Sunday, August 24, 2025

વીર નર્મદ

--

વીર નર્મદ ! 


-----


-------

'જય જય ગરવી ગુજરાત ! 

દીપે અરુણું પરભાત ! 

ઉત્તરમાં અંબા માત,

પૂરવમાં કાળી માત ! 

દક્ષિણ દિશામાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ, 

ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ

કેરા દેવ -

છે સહાયમાં સાક્ષાત્ ! 

જય જય ગરવી ગુજરાત ! '


ઈ.સ.1873માં એટલે કે આજથી 152 વર્ષ અગાઉ લખાયેલ આ અજરામર કવિતાના સર્જક કવિ નર્મદ !

 

-- વીર નર્મદ !

( નર્મદાશંકર લાલશંકર દવે )

24 ઓગસ્ટ,1833 ના રોજ સૂરત ખાતે જન્મ લેનાર નરબંકા નર્મદની આજે 192મી જન્મજયંતિ : 

વીર નર્મદની સ્મૃતિમાં આજનો એટલે કે 24 ઓગસ્ટનો દિવસ બની ગયો છે : વિશ્વ ગુજરાતી ભાષા દિવસ :

‘અર્વાચીનોમાં આદ્ય' અને 'નવયુગના પ્રહરી' તેમ જ 'સુધારાનો સેનાની' તરીકે ઓળખાતા આ વિરલાને 'સુંદરમ્' તો 'પ્રાણવંતો પૂર્વજ'નું બિરુદ આપે છે. તો વળી ઉમાશંકર જોશીને નર્મદનાં સર્જનમાં 'નવા યુગની નાંદી' સંભળાય છે. 

સૂરતમાં પ્રાથમિક શિક્ષણ અને મુંબઈમાં માધ્યમિક શિક્ષણ મેળવીને નર્મદે મુંબઈમાં શિક્ષક તરીકે નોકરીનો પ્રારંભ કર્યો.

એ જ અરસામાં મધ્યકાલીન કવિ ધીરાનાં પદો નર્મદનાં વાંચવામાં આવ્યાં,જેનાથી પ્રેરિત થઈને એમણે એ જ પ્રકારનાં આશરે 200 જેટલાં પદો રચી કાઢ્યાં.એથી નર્મદનો કવિતા તરફનો અનુરાગ અને આત્મવિશ્વાસ વધવા લાગ્યો. 

 દરમ્યાન, નોકરી નર્મદને 'દાસપણું' લાગવા માંડી.શિક્ષકના વ્યવસાયથી  કંટાળેલા નર્મદે ઘણાં મનોમંથન વચ્ચે, સાહિત્યોપાસના અર્થે, સમાજ- સુધારણા અર્થે નોકરીનો ત્યાગ કરીને એક દિવસ 'કલમ, તારે ખોળે છઉં ' એવી પ્રતિજ્ઞા કરી અને પૂરા 24 વર્ષ નર્મદે આ પ્રતિજ્ઞા નિભાવી જાણી. 

30 વર્ષના લેખનકાળ દરમ્યાન 38 જેટલી કાળજયી કૃતિઓ આપી જનાર આ વિરલાએ એવું ઘણું સર્જ્યું, જે ગુજરાતના ઈતિહાસમાં કદાચ પ્રથમ હતું.

જેમ કે-

--નર્મકોશ : 

પ્રથમ ગુજરાતી શબ્દકોશ

-- મારી હકીકત : 

પ્રથમ ગુજરાતી આત્મકથા.

-- કવિચરિત્ર : 

પ્રથમ ગુજરાતી ચરિત્ર

-- મંડળી મળવાથી થતા લાભ : 

 પ્રથમ ગુજરાતી નિબંધ

-- ડાંડિયો : 

સમાજ, સાહિત્યના દંભ, શોષણ અને કુરિવાજો સામે બંડ પોકારતું સૌ પ્રથમ ગુજરાતી મેગેઝિન.

 'ડાંડિયો'માં નર્મદે સૂરતના તત્કાલીન હવેલીના વૈષ્ણવાચાર્યની કેટલીક પાખંડી પ્રવૃત્તિઓની ઝાટકણી કાઢતાં કેટલાક 'વૈષ્ણવજનો' રોષે ભરાયા અને નર્મદને સમાધાન માટે કહેણ મોકલ્યું તો નર્મદે જવાબ શું આપ્યો તે જાણવા જેવો છે.જુઓ : 

--" લ્યૂથરે એમ કહેલું કે રાજમહેલનાં જેટલાં નળિયાં છે એટલા મારા દુશ્મનો હશે તો પણ હું મારો અભિપ્રાય નહીં બદલું. પરંતુ હું તો એમ કહું છું કે નળિયાં ભાંગ્યાથી જેટલી ન્હાની ન્હાની કકડીઓ થાય એટલા મારા દુશ્મનો હશે તો પણ હું 'મહારાજ'ની દરકાર રાખતો નથી. "

વિધવાવિવાહની હિમાયત કરતા નર્મદની હિંમત વિશે ક.મા.મુનશી નોંધે છે : --- " એ સમયે જગતને આગ લગાડવાનું સહેલું હતું.પરંતુ વિધવાવિવાહ વિશે કંઈ બોલી ન શકાય.એ વખતે નર્મદે વિધવાઓને પરણાવવાની હિંમત કરી હતી." 

