Wednesday, December 26, 2018

મારુ આયખું ખૂટે જે ઘડીયે.....(ભજન)

મારુ આયખું ખૂટે જે ઘડીયે.....(ભજન)


મારુ આયખું ખૂટે જે ઘડીયે,ત્યારે મારા હૃદયમાં પધારજો,
છે અરજી તમોને બસ એટલી,મારા મૃત્યુને પ્રભુ સુધારજો...

હો...જીવનનનો ના કોઈ ભરોશો ,દોડા દોડીના આ યુગમાં,(૨)
અંતરીયાળે,જઈને પડું જો ઓચિંતા મૃત્યુના મુખમાં,
ત્યારે મારા સ્વજન બની આવજો,થોડા શબ્દો ધર્મના સુણાવજો
છે અરજી તમોને....

હો... દર્દો વધ્યા છે,આ દુનિયામાં,મારે રિબાવી રીબાવીને,(૨)
એવી બીમારી જો મુજને સતાવે,છેલ્લી પળોમાં,રડાવીને,
ત્યારે મારી મદદમાં પધારજો,પીડા સહેવાની શક્તિ વધારજો,
છે અરજી તમોને.....

હો... જીવવું થોડું ને જંજાળ ઝાઝી,એવી સ્થિતિ છે આ સંસારની,(૨)
છૂટવા દે ના મરતી વેળાએ,ચિંતા મને જો પરિવારની,
ત્યારે દીપક તમે પ્રગટાવજો,મારા મોહ તિમિરને હટાવજો
છે અરજી તમોને......

જય શ્રી કૃષ્ણ 

Thursday, November 22, 2018

મેવા મળે કે ના મળે (ભજન)



મેવા મળે કે ના મળે (ભજન)



મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે
મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે (૨)
મારો કંઠ મધુરો ન હોય ભલે મારો સુર બેસુરો હોય ભલે
શબ્દો મળે કે ના મળે મારે કવિતા તમારી કરવી છે....મેવા ......

હો .....આવે જીવનમાં તડકા ને છાયા સુખ દુઃખના પડે પડછાયા (૨)
કાયા રહે કે ના રહે મારે માયા તમારી કરવી છે ....મેવા ....
હું પંથ તમારો છોડું નહિ અને દૂર દૂર ક્યાંય દોડું નહિ
પુણ્ય મળે કે ના મળે મારે પૂજા તમારી કરવી છે ....મેવા.....


જય શ્રી કૃષ્ણ 

Thursday, November 15, 2018

એકજ અરમાન છે મને ......(ભક્તિ ગીત )



એકજ અરમાન છે મને ......(ભક્તિ ગીત)


એક જ અરમાન છે મને મારુ જીવન સુગંધી બને (૨)
ફૂલડાં બનું કે ધૂપસળી થાઉં,આશા છે સામગ્રી પૂજાની થાઉં.(૨)
ભલે કાયા આ રાખ થઇ શમે...મારુ જીવન ......હો ..એકજ .......
હો તડકા છાયા કે વા વર્ષાના વાયરા  તોયે કુસુમો કદી ન કરમાયા(૨)
પ્રભુ ચરણોમાં રહેવું ગમે ......મારુ જીવન ......હો એકજ .....
વાતાવરણમાં સુગંધ ન સમાતી,જેમ જેમ સુખડ ઓરસિયે ઘસાતી (૨)
પ્રભુ કાજે ઘસાવું ગમે ....મારુ જીવન .......હો એકજ .....
હો...જગની ખારાશ બધી ઉરમાં સમાવે તોયે સાગર મીઠી વર્ષા વર્ષાવે
સદા ભરતી ને ઓટમાં રમે ....મારુ જીવન .....મારુ જીવન......
હો એકજ......મારુ જીવન .........


જય શ્રી કૃષ્ણ 

Friday, November 2, 2018

શુભકામના

શુભકામના








પ્રિય વાચક મિત્રો
શરુ થતા દિવાળીના શુભ તહેવારો,દિવાળી તેમજ નવા વર્ષની
આપ તથા આપના કુટુંબીજનોને ‘મોગરાના ફૂલ ‘વતી ખુબ  ખુબ શુભ કામનાઓ.

જય શ્રી કૃષ્ણ.

- મહેન્દ્ર ભટ્ટ 

Sunday, October 28, 2018

સ્વપ્નું


સ્વપ્નું 




સવારની ઠંડી હવાના એક ઝોકાથી પ્રભાવિત મગનશેઠ રામનામના પ્રણામ સાથે ઉઠી ગયા,પણ શેઠાણીના નસકોરા નો અવાજ હજુ આવતો હતો,લક્ષ્મીજીના ચારો હાથ શેઠજી પર હતા પરંતુ ઉંમરના અડધા મુકામ પછી પણ પુત્રના કોઈ લક્ષણ ન હતા તેથી શેઠ ચિંતિત હતા પણ શેઠાણી નિશ્ચિંન્ત મને આરામ થી ઓર્ડર કરી શેઠ પર પ્રભાવ જમાવટ કરતા રહેતા.શેઠનું કઈ ચાલતું નહિ

