Monday, April 30, 2018

ચંદા

                                                  ચંદા




કોલેજના  નિજી જીવનમાં પ્રામાણિકતા પામેલા સુધીરનું નામ યુવક યુવતીઓમાં જાણીતું હતું પોતાના કામથી કામ,તેનો સ્વભાવ હતો,ઘણા યુવકો તેની નજીક સબંધ વધારવાનો પ્રયત્ન કરતા પણ સુધીર તેમાં કોઈ રસ લેતો નહિ એક્વખત  એક પિકનિકનું કોલેજ તરફથી આયોજન થયું ઘણા તેમાં જોડાયા.પીકનીક કોઈ પહાડી વિસ્તારમાં નક્કી થઇ હતી,ચંબલની ખીણ ત્યાંથી ખુબ નજીક હતી,ઘણા વખત પહેલા આ વિસ્તારમાં યોજેલી પીકનીક ખુબ સફળ થતા ફરીથી યોજવામાં આવી હતી,પહાડી પ્રદેશ હોવાથી પચીસેક જેટલા યુવક યુવતીઓ જોડાયા હતા.
પિકનિક પોઇન્ટ ઉપર પહોંચ્યા પછી સમજદાર યુવક યુવતીઓ જુદાજુદા ગ્રુપમાં પહાડના ચઢાણની મઝા લેવા નીકળી પડ્યા વિસ્તારમાં કોઈ ઝોખમ હતું નહિ વેરાન વસ્તીમાં ક્યારેક જંગલી પ્રાણીઓ નજરે પડતા,સુરજ ડૂબે તે પહેલા કેમ્પમાં પાછા આવી જવાની શરત હતી,સુધીર પણ ઈચ્છા ન હતી છતાં કેટલાક મિત્રોના આગ્રહે એક ગ્રુપમાં જોડાઇ ગયો,બે ત્રણ કલાકના સમય પછી તેનું ગ્રુપ કોઈ ભૂલથી તેનાથી છૂટું પડી ગયું પછી તેઓ ભેગા ન થઇ શકયા,એકલો સુધીર ગભરાઈ ગયો અજાણ્યા રસ્તે તે એવો ખોવાઈ ગયો કે કેમ્પ થી વિરુદ્ધ ઘભરાટમાં ને ઘભરાટમાં ખુબ દૂર થઇ ગયો,બૂમો પાડી પણ કોઈ જવાબ ન મળ્યો તે પોતે બરાબર હતો પણ તેને તેના ગ્રુપની ચિંતા થઇ થોડા સમય પછી તે ઝાડી બહાર એક રોડ ઉપર આવી ગયો,રોડ જોયો એટલે તેને હવે કોઈ મદદની આશા જન્મી તેના ખભે એક બગલ થેલો હતો જેમાં તેની થોડીક જરૂરી વસ્તુઓ હતી,તે જ્યાં ઉભો હતો ત્યાંથી રસ્તો બંને બાજુ નીચેની બાજુ જતો હતો ,તેને લાગ્યું કે તે જમણી બાજુથી આવ્યો હતો એટલે તેણે જમણી બાજુ જવાનું નક્કી કર્યું એટલે સુરજ ડુબતાં પહેલા કેમ્પ શોધી શકે ,તે ચાલવા મંડ્યો. નિર્જન રસ્તા ઉપર કેટલાક પક્ષીઓની ચહેક સિવાય બીજા કોઈ અવાજ નહોતા એકાદ કલાક ચાલ્યા છતાં કોઈ વસ્તી નજરે ન પડી,રસ્તો હતો એટલે તેને આશા હતી કોઈક તો મળશે ,થોડુંક ચાલ્યા પછી એક નમેલી ધર્મશાળા ના નિશાનવાળી સાઈન દેખાઈ તે ગુંચવાયો ,શું કરવું ,કેમકે નિશાન જે રસ્તો બતાવતું હતું તે પાછો ઝાડીમાં લઇ જતો હતો. હજુ સમય હતો એટલે તેણે હિમ્મત કરી, તે રસ્તા ઉપર ચાલવા મંડ્યો થોડા સમય પછી તે એક નાના ઓપનિંગમાં બે ચાર રૂમોવાળી ધર્મશાળામાં આવી ગયો જૂનું મકાન હતું, તેને કેમ્પ તો ન મળ્યો પણ વેરાનીમાં રોકાવા સહારાની આશા જન્મી હવે તે થોડો શાંત થયો,પણ વેરાન રસ્તા ઉપર ધર્મશાળા!, કૈક અજુગતું હતું પણ તેને માટે તો સહારો હતો એટલે ભગવાનનો પાડ માની  તેણે બારણાની સાંકળ ખખડાવી,
થોડીવાર થઇ પણ કોઈ ન આવ્યું ,તેણે ફરીથી સાંકળ ખખડાવતા પહેલા બીજા રૂમો તરફ જોઈ લીધું તે કઈ ખોટી જગ્યાએ તો ખખડાવતો નથી ને!,પણ પહેલો રૂમ હતો ઓફિસની કોઈ સાઈન ન હતી,એટલે તેણે બીજી વખત સાકળ ખખડાવી,હજુ તો પ્રકાશ  હતો,તેને થયું કોઈ આવતું કેમ નથી, બારણું અંદરથી બંધ હતું એટલે જરૂર કોઈ અંદર હતું ,આ વિચારે તેણે ફરીથી બીજા રૂમો તરફ જોયું બધા ઉપર તાળા મારેલા હતા,એનો અર્થ કોઈ મુસાફર અહીં નહોતા,જો રૂમ ન ખુલે તો શું સમજવું !  બાજુ ઉપર બારી પડતી હતી પણ તેમાંથી અંદર ઝાંખવાનું તેને  યોગ્ય ન લાગ્યું,થોડીવાર રાહ જોવામાં તેની ભલાઈ સમજી.