વિવેચક વિશ્વનાથ ભટ્ટ નર્મદનાં કવિકર્મ વિશે નોંધે છે : 

-- "નર્મદે ગુજરાતી કાવ્યનૌકાનું સુકાન જ ફેરવી નાખ્યું અને એકદમ નવી દિશામાં, નવાં જ પાણીમાં એને તરતી મૂકી દીધી." 

ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોશ 'નર્મકોશ'ને તૈયાર કરતાં નર્મદને 12 -12 વર્ષ લાગ્યાં. આ શબ્દકોશ માટે નર્મદે કેવી ચીવટ અને ચોક્કસાઈ રાખેલી એ નીચેનાં બે ઉદાહરણો ઉપરથી ખ્યાલ આવશે : 

(1) નર્મદે લાકડાનું એક નાનકડું બળદગાડું બનાવડાવ્યું.એ પછી એના વિવિધ ભાગો ઉપર કાગળની ચબરખી ચોંટાડીને  ભાવનગર રહેતા તેમના એક મિત્રને એ રીતે લેબલ મારેલું બળદગાડું મોકલ્યું અને સૂચના આપી કે તમારા ગોહિલવાડમાં ક્યા ભાગને શું કહેવાય છે તે લખી મોકલજે.

(2) જૂનાગઢ રહેતા એક મર્મી મિત્ર લક્ષ્મીરામને નર્મદે પત્રમાં લખેલું :

 --"આપણાં દેશી રાજ્યોમાં વપરાતા હથિયારોનાં નામ,જુદી જુદી જાતની બંદૂક, જુદી જુદી જાતની તરવાર વગેરે શબ્દ,વાતો અને નામ જેમ જેમ મળતાં જાય તેમ તેમ મોકલ્યાં કરવાં "

પૈસાવિહોણા અને સાધનવિહોણા એ જમાનામાં નર્મદે આ રીતે વર્ષો સુધી મથી મથીને આશરે 25000 જેટલા શબ્દો ભેગા કરીને 'નર્મકોશ' તૈયાર કરેલો.

સુધારાકાળના આખા યુગ પર પોતીકાં તેજ અને તરવરાટ થકી છવાઈ જનાર નર્મદે માત્ર 53 વર્ષનું ટૂંકું આયખું ભોગવીને વિદાય લીધી 1886માં. 

અને હવે, નર્મદની કેટલીક પ્રાણવાન પંક્તિઓ- ઉક્તિઓ યાદ કરી લઈએ: 

--*--

' જય જય ગરવી ગુજરાત,

   દીપે  અરુણું  પરભાત  ! '


'સહુ ચલો જીતવા જંગ,બ્યૂગલો વાગે

યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.' 


'નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક,

યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી' 


'વીર, સત્ય ને ટેકીલાપણું, અરિ પણ દિલથી ગાશે,

જુદાઈ દુઃખ તે નથી જવાનું,જાયે માત્ર મરણથી '


' ડગલું ભર્યું કે ના હઠવું, ના હઠવું,

  વેણ કાઢવું કે ના લટવું,ના લટવું '


' તાપી દક્ષિણ તટ, સૂરત મુજ ઘાયલ ભૂમિ, 

 મને ઘણું અભિમાન, ભોંય  તારી   મેં ચૂમી.'


' કોઈ હોયે હાલે મસ્ત, કોઈ હોયે     મ્હાલે મસ્ત, 

કોઈ હોયે ઈશ્કે મસ્ત, સુખિયો નર્મદ ખ્યાલે મસ્ત.'


' રચના  રૂડી  છંદમાં, તે  કવિતા નવ   હોય, 

અર્થ ચમત્કૃતિ ચિત્ર તે કવિતા રસથી હોય.' 

( રચ્યા છે રૂડા છંદ દલપતરામે - ના પ્રતિવાદ રૂપે) 


'  આ તે શા તુજ હાલ !

  સુરત સોનાની મૂર્ત ! '


'  દાસપણું ક્યાં સુધી  ? ' 

( શિક્ષકની નોકરીથી કંટાળીને) 


' હવે, તારે ખોળે છઉં ! '

( કલમને કહેલું )  


-- "કવિતા જેને વશ છે તે કવિ નથી પણ જે કવિતાને વશ છે તે કવિ હોય ખરો." 

---" કેટલાક ગરબડિયા બહુશ્રુત કવિ એવા હોય છે કે સભામાં વાણીની છટાથી જેવું તેવું, ગટરપટર બોલી   'દિગ્વિજયી છઉં' એવું દેખડાવે છે. એવા લોકોને સભામાં મૂર્ખ લોકો માન આપે છે પણ તે માન ઝાઝી વાર ટકતું નથી."

-- " ઊગતા કવિઓએ શીઘ્ર કવિતા કરવાનો લોભ થોડો રાખવો.. શબ્દને માટે ગુજરાતી ભાષાનાં જૂના કવિઓનાં પુસ્તકો વાંચવાં.. જુવાનોએ પ્રથમ પોતાનું વિદ્યાજ્ઞાન, વ્યવહારજ્ઞાન, રસજ્ઞાન વધારવું ને પછી કામ માથે લેવું."