શેઠ શરીરિક તેમજ આર્થિક રીતે ખુબ જ સુખી હતા એકમાત્ર નારાજગી પત્ની તરફની હતી,પોતે ધાર્મિક હોય સવારમાં વહેલા ઉઠી પોતાનું દૈનિક કામ પૂરું કરી પ્રભુના મંદિર પાસે બેસી પ્રાર્થના કરવાનો રોજના   તેમના નિયમ સાથે શેઠાણીના સંભળાતા નસકોરા ખુબ જ અવરોધક હતા. પ્રાર્થના કરતા મનને પ્રભુના પ્રેમ સાથે એકચિત્ત કરવાની તેમની મથામણ ક્યારેય સફળ થતી ન હતી,બધુજ સુખ હતું,પણ પ્રભુ તેમને માટે જેટલા મહત્વના હતા તેટલા શેઠાણી માટે કેમ ન હતા તે તેમને સમજ પડતી ન હતી,પણ અત્યાર સુધીના પત્નીને સમજાવવાના તેમના પ્રયત્નો નિરર્થક રહ્યા હતા, દરેકનો સ્વભાવ જુદો હોય તેમ શેઠાણી પણ ભગવાન સાથેના સબંધો પોતાની રીતે રાખવા માંગતા હતા,અને તેથી જ શેઠ કઈ શિખામણ આપવા જતા તો,તેમની ભૃકુટીનો ભોગ બનતા અને અપમાન થતા હવે તો કહેવાનું જ મૂકી દીધું હતું,અને સામાન્ય છે, પતિ પત્ની સબંધ અરસપરસ સરસ જેવો હોવો જોઈએ પણ બધું સુખ હોવા છતાં શેઠ ને જ બધું સહન કરવું પડતું.અને એટલેજ રોજ પ્રાર્થના કરતા પ્રભુને પત્નીનો સ્વભાવ સુધારવા પર વધુ ભાર મુકતા,પણ પ્રાણ વિનાની મૂર્તિમાં કોઈ ફેરફાર થતો નહોતો, ગમે તેમ શેઠને એક દિવસ ભગવાન પોતાની વાત માનીને દર્શન આપશે એવો વિશ્વાસ હતો.ઋષિ મુનિઓ પ્રભુની પ્રાપ્તિ માટે આખું જીવન મંત્ર પૂજા પાઠ પાછળ બહુ દુઃખ સહન કરીને વિતાવી દેતા અને તોય તે ઉપલબ્ધ ન હતું તો શેઠને આ કાળમાં કે જેને કલીનો કાળ કહેવાય તેમાં કેવી રીતે ઉપલબ્ધ થાય !પણ કહેવાય છે તેમ  કલીકાળમાં ભગવાન ખરા મનની પ્રાર્થનાથી મળવાની ખુબ જ શક્યતાઓ માનવામાં આવી છે તેમ કોઈ વખત શેઠનું મન લાગી જાયને તેમની માનતાઓ પુરી થાય,નહિ તો આટલી બધી સર્મુધ્ધી નો ઉપીયોગ કોણ કરશે,શેઠ શેઠાણી બંને પર હવે ગ્રે કલરના વાળ છવાવા મંડ્યા હતા, હવે જીવન ઘડપણ તરફ ગતિમાન થઇ ચૂક્યું હતું.એટલે શેઠને ખરેખરી ચિતાઓએ ઝકડી લીધા હતા.

