દાનવીર કર્ણ
વાસુસેન મોટો થતા તેને અસ્ત્ર શસ્ત્ર વિદ્યા માટે તેના પાલક પિતા અધિરથનંદન આચાર્યની શોધ કરવા લાગ્યા તે વખતે ગુરુ ધ્રોણ નું નામ મુખ્ય હતું અને તેઓ હસ્તિનાપુરના રાજકુમારોને શિક્ષા આપતા હતા
જયારે વાસુસેનની શિક્ષા માટે પૂછ્યું તો ગુરુ ધ્રોને તુરંત ના પાડી કહ્યું એ શૂતપુત્ર છે અને હું ફક્ત ક્ષત્રિયોને જ શિક્ષા આપું છું આથી નારાજ થઇ અધિરથનંદન બીજા કોઈ આચાર્યની શોધ કરવા લાગ્યા,તેઓ સારથી હતા પણ વસુસેનને અસ્ત્રવિદ્યા શીખવાની લગન હતી, તે સૂર્યદેવની કૃપાથી કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો,અને તેથી તેની હાર અસંભવ હતી.આચાર્યમાં બીજું નામ પરશુરામનું હતું પણ તેઓ ફક્ત બ્રાહ્મણોને શિક્ષા આપતા હતા એટલે કર્ણ જૂઠું બોલી પોતાને બ્રાહ્મણ બતાવ્યો,અને તેણે ગુરુ પરશુરામ પાસે શિક્ષા ગ્રહણ કરી પરંતુ એક વખત જયારે પરશુરામ તેની જાંઘ પર માથું મૂકી આરામ કરતા હતા ત્યારે કર્ણની બીજી જાંઘ પર એક વીંછી વારંવાર ડંખ દેવા મંડ્યો ગુરુના આરામમાં ખલેલ ન પડે માટે તેણે વીછીનો ઘા સહન કરી લીધો પણ તેથી લોહી નીકળ્યું અને ગુરુને ખબર પડી કે આટલું સહન તો ફક્ત ક્ષત્રિય જ કરી શકે એટલે સત્ય બહાર આવતા કર્ણને ગુરુએ શ્રાપ આપ્યો અને કહ્યું કે તારી શીખેલી વિદ્યાની તારે જ્યારે ખરેખર જરૂર પડશે ત્યારે તું ભૂલી જઈશ.શ્રાપ આપી દીધા પછી ગુરુને તેના પ્રત્યે લાગણી થઇ અને તેને વિજય ધનુષ્ય પ્રદાન કર્યું.આમ કર્ણ પોતાની આવડત અને વિદ્યાના અનુભવે એક શૂરવીર યોદ્ધા બની ગયો સમય જતા તેને હસ્તિનાપુરમાં પોતાનું નામ કર્યું અને તેનાથી આકર્ષિત થઇ દુર્યોધને તેને પોતાનો ખાસ મિત્ર બનાવી અંગનું રાજ્ય આપ્યું જેથી તે અંગરાજ નામે પણ ઓરખાયો.
જ્યારે હસ્તિનાપુરના રાજકુમારોની વિદ્યા સંપૂર્ણ થઇ ત્યારે ગુરુદેવ ધ્રોને એક રંગભૂમિનો કાર્યક્રમ રાખ્યો જેમાં સહુ રાજકુમારોને ભાગ લેવાનું આમંત્રણ અપાયું,અર્જુન સહુથી શ્રેષ્ઠ હતો એટલે કર્ણ પણ ત્યાં હતો તેણે અર્જુનને ઢવન્ધ યુદ્ધ માટે લલકાર્યો ત્યારે કૃપાચાર્યે તેનો અવરોધ કરતા કહ્યું તે રાજકુમાર નથી તેથી તે ભાગ ન લઇ શકે અને તેજ સમયે દુર્યોધને તેને અંગદેશનો રાજા બનાવી દીધો તેના બદલામાં કર્ણ દુર્યોધનની ઈચ્છા મુજબ તેનો ખાસ મિત્ર બની ગયો અને પાંડવો અને ખાસ કરીને અર્જુનનો ખુબજ વિરોધી બની ગયો.