 -- " રાંડેલીનાં લગ્ન કાં નહીં ? " 

(વિધવા વિવાહની હિમાયત)

--*--

આવા પ્રતિભાવંત યુગપ્રવર્તક સર્જક અને સુધારક નર્મદની સ્મૃતિમાં ગુજરાતી સાહિત્યના પ્રચાર, પ્રસાર, વિકાસ માટે નોંધપાત્ર સાહિત્યિક પ્રદાન કરનાર સર્જકને દર પાંચ વર્ષે  'નર્મદ સાહિત્ય સભા'તરફથી છેક 1940 થી 'નર્મદ સુવર્ણચંદ્રક' એનાયત થાય છે.

સૂરત ખાતેનાં નર્મદનાં નિવાસસ્થાનને સરકાર દ્વારા મ્યૂઝિયમ બનાવડાવીને તેને 'સરસ્વતી મંદિર' તરીકે નવી ઓળખ અપાયેલ છે.

આજે સુરતના ઘોડદોડ રોડ ઉપર કોર્પોરેશન સંચાલિત વિશાળ 'નર્મદ સેન્ટ્રલ લાયબ્રેરી' ધમધમે છે.

 2005 માં 'દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી'નું નવું નામાભિધાન 'વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી' થયેલ છે.

નર્મદ વિશે નર્મદ-નગરી સુરતના જ સુખ્યાત કવિ-લેખક શ્રી રઈશ મનીઆર દ્વારા લિખિત એક નાટિકાનું ઔચિત્યપૂર્ણ શીર્ષક છે :

       : મર્દ નામે નર્મદ : 

 સાંપ્રત સંદર્ભે નર્મદનું તુલનાત્મક ગૌરવગાન કરતાં આપણા કવિવર્ય સ્વ.નિરંજન ભગત ઉચિત રીતે વદે છે : 

" ક્યાં તુજ જોસ્સો, કેફ, ક્યાં આ જંતુ માણહા !                               

 માથા  પરની  રેફ, નર્મદ !  સ્હેજ  ખસી   ગઈ  ! "

( 'નર્મદ'ની જગ્યાએ 'નમર્દ' )

( वाह ભગતસાહેબ ! )

‘કબીરવડ' કાવ્યનો આ બડકમદાર શબ્દ-બંદો ગુજરાતી ભાષાનાં કાવ્ય- કાનનમાં ઘેઘૂર 'કબીરવડ'ની માફક છવાયેલ હતો, છે અને રહેશે.

'જય જય ગરવી ગુજરાત' જેવી અજરામર પંક્તિઓમાં ગુજરાતની અસ્મિતાને પ્રસ્થાપિત કરનાર આ વટવાળા વિરલા વીર નર્મદની વિરલ ચેતનાને વિનમ્ર નમન.

-- नमस्कार ! 

(-- R. P. Joshi : Rajkot :) 

Thursday, August 21, 2025

મઘા નક્ષત્ર

 


ઘા નક્ષત્ર (Magha Nakshatra)



મઘા નક્ષત્ર
આવો જાણીએ આ નક્ષત્રની ""મહાનતા""

મઘાનો અર્થ થાય છે મહાન. આકાશમાં મઘા નક્ષત્રનું 10મું સ્થાન છે. મઘા નક્ષત્રના પગ, સિંહ રાશીમાં આવે છે. મઘા નક્ષત્રની તાકાત તથા પ્રભુત્વ સાથે જોડાયેલ હોય છે. તેનું પ્રતિક ચિન્હ રાજ સિંહાસન માનવામાં આવે છે.

મઘા નક્ષત્રની મહાનતા

મઘા નક્ષત્રનું મહત્વ: 
મઘા નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસેલું વરસાદી પાણી વરદાન સમાન ગણાય છે, શાસ્ત્ર અને આયુર્વેદમાં મઘા નક્ષત્રનું વિશેષ મહત્વ રહેલું છે.

મઘા નક્ષત્રનું સંગ્રહિત જળ પીવાથી પાચન શક્તિ મજબૂત થાય છે. શરીરમાં રહેલા કોઈપણ પ્રકારના વિષતત્વ એટલે કે, ઝેરી તત્વ મૂત્રમાર્ગથી દૂર થાય છે પિત્ત અને કફની સમસ્યા પણ દૂર થાય છે. જેનામાં જાડાપણું હોય તે એ પણ ઓછું થાય છે. સૌથી મોટી સમસ્યા માનવામાં આવે તો તે વિટામિન બી12 ની ઉણપ પણ દૂર થાય છે.

વર્ષા ઋતુમાં સૂર્ય નું મઘા નક્ષત્રનું ભ્રમણ ખુબજ મહત્વ નું છે. મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે “મઘા કે બરસે, માતુ કે પરસે” એટલેકે માઁ જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદ થી ધરતી માતા ની પાણીની તરસ બુઝી જાય છે જેનાથી પાક પણ ખુબજ સારો થાય છે.