પેઢી ઉપર તો શેઠજીની આગળ પાછળ સેવકો હતા એટલે સતત શેઠજી શેઠજી એવો ઉચ્ચાર તેમના કાને અથડાયા કરતો અને તે તેમને ખુબ જ ગમતું,નાના મોટા પ્રશ્નો સાથે પેઢીનો વ્યવહાર ચાલ્યા કરતો બાપ દાદાથી ચાલતી આવતી તેમની પેઢી કેટલાય કુટુંબોનું ભરણ પોષણ કરતી પરંતુ સુખની સાથે દુઃખ કાયમ જોડાયેલું રહે તેમ ઘેર પહોંચતા તેમનું ખુશીયોથી ભરેલું મન મુરઝાઈ જતું,જે જોઈએ તે માંગ શેઠાણીની પુરી થતી પણ શેઠ શેઠાણીને મનાવવામાં અસફળ હતા,શેઠાણીના પિયરમાંથી મહેમાનો સતત ચાલુ રહેતા,અને શેઠની પરવા કર્યા વગર શેઠાણી તેમનો બધો સમય તેમની સાથે પસાર કરી દેતા,અને તેની અસર તેમના શરીર ઉપર પણ થઇ હતી,પરણ્યા ત્યારે જે સ્કીની શરીર હતું તે ગોળ મટોળ થઈને કદરૂપું થઇ ગયું હતું,પણ મફતમાં મિજબાની મળતા તેમના ચાહકો તેમની જ વાહ વાહ કરતા,બધા સારા લાગતા પણ શેઠ કઈ કહેવા જાય એટલે ઘૂરક્યા કરતા  હવે શેઠ સવારની પ્રાર્થના માં ભગવાન પાસે ધંધાની કોઈ માંગણી નહોતા કરતા પણ શેઠાણીને એક પોતાની તરફ સારા વર્તાવ વાળી પ્રેમથી બોલનારી પત્નીમાં બદલાવ કરવાની વિનંતી કરતા,અરે વિનંતી શું આજીજી કરતા,અને જ્યારે આજની પ્રાર્થનામાં તેમણે પ્રભુ પાસે જયારે માંગણી દોહરાવી ત્યારે કોકે બારણે ટકોરા મારવાના શરુ કર્યા,અને ક્યાંક ભગવાનમાં મન લાગ્યું હતું તેમાં ભંગ પડ્યો,એક વખત એવું લાગ્યું કે રોજ ભગવાનને પ્રગટ થઇ દર્શન આપવાની માંગણી કરું છું તો કદાચ ભગવાન કે ભગવાનની પ્રેરણા તો ના હોય, પણ વિચાર બદલાયો તો પાછું બધું બદલાયું ભગવાનને દર્શન જ આપવા હોય તો તે તો અંતર્યામી છે બારણે ટકોરા મારવાની તેમને શું જરૂર?,એટલે કોઈ ફેરિયો કે આલતું ફાલતુ હશે સવારના પોરમાં બીજાનો વિચાર કર્યા વિના ચાલ્યા આવે,એટલે શેઠજીએ બહુ ધ્યાન ન આપ્યું અને શેઠાણી તો ભરનિંદ્રામાં,થોડીવાર પછી ઉભા થયેલા બારણે ટકોરાના સ્પંદનો શાંત થઇ ગયા,એટલે પાછા શેઠ પ્રાર્થના બાજુ વળ્યાં અને ત્યાં તો ફરી ટકોરા પડ્યા,અને સતત પડતા રહ્યા,શેઠ ગુસ્સે થવા જાય ત્યાં તેમના મને કાબુ મેળવી લીધો અને તેઓ શાંત રહ્યા પણ સતત અવાજથી શેઠાણી જાગશે તો પાછો દાડો બગડશે એ બીકે તેમણે ભગવાનની પુંજા પડતી મૂકી બારણા તરફ પ્રસ્થાન કર્યું.

