શિવ – પરમ તત્વ, પરમ વિજ્ઞાન
ભારતીય અધ્યાત્મનાં અનેક ઉજ્જ્વળ પ્રકરણો છે. આ અનેક ઉજવળ પ્રકરણોમાંનું એક ઉજ્જ્વળ પ્રકરણ છે - શિવતત્ત્વ! શિવતત્ત્વ અને શિવની ઉપાસના એ આપણી સંસ્કૃતિનાં અધ્યાત્મમુકૂટનું એક અણમોલ રત્ન છે. રહસ્યપૂર્ણ તત્ત્વોને સાંકેતિક રીતે અભિવ્યક્ત કરવાની ભારતીય પરંપરા છે અને સૂક્ષ્મ તત્ત્વોને સ્થૂળ પ્રતીકો દ્વારા જીવંત રાખવાની પણ આપણી પરંપરા છે.
શિવતત્ત્વ, શિવમંદિર, શિવસ્વરૂપ, શિવપરિવાર, શિવોપાસના, ગંગાધર સ્વરૂપ અર્ધનારિશ્વર અને નટરાજ આ બધું જ શિવતત્વનાં ગાઢ સંદેશાઓ ધરાવે છે, જે અનેક સાંકેતિક પ્રતીક યોજના દ્વારા ઢંકાયેલી છે. આ પ્રતીક યોજનાને ખુલ્લી કરવામાં આવે તો, પ્રતીકોનાં ઢાંકણની પાછળ જે રહસ્યો છુપાયેલાં છે તેનાં ઝળાંઝળાં દર્શન થાય છે અને મસ્તક અહોભાવથી ઢળી પડે છે.
શિવ એ માત્ર દેવતા નથી, તેઓ પરમ તત્વ છે – જે સર્વ સાથે, સર્વ જગ્યાએ અને સર્વ સમય સાથે અવિચ્છિન્ન રીતે જોડાયેલા છે. તેઓ પરમ ઈશ્વર અને સર્વના નિયંત્રણકર્તા છે.
ઋગ્વેદ કહે છે:
"ઈશાનઃ સર્વ વિદ્યાનામીશ્વરઃ સર્વ ભુતાનામ"
શિવજી સર્વ વિદ્યાઓના સ્વામી અને પ્રાણીમાત્રના પરમ નિયંત્રણકર્તા છે.
*યોગેશ્વર અને યોગીશ્વર*
શિવજી યોગના સ્ત્રોત છે. મનુષ્યના પરમ કલ્યાણ માટે આત્મસાક્ષાત્કાર આવશ્યક છે અને તેનો મુખ્ય સાધન યોગ છે.
શિવે કહ્યું: "મારામાં મન સ્થિર કરીને અન્ય વૃત્તિઓનો નિરોધ કરવો એ જ યોગ છે.
યોગના પાંચ મુખ્ય વિભાગ, મંત્રયોગ, લયયોગ, હઠયોગ, રાજયોગ અને શિવયોગ. કહેવાય છે કે આ યોગનું પરમ જ્ઞાન શિવે સૌ પ્રથમ પોતાના ૨૮ શિષ્યોને આપ્યું. આ જ્ઞાન આગળ શિષ્ય પરંપરાથી સમગ્ર જગતમાં ફેલાયું.
*શિવ - તમામ વિદ્યાઓના જનક*
ગણિત, વિજ્ઞાન, ભાષા, નૃત્ય, સંગીત – તમામ કલાઓ અને વિજ્ઞાનોનું મૂળ શિવજ છે. બ્રહ્માંડનો અનંત વિસ્તાર, જેને આજે આધુનિક વિજ્ઞાન expanding universe તરીકે ઓળખે છે, તે વિષય આપણા ધર્મગ્રંથોમાં સદીઓથી વર્ણવાયેલ છે.
શિવલિંગનો અંડાકાર આકાર બ્રહ્માંડના અનંત, ગોળાકાર અને સર્વદિશામાં વ્યાપ્ત સ્વરૂપનું પ્રતિક છે. શિવ એટલે માત્ર "શુભ" નહિ, પરંતુ "કલ્યાણકારી" - જેનું અસ્તિત્વ સૃષ્ટિના કલ્યાણ માટે છે.
*અર્ધનારિશ્વર અને ઊર્જા સિદ્ધાંત*
પ્રત્યેક અસ્તિત્વમાં શિવ (ચેતના) અને શક્તિ ઊર્જા) નો અવિભાજ્ય સંયોગ છે. આલ્બર્ટ આઈન્સ્ટાઇનની E = mc² જેવી થિયરી શિવના અર્ધનારિશ્વર સ્વરૂપમાં પ્રગટ થાય છે પદાર્થ અને ઊર્જા એકબીજામાં રૂપાંતરિત થઈ શકે છે.
*મહાકાળ અને બ્લેક હોલ*
શિવનું એક રૂપ મહાકાળ છે. જેમ બ્લેક હોલ સમગ્ર પદાર્થ, પ્રકાશ અને સમયને પણ શોષી લે છે, તેમ મહાકાળ સૃષ્ટિના દરેક ચરણને ગ્રસે છે. શિવ સમાધિમગ્ન થાય ત્યારે સમયનો પ્રવાહ પણ સ્થિર થઈ જાય છે. સર્વ પ્રવાહ શૂન્યમાં વિલીન થાય છે. આ શૂન્ય જ પરમ પૂર્ણ છે.