વરસાદનું મઘા નક્ષત્ર નું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજીંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ ઉપયોગ થાય છે. કેહવાય છે કે મઘા ના મોઘા વરસાદ, માટે જો મઘા નક્ષત્ર માં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે.

આ પાણીને વાસણમાં ભરી રાખો તોપણ એમાં પોરા (કીડા) પડતા નથી. આ મઘા નક્ષત્ર નું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય છે. પેહલા કહ્યું તેમ મઘાનું પાણી ગંગાજળના સમાન છે તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું જ રહે છે અને કોઇપણ રીતે તે બગડતું નથી.

ઘણાં ઇતિહાસમાં પણ આનો ઉલ્લેખ મળ્યો છે કે પહેલાના સમયમાં દરેક ઘરોમાં આ વરસાદી પાણીનો સંગ્રહ ખુબજ મોટા પ્રમાણમાં કરતા હતા, અને આખું વરસ આ પાણીનો જ ઉપયોગ કરતા. —  "રાજસ્થાનના જેસલમેર થી 18 કિલોમીટર દૂર આવેલ ઐતિહાસિક "કુલધરા" ગામ છે, જો કે હાલ ત્યાં માત્ર ખંડેર ઊભા છે, ((આ ઐતિહાસિક ગામ રાતોરાત ખાલી થયેલું,)) વર્ષો પહેલા પાલીવાલ બ્રાહ્મણો ત્યાં વસતા અને એ "જીપ્સમ" માટીથી બનાવેલ તળાવનો ઉપયોગ આ વરસાદી પાણી સંગ્રહ કરવા માટે કરતા અને આ પાણી આખું વરસ ચલાવતા. .."" (અહીંથી વધુ વાંચો કુલધરા ઈતિહાસ)

હજુ પણ ગામડાંઓમાં અમુક ઘરો માં મઘાનું વરસાદી પાણીનો સંગ્રહ કરી અને આખું વર્ષ તેનો ઉપયોગ કરતા આવ્યા છે.

જેવી રીતે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને સ્વાતિ નક્ષત્રના વરસાદનું જ પાણી પીવે છે. એ બાબતના નાના મોટા ઘણા લેખ જોવા મળે છે અને તેમાં ચંદ્ર ના નક્ષત્ર ને આધીન એક દિવસનું મઘા નું પાણી સંગ્રહ કરવાનું જણાવવામાં આવે છે, પરંતુ હકીકતે ચંદ્ર નક્ષત્ર નહિ પણ સૂર્ય જયારે મઘા નક્ષત્ર માં ભ્રમણ કરે ત્યારે જે વરસાદ વરસે તે પાણી નું મહત્વ છે..""


આ વરસે મઘા નક્ષત્રની તારીખ:

“સૂર્ય એક નક્ષત્ર માં લગભગ 14 દિવસ ભ્રમણ કરે છે. આ વરસે સૂર્ય નારાયણ મઘા નક્ષત્રમાં શ્રાવણ વદ ૯ ને રવિવાર તારીખ 17/08/2025 થી તારીખ 29/08/2025સુધી રહેશે.”

આ નક્ષત્રમાં સારો વરસાદ પડતો હોય છે.. તો આ દિવસોના સમયમાં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણી નો સંગ્રહ કરી શકતા હોવ તેટલો કરી લેજો.

આ દિવસો દરમિયાન અગાસીમાં કે ખુલ્લા મેદાનમાં તાંબા, પિત્તળ, કાંસા અથવા તો સ્ટીલના બેડલા-માટલા એવી રીતે મુકો કે આ મઘા નો મોઘો વરસાદ સીધો જ આપના મુકેલ જે-તે પાત્રો માં સીધો જ ભરાઈ જાય.

આંખોને લગતાં કોઈ પણ રોગ માં આ મઘા નક્ષત્રના પાણી ના બે બે ટીપા નાખી શકાય, પેટના કોઈ પણ દર્દ માં આ મઘાનું પાણી પીવું ઉત્તમ છે. જો આપ કોઈ આયુર્વેદિક દવા લેતા હોવ તો તે આ મઘાના પાણી સાથે લેવાથી તેનો લાભ અતિ વધી જવા પામે છે.

આધ્યાત્મિક બાબતે મઘા ના પાણીનો ઉપયોગ શું ?
તો આ પાણી થી વર્ષ ભર સુધી ગંગા જળ ની માફક તેનો ઉપયોગ કરી શકાય છે. મઘાના પાણી થી મહાદેવ ઉપર અભિષેક ઉત્તમ કેહવાય છે. જે ગંગાજળ અર્પણ નું ફળ આપે છે.

શ્રી સુકતમ ની 16 રુચા દ્વારા આ પાણી નો અભિષેક શ્રીયંત્ર ઉપર કરવામાં આવે તો ધન લક્ષ્મી આકર્ષાઈ ચીર સ્થાયી થાય છે. ....આપના ગૃહમાં સ્થાપિત કોઈ પણ દેવ દેવી ની પૂજા અભિષેક માં આ પાણી નો ઉપયોગ કરી શકાય છે.

મઘા નક્ષત્ર માં વર્ષેલું જળ નિર્મળ કેમ ?
અગસ્ત્ય મુનિ નો ઉદય ઓગસ્ટ માં નિયમિત થાય છે 
અગત્સ્ય માટે કહ્યું છે.