પ્રાર્થનામાં એકાગ્ર થતા મનનો સ્વભાવ શાંત હોવો જોઈએ પણ,બારણાં તરફ પ્રયાણ કરતા શેઠનો ચહેરો તિરસ્કારથી ધુંધવાતો હતો,બારણાના ટકોરાએ તેમની સ્થિતિ બદલી કાઢી હતી,હવે બારણું ખુલશે ત્યારે ટકોરા મારવા વાળાને નિરાશ થવું પડશે અને શેઠની દાટ ખાવી પડશે અથવા જો સ્થિતિ બદલાય તો શેઠને પણ કોઈ પોતાના ઘૂરકાટનો ભોગ બની સામનો કરવો પડે ,ગમે તે થાય કેમકે બારણું બંધ છે ને શેઠ ગુસ્સામાં છે,પણ છેલ્લે શેઠે બારણું ખોલ્યું એટલે કોઈ ઓફિસર જેવા દેખાતા ભાઈએ નમસ્કાર કરી સ્માઈલ આપ્યું પણ શેઠ તો શેઠ હતા એટલે તેમને કોઈ અસર ન થઇ અને ઘૂરકતવાળો ચહેરો સ્થિતિ બદલી ન શક્યો,એટલે પેલા એ કહ્યું ,
"મગન શેઠ,સવાર સવારમાં તમને હેરાન તો નથી  કર્યાને?" જયારે શેઠની દ્રષ્ટિ પેલા સાથે મળી ત્યારે ગમે તે થયું પણ શેઠનો ઘુરકાટ ઓછો થઇ ગયો અને બોલ્યા,
"ના, ના, એવું કઈ નથી બોલો શું કામ હતું?"અને સામે જવાબ મળ્યો,
"ના, ના, મારે કઈ કામ નહોતું પણ,હું પણ એક સેવક છું એટલે મારા બોસે તમારા કોઈ કામ માટે મને મોકલી આપ્યો."અને શેઠે,
" મારે કોઈ કામ નથી,મારી પેઢી ઉપરથી અહીં કોઈ ન આવે એટલે મારો સમય બગાડ્યા વગર બીજે જાવ ભાઈ,મારે ઘણું કામ છે." એમ કહી  બારણું બંધ કરવાનો પ્રયત્ન કર્યો તો પેલા માણસે વચ્ચે પગ મૂકી કહ્યું,
"શેઠ,હું પાછો જવા નથી આવ્યો,મને ખબર નથી પણ મારા બોસ તમારા પર ખુબ ખુશ છે અને તમને સાથે લઈને જ જવાનો ઓર્ડર છે,"અને કોઈ પણ પાયા વગરની વાતથી શેઠ ને મુંઝવણ થઇ,પણ પેલો કોઈ મક્કમ ઈરાદાથી ત્યાંથી ન ખસ્યો,નરવશ થયેલા  શેઠને પરાણે પૂછવું પડ્યું,
"ભાઈ,તમે કોણ છો,અને જે કઈ હોય તે ખુલ્લી રીતે કહો."એટલે પેલાએ પગ હટાવ્યો અને બોલ્યો,
"શેઠ,હું પાર્ષદ છું તમે ભગવાનને પ્રાર્થનામાં ખુબ વિનંતી કરી,એટલે જાતે ન આવી શક્યા પણ મને મોકલી આપ્યો,હવે તમારું દરેક કામ મારે કરવાનું છે,અને બધું ચુટકીમાં થઇ જશે."અને શેઠના ચહેરા પર રંગ ફેરવાયો,
"મશ્કરી કરો છો,પાર્ષદ અને આ વેશમાં,હું કઈ રીતે માનું ?"
"કેમ ,તમેજ તો વિચારતા હતા આ કલીનો કાળ છે,ને ભગવાન કે તેના પાર્ષદ કોઈ પણ રૂપમાં પ્રગટ થાય,અને શેઠાણી નો સ્વભાવ,અને વારસદારની ચિંતા,..." અને પાર્ષદ સ્માઈલ સાથે શેઠના ચહેરા સામે એકી ટસે જોઈ રહ્યો.હવે શેઠનો ચહેરો બદલાયો અને સ્માઈલ સાથે બોલ્યા,
"તો ખરેખર ભગવાને મારી પ્રાર્થના સાંભળી,અને તમને મોકલ્યા."
"અરે ખરેખર શું,આવો લાવો કોઈને ના મળે,હવે અંદર આવવાનું કહેશો કે હજુ કોઈ ખાતરી કરવી છે." ત્યાં તો અંદરથી શેઠાણીનો અવાજ આવ્યો,પણ અવાજમાં જાણે રણકાર હતો,પરણીને આવ્યા અને જે સ્થિતિ હતી તે દેખાવા લાગી,આ ફેરફાર શેઠ માટે જાણે પૂરતો હોય તેમ ઘેલા થઇ ગયા અને તરત જ પાર્ષદને માન ભેર આવકારી સોફા પર બેસાડ્યા,અને કહ્યું,
"હું જરા અંદર જઈ મારી પત્નીને તમારી આગતા સ્વાગતા કરવાની તૈયારી કરવા કહું,"પણ શેઠની નવાઈ વચ્ચે પાર્ષદે શેઠનો હાથ પકડી કહ્યું,
"એની કઈ જરૂર નથી,પણ આપણી પાસે સમય બહુ નથી અને,હજુ મારે બીજા બધા ભક્તો પાસે પણ જવાનું છે.એટલે તમો તૈયાર છો,"
"તૈયાર,શાને માટે..?"અને શેઠે હાથ છોડાવવા પ્રયત્ન કર્યો,ગભરાઈ ગયા અને બોલ્યા,
"સાહેબ મારો હાથ છોડો,હું એવી રીતે ન આવી શકું,"
"પણ તમને લીધા વગર જવાનો મને હુકમ નથી,એટલે ચાલો" અને હાથની પકડ મજબૂત થઇ શેઠ હાથ છોડાવવાની મથામણમાં પરસેવે રેબઝેબ થઇ ગયા.પણ હાથ ન છૂટ્યો અને શેઠે બચાવો બચાવો એમ જોરથી બૂમો પાડવા માંડી ત્યાં કોઈકના ભારે હાથનો સ્પર્શ થયો,અને શેઠ પથારીમાં હતા,સામે શેઠાણીની ઘૂરકતી લાલ આંખો  હતી,અને શેઠાણીએ શેઠનો હાથ પકડ્યો હતો,શેઠાણી બબડતાં હતા,
"ઊંઘતા નથી ને ઊંઘવા દેતા નથી,"શેઠ તરફ જોતા શેઠાણી પાસું ફેરવી સુઈ ગયા.અને શેઠ બબડતાં રહ્યા,
"તું તારે ઊંઘીજા,એ તો સ્વપ્નું હતું."
પણ શેઠે પોતાના શરીર તરફ નજર કરી તો પરસેવે રેબઝેબ હતું,પાર્ષદ નહોતો પણ હવે ચિંતા હતી,જો સ્વપ્નું સાચું પડે ને જવું પડે,એક ભયંકર કંપારી પસાર થઇ ગઈ,શેઠ નિરાશ હતા કેમકે શેઠના પરસેવા માટે કેમ?, શું?, શા માટે? પ્રશ્ન પૂછવા વાળું કોઈ ન હતું,સંતો કહે છે  તેમ મૃત્યુનો ભય કોઈને પણ સતાવે પણ અનિવાર્ય આ સત્ય માટે બીજો કોઈ રસ્તો જ નથી,આ બધું અહીં પહેલેથી ગોઠવાયેલું છે,તેના નિયમો છે અને તે પ્રમાણે જીવન શરુ થાય છે અને પૂર્ણ થાય છે,અને મળેલા જીવનને કેવી રીતે ભોગવવું તેનું તમારે નક્કી કરવાનું છે.પાપ પુણ્યની કોને ખબર પણ નિયતિ પ્રમાણે ન ચાલનારને દુઃખદાયી બનવું પડે તેમાં કોઈ શંકા નથી, જેમ તેમ પરિસ્થિતિને કાબુ કરવાનો પ્રયત્ન કરી શેઠે પાસું ફરી સુવાનો પ્રયત્ન કર્યો પણ બીજા સ્વપ્નની ચિતાએ તેમને ઊંઘ ના આવી,પાસા ફેરવતા પડ્યા રહ્યા.