આ પછી જયારે ચિત્રાંગદ ની રાજકુમારીના સ્વંયવરમાં રાજકુમારીએ દુર્યોધનને ન સ્વીકાર્યો ત્યારે દુર્યોધને તેને પરાણે ઉપાડીને લઇ ગયો તેથી ત્યાં ઉપસ્થિત સહુ રાજાઓ ક્રોધે ભરાયા અને યુદ્ધ માટે પાછળ પડ્યા ત્યારે કર્ણ એકલે હાથે તેઓ સાથે લડ્યો અને જયચંદ, શિશુપાલ,દંતચક્ર,સાલ્વં અને રુક્મીને પરાસ્ત કર્યા અને પોતાના મિત્રની મદદ કરી.
કર્ણ શકુનીમામાનો ખુબ વિરોધી હતો કેમકે તે દુર્યોધનને હંમેશા પાંડવો સામે કુટિલ ચાલ શીખવાડતા હતા,જયારે જુગારની રમત અને લાક્ષાગૃહ બંને શકુનિની ચાલ હતી અને કર્ણ હંમેશા,દુર્યોધનને યોદ્ધાની માફક લડવાનું કહેતો હતો તેને આ બધું પસંદ ન હતું,
જયારે દ્રૌપદીના સ્વયંવર નો સમારોહ હતો ત્યારે કર્ણ એક નિપુર્ણ બાણાવળી હોવાથી દ્રૌપદીનો હાથ ગ્રહણ કરવામાં સક્ષમ હતો પરંતુ જયારે તે ભાગ લેવા ઉભો થયો ત્યારે કૃષ્ણના ઈશારે દ્રૌપદી એ તેને સૂતપુત્ર કહી અસ્વીકાર્યોં અને પાંડવો પણ બ્રાહ્મણના વેશમાં ત્યાં હતા,ત્યારે સહુ રાજાઓ અસફળ થતા છેલ્લે અર્જુને નિશાન સાંધી દ્રૌપદીનો હાથ ગ્રહણ કર્યો આથી કર્ણની દુશ્મની અર્જુન તરફ વધી ગઈ,
અંગદેશના રાજા બન્યા પછી કર્ણ એ જાહેર કર્યું કે જયારે સવારે તે સૂર્યદેવની પૂજા કરતો હશે તે દરમ્યાન કોઈ પણ ભીક્ષુક કઈ પણ માંગશે તો તેનું તે આમરણાંત દાન કરશે અને તે માટે તે વચનબદ્ધ છે.આનો લાભ ઇન્દ્ર દેવે લેવાનું નક્કી કર્યું કેમકે મહાભારતનું યુદ્ધ નજીક આવી રહ્યું હતું અને કર્ણ અર્જુનને પરાસ્ત કરે તે તેમને માન્ય ન હતું કેમકે અર્જુન ઇન્દ્રના સિદ્ધમંત્રથી ઉતપન્ન થયો હતો અને પોતાનો પુત્ર પરાસ્ત થાય તે તેમને મંજુર ન હતું,આથી સૂર્યદેવે કર્ણને આ વાતથી ચેતવ્યો અને કહ્યું ઇન્દ્ર બ્રાહ્મણના વેશમાં તારા કવચ કુંડળ માંગવા આવશે તેનો તું વિરોધ કરજે પણ ચેતવણી છતાં તેણે કહ્યું હું વચનબદ્ધ છું એટલે પૂજા વખતે કોઈ પણ આવશે અને જે માંગશે તે હું આપી દઈશ
આ પછી જે બનવાનું હતું તે બન્યું અને ઇન્દ્ર રાજાએ કર્ણના કવચ કુંડળ માંગી લીધા,ઇન્દ્દની ઓરખ થતા ઇન્દ્રે બદલામાં કૈક માંગવાનું કહ્યું પણ કર્ણ દાન પાછળ કઈ લેવા તૈયાર ન હતો,તેણે માંગવાનો અસ્વીકાર્ય કર્યો ત્યારે ઇન્દ્રે તેમનું વિજય શસ્ત્ર આપ્યું જેનો તે એક વખત ઉપીયોગ કર્યા પછી તે પાછું ઇન્દ્ર પાસે જતું રહેશે.
દુર્યોધનને ચક્રવર્તી બનાવવા તેણે ઘણા રાજાઓને પરાસ્ત કરી દુર્યોધનની બાજુ ફેરવી દીધા,તે એક કુશળ બાણાવળી હતો બ્રહ્માસ્ત્ર ચલાવવાનું તે જાણતો હતો.પણ પરશુરામનો શ્રાપ હતો એટલે તે ઉપીયોગ કરી શકે તેમ ન હતો.
યુદ્ધ નિવારવાના ઘણા પ્રયત્નો છતાં કઈ પરિણામ ન આવ્યું ત્યારે શ્રી કૃષ્ણ કર્ણ પાસે આવ્યા કેમકે તે એક અર્જુનની બરાબરીનો યોદ્ધો હતો અને દુર્યોધનની ખાસ મિત્ર હતો એટલે જો તેને અસલ તે કોણ છે તે જણાવવામાં આવે તો થોડો બદલાવ કરી શકાય એટલે આવીને શ્રી કૃષ્ણે તેને સમજાવ્યો તારા માતાજી કુંતા છે અને તું પાંડવ છે એટલે તું પાંડવ નો પક્ષ લે ,યુધિષ્ઠિર ગાદી છોડી રાજ્ય તને આપી દેશે પણ તે માન્યો નહિ અને કહ્યું કે હું દુર્યોધનને વચન આપી ચુક્યો છું, મરતા સુધી હું તેની મિત્રતા નિભાવીશ એટલે એમાં કોઈ ફેરફાર નહિ થાય આખરે શ્રી કૃષ્ણ નિરાશ થઈને બોલ્યા જેવી તારી ઈચ્છા પરંતુ હું તારી અસલિયત ગુપ્ત રાખીશ
આ પછી યુદ્ધ ખૂબ જ નજદીક હોવાથી કુંતાજી પણ તેને સમજાવવા આવ્યા ,તેમણે પણ તેની પરખ આપતા કહ્યું તું મારો પુત્ર છે માટે કોન્તેય છે નહિ કે રાધેય,પણ તેણે કહ્યું હું રાધેય બનવાનું વધુ પસંદ કરીશ કેમકે ઘણા વર્ષો પહેલા જયારે રંગભૂમિના અવસર માં જો આપે મને કોન્તેય કહ્યો હોત તો અત્યારે ઘણું બદલાયું હોત પણ હવે એ કઈ શક્ય નથી હું માતા તરીકે માનું છું અને વચન આપું છું કે અર્જુન સિવાય કોઈ પાંડવ નો હું વધ નહિ કરું,તમારા પાંચ પુત્રો જરૂર રહેશે ક્યાં તો હું અને ક્યાં તો અર્જુન,અને આખરે કુંતાજી પણ નિરાશ થયા પણ જતા તેમણે એટલું કહ્યું કે પુત્ર તું નાગશસ્ત્રનો ઉપીયોગ ફક્ત એક વખત કરજે અને તેણે તેમ કરવાનું વચન આપ્યું અને કહ્યું માતા મારી ઓરખ અંત સુધી ગોપનીય રાખજો અને આશીર્વાદ આપી કુંતા વિદાય થયા હતા.
અનેક પ્રયત્નો છતાં જ્યારે યુદ્ધ ન રોકી શકાયું ત્યારે દુર્યોધને પૂજ્ય ભીષ્મ પિતામહને યુદ્ધના મુખ્ય સેનાપતિ બનવા વિનંતી કરી , પિતામહે તેનો સ્વીકાર તો કર્યો પણ સામે એક શરત રાખી કે તેમની આગેવાની નીચે કર્ણ યુદ્ધમાં પ્રવેશ નહિ કરી શકે અને સમજાવવા છતાં પિતામહ ન માન્યા તો કર્ણને
યુદ્ધની બહાર રહેવું પડ્યું જયારે દસમા દિવસે યુદ્ધમાં પૂજ્ય ભીષ્મ પિતામહ ઘાયલ થયા ત્યારે અગિયારમા દિવસે કર્ણ પ્રવેશી શક્યો.