उदये च मुनेरगस्तयनाम्न: कुसुमायोग मलप्रदूषितानि |
ह्रदयानि सतामिव स्वभावात् पुनरम्बुनि भवन्ति निर्मलानी ||

જ્યારે અગત્સ્ય નામના તારા નો ઉદય થાય છે તો દૂષિત જળ પણ સ્વચ્છ થઈ જાય છે. એવો પ્રાકૃતિક નિયમ છે. જેમ સદાચારી ના મન ની કલુષતા દૂર થઈ જાય તેમ જ અગત્સ્ય ના ઉદય પછી જળ નું દુષણ દૂર થઈ જાય.

અગસ્ત્ય ના ઉદય પછી જે વરસાદ થાય છે તેનું જળ નિર્મલ હોય છે મતલબ મેઘરૂપ સર્પો ની વિષાગ્ની (તાપ) થી તપેલું હોવા ના કારણે અને ઇન્દ્રાજ્ઞા થી વરસવા વાળુ જળ હંમેશા પવિત્ર અને કલ્યાણ કારી હોય છે પૃથ્વી પર આશરે ઉત્તર અક્ષાશ 38° પર ના પ્રદેશ માં અગત્સ્ય નું દર્શન દુર્લભ છે.

આ પાણીથી આપના ગૃહની રસોઈને રાંધવું પણ ઉત્તમ છે. એકાદવાર આ પાણીથી ખીચડી બનાવી ટેસ્ટ કરી જોજો અનેરો સ્વાદ આવશે ...મઘાના પાણી થી મહાદેવ ઉપર અભિષેક ઉત્તમ કેહવાય છે, જે ગંગાજળ અર્પણ નું ફળ આપે છે.

આપના ગૃહમાં સ્થાપિત કોઈ પણ દેવી દેવતાની પૂજા અભિષેકમાં આ પાણીનો ઉપયોગ કરી શકાય છે. આ પોસ્ટ ને શક્ય એટલી વધુ ફેલાવશો. ___લોકો નિરોગી રહેશે.

હંમેશા પ્રકૃતિ પર વિશ્વાસ રાખો. દરેક બીમારીનો ઈલાજ પ્રકૃતિમાં જ ભગવાને આપેલો છે. આથી જ કહેવાયું છે કે પ્રકૃતિ દેવો ભવ:

 ( એક પ્રસ્તૃત લેખ, આવકારના સૌજન્યથી )

Wednesday, August 20, 2025

શિવ – પરમ તત્વ, પરમ વિજ્ઞાન

 શિવ – પરમ તત્વ, પરમ વિજ્ઞાન



ભારતીય અધ્યાત્મનાં અનેક ઉજ્જ્વળ પ્રકરણો છે. આ અનેક ઉજવળ પ્રકરણોમાંનું એક ઉજ્જ્વળ પ્રકરણ છે - શિવતત્ત્વ! શિવતત્ત્વ અને શિવની ઉપાસના એ આપણી સંસ્કૃતિનાં અધ્યાત્મમુકૂટનું એક અણમોલ રત્ન છે. રહસ્યપૂર્ણ તત્ત્વોને સાંકેતિક રીતે અભિવ્યક્ત કરવાની ભારતીય પરંપરા છે અને સૂક્ષ્મ તત્ત્વોને સ્થૂળ પ્રતીકો દ્વારા જીવંત રાખવાની પણ આપણી પરંપરા છે.

શિવતત્ત્વ, શિવમંદિર, શિવસ્વરૂપ, શિવપરિવાર, શિવોપાસના, ગંગાધર સ્વરૂપ અર્ધનારિશ્વર અને નટરાજ આ બધું જ શિવતત્વનાં ગાઢ સંદેશાઓ ધરાવે છે, જે અનેક સાંકેતિક પ્રતીક યોજના દ્વારા ઢંકાયેલી છે. આ પ્રતીક યોજનાને ખુલ્લી કરવામાં આવે તો, પ્રતીકોનાં ઢાંકણની પાછળ જે રહસ્યો છુપાયેલાં છે તેનાં ઝળાંઝળાં દર્શન થાય છે અને મસ્તક અહોભાવથી ઢળી પડે છે.

શિવ એ માત્ર દેવતા નથી, તેઓ પરમ તત્વ છે – જે સર્વ સાથે, સર્વ જગ્યાએ અને સર્વ સમય સાથે અવિચ્છિન્ન રીતે જોડાયેલા છે. તેઓ પરમ ઈશ્વર અને સર્વના નિયંત્રણકર્તા છે.

ઋગ્વેદ કહે છે:

"ઈશાનઃ સર્વ વિદ્યાનામીશ્વરઃ સર્વ ભુતાનામ"

શિવજી સર્વ વિદ્યાઓના સ્વામી અને પ્રાણીમાત્રના પરમ નિયંત્રણકર્તા છે.

 *યોગેશ્વર અને યોગીશ્વર* 

શિવજી યોગના સ્ત્રોત છે. મનુષ્યના પરમ કલ્યાણ માટે આત્મસાક્ષાત્કાર આવશ્યક છે અને તેનો મુખ્ય સાધન યોગ છે.