હવે તેની આશાઓ ફરીથી ચિંતામાં બદલાતી તેના ચહેરા ઉપર સાફ દેખાવા લાગી,તે હોશિયાર હતો પણ પોતાની જાતને ખુબ કમનસીબ સમજતો હતો,દુનિયાની ખોટી વસ્તુઓ બધી જ તેના ઉપર હુમલો કરતી હતી એવું તેણે અનુભવ્યું હતું,તેને કોઈના ઉપર ભરોષો નહોતો,ગમે તે વ્યક્તિ તેની સામે જુએ તો સાચો હતો છતાં કોઈની સામે જોઈ નહોતો શકતો,એટલે સામેવાળાઓ તેને સહેલાઈથી પજવી લેતા,તે ખસી જતો,આવું તો કોલેજમાં ઘણી વખત બન્યું હતું,એટલે તે એકલો રહેવા ટેવાઈ ગયો હતો,એક વખત એક પ્રોફેસરને દયા આવતા તેણે  તેને ખાનગીમાં બોલાવી પોઝિટિવ બનવા તેમજ હિંમતથી સામનો કરવા સલાહ આપી  હતી, પણ ગમે તેમ તે અત્યાર સુધી તો એવું મનોબળ કેળવી નહોતો શક્યો,બસ, સહન કરી લેતો,ઘણા તેની સાથે સારો સબંધ બાંધવા તૈયાર હતા,પણ તેને કોઈમાં ભરોષો નહોતો.કુટુંબમાં ફક્ત તેની માં હતી જેની ઉમર પણ સાઈઠ ઉપર થઇ ગઈ હતી,તેની સુધીરને કોઈ સારો સાથ મળે ને તે લગ્ન કરી લે તેવી પ્રબળ
 ઈચ્છા હતી જેથી પોતે શાંતિના શ્વાસ લઇ શકે,હજુ ઉમર થવા છતાં તે ફેક્ટરીમાં કામ કરતી હતી,આંખોમાં કાળા કુંડાળા તેની ચિતાઓની પ્રતીતિ કરતા હતા,સુધીરને પણ તેની ચિંતા હતી,તેને તેણે વારંવાર ચિંતા ન કરવા સમજાવી હતી,પણ માનું દિલ દીકરાનું શુભ સિવાય શું જોઈ શકે! ભગવાન  પર તેને પૂરો ભરોષો હતો ,સુધીર તેની ભાવનાની કદર કરતો પણ તેને કોઈ ભરોષો નહોતો,આજે આટલી મુસીબતમાં પણ તે તેના નસીબને કોષતો હતો.અને મન તો મન છે,મગજના રસ્તાઓ ઉપર ભૂલી બિખરી યાદો જોજનો દૂર પડી હોય પણ તેને ફરતા વાર ન લાગે,તેમ સુધીર ની સ્થિતિ નાજુક હતી,તે રાહ જોઈ રહ્યો હતો કોઈ બારણું ખોલે.
અને તેની ઈંતેજારીનો અંત આવ્યો બારણું ખુલી ગયું સામે એક નવયૌવના ઉભી હતી,અંદર ફાનસનો પ્રકાશ હતો,એક ટેબલ પર કેટલાક કાગળ અને ડાયરી જેવું પડ્યું હતું,કદાચ ધર્મશાળા અંગેના   લખાણ માટે હોય શકે,
"હલો હું ચંદા."અને ચંદાને જોઈ સુધીર માં કોઈ જાતની શક્તિ ઉભી થઇ નિસાસામાં ડૂબેલું તેનું મન એકદમ પ્રફુલ્લિત થઇ ગયું,તેણે જોયું સંધ્યા દેવીના આગમનથી આકાશમાં પણ ખુશીના રંગો ભરાઈ ગયા હતા,ખબર નહિ પણ એક ખુશીનું સ્મિત તેના ચહેરા ઉપર મલકાઈ ગયું.