*ક્વાન્ટમ એનર્જી અને સ્પેસ-ટાઈમ*
આધુનિક ભૌતિકશાસ્ત્ર જયારે કવાન્ટમ એનર્જીની વાત કરે, ત્યારે તે કહે છે કે બ્રહ્માંડનો મૂળ આધાર એક અદ્રશ્ય ઉર્જાક્ષેત્ર છે. જે સર્વત્ર વ્યાપ્ત છે, અખંડ છે જેમાંથી પદાર્થ, જન્મે છે અને નાશ પામે છે. શિવતત્વ એ જ ઉર્જાનું આધ્યાત્મિક નામ છે.
સ્પેસ-ટાઈમ ( આકાશ કાલ) કર્વેચર, જેને આઈન્સ્ટાઈને વર્ણવી, તે પણ શિવના નૃત્ય - નટરાજ તાંડવનું વૈજ્ઞાનિક રૂપક છે, જ્યાં સૃષ્ટિનો અવકાશ અને સમય સતત વળે છે, વિસ્તરે છે અને સઘન થાય છે.
*શિવ – આદર્શ જીવન માટે પ્રેરણા*
શિવ દેવ, દાનવ કે માનવ – સૌ પ્રત્યે સમભાવ રાખે છે. તેઓ આશુતોષ છે – ઝટ પ્રસન્ન થનારા. સમુદ્રમંથન વખતે નીકળેલું હળાહળ પી લીધું, કારણ કે જગતનું કલ્યાણ પ્રથમ છે. આપણું જીવન પણ બીજાના હિત માટે અણગમતું સ્વીકારવા તૈયાર રહેવું જોઈએ.
ગંગાને મસ્તક પર ધારણ કરીને "ગંગાધર" બન્યા જવાબદારીથી ભાગ્યા નહિ, તેને સહજતાથી સ્વીકારી. આપણાં જીવનમાં પણ જવાબદારીથી ગભરાયા વિના તેને શિવની જેમ ધારણ કરવી જોઇએ.
*શિવમય જીવન*
આદિ શંકરાચાર્ય કહે છે: "શિવોહમ શિવોહમ" – હું શિવ છું. પરંતુ શિવમય થવા માટે શિવના ગુણ અપનાવવાં જરૂરી છે –
સમભાવ,
દ્વેષ, અહંકાર અને ઈર્ષા છોડવા,
ક્ષમા અને કરુણા,
બીજાના હિત માટે અણગમતું સ્વીકારવાની તૈયારી,
આંતરદષ્ટિ અને શાંતિ.
*શિવનો અપરિચિત મહિમા*
तव तत्त्वं न जानामि कीदृशोऽसि महेश्वर ।
यादृशोऽसि महादेव तादृशाय नमो नमः ॥
'હે મહેશ્વર! તમે કેવા છો તે હું પૂરેપૂરું જાણતો નથી. તમે જેવાં હો તેવાં, હે મહાદેવ! તમને વારંવાર નમન કરું છું."
શિવતત્ત્વનું સ્વરૂપ અમાપ અને અગમ્ય છે, અનંત છે, તેનો મહિમા અનંત છે, તે સમયથી પર છે, દિશાઓથી પર છે, વર્ણનથી પર છે. જે થોડી ઝલક મળે છે, તે પણ શિવની કૃપાથી જ.
*મૃત્યુના પારનું તત્ત્વ*
ॐ त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् ।
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् ॥
અર્થ - "ત્રિનેત્ર શિવની આરાધના કરીએ છીએ, જે સુગંધ અને પુષ્ટિનું વર્ધન કરે છે. જેમ કાકડી વેલાના બંધનમાંથી છૂટે છે. તેમ મૃત્યુના બંધનમાંથી અમને મુક્ત કરે, પરંતુ (પરમ તત્વરૂપ) અમૃત સ્વરૂપથી નહિ."
આ મંત્ર દર્શાવે છે કે શિવતત્ત્વ જન્મ-મૃત્યુના ચક્રમાંથી મુક્તિ આપે છે, પણ ચેતનાના પરમ અમૃત સાથે અમને જોડે છે.
"શિવ એટલે અનંત, શિવ એટલે કલ્યાણ, શિવ એટલે સર્વત્ર વ્યાપ્ત પ્રેમ.
આ શ્રાવણ માસ દરમિયાન શિવના જે ગુણ ગાવા મળ્યા, તે ગુણોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરીએ. ગુણ ગવાય અને પમાય, જેથી આપણી વાણી સૌમ્ય, હૃદય નિર્મળ અને ચિત્ત નિર્ભય બને – એ જ સાચી શિવ આરાધના છે.
પવિત્ર શ્રાવણના અંતિમ સોમવારે પ્રાર્થના કરીએ –
'હે શિવ, અમને એ દૃષ્ટિ આપો કે અમે બ્રહ્માંડના દરેક કણમાં તમારો અનુભવ કરી શકીએ. આપણા જીવનનું દરેક કાર્ય, દરેક વિચાર, દરેક શબ્દ - તમારી કલ્યાણકારી શક્તિનું વહનકાર બને.”
🙏🏻હર હર મહાદેવ!
( એક પ્રસ્તૃત લેખ )
No comments:
Post a Comment