શિવે કહ્યું: "મારામાં મન સ્થિર કરીને અન્ય વૃત્તિઓનો નિરોધ કરવો એ જ યોગ છે.

યોગના પાંચ મુખ્ય વિભાગ, મંત્રયોગ, લયયોગ, હઠયોગ, રાજયોગ અને શિવયોગ. કહેવાય છે કે આ યોગનું પરમ જ્ઞાન શિવે સૌ પ્રથમ પોતાના ૨૮ શિષ્યોને આપ્યું. આ જ્ઞાન આગળ શિષ્ય પરંપરાથી સમગ્ર જગતમાં ફેલાયું.

*શિવ - તમામ વિદ્યાઓના જનક* 

ગણિત, વિજ્ઞાન, ભાષા, નૃત્ય, સંગીત – તમામ કલાઓ અને વિજ્ઞાનોનું મૂળ શિવજ છે. બ્રહ્માંડનો અનંત વિસ્તાર, જેને આજે આધુનિક વિજ્ઞાન expanding universe તરીકે ઓળખે છે, તે વિષય આપણા ધર્મગ્રંથોમાં સદીઓથી વર્ણવાયેલ છે.

શિવલિંગનો અંડાકાર આકાર બ્રહ્માંડના અનંત, ગોળાકાર અને સર્વદિશામાં વ્યાપ્ત સ્વરૂપનું પ્રતિક છે. શિવ એટલે માત્ર "શુભ" નહિ, પરંતુ "કલ્યાણકારી" - જેનું અસ્તિત્વ સૃષ્ટિના કલ્યાણ માટે છે.

 *અર્ધનારિશ્વર અને ઊર્જા સિદ્ધાંત* 

પ્રત્યેક અસ્તિત્વમાં શિવ (ચેતના) અને શક્તિ ઊર્જા) નો અવિભાજ્ય સંયોગ છે. આલ્બર્ટ આઈન્સ્ટાઇનની E = mc² જેવી થિયરી શિવના અર્ધનારિશ્વર સ્વરૂપમાં પ્રગટ થાય છે પદાર્થ અને ઊર્જા એકબીજામાં રૂપાંતરિત થઈ શકે છે.

 *મહાકાળ અને બ્લેક હોલ* 

શિવનું એક રૂપ મહાકાળ છે. જેમ બ્લેક હોલ સમગ્ર પદાર્થ, પ્રકાશ અને સમયને પણ શોષી લે છે, તેમ મહાકાળ સૃષ્ટિના દરેક ચરણને ગ્રસે છે. શિવ સમાધિમગ્ન થાય ત્યારે સમયનો પ્રવાહ પણ સ્થિર થઈ જાય છે. સર્વ પ્રવાહ શૂન્યમાં વિલીન થાય છે. આ શૂન્ય જ પરમ પૂર્ણ છે.

 *ક્વાન્ટમ એનર્જી અને સ્પેસ-ટાઈમ* 

આધુનિક ભૌતિકશાસ્ત્ર જયારે કવાન્ટમ એનર્જીની વાત કરે, ત્યારે તે કહે છે કે બ્રહ્માંડનો મૂળ આધાર એક અદ્રશ્ય ઉર્જાક્ષેત્ર છે. જે સર્વત્ર વ્યાપ્ત છે, અખંડ છે જેમાંથી પદાર્થ, જન્મે છે અને નાશ પામે છે. શિવતત્વ એ જ ઉર્જાનું આધ્યાત્મિક નામ છે.

સ્પેસ-ટાઈમ ( આકાશ કાલ) કર્વેચર, જેને આઈન્સ્ટાઈને વર્ણવી, તે પણ શિવના નૃત્ય - નટરાજ તાંડવનું વૈજ્ઞાનિક રૂપક છે, જ્યાં સૃષ્ટિનો અવકાશ અને સમય સતત વળે છે, વિસ્તરે છે અને સઘન થાય છે.

*શિવ – આદર્શ જીવન માટે પ્રેરણા* 

શિવ દેવ, દાનવ કે માનવ – સૌ પ્રત્યે સમભાવ રાખે છે. તેઓ આશુતોષ છે – ઝટ પ્રસન્ન થનારા. સમુદ્રમંથન વખતે નીકળેલું હળાહળ પી લીધું, કારણ કે જગતનું કલ્યાણ પ્રથમ છે. આપણું જીવન પણ બીજાના હિત માટે અણગમતું સ્વીકારવા તૈયાર રહેવું જોઈએ.

ગંગાને મસ્તક પર ધારણ કરીને "ગંગાધર" બન્યા જવાબદારીથી ભાગ્યા નહિ, તેને સહજતાથી સ્વીકારી. આપણાં જીવનમાં પણ જવાબદારીથી ગભરાયા વિના તેને શિવની જેમ ધારણ કરવી જોઇએ.

*શિવમય જીવન* 

આદિ શંકરાચાર્ય કહે છે: "શિવોહમ શિવોહમ" – હું શિવ છું. પરંતુ શિવમય થવા માટે શિવના ગુણ અપનાવવાં જરૂરી છે –

સમભાવ,

દ્વેષ, અહંકાર અને ઈર્ષા છોડવા,

ક્ષમા અને કરુણા,

બીજાના હિત માટે અણગમતું સ્વીકારવાની તૈયારી,

આંતરદષ્ટિ અને શાંતિ.