મહાભારતના યુદ્ધમાં તેરમા દિવસે સર્વોચ્ચ સેનાપતિ ધ્રોણાચાર્ય હતા તેમણે યુદ્ધિષ્ઠિરને બંદી બનાવવા ચક્રવ્યૂહની રચના કરી. આ ચક્રવ્યૂહ ફક્ત શ્રી કૃષ્ણ અને અર્જુન જ જાણતા હતા,પણ દુર્યોધનના સાસન હેઠળનું રાજ્ય ટ્રીગતના રાજાઓ શ્રી કૃષ્ણ અને અર્જુનને લડતા લડતા ખુબ દૂર લઇ ગયા,અભિમન્યુ ચક્રવ્યૂહમાં પ્રવેશવાનું જાણતો હતો પણ બહાર નીકળવાનું નહોતું આવડતું જયારે તેના પિતા અર્જુન ચક્રવ્યૂહની રચના તેની માતાને સમજાવતા હતા ત્યારે માતાના ગર્ભમાં તે સાંભળતો હતો પણ માતાને ઊંઘ આવી જતા તે પુરી સાંભળી શક્યો ન હતો એટલે જેવો તેણે ચક્રવ્યૂહમાં પ્રવેશ કર્યો , જયદ્રથે સહુનો રસ્તો રોકી દીધો અને પાંડવોને પ્રવેશતા અટકાવ્યા આથી અભિમન્યુ ચક્રવ્યૂહમાં એકલો પડી ગયો એકલા હાથે તેણે ઘણા યોધ્ધાને પરાસ્ત કર્યા પણ ધ્રોણે દુર્યોધનને અભિમન્યુનો વધ કરવાનો નિર્દેશ કર્યો કર્ણ એ બાણ ચલાવી અભિમન્યુના રથનું એક પૈડું તોડી નાખ્યું એટલે તે જમીન પર પડ્યો અને બીજા બધા કૌરવોએ આક્રમણ કરતા અભિમન્યુ ઘાયલ થઇ મરી ગયો.અર્જુનને યુદ્ધ પૂરું થતા ખબર પડી કે જયદ્રથનો પુત્રવધમાં મુખ્ય હાથ હતો તો બીજા દિવસના અંત સુધીમાં જયદ્રથને મારી ન નાખે તો પોતે અગ્નિ સ્નાન કરશે એવી તેણે પ્રતિજ્ઞા કરી.
ચૌદમો દિવસ યુદ્ધ માટે કૌરવ પક્ષ માટે ખુબજ ખતરનાક હતો કેમકે ભીમનો પુત્ર ઘટોરગચ્છ જે અર્ધ રાક્ષસ હતો તેણે અર્ધી કૌરવ સેનાનો ખાત્મો કર્યો અને તેથી પરેશાન દુર્યોધને કર્ણને ગમે તે રીતે તેને નાશ કરવાનું કહ્યું અને આદેશ અનુસાર કર્ણ એ ઇન્દ્રે આપેલું વિજય શસ્ત્રનો ઉપીયોગ કર્યો અને ઘટોર્ઘચ્છનો નાશ થયો પણ પછી તે શસ્ત્ર ઇન્દ્ર પાસે જતું રહ્યું જેથી અર્જુનને મારવા તેનો ઉપીયોગ ન કરી શક્યો
સોળમા દિવસે યુદ્ધમાં કર્ણ અને ભીમ વચ્ચેના મલ્લયુદ્ધમાં ભીમને જમીન ઉપર ધસેડી વસ્ત્રવિહીન કર્યો પણ તેને જીવનદાન દઈને જીવતો રહેવા દીધો જયારે અર્જુન કર્ણ સામે આવ્યો તો કૃષ્ણએ અર્જુનને બચાવ્યો, બાણોથી કર્ણ અર્જુનને બંદીવાન બનાવે છે પણ સૂર્યાસ્ત થતા અર્જુનનો બચાવ થઇ જાય છે.