-મહેન્દ્ર ભટ્ટ.

Friday, September 7, 2018

શેઠની ચતુરાઈ

શેઠની ચતુરાઈ 


એક શેઠ ખુબ ધનવાન પત્ની સાથે એક રાત્રે શયન કરતા હતા,પણ ધનની ચિંતા અર્થે ઊંઘ  આવતી નહિ એટલે અડધી રાત સુધી જાગતા રહેતા.પત્ની ખુબ સમજાવે ત્યારે માંડ સુતા, એમાં એક દિવસ ચોર ઘરમાં ચોરી કરવાના હેતુ બારણું તોડી આવી ઘરની સ્થિતિનો તાગ કાઢતો જોવા મંડ્યો પણ જાગતા શેઠ પડખા ફેરવતા હતા એટલે સલામતી ના લાગતા એક બાજુ છુપાઈ ગયો.શેઠને ખબર પડી ગઈ કે ઘરમાં કોઈ ચોર છુપાઈ ગયો છે.પણ ઉભા થઈને પડકાર ફેંકે એટલી હિમ્મત નહિ એટલે જાનનું ઝોખમ લેવાય નહિ એટલે ચિંતાથી રેબઝેબ થતા પડખા ફેરવતા શું કરવું તેનો વિચાર કરતા રહ્યા કપાળે પરસેવો વળી ગયો પણ આવેલો ચોર કોઈ તક ઝડપે તે પહેલા કઈ કરવું પડે શેઠાણી તો ઊંઘતા હતા પણ રોજ શેઠને ઊંઘ ન  આવે એટલે તેમની ઊંઘ મતલબી થઇ ગઈ હતી,શેઠ બોલાવે તો પાછા ઉઠી જાય,એટલે શેઠે ઉઠીને ચોર સાથે બાખડયા વગર બુદ્ધિથી કામ લેવાનું નક્કી કર્યું.આમ હિમ્મત નહિ પણ બુદ્ધિ તો બાપદાદાની દેણ,એટલે શેઠાણીને કહ્યું,
"તું સાંભળે છે."એટલે શેઠાણી જાગ્યા પણ  ઉઠ્યા વગર છણકલુ કર્યું,
"હવે સુઈ જાવને, રાતે અડધી અડધી રાત સુધી,ઊંઘતા નથી ને ઊંઘવા દેતા નથી."પણ શેઠે કહ્યું
"અરે પણ વાત તો સાંભળ,મને એવું લાગે છે કે કોઈ બાળક આપણે ત્યાં જનમવાનો છે."અને બાળકની વાત આવી એટલે શેઠાણી ઉઠ્યા તો નહિ પણ પડખું ફેરવી શેઠની વાતમાં ભાગ લીધોને કહ્યું,
"હા તો,એ તો સારી વાત છે,ભગવાનનો પાડ આટલી ઉંમરે ખોળાનો ખૂંદનાર આવે."ઘરમાં છુપાયેલા ચોરની ચિંતા વધવા મંડી આ શેઠ જરૂર કોઈ મુશ્કેલી ઉભી કરશે.પણ તે ત્યાંનો ત્યાં ચુપકીદીથી છુપાયેલો રહ્યો.શેઠ બોલ્યા,
"તો ,તું કહે હું તને રોજ રોજ ઊંઘમાં ખલેલ પહોંચાડીને હેરાન તો નથી કરતોને?"
"એવું કેમ કહો છો,હું તમારી પત્ની છું,સુખ દુઃખની સાથી,ભગવાને બધું સુખ આપ્યું છે,પણ ચિંતા કરી કરીને તમને ઊંઘ નથી આવતી એની મને ચિંતા છે,શેર માટીની ખોટ છે,એ પુરી થાય તો તેનો પાડ,પણ ઊંઘ નહિ આવે તો  તબિયત બગડશે."અને વ્હાલ કરતા શેઠાણી એ શેઠના કપાળે
 હાથ ફેરવ્યો ત્યાં શેઠાણીનો હાથ પરસેવાથી પલળી ગયો અને બોલ્યા,
"એટલી બધી ગરમી તો નથી,તો આટલો બધો પરસેવો?"શેઠાણીની ચિંતા હવે વધી ગઈ,શેઠનું વજન આમે ય વધારે હતું ન થવાનું થઇ જાય,એટલે ડોક્ટર નજરે સામે આવ્યા.પણ શેઠાણી ને ક્યાં ખબર કે શેઠના પરસેવાનું કારણ શેઠની તબિયત નહિ બીજું કઈ છે.શેઠે શેઠાણીની ચિંતાનું સમાધાન કરતા કહ્યું,