*શિવનો અપરિચિત મહિમા* 

तव तत्त्वं न जानामि कीदृशोऽसि महेश्वर ।

यादृ‌शोऽसि महादेव तादृशाय नमो नमः ॥

'હે મહેશ્વર! તમે કેવા છો તે હું પૂરેપૂરું જાણતો નથી. તમે જેવાં હો તેવાં, હે મહાદેવ! તમને વારંવાર નમન કરું છું."

શિવતત્ત્વનું સ્વરૂપ અમાપ અને અગમ્ય છે, અનંત છે, તેનો મહિમા અનંત છે, તે સમયથી પર છે, દિશાઓથી પર છે, વર્ણનથી પર છે. જે થોડી ઝલક મળે છે, તે પણ શિવની કૃપાથી જ.

 *મૃત્યુના પારનું તત્ત્વ* 

ॐ त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् ।

उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् ॥

અર્થ - "ત્રિનેત્ર શિવની આરાધના કરીએ છીએ, જે સુગંધ અને પુષ્ટિનું વર્ધન કરે છે. જેમ કાકડી વેલાના બંધનમાંથી છૂટે છે. તેમ મૃત્યુના બંધનમાંથી અમને મુક્ત કરે, પરંતુ (પરમ તત્વરૂપ)  અમૃત સ્વરૂપથી નહિ."

આ મંત્ર દર્શાવે છે કે શિવતત્ત્વ જન્મ-મૃત્યુના ચક્રમાંથી મુક્તિ આપે છે, પણ ચેતનાના પરમ અમૃત સાથે અમને જોડે છે.

"શિવ એટલે અનંત, શિવ એટલે કલ્યાણ, શિવ એટલે સર્વત્ર વ્યાપ્ત પ્રેમ.

આ શ્રાવણ માસ દરમિયાન શિવના જે ગુણ ગાવા મળ્યા, તે ગુણોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરીએ. ગુણ ગવાય અને પમાય, જેથી આપણી વાણી સૌમ્ય, હૃદય નિર્મળ અને ચિત્ત નિર્ભય બને – એ જ સાચી શિવ આરાધના છે.

પવિત્ર શ્રાવણના અંતિમ સોમવારે પ્રાર્થના કરીએ –

'હે શિવ, અમને એ દૃષ્ટિ આપો કે અમે બ્રહ્માંડના દરેક કણમાં તમારો અનુભવ કરી શકીએ. આપણા જીવનનું દરેક કાર્ય, દરેક વિચાર, દરેક શબ્દ - તમારી કલ્યાણકારી શક્તિનું વહનકાર બને.”

 🙏🏻હર હર મહાદેવ!

   (  એક પ્રસ્તૃત લેખ )

Friday, August 8, 2025

મેરી સુનલો મારૂતિનંદન (ભક્તિ ગીત)



 મેરી સુનલો મારૂતિનંદન (ભક્તિ ગીત) 




મેરી સુનલો મારૂતિનંદન,કાટો મેરે દુઃખકે બંધન 

હે મહાવીર બજરંગી તુમ્હે કહતે હૈ દુઃખભંજન,


મુજ પેર ભી કરુણા કરના

મૈં આયા શરણ તુમ્હારી, મૈં જોડે હાથ ખડા હું 

તેરે દરકા બના ભિખારી,તુમ સબસે બડે ભંડારી 

મૈં પાની તુમહો ચંદન,

હે મહાવીર બજરંગી તુમ્હે કહતે હૈ દુઃખભંજન,


તેરા નામ બડા દુનિયામેં,સબ તેરે હી ગન ગાયે

ઈશ જાગકે સબ નર નારી ચરણોમેં શીશ નમાયે

કર ભવસે પાર મુજે ભી,હે બાબા સંકટમોચન 

હે મહાવીર બજરંગી તુમ્હે કહતે હૈ દુઃખભંજન,


મૈને તેરી આશ લગાઈ,બાબા હનુમાન ગુસા 

જબ ભીડ પડી ભકતોપે,તુને હી કરી સહાઈ

વિરાન કરે હે દુહાઈ, પ્રભુ દીજો મોહે દર્શન 

હે મહાવીર બજરંગી તુમ્હે કહતે હૈ દુઃખભંજન,


Monday, August 4, 2025

આપણા ‘હું’ નું (ખરું )સ્વરૂપ આનંદમય છે.

 આપણા ‘હું’ નું (ખરું )સ્વરૂપ આનંદમય છે.