યુદ્ધના સત્તરમા દિવસ પહેલા કર્ણનો સામનો ભીમ અતિરિક્ત બધા પાંડવો સાથે થયો અને બધાને કર્ણ એ પરાસ્ત કર્યા પરંતુ કુંતાજીને દીધેલા વચન અનુસાર તેણે કોઈને માર્યા નહિ,
ફક્ત અર્જુન ઉપર પોતાનું વિજય ધનુષ્ય ઉપર ભાર્ગવાશસ્ત્ર ચલાવ્યું અને તેથી ઘણા યોદ્ધાઓ માર્યા ગયા,બાકી બચેલા યોદ્ધાઓ પ્રાણની રક્ષા માટે અર્જુન પાસે ગયા,અર્જુને કહ્યું ભાર્ગવાશસ્ત્રને નિશસ્ત્ર કરવું અસંભવ છે અને જો કર્ણ તેને ભાગવા દે તો તે પણ ભાગી જશે,શ્રી કૃષ્ણે અર્જુનને ભયભીત જોયો અને કર્ણની સામે તે થાકે પછી લાવવાનો નિર્ણય કર્યો.અને તેને ભગાડવાનો પ્લાન બનાવ્યો તેથી અર્જુનને ભાગતો જોઈ કર્ણ એ ભાર્ગવાશસ્ત્ર પાછું ખેંચી લીધું.
પણ છેલ્લે એ ઘડી આવી ગઈ કે જેમાં અર્જુન અને કર્ણ આમને સામને આવી ગયા.કર્ણનું વિજય ધનુષ્ય પરશુરામે ભેટના સ્વરૂપ આપ્યું હતું,જે વિશ્વકર્માએ પોતે બનાવ્યું હતું.અને દુર્યોધનના કહેવાથી શૈલ્ય કે જે પાંડવોના મામા હતા તેને કર્ણનો સારથી બનાવવામાં આવ્યો જે સારથિના બધા ગુણોથી ભરપૂર હતો.લડાઈમાં જયારે અર્જુનના બાણો કર્ણના રથ પર પડ્યા તો કર્ણનો રથ કેટલાક વાર પાછળ ખસી ગયો,જયારે કર્ણના બાણોથી અર્જુનનો રથ એક વેંત જ પાછળ ખસ્યો પણ શ્રી કૃષ્ણે કર્ણના વખાણ કર્યા તેથી અર્જુને ચકિત થઈને પોતે પ્રભાવશાળી હોવા છતાં કર્ણના વખાણનું કારણ પૂછ્યું જેના જવાબમાં શ્રી કૃષ્ણે કહ્યું તે રથ ખસેડ્યો તેમાં ફક્ત કર્ણ અને શૈલ્ય જ હતા જયારે તારા રથમાં હું તું અને શ્રી હનુમાન ત્રણ હોવા છતાં તે એક વેંત ખસેડી શક્યો. કર્ણ એ અર્જુનના ધનુષ્યની દોરી તેર વખત તોડી નાખી,બંને જણા દૈવ શક્તિઓના શસ્ત્રોના જાણકાર યોદ્ધા હતા એટલે યુદ્ધ ખૂબ જ ભયંકર અને લાંબુ ચાલ્યું એક વાર કર્ણ એ નાગાસ્ત્ર ચલાવી દીધું જેમાં શ્રી કૃષ્ણે રથને સહેજ ફેરવ્યો અને શસ્ત્ર અર્જુનના માથા ઉપરથી તેના મુગટને છેદી પસાર થઇ ગયું.નાગાસ્ત્ર જેને આધીન હતું તે દેવે કર્ણને તેને ઉપીયોગ ફરીથી કરવાનો કહ્યો જેથી તે અર્જુનના શરીરને વેધી શકે પણ કુંતાજીને કર્ણ એ આપેલા વચન અનુસાર તેણે તેમ કરવાની ના પાડી.