"મને કઈ નથી થયું,તું ચિન્તા કર માં, પણ આપણા ઘરમાં બાળક નો જન્મ થાય તો તેનું નામ શું રાખીશું.?"અને ચિંતામાં પડેલા શેઠાણીને આવા કૂતરુહુલ વાળા સવાલે ઊંચેથી  પછાડી ઠેઠ પાયામાં લાવી દીધા.
"હજુ,કોઈ એંધાણ બંધાયા નથી ત્યાં નામ રાખવાની વાત,તમને જ તમારો પ્રશ્ન અજબ નથી લાગતો,"
અને શેઠાણી હસવા લાગ્યા,બધુજ ફેરવાઈ ગયું,રાતની શાંતિમાં ભંગ થયો.હસવાનો અવાજ ડબલ થતા,હવામાં ભળી ઘરની બારણાની તરાડોમાંથી આઝાદીથી શેરીમાં આવી ગયો.અને શેઠે હસવા મંડ્યા,છુપાયેલો ચોર પણ અચંબામાં પડી હસવાનું અટકાવતો કોઈ ખોટા સમયે,ખોટા ઘરમાં આવી ગયો એવું અનુભવતો ત્યાંથી કેવી રીતે ભાગવું તેનો વિચાર કરવા લાગ્યો આમ બુદ્ધિવાન શેઠે વાતાવરણ બદલી કાઢ્યું.અને શેઠે પોતાની વાત ચાલુ રાખી,
"પણ તું કહેતો ખરી,"એટલે હસતા શેઠાણીને પતિની વાતને સમર્થન આપ્યું,કહ્યું,
"ગમે તે,અમીચંદ ગોપીચંદ,ઉત્તમશેઠ...."પણ શેઠે કહ્યું,
"ના ના એવા નામ તો જુના થઇ ગયા,કૈક નવું નામ રાખીયે."અને શેઠાણી હોઠોમા મુસ્કરાતા બોલ્યા ,
"તો તમે જ કહી દો ને એટલે ઉંઘાય...."અને જયારે શેઠાણી મોટેથી હસ્યાં ત્યારે તે અવાજ એટલો મોટો હતો કે શેઠના ઘર પાસેથી રાતની ફેરીમાં  પસાર થતા બે પોલીસવાળા શેઠની વંડી પાસે ઉભા રહી ગયા,ધનવાન શેઠનું મોભાનું ઘર એટલે શેઠ શેઠાણી કોઈ મુસીબતમાં તો નથીને તેનો તાગ લેવા તે બંને અટક્યા અને બારીકાઈથી અવાજ સાંભળવા લાગ્યા.
ત્યાં શેઠ બોલ્યા,
"રણજિત સિંહ, ખેર સીંગ  એવું કઈ રાખીયે તો .."
"જાવ જાવ એવા તો કઈ નામ રખાતા હશે...આપણે વાણિયા અને રાજપુતી નામ.."અને શેઠની મસ્તી વધી ,અવાજ વધ્યો, પડઘો પડ્યો
"રણજી સિંહ, રણજિત સિંહ, ...."બહાર અવાજ સાંભળતા પોલીસવાલામાં એકનું નામ રણજિત સિંહ,  હતું એટલે તેણે બારણા પર ટકોરા મારી અવાજ કર્યો,
"શેઠ,બારણું ખોલો,કોઈ તકલીફ તો નથી ને " અને શેઠ જાણે લડવૈયા બન્યા, છલાન્ગ મારી શેઠે સીધા બારણાં તરફ દોટ દીધી,આ દ્રશ્ય જોતા શેઠાણી અને સાથે સાથે ચોરે ફાટી આંખે જોયું,બારણું ખુલી ગયું,
બહારથી પ્રશ્ન આવ્યો
"હું રણજિત,શેઠ કોઈ તકલીફ તો નથી ને"અને શેઠે કહ્યું
"આવો,ઘણી મોટી તકલીફ સામે ઉભી છે,"અને ચોરે સામે ચાલીને હાથ લાંબા કર્યા એટલે રણજિત સિંહે બેડી પહેરાવી દીધી,શેરમાટીની ખોટ તો પૂરતા પુરાશે પણ શેઠાણી પતિની ચતુરાઈ પર વારી ભેટી પડ્યા..

