Sunday, February 17, 2019

મત્સ્યાવતાર


ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતારની કથા




કલ્પાંત(પ્રલય) પહેલા એકવાર બ્રહ્માજીની અસાવધાનીના કારણે ખુબ જ ભયંકર એવા હયગ્રીવ નામના એક દાનવે વેદોને ચોરી લીધા હતા.અને તેના કારણે ભારતમાંથી તે સમયે જ્ઞાન ખોવાઈ ગયું હતું.ચારેબાજુ અજ્ઞાનતાનો અંધકાર ફેલાઈ ગયો હતો અને પાપ અને અધર્મ વધી ગયા હતા.ત્યારે ભગવાને મત્સ્ય રૂપ માં આવી હયગ્રિવનો નાશ કરી વેદોની રક્ષા કરી હતી. ભગવાને મત્સ્ય રૂપ ધારણ કેવી રીતે કર્યો તેની વિસ્મયભરી કથા આ પ્રમાણે છે.
કલ્પાંત ની પહેલા સત્યવ્રત નામના પુણ્યશાળી રાજા તપ કરી રહ્યા હતા.પુણ્યશાળી રાજા ખુબ ઉદાર દિલના હતા.સવારનો સમય હતો.સૂર્યોદય થઇ ગયો હતો સત્યવ્રત કૃતમાલા નદીમાં સ્નાન કરી રહ્યા હતા. ત્યારે તર્પણ કરવા રાજાએ હાથમાં  અંજલિ લઇ પાણી ગ્રહણ કર્યું તો પાણી સાથે એક નાની માછલી પણ આવી ગઈ.તેણે માછલીને પાણીમાં છોડી દીધી.તો માછલી બોલી,
“રાજાજી,પાણીમાં મોટા મોટા જીવો નાના નાના જીવોને મારીને ખાઈ  જાય છે,મને પણ  કોઈ મોટો જીવ જરૂર મારીને ખાઈ જશે,કૃપા કરીને મારી રક્ષા કરો.”
સત્યવ્રતના હૃદયમાં દયા આવી તેણે માછલીને પાણીથી ભરેલા કમંડળમાં મૂકી દીધી ,અને નવાઈ પમાડે તેમ માછલી એક રાતમાં એટલી મોટી થઇ ગઈ કે કમંડળ પણ તેના રહેવા માટે નાનું પડવા લાગ્યું.બીજા દિવસે માછલીએ સત્યવ્રતને કહ્યું,
“રાજાજી મારા રહેવાને માટે હવે બીજી વ્યવસ્થા કરો કેમકે હું ખુબ મોટી થઇ ગઈ છું,મને કમંડળમાં હરવા ફરવાની ખુબ તકલીફ પડે છે.”
સત્યવ્રતે માછલીને કમંડળમાંથી કાઢી એક પાણી ભરેલા માટલાંમાં મૂકી,પણ ગજબ થઇ ગયો અને બીજી રાતે  માછલી એટલી વધી ગઈ કે માટલું પણ નાનું પડવા લાગ્યું.તેણે સત્યવ્રતને કહ્યું,
“રાજાજી મારો હવે રહેવાનો બીજો બંદોબસ્ત કરો હવે માટલું પણ નાનું પડે છે.”
ત્યારે સત્યવ્રતે માછલીને માટલામાંથી કાઢી સરોવરમાં મૂકી દીધી,પણ સરોવર માછલી માટે નાનું પડી ગયું,ત્યાર પછી  સત્યવ્રતે માછલીને નદીમાં અને પછી સમુદ્ર માં મૂકી દીધી,અને નવાઈ વચ્ચે માછલીનું શરીર એટલું બધું વધી ગયું કે સમુદ્ર પણ નાનો પડવા લાગ્યો.ત્યારે માછલીએ સત્યવ્રતને ફરી કહ્યું,
"મહારાજ હવે મારો રહેવાની કોઈ બીજી વ્યવસ્થતા કરો આ સમુદ્ર પણ મારે માટે કામનો નથી."
સત્યવ્રત ભ્રમણામાં પડી ગયો તે આજ સુધી આવી કોઈ માછલી જોઈ નહોતી,તે આજીજી ભર્યા શબ્દોમાં બોલ્યો,
"મારી બુદ્ધિને બેચેનીના સાગરમાં ડુબાવી દેનાર આપ કોણ છો?, તમારું શરીર રોજબરોજ જે ગતિથી વધી રહ્યું છે તે જોતા કોઈ પણ જાતના સંદેહ વગર એ કહી શકાય કે આપ જરૂર ભગવાન છો, જો એ વાત સાચી હોય તો કૃપા કરીને કહો તમે માછલીનું શરીર કેમ ધારણ કર્યું છે.”
સાચેજ તે ભગવાન શ્રી હરિ હતા,મત્સ્ય રૂપધારી શ્રી હરિએ જવાબ આપ્યો,
“રાજન,હયગ્રીવ નામના રાક્ષસે વેદોની ચોરી કરી છે,દુનિયામાં અજ્ઞાન અને અધર્મનો અંધકાર છવાઈ ગયો છે.મેં હયગ્રિવને મારવા મત્સ્ય રૂપ ધારણ કર્યું છે.આજથી સાતમા દિવસે ધરતી પર પ્રલય થશે,સાગર ઉભરાઈ જશે,અતિવૃષ્ટિ થશે,આખી દુનિયા પાણીમાં ડૂબી જશે.ચારેબાજુ પાણી સિવાય કઈ જ નહિ દેખાય.
તમારી પાસે એક હોડી આવશે તેમાં તમો બધું અનાજ,ઔષધિઓ અને સપ્ત ઋષિઓ સાથે બેસી જજો .ત્યાં હું આપને ફરીથી નજરે પડીશ.અને તમને હું આત્મ તત્વનું જ્ઞાન આપીશ.”
સત્યવ્રત તે દિવસથી શ્રી હરિનું ધ્યાન કરતો સૃષ્ટિના પ્રલયની રાહ જોવા લાગ્યો.સાતમા દિવસે પ્રલયના ચિન્હો દેખાવા લાગ્યા .સાગરના પાણી તેનો કિનારો છોડી બહાર ઉભરાવવા મંડ્યા .અતિવૃષ્ટિ થવા મંડી.l
  