"હલો,રૂમ જોઈએ છે?" ચંદા એક સુંદર નવયૌવના હતી,તેના નામ પ્રમાણે તેનો વાન હતો. સુધીર એટલો ખુશ હતો તો સામે ચંદા મોટેથી બોલી,તેને કહેવાનું મન થયું હું બહેરો નથી,એકદમ કડક છોકરી દેખાઈ તેની આંખોમાં કોઈ ખુશી નહિ બસ,કામથી કામનો પ્રશ્ન હતો,તે એકલી દેખાતી હતી પણ જાણે છોકરી હોવા છતાં તેને કોઈ ડર દેખાતો નહોતો,કદાચ ધંધાએ અને વેરાનીએ તેને એવી બનાવી દીધી હોય,  આગંતુક સાથે કોઈ એવી રીતે વાત કરે.પણ સુધીરને કામથી કામ તેણે ચહેરા ઉપર એકદમ ઉપસી આવેલી ખુશીનો કંટ્રોલ કર્યો અને કહ્યું,
"હા,ચંદા"અને ચંદા ટેબલ પાસે પડેલી ખુરશી પર બેઠી અને સુધીરને સામે બેસવા ઈશારો કર્યો
"૫૦ રૂપિયા એક રાતના ને રોકડા."સુધીરે ખિસ્સામાંથી પૈસા કાઢ્યા ૧૦૦ રૂપિયા જ હતા,તેમાંથી તેણે પચાસ આપી દીધા.સામેના એક બોર્ડ ઉપર ત્રણ ચાર ખીટી ઉપરની ચાવીઓમાંથી એક ચાવી લઇ ઉભી થઇ અને સાથે સુધીર પણ ઉભો થયો ચંદાએ બાજુનો રૂમ ખોલી આપ્યો,અને બોલી
"બેડ અને પાણીની વ્યવસ્થા છે,ખાવાપીવાનો ખર્ચો જુદો થશે."
"સારું, ચંદા "અને ચંદા પાછી તેના રૂમમાં ગઈ સુધીર રૂમ ખુલ્લો રાખી બેડ ઉપર બેઠો,બહાર અંધારું ડોકિયાં કરતુ હતું હવામાં ઠંડાશ હતી અને મંદ મંદ પવન સુધીરનો થાક ઉતારી રહ્યો હતો,પહાડી  ઉપર ચારેબાજુ સખ્તાઈ હતી,સહારો તો મળ્યો , આખી ધર્મશાળામાં એક માણસ હતું અને તે પણ છોકરી અને બોલે છે તો એવું કે કોઈ માહિતી પુછવી હોય તો સીધો જવાબ મળશે કે કેમ તે એક સવાલ હતો.તેને કેમ્પ વિષે પૂછવાની ઈચ્છા થઇ પણ ચંદાનું બારણું તો બંધ થઇ ગયું.તેને લાગ્યું કે આખા દિવસનો થાક તેને મિનિટમાં ઊંઘાડી દેશે એટલે માટીના ઘડામાંથી લોટામાં પાણી લઇ મોઢા પર છાંટ્યું અને લાંબા સમયની તૃષા શાંત કરવા આખો લોટો પાણી પી ગયો.જો કે રૂમમાં બધું જૂની પ્રથા પ્રમાણે હતું પણ બધું ચોખ્ખું હતું પાણી પણ તેને મીઠું લાગ્યું.કદાચ ચંદાને હિસાબે બધું ચોખ્ખું હશે,ચંદા તરફથી એટલું બધું બહુમાન ન મળ્યું પણ તે તેનું અપમાન પણ નહોતી કરતી,થોડી ગંભીર છે પણ કદાચ અહીંનું વાતાવરણ તેને માટે જવાબદાર હશે ગમે તેમ પણ તેને સહારો મળ્યો તેનાથી તે ખુશ હતો.
હવે ખાવાપીવાનું જુદું એટલે ભૂખ તો લાગી હતી પણ પચાસ રૂપિયા જ હતા કાલે રહેવું પડ્યું તો કઈ ચંદા મફતમાં નથી રહેવા દેવાની,મજબુરીનો માર્યો ફરી સુધીર ચિંતામાં પડી ગયો અને તેણે બેડમાં પડતું મૂક્યું.પણ પાછું યાદ આવ્યું તેણે ઉભા થઇ બારણું બંધ કર્યું.અને તેની આંખો ઘેરાવા મંડી ,તે ઓસીકા પર માથું મૂકી સુઈ ગયો,થોડીવારમાં તો નસકોરા બોલવા મંડ્યા.પણ ફરી પાછી બારણા ઉપર સાંકળ ખખડી ઝબકીને જાગ્યો,તેણે બારણું ખોલ્યું.અને ચંદા સામે ચા લઈને ઉભી હતી હવે શું કરવું,તેને ખર્ચો નહોતો કરવો પણ ચા તૈયાર હતી કેમનો અનાદર કરવો.તેને કઈ સમજ ન પડી,પણ પૂતળાની માફક તે ઉભો રહ્યો , ચંદાએ ચા ટેબલ પર મૂકી ને બોલી,
"અત્યારે  ચા  પીવો, ખાવાનું કરું છું,થાક લાગ્યો લાગે છે, ઊંઘી ગયા હતા?"ઊંઘના ભારથી ભારે થયેલા મનને નવાઈ લાગી ઘડી પહેલાની ચંદા પૈસા મળતા શાંત દેખાઈ,પણ તેને જણાવી દેવાનું મન થયું તેની પાસે પચાસ રૂપિયા જ છે.તે બોલ્યો,
"હા,ચંદા જરા ઊંઘ આવી ગઈ."અને  ચંદા હસી
"એ તો અહીંની હવા જ એવી છે,વાંધો નઈ ચા પીઓ એટલે બધું બરાબર થઇ જશે ,અડધો કલાકમાં ખાવાનું થઇ જશે"અને તે ગઈ તેને પૈસાની વાત કરવી હતી પણ તે બોલી ન શક્યો હવે કાલે કેમનું થશે તેની ચિંતામાં તેણે ચાનો ઘૂંટડો ભર્યો, ચાનો ટેસ્ટ પણ સારો લાગ્યો એટલે બધું સારુંજ થશે એમ મનને આજ માટે મનાવી લીધું,થોડીવારમાં ચા પુરી થઇ.તેને ચંદા અંગે ઘણું પૂછવાનું મન થયું,પણ હમણાં તો આજની રાત શાંતિથી પસાર થાય તે વિચાર સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો,ઊંઘ તો આવતી હતી ,ખાવું નહોતું પણ બળજબરીથી ખાવું પડશે,ખબર નહિ .પણ તે વિચારે તેના પેટમાં જોરથી ભૂખ લાગી હવે છૂટકો નહોતો એટલે ઓશીકાને પેટ ઉપર દબાવી તે બેડ ઉપર બેસી ગયો અને ખોવાઈ ગયો.
અડધા કલાક પછી ચંદા ખાવા માટે બોલાવવા આવી,સુધીરે પાટલા ઉપર સ્થાન લીધું,તેણે આજુબાજુ જોયું,ખાવાની સામગ્રી સારા પ્રમાણમાં હતી,ચંદાએ ગરમગરમ રોટલી શાક અને દાળની  થાળી મૂકી,એક ડુંગરી તોડી કચુંબર બનાવી.સુધીર બોલ્યો,
"ખાવાનું જોતા જ પેટ ભરાય જાય એવું લાગે છે,ચંદા ,આટલી બધી સામગ્રી લેવા તું શહેરમાં જાય છે?"
તાવીમાં રોટલી નાખી ચંદા બોલી,
"ના,મારા બાપુજી લઇ આવે છે,અને તે શહેરમાં ગયા છે કાલે આવી જશે."ચંદાએ કહ્યું એટલે સુધીરને વાત કરવાનો અવકાશ મળ્યો
"ચંદા,જોકે, તું આ સ્થળથી ટેવાયેલી હશે,પણ અહીં એકલવાયી વેરાનીમાં તને કોઈ ડર નથી લાગતો."અને તરત બોલી
"બાબુજી વાત તો સારી કરી લો છો,એકલવાયી છોકરીની ખુબ ચિંતા થાય છે,તો અહીં જ રહી જજો,મને પણ સારું લાગશે." ચંદાના ચહેરા ઉપર સ્મિત રેલાયું તે જોઈને સુધીર ફરી બોલ્યો,
"મારુ નામ સુધીર છે,હું કોલેજમાં ભણું છું,કેમ્પમાં આવ્યો હતો,ભૂલો પડી ગયો,સારું થયું રહેવાનો સહારો મળી ગયો,નહિ તો મારુ શું થાત."
" અહીં તમારા જેવાજ મુસાફરો આવે છે ભૂલા પડેલા,એકાદ બે દિવસ રહી ,જતા રહે છે, ઘણા બધા કેમ્પમાં આવે છે."કદાચ ચંદાને સુધીર સાથે વાત કરવાનું ગમવા લાગ્યું હતું,વાત વાતમાં સુધીરે ઓડકારો ખાધો અને બોલ્યો,
" હવે બસ ચંદા ,ધરાઈ ગયો,ખુબ જ સ્વાદિષ્ટ ભોજન છે"અને ચંદા બોલી
"પૈસા પણ એવાજ લાગશે. