Tuesday, January 6, 2026

જગન્નાથ ધામનો મહાપ્રસાદ

 જગન્નાથ ધામનો મહાપ્રસાદ



ભારતમાં જેવી રીતે મહાદેવ શિવના ૧૨ જ્યોતિર્લિંગસ તેમના નિવાસસ્થાનને આધારે પ્રખ્યાત છે, બસ તેવી જ રીતે દેશમાં ચારે દિશાઓમાં ચાર વૈષ્ણવ ધામ પણ છે જો કે તે ભગવાન વિષ્ણુના ઘર કહેવાય છે.એ ચારેય વિષ્ણુ ધામ ચાર પૂરિયોના રૂપમાં પ્રખ્યાત છે.જેમાં જગન્નાથ ધામનું અલગજ મહત્વ છે.એક માન્યતા છે કે શ્રી વિષ્ણુ બદ્રીનાથમાં 

અલકનંદા નદીમાં સ્નાન કરે છે.દ્વારકાપુરીમાં વસ્ત્ર પહેરે છે પુરી એટલે જગન્નાથ ધામમાં ભોજન કરે છે અને પછી 

રામેશ્વરમાં રાત્રી શયન કરે છે.બદ્રીનાથમા જ્યાં ભગવાન, વિષ્ણુ અવતારમાં છે.તો દ્વારકામાં તેઓ દ્વારકાધીશ કૃષ્ણ છે અને રાજા છે,રામેશ્વરમ જોકે એમ તો મહાદેવ શિવજીનું ધામ છે પણ અહીં ભગવાન વિષ્ણુ શ્રી રામના રૂપે પુંજવામા આવે છે તો પુરી ધામમાં તે આમ ભક્તો માટે સરળતાથી ઉપલબ્ધ છે અહીં તે સખા છે સાથી છે અને પોતાનું દીનબંધુ નામને સાર્થક કરે છે.પુરીમાં વિષ્ણુજીના ભોજન કરવાની માન્યતાને કારણેજ અહીંનો મહાપ્રસાદ- મહાભોગ ખુબ જ પ્રખ્યાત છે.


એમ કહેવાય છે કે બધાને કૃપાના રૂપમાં મળનારો આ મહાપ્રસાદ પહેલા ફક્ત શ્રી વિષ્ણુજી માટે જ હતો.અહીં દેવી લક્ષ્મીજી એમના માટે પોતાના હાથે પકવાન બનાવી અને થાળ સજાવી તેમને ભોજન કરાવતા હતા.એવું એટલા માટે કે ત્રેતા યુગમાં તેઓ સીતાજીના રૂપમાં શ્રી રામજીને સારી રીતે ભોજન કરાવી શક્યા ન હતા. આ મહાભોગને મેળવવા માટે શિવજી અને બ્રહ્માજીએ ખુબ પ્રયત્નો કર્યા હતા પરંતુ તેઓ તેમાં સફળ થઇ શક્યા ન હતા.પછી તેમણે યોજના બનાવી નારદમુનિને પોતાની લાલચ પુરી કરવા વચમાં લીધા.


દેવર્ષિ નારદ જગન્નાથ પુરી ધામમાં ગયા તો હતા મહાભોગની લાલચમાં પણ તે તેમાં સફળ ન થયા પછી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કરતા કરતા કહ્યું કે નારાયણની સેવા તો હું હંમેશા કરતોજ રહું છું આપની સેવાનો પણ લાભ આપ મને આપો. દેવી લક્ષ્મીજીએ નારદ મુનિની વાત માન્ય રાખી અને તેમને ક્યારેક ઇંધણ લાવવા,ક્યારેક પાણી લાવવા અને ક્યારેક અનાજ લાવવાના કામમાં લગાવી દીધા.એવી રીતે ભકત નારદજી ૧૨ વર્ષો સુધી દેવી શ્રી લક્ષ્મીજીની સેવા કરતા રહ્યા.એવી રીતે તેઓ દેવી શ્રીની સવારથી લઇ સાંજ સુધીની આખી દિનચર્યા સમજી ગયા હતા.એક દિવસ નારદજી પરોઢની પુંજા માટે વનમાંથી લાવેલા કેટલાય સુગંધી ફૂલોની માળા બનાવી શ્રી લક્ષ્મીજીની સેવા કરવા ગયા અને તેમને એ માળા પુંજા માટે ભેટ ધરી. તેમાંના કેટલાક ફૂલોની સુંગંધ અને શ્રી નારદજીની એટલા વર્ષોની સેવાથી પ્રભાવિત થઇ નારદજીને તે દિવસે વરદાન માંગવા કહી દીધું. 


નારદમુનિ,જે બાર વર્ષોથી એ એક દિવસની રાહ જોઈ રહ્યા હતા એમણે મોકો મળતાજ ઝડપથી પોતાનું મનમાન્યું વરદાન માંગી લીધું. એમણે કહ્યું, માતાજી બસ મને એકવાર ભગવાન જગન્નાથજી નો મહાપ્રસાદ ચાખવા દો. નારદજીની એ ઈચ્છા સાંભળતાજ શ્રી લક્ષ્મીજી વિચારમાં પડી ગયા.હવે વચનથી શ્રી નારાયણજીને આપેલા વચનનો કયાં તો ભંગ થવાનો હતો અથવા ક્યાં નારદજીને આપેલા વચનનો. એવામાં તેમણે કહ્યું સારું, તેનો સાચો સમય આવતા હું આપને મહાભોગ જરૂર ખવડાવીશ.નારદજી એ સાંભળતા જ ખુશીયોના માર્યા ત્યાંથી ચાલ્યા ગયા.આગલા દિવસે જયારે શ્રી વિષ્ણુજી ભોજન આરોગવા પહોંચ્યા ત્યારે શ્રી લક્ષ્મીજીને ચિંતાગ્રસ્ત સ્થિતિમાં જોઈ તેનું કારણ પુંછ્યું. તેમના પૂછવાથી શ્રી લક્ષ્મીજીએ નારદજીને આપેલા વરદાન અંગે જણાવી દીધું. બધીજ વાત સારી રીતે સમજી શ્રી વિષ્ણુજીએ કહ્યું, સારું દેવીજી, આપનું વરદાન એ મારુ પણ વરદાન છે આપ દેવર્ષિ શ્રી નારદજીને જરૂરથી મહાભોગ ખવડાવો પણ તેમને જરૂરથી સાથે સાથે કહેશો કે ભોજનની સાથે સાથે એ વાત પણ પચાવી દે કે તેમણે મહાભોગ ચાખ્યો છે પણ જો એવું ન થાય તો શૈકાઓથી જે બધા માટે એંની હું મનાઈ કરતો આવ્યો છું તેનાથી શિવજી અને બ્રહ્માજીને સારું તો નહિ લાગે.


શ્રી વિષ્ણુજીની અનુમતિ મળતા શ્રી લક્ષ્મીજીએ શ્રી નારદમુનિને એક દિવસ ભોજન માટે આમંત્રણ આપ્યું અને તેમને પ્રભુજીનો મહાપ્રસાદ ચખાડ્યો.શ્રી નારદજી એ દિવ્ય ભોજન કરીને ન ફક્ત તૃપ્ત થયા પણ આનંદથી ભરાઈ ગયા.તેમણે થોડું વધારે ભોજન પછી માટે પણ માંગી લીધું અને તેમની પોટલીમાં ભરી ત્રિલોકમાં ફરતા રહ્યા એ દિવ્ય ભોજન પછી તેમની ખુશીનો કોઈ પાર ન હતો અને તે નારાયણ નારાયણનો નાદ કરતા કરતા મનમાં ને મનમાં હસતા મુસ્કરાતા ચાલ્યા જતા હતા એ બાજુ કૈલાશ ઉપર મહાદેવે દેવતાઓની એક સભા બોલાવી હતી.એ સભામાં  ઇન્દ્ર અને યમ રાજાની સમસ્યાઓ પર વાત થવાની હતી. યમ રાજાની સમસ્યા એ હતી કે ધરતી પર સ્વર્ગ આવી જવાથી કર્મનો સિંધ્ધાંત અને સમતોલન બગડી રહ્યું છે એ વાત પર ચર્ચા થઇ રહી હતી એટલામાં દેવર્ષિ નારદ પર ત્યાં આવી ગયા.બધાએ તેમનો સત્કાર કર્યો પછી ચર્ચા શરુ થઇ.એ દરમ્યાન શ્રી મહાદેવે કહ્યું, એમ તો ખુબ આનંદની વાત છે કે ધરતી પર શ્રી જગન્નાથ ધામની સ્થાપના થઇ છે અને શ્રદ્ધાળુઓને ધરતી પર જ સ્વર્ગનું સુખ મળી રહ્યું છે શું એનાથી પણ વધારે આનંદની વાત હોય શકે છે ? દેવર્ષિ નારદ જે હજુ સુધી મહાભોગનાં સ્વાદમાં ડૂબેલા હતા અચાનક જ બોલી પડ્યા ,

‘ થઇ શકે છે મહાદેવ, જરૂર થઇ શકે છે જો તમે જગન્નાથ ધામનો મહાભોગ પ્રસાદ ચાખ્યો હોય તો……’

એ સાંભળીને શિવજી સાથે બધા લોકો વિસ્મિત થઇ ગયા અને ત્યાં નારદમુનિ પણ ગભરાઈ ગયા કે અજાણતા એમણે શું કહી નાખ્યું, આ વાતને તો ગુપ્ત રાખવાની હતી


હવે તેમની વાત સાંભળીને શિવજીએ પૂછ્યું કે, ‘શું તમે મહાપ્રસાદ ચાખ્યો છે ? ‘ હવે નારદમુનિ ફસાઈ ગયા હતા અને ખોટું બોલી શકતા ન હતા, એટલે એમણે બધી વાત કહી દીધી,કે તેઓ થોડો પ્રસાદ સાથે લઈને પણ આવ્યા છે એ સાંભળીને શિવજીએ કહ્યું,મને પણ એ પ્રસાદ આપો. નારદમુનિને એ પ્રસાદ તેમની સાથે વહેંચવો પડ્યો, એને ચાખીને મહાદેવ પણ વિહ્વળ થઇ ગયા અને આનંદનું તાંડવઃ કરવા લાગ્યા, શિવજીના તાંડવથી જયારે કૈલાસ ડોલવા લાગ્યો ત્યારે પાર્વતી દોડતા આવી પહોંચ્યા તેમણે શિવજીને એટલા આનંદનું રહસ્ય પૂછ્યું. શિવજીએ કહ્યું કે તેમણે જગન્નાથજીનો મહાપ્રસાદ ચાખી લીધો છે.તેથી પાર્વતીજીએ કહ્યું મને પણ ખવડાવો.શિવજીએ કહ્યું હવે મારી પાસે પણ પ્રસાદ નથી બચ્યો. તેથી પાર્વતીજી ખીજવાઈને બોલ્યા, તમે એકલાજ પ્રસાદ ચાખી લીધો, હવે એ પ્રસાદ આખી દુનિયાને મળશે, ચાલો મારી સાથે.


એવું કહીને પાર્વતીજી અને શિવજી જગન્નાથ ધામ પર ગયા. પાર્વતીજી એક સંબંધમાં વિષ્ણુજીની બહેન પણ થાય છે.એટલે આજે એ અધિકારથી ગયા હતા જેમ કોઈ રિસાયેલી બહેન ભાઈને પોતાની વાત મનાવવા જાય છે. પાર્વતીજીને ગુસ્સામાં જોઈ લક્ષ્મીજી પણ કઈ કહી ન શક્યા અને જગન્નાથજી પણ નજરો ચોરાવવા લાગ્યા. તેથી પાર્વતીજીએ જ મૌન તોડી લક્ષ્મીજીને ભાભી કહી સંબોધિત કર્યા અને કહ્યું , કેમ ભાભી, મને કઈ ખવડાવશો નહિ,કેટલા દિવસ પછી પિયર આવી છું ? , લક્ષ્મીજી એ સાંભળીને તરત ફળો અને મીઠાઈઓ લઇ આવ્યા. ત્યારે પાર્વતીએ કહ્યું બપોર થઇ ગઈ છે ભોજનનો સમય છે તમે ફળ ને મીઠાઈ ખવડાવશો, ખાવાનું નથી થયું. એ સાંભળીને લક્ષ્મીજીએ જગન્નાથજી તરફ જોયું તેઓ નજરો ચૉરાવી હસવા લાગ્યા, એટલામાં નારદ મુનિ પણ આવી પહોંચ્યા પણ બધાની સામે આવતા ખચકાવા લાગ્યા ત્યારે જગન્નાથજીએ કહ્યું આ બધું કર્યું ધર્યું તમારું જ છે સામે આવો, હું એકલો બધો ક્રોધ કેમ સહન કરું ? 


ત્યારે પાર્વતીજીએ ક્રોધ કરી કહ્યું , કે આપે મહાભોગ તમારા સુધી જ કેમ સીમિત રાખ્યો ? એ તો જગતના નાથ માટે કોઈ સારી વાત નથી. જગન્નાથ ભગવાન વિષ્ણુએ કહ્યું કે દેવી લક્ષ્મીજીના હાથનો બનાવેલો ભોગનો પ્રસાદ ખાવાથી બધા કર્મના સિદ્ધાંતથી વિમુખ થઇ શકતા હતા એવી રીતે પાપ પુણ્યનું સમતોલન બગડી જતું એટલે મેં તેને મારા સુધી સીમિત રાખ્યો હતો પણ હવે તમે કહો છો એટલે હવે હું આજથીજ સાર્વજનિક કરી નાખું છું હવેથી જગન્નાથ માટે જે પણ મહાભોગ તૈયાર થશે તે પહેલા આપને જ ચઢાવવામાં આવશે તેના પછી જ હું મારો ભોગ લગાવીશ.તમે તમારા પુત્રોને કેટલા નિર્મલ- વિમલ ભાવથી પ્રેમ કરો છો એટલે આજથી આપ પણ દેવી વિમલાના નામથી જગન્નાથ ધામમાં નિવાસ કરશો. તેને વિમલા શક્તિ પીઠના નામે જાણવામાં આવશે. મહાદેવ પણ પોતાના ભૈરવ સ્વરૂપ જગતના નામથી અહીં નિવાસ કરશે અને મારા જગન્નાથ નામને સાર્થક કરશે. અને એની સાથે જ જે પણ શ્રદ્ધાળુ ફક્ત શ્રદ્ધા અને ભક્તિ ભાવથી આપના અને મારા દર્શન કરીને એ જ ભાવથી પ્રસાદ લેશે તે પોતાના બંધનોથી મુક્ત થઇ જશે. પરંતુ પ્રસાદ લેતી વખતે જો તે સ્વાદ, ગંધ,કામના કે અન્ય સાંસારિક વિષયોમાં વિચારમગ્ન થશે તો તેમના માટે એ પ્રસાદ ફક્ત એક વ્યંજન પૂરતો જ રહેશે.એટલે કહેવાય છે કે પ્રસાદને પ્રભુના સાક્ષાત દર્શનની રીતે જોવા જોઈએ અને તેને લેતી વખતે ફક્ત ભક્તિ ભાવથી જ લેવો જોઈએ, સાંસારિક વાતો વચમાં ન હોવી જોઈએ .

 

આ ‘ કથા સંગ્રહ ‘ દ્વારા રચિત હિન્દી પબ્લિશ લેખનું ગુજરાતીમાં રૂપાંતર છે જે આપને માટે અહીં ‘મોગરાના ફૂલ‘બ્લોગમાં મૂક્યું છે જે આપને ગમ્યું હશે. 


જય શ્રી કૃષ્ણ. 





No comments:

Post a Comment