારે તેમાંથી એક તેજ કર્ણનાં શરીરમાંથી નીકળી સૂર્યમાં સમાઈ ગયું.

જયારે યુદ્ધ સમાપ્ત થયું તો મૃત દેહોનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે કુંતાજીએ પાંડવોને કર્ણના અંતિમ સંસ્કાર કરવાનું કહ્યું ત્યારે પાંડવોએ સુત પુત્ર કહી તેનો વિરોધ દર્શાવ્યો આથી કુંતાજીએ કર્ણના રહસ્યનું નિવેદન કર્યું.આથી પાંડવોને ભ્રાતુહત્યા નો ઝાટકો લાગ્યો યુધિષ્ઠિરે કુંતાજી ઉપર નારાજ થતા બધી સ્ત્રીઓને શ્રાપ આપ્યો કે હવે પછી કોઈ પણ સ્ત્રી પોતાનો ભેદ છુપાવી નહિ શકે.

દુર્યોધન અને પાંડવો વચ્ચે અંતિમ સંસ્કાર કરવા વાંધો પડ્યો ત્યારે શ્રી કૃષ્ણે વચ્ચે પડી યુધિષ્ઠિરને
સમજાવતા કહ્યું દુર્યોધનની મિત્રતા ખુબ હતી એટલે દુર્યોધનને અંતિમ સંસ્કાર કરવા દેવામાં આવે

અઢારમા દિવસે જ્યારે યુદ્ધ પૂરું થઇ ગયું ત્યારે શ્રી કૃષ્ણે અર્જુનને રથ ઉપરથી ઉતરી જવા કહ્યું,અને તે ઉતરી જતા અર્જુનને શ્રી કૃષ્ણ દૂર લઇ ગયા પછી શ્રી હનુમાનજીને ધ્વજ ઉપરથી ઉતરી જવાનો ઈશારો કર્યો જેવા હનુમાનજી ઉતર્યા કે તરત રથના ઘોડા જીવતાજ રાખ થઇ ગયા અને રથમાં વિસ્ફોટ થઇ ગયો.તે જોઈને અર્જુન ધ્રુજી ઉઠ્યો ત્યારે શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કર્ણના ભયંકર શસ્ત્રોથી તેના રથની આ દશા થઇ,અત્યાર સુધી રથ સુરક્ષિત રહ્યો તેમાં હું હતો અને શ્રી હનુમાનજીની શક્તિનો પ્રભાવ હતો.

રજુઆત -મહેન્દ્ર ભટ્ટ 

Tuesday, January 1, 2019

નવા વર્ષ ૨૦૧૯ ની શુભ કામના.

નવા વર્ષ ૨૦૧૯ ની શુભ કામના.





 નવું વર્ષ ૨૦૧૯ આપ સહુ વાચક મિત્રો તેમજ આપના કુટુંબીજનોને મુબારક, પ્રભુ આપ સહુને ખુબ સુખ સર્મુધ્ધી આપે એવી શુભકામના સાથે 
"મોગરાના ફૂલ" બ્લોગ વતી મહેન્દ્ર ભટ્ટના 


જય શ્રી કૃષ્ણ.