થોડીવારમાં ચારેબાજુ પાણી પાણી થઇ ગયું આખી દુનિયા પાણીમાં સમાઈ ગઈ તે વખતે એક હોડી આવી.સત્યવ્રત સપ્તઋષિઓ સાથે તે નાવડીમાં બેસી ગયો, તેમાં બધી જ  જાતના અનાજો અને ઔષધિઓના બીયા ભરી લીધા.
નાવડી પ્રલયના સાગરમાં તરવા લાગી,પ્રલયના સાગરમાં તે નાવડી સિવાય દૂર સુધી કઈ જ દેખાતું ન હતું એકદમ મત્સ્યરૂપી ભગવાન ત્યાં ઉપસ્થિત થયા સત્યવ્રત તેમજ સપ્તઋષિ જનો ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા,
“હે પ્રભુ ! આપ જ દુનિયાના આદિ પાલક પિતા છો,આપ જ રક્ષક છો.કૃપા કરીને અમોને આપની શરણોમાં લઇ અમારી રક્ષા કરો.”
સત્યવ્રત અને સપ્તઋષિયોની પ્રાર્થનાથી મત્સ્યરૂપી ભગવાન પ્રસન્ન થયા.તેમણે આપેલા વચનનું પાલન કરતા સત્યવ્રતને આત્મતત્વનું જ્ઞાન આપ્યું.કહ્યું ,
“બધા પ્રાણીઓમાં મારો વાસ છે,કોઈ ઊંચ કે નીચ નથી.બધા પ્રાણીઓ એક સમાન છે.દુનિયા નાશવંત છે નાશવંત જગતમાં મારા સિવાય કઈ જ નથી.જે પ્રાણીઓ મને બધામાં જોઈને જીવન પસાર કરે છે તે અંતે મારામાં સમાઈ જાય છે.

મત્સ્યરૂપી ભગવાન પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત થતા સત્યવ્રતનું જીવન ધન્ય થઇ ગયું.તે જીવતા જ જીવન મુક્ત  થઇ ગયો.પ્રલયનો પ્રકોપ શાંત થતા મત્સ્યરૂપી ભગવાને હયગ્રિવને મારી તેની પાસેથી વેદ લઇ લીધા.ભગવાને બ્રહ્માજીને ફરીથી વેદ આપી દીધા.આ રીતે ભગવાને મત્સ્યાવતાર ધારણ કરીને વેદોનો ઉદ્ધાર તો કર્યો જ સાથે દુનિયાના બધા જ પ્રાણીઓનું કલ્યાણ કર્યું.આ રીતે ભગવાન સમયે સમયે અવતાર ધારણ કરી સજ્જનો તથા સાધુઓનું કલ્યાણ કરે છે.

જય શ્રી કૃષ્ણ.
રજુઆત 

No comments:

Post a Comment