 


આપણી ઇચ્છિત વસ્તુ મળે એમાં સમાધાન છે જ એવું નથી. એ ઇચ્છાનો જ નાશ કરવો તેમાં સમાધાન છે.ઈચ્છાઓ નાશ પામી જાય ત્યારે જ સમાધાન થાય. એટલે વાસનાક્ષય કેમ કરીને થાય તે જોવું જોઈએ, એ તરફ લક્ષ્ય આપવું જોઈએ. ખરા આનંદ અને સમાધાન ભગવાનના બનવામાં જ છે. ‘ભગવાન,તારા સિવાય મારુ કોઈ નથી’ એ જે દિવસે મનમાં પાકું ઠસી જશે તે જ દિવસે સમાધાન મળશે.જેટલો વિષયનો પ્રેમ રાખીયે એટલું દુઃખ જ પનારે પડે છે. વિષય સુખ ન માંગતા પણ આવે છે. પણ જે પરમાર્થની આડે આવે છે તે શા માટે માંગતા રહેવું ? મારી પૂંઠે રામ છે એમ કહ્યું,તો સંસારમાં વિષયોમાં રહ્યા તો પણ બીવાનું કારણ નથી.ભગવાનનો આધાર કાયમ રાખ્યો તો પછી ભય લાગતો નથી. હંમેશા અનુસંધાનમાં રહીયે તો તે ‘સાવધ ‘ રહેવા જેવું જ થયું.


દિવાળી એ આનંદનો દિવસ છે. પણ (દિવસ તરીકે ) તે બીજા દિવસો જેવો જ છે.એટલું જ નહિ પણ, આગલા દિવસની પરિસ્થિતિ બદલાતી નથી. દિવાળીનો દિવસ એ દિવસના નાતે જુદો નથી. પણ કાલે આપણે જે કર્યું તે દિવાળીના દિવસે કરતા નથી એજ મુખ્ય ફરક છે.(એટલે) આપણે જ દિવાળીના દિવસને આનંદનો દિવસ બનાવીયે છીએ. એ જો ખરું તો હંમેશ જ આપણે એવું કાં ન કરીએ ? આપણે હંમેશા જ દિવાળી માનીયે,આપણે હંમેશા જ આનંદમાં રહીયે, અને એ માટે આનંદમય એવા ભગવાનનો આધાર લઈએ. દિવાળીના તહેવારનો લાભ લઈને આપણે આનંદ જ આનંદ કરીયે છીએ. તો જે આનંદ નિર્માણ કરે છે એ ભગવાનના જ આશ્રયે હંમેશા કાં ન રહીયે ? ભગવાનનો આનંદ એ અતિ બળવત્તર છે. તે એકવાર મળી ગયો તો સંસારમાના લાભ-હાનિનું મહત્વ લાગતું નથી. ભગવાનનું સ્વરૂપ મૂળમાં જ આનંદમય છે.એવા આનંદમય ભગવાન આપણી અંદર રહેલા હોવા છતાં આપણે દુઃખ ભોગવીએ છીએ.એનું કારણ ભગવાનને પ્રગટ થવામાં આપણે જ આપણી અંદર અડચણ ઉભી કરીયે છીએ. આપણી અંદર ભગવાન તો છે જ, પણ તેની સાથે સાથે ‘હું’ પણ છે. આ ‘હું’ કોણ તે જાણવા માટે. ઇંદ્રિયોની ગરબડ શાંત કરીને ( આપણી) અંદર આપણે આનંદની શોધ કરીયે. તો આપણે એ ‘હું’ નું સ્વરૂપ પણ આનંદમય હોવાનો અનુભવ આવશે. આવી રીતે પરમાત્માની ઓરખાણ કરી લેવી એમાં જીવનની ખરી શરૂઆત છે. અને પરમાત્મામાં વિલીન થઇ જવું એમાં જીવનનું સર્વસ્વ છે.


(એક પબ્લિશ્ડ પોસ્ટ) 


Monday, July 28, 2025

શુભકામનાઓ

 શુભકામનાઓ




મિત્રો

‘ મોગરાના ફૂલ બ્લોગ’ વતી શ્રાવણ માસની આપ સહુને પણ  કુટુંબ સહીત ખુબ ખુબ શુભકામનાઓ -હર હર મહાદેવ.

Saturday, July 26, 2025

કવિ કલાપી

 

કવિ  કલાપી




જન્મ : તા: ૨૬ -૧ -૧૮૭૪

શિક્ષણ- રાજકુમારકોલેજ- રાજકોટ 

રાજ્યાભિષેક તા:૨૧-૧-૧૮૯૫ (૨૧ વર્ષની વયે) 

*દેહાવસાન : તા: ૯ - ૬ - ૧૯૦૦*

જીવનકાળ : ફક્ત ૨૬, વર્ષ ૫, મહિના અને ૧૧ દિવસ.


તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો,

છૂટયો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!

રે રે! લાગ્યો દિશલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં

નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.


મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,

પાણી છાંટયું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;

ક્યાંથી ઊઠે? જ્ખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો!

ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!


આહા! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊધડી એ,

મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?

જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,

આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.


રે રે! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,

આવે ત્હોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;

રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,

લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે


–સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી)



જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,

આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!


માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને

જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!


જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,

તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!


તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,

તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!


આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,

આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!


આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,

યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!


દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?

ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!


થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,

તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!


જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,

અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!


પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,

ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!


રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?

આશકોના રાહની જે રાહદારી આપની!


જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,

જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!


ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,

જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!


કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,

છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!


- #કલાપી