યુદ્ધ બરાબર ગતિથી આગળ વધી રહ્યું હતું પણ કર્ણના રથનું એક પૈડું ધરતી માતાના શ્રાપ અનુસાર જમીનમાં ખુંપી ગયું આથી કર્ણ એ અર્જુનને કહ્યું કે યુદ્ધના નિયમો અનુસાર તે બાણ ચલાવવાનું બંધ કરે જેથી તે પોતાનો રથ વ્યવસ્થિત થતા ફરીથી નીતિથી યુદ્ધ કરી શકે.ત્યારે શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કર્ણને યુદ્ધના નિયમો બતાવવાનો કોઈ અધિકાર નથી કેમકે અભિમન્યુના વધ વખતે તેણે કોઈ નિયમનું પાલન કર્યું ન હતું અને દ્રૌપદીના વસ્ત્ર હરણ વખતે આખી રાજ્યસભા સામે દ્રૌપદીને વેશ્યા કહી હતી.
જુગાર મંડાયો ત્યારે તેનો ધર્મ ક્યાં ગયો હતો એટલે તેને કોઈ અધિકાર નથી, અત્યારે તે અસહાય છે એટલે તુરંત તેનો વધ કરે નહિ તો પાંડવો ક્યારેય તેને મારી નહિ શકે અને યુદ્ધ ક્યારેય જીતી નહિ શકાય.ત્યારે અર્જુને એક દૈવીય સશ્ત્ર નો ઉપીયોગ કરીને કર્ણનું માથું ધડથી જુદું કરી નાખ્યું જયારે કર્ણનું શરીર જમીન ઉપર પડ્યું ત્યારે તેમાંથી એક તેજ કર્ણનાં શરીરમાંથી નીકળી સૂર્યમાં સમાઈ ગયું.
જયારે યુદ્ધ સમાપ્ત થયું તો મૃત દેહોનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે કુંતાજીએ પાંડવોને કર્ણના અંતિમ સંસ્કાર કરવાનું કહ્યું ત્યારે પાંડવોએ સુત પુત્ર કહી તેનો વિરોધ દર્શાવ્યો આથી કુંતાજીએ કર્ણના રહસ્યનું નિવેદન કર્યું.આથી પાંડવોને ભ્રાતુહત્યા નો ઝાટકો લાગ્યો યુધિષ્ઠિરે કુંતાજી ઉપર નારાજ થતા બધી સ્ત્રીઓને શ્રાપ આપ્યો કે હવે પછી કોઈ પણ સ્ત્રી પોતાનો ભેદ છુપાવી નહિ શકે.
દુર્યોધન અને પાંડવો વચ્ચે અંતિમ સંસ્કાર કરવા વાંધો પડ્યો ત્યારે શ્રી કૃષ્ણે વચ્ચે પડી યુધિષ્ઠિરને
સમજાવતા કહ્યું દુર્યોધનની મિત્રતા ખુબ હતી એટલે દુર્યોધનને અંતિમ સંસ્કાર કરવા દેવામાં આવે
અઢારમા દિવસે જ્યારે યુદ્ધ પૂરું થઇ ગયું ત્યારે શ્રી કૃષ્ણે અર્જુનને રથ ઉપરથી ઉતરી જવા કહ્યું,અને તે ઉતરી જતા અર્જુનને શ્રી કૃષ્ણ દૂર લઇ ગયા પછી શ્રી હનુમાનજીને ધ્વજ ઉપરથી ઉતરી જવાનો ઈશારો કર્યો જેવા હનુમાનજી ઉતર્યા કે તરત રથના ઘોડા જીવતાજ રાખ થઇ ગયા અને રથમાં વિસ્ફોટ થઇ ગયો.તે જોઈને અર્જુન ધ્રુજી ઉઠ્યો ત્યારે શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કર્ણના ભયંકર શસ્ત્રોથી તેના રથની આ દશા થઇ,અત્યાર સુધી રથ સુરક્ષિત રહ્યો તેમાં હું હતો અને શ્રી હનુમાનજીની શક્તિનો પ્રભાવ હતો.
રજુઆત -મહેન્દ્ર ભટ્ટ
No comments:
Post a Comment