-રજુઆત મહેન્દ્ર ભટ્ટ.

Monday, September 3, 2018

રક્ષાબંધન

રક્ષાબંધન


રક્ષાબંધન એ શ્રાવણ માસની પૂનમે આવતો હિન્દૂ અને જૈનોનો તહેવાર છે.જેમાં બહેન ભાઈને રેશમના અથવા સુતરના દોરાની રંગીન સુશોભિત રાખડી જમણા હાથે બાંધી સદા શુભની તથા  સુખ દુઃખમાં સદાય સાથે રહેવાની કામના કરે છે અને  ભાઈ બહેનને ઉપહાર અથવા ધન આપે છે.આ તહેવારમાં જાત જાતની રાખડીઓનો ઉપીયોગ કરવાંમાં આવે છે,ક્યાંક સોના ચાંદીની રાખડીઓ પણ બંધાય છે.આ ઉત્સવ પ્રાતઃ સમયે સ્નાનવિધિ પતાવી નવા વસ્ત્રો પરિધાન કરી તૈયાર થઇ કરવામાં આવે છે જેમાં બહેન એક થાળીમાં રાખડી,મીઠાઈ ,કુમકુમ,અક્ષત અને દિવા સાથે રાખી ભાઈના કપાળે ચાંલ્લો કરી અક્ષત લગાવી આરતી ઉતારે છે અને તેના જમણા હાથે રાખડી બાંધી ભેટે છે અને સદા સુખદુઃખમાં સાથે રહેવા તથા શુભની કામના કરે છે બદલામાં ભાઈ ઉપહાર અથવા ધન પ્રદાન કરી બહેનને ખુશ કરે છે.આ તહેવારમાં આચાર્યો,અને ગુરુજનો તેમના શિષ્યો તેમજ યજમાનોને સુતરની રાખડી બાંધી આશીર્વાદ આપે છે અને યજમાનો ધન ધાન્યથી પોતાના ગુરુજી અથવા આચાર્યોને ખુશ કરે છે.

પ્રાચીન કાળમાં સહુ પ્રથમ રાજા બલીને રાખડી બાંધવામાં આવી હતી ત્યારથી આજ સુધી પર્વનો ઉત્સવ મનાવવામાં આવે છે,રાખડીમાં રહેલી બાંધનારની લાગણી બંધાવનાર ની રક્ષા કરે છે,કોઈ પણ મુસીબતમાં સહાયક થાય છે.યુદ્ધના સમયમાં કુંતા માતાએ અભિમન્યુને અમર રાખડી બાંધી તેની રક્ષાની
અભ્યર્થના કરી હતી,જયારે શિષ્ય પોતાનું ભણતર પૂરું કરી આશ્રમ છોડતા હતા ત્યારે ગુરુજી અથવા ગુરુમાતા તેના ભાવીની શુભકામના માટે રક્ષાસૂત્ર બાંધતા હતા.

પ્રાચીન સમયમાં દેવ દાનવ વચ્ચે કાયમ યુદ્ધ થતું.ત્યારે ઇન્દ્રપુરી પર કાયમ ઝોખમ રહેતું, તેથી ઇન્દ્ર બૃહસ્પતિ પાસે ગયા અને ઈન્દ્રાણીએ યુદ્ધમાં વિજય માટે ઇન્દ્રના હાથે રેશમનો દોરો બાંધી વિજયની  પ્રાર્થના કરી હતી કહેવાય છે તે દિવસ શ્રાવણ માસની પૂનમ હતી  અને તેમાં ઇન્દ્રનો વિજય થયો હતો.

સ્કંધ પુરાણ,પદ્મપુરાણ તેમાં જ શ્રીમદ્ભાગવતમાં વામન અવતારમાં રક્ષાબંધનનો પ્રસંગ આવે છે જેમાં
એક વખત રાજા બલિએ પોતાના ૧૦૦માં યજ્ઞની પુર્ણાહુતી કરી તે વખતે રાજા ઇન્દ્રને દાનવ રાજાની શક્તિ વધી જવાથી પોતાનું ઇન્દ્રાસન છીનવી લેવાનું ઝોખમ દેખાયું ગુરુની સલાહથી ઇન્દ્રે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી મદદની માંગણી કરી વિષ્ણુ ભગવાને તેની પ્રાર્થના નો સ્વીકાર કરી મદદ કરવાનું વચન આપ્યું. વિષ્ણુ ભગવાને વામન અવતાર ધારણ કરી દાનવ રાજા બલીના ૧૦૦માં યજ્ઞની પૂર્ણાહૂતિમાં ઉપસ્થિત થઇ ભિક્ષા દાનની માંગણી કરી, બલીના સૈનિકોએ દ્વાર પર કોઈ બટુક બ્રાહ્મણ ભિક્ષા અર્થેની માંગણી સહ ઉપસ્થિત છે તેની રાજાને જાણ કરી,બલી દાનવ હતો પણ દાન ખુબ કરતો,તેણે તે બટુકને માન સહીત દરબારમાં લઇ આવવા સૈનિકોને કહ્યું.બલિએ બટુક વામન બ્રાહ્મણને કઈ પણ માંગવા કહ્યું એટલે વામને કહ્યું
"મારે ફક્ત ત્રણ ડગલાં પૃથ્વીની જરૂર છે જો તું દાનમાં આપી  શકે."બલી હસ્યો એટલે આખા દરબામાં હાસ્ય ફેલાઈ ગયું,રાજાએ કહ્યું,
"મહારાજ તમે એક બટુક છો અને તમારા ત્રણ ડગલાં પૃથ્વીથી શું પૂરું થશે,બીજું વધારે કઈ માંગો,હું મારુ આખું રાજ્ય આપી દઈશ,વચન આપું છું.."પણ જવાબમાં વામને કહ્યું,
"હું ખુબ સંતોષી બ્રાહ્મણ છું મારે ત્રણ ડગલાં પૃથ્વી મારા ગુજારા માટે અનુકૂળ છે વધુ કઈ ન જોઈએ."
એટલે ગુરુ શુક્રાચાર્યે બલીને ચેતવતા કહ્યું ,
"આ માંગણીમાં જરૂર કોઈ ચાલ છે "અને ધ્યાનમાં જોયું તો વામન સ્વરૂપમાં વિષ્ણુ પોતે હતા અને બલીને સત્ય કહી વચન ફોક કરવા કહ્યું પણ બલિએ ગુરુને કહ્યું ;
"હું, વચન બધ્ધ છું,એટલે તે વિષ્ણુ હોય તો પણ તેમની માંગણી સંતોશીશ."અને વામન ને તે જે માંગશે તે આપવા કહ્યું,વામન ભગવાને પોતાની માંગણી પ્રમાણે એક ડગલું ભરી પોતાનું કદ વધારી આકાશ ,બીજા ડગલામાં પૃથ્વી અને ત્રીજું ડગલું ઉપાડ્યું અને પૂછ્યું
"હવે તારી પાસે કઈ નથી તો આ ત્રીજું ડગલું ક્યાં મુકું.?"
બલિએ જરા પણ ખચકાયા વગર પોતાનું મસ્તક નમાવી કહ્યું
" પ્રભુ,આપણું પવિત્ર ડગલું મારા શીશ પર મુકો " અને વામન ભગવાને ત્રીજા ડગલામાં બલીને પાતાળમાં પહોંચાડી દીધો.પણ પ્રભુ ભક્તિમાં વચનબદ્ધ બલીથી પ્રભુ ખુબજ ખુશ થયા અને તેના દાનની સરાહના કરી ત્યારે રાજા બલિએ કહ્યું,
"પ્રભુ આપ ખુશ થયા હોતો હવે મારી એક માંગ છે આપ સદા મારી સાથે રહો."અને વિષ્ણુ ના પણ ન કહી શક્યા, વૈકુંઠમાં હાહાકાર મચી ગયો,લક્ષ્મીજી ચિંતામાં પડી ગયા,ત્યારે પ્રભુ ભક્ત નારદજી હાથમાં કરતાલ વગાડતા,નારાયણ નારાયણ કહેતા માતાજી સમક્ષ ઉપસ્થિત થયા.અને કહ્યું
"માતાજી ચિંતા ન કરો,અને આપ તુરંત પૃથ્વી પર જઈ રાજા બલીના હાથે રક્ષા બાંધી,પ્રભુની મુક્તિની માંગણી કરો,રાજા બલી આપની માંગણી જરૂરથી ધ્યાનમાં લેશે,"
અને આમ માતાજીએ બલીને રાખડી બાંધી તો વિષ્ણુ ભગવાનને પૂર્ણ મુક્ત ન કર્યા પણ ચાર માસ સાથે રહેવાનું કહ્યું અને બીજા આઠ માસ બ્રહ્મા અને મહાદેવને સાથે રહેવા કહ્યું ,બલીની માંગણીનો સ્વીકાર થયો અને ચાતુર્માસનું પર્વ શરુ થયું,,માતાજીએ બલીને રાખડી બાંધી તે દિવસ શ્રાવણ માસની પૂનમ હોય,તે દિવસથી રક્ષા બંધનનું પર્વ શરુ થયું,
દેવ સૂતી અગિયારસે દેવ સુઈ જાય, અષાઢમાસ શુક્લ પક્ષે પુરુસોત્તમ ભગવાન ક્ષીરસાગરમાં શેષનાગ ઉપર ચાતુર્માસ માટે યોગનિંદ્રામાં જતા રહે એ દિવસ જગન્નાથની પ્રસિદ્ધ રથયાત્રા પછી આવે તેને દેવ શયની એકાદશી કહેવામાં આવે તેને પદ્મા એકાદશી,અષાઢી એકાદશી તેમ જ હરિશયની એકાદશી જેવા બીજા નામોથી પણ સંબોધવામાં આવી છે અને દેવ ઉઠે તે અગિયારસે ચાતુર્માસનું વ્રત પૂરું થાય,
જ્યારે ચાતુર્માસની યોગનિંદ્રા પછી પ્રભુ જાગે તે દિવસ કારતક માસની શુક્લ પક્ષની અગિયારસ જેને પ્રબોધિની એકાદશી,દેવઉથની એકાદશી, દેવઉથ્થાન એકાદશી કહેવાય અને તે દિવસે ચાતુર્માસ પુરા થાય અને ત્યાર પછીની પૂનમે દેવ દિવાળી આવે.આ ચાતુર્માસનું પવિત્ર પર્વ ઉપવાસ તેમજ પ્રભુ પ્રાર્થના કરી હિંદુઓમાં  મનાવવાનું ખૂબ જ મહત્વ છે.
વ્રતી ચાતુર્માસ દરમ્યાન ઉપવાસ કરી પ્રભુ શરણ થઇ ભગવાનની સ્તુતિ કરે.

જય શ્રી કૃષ્ણ,
-રજૂઆત મહેન્દ્ર ભટ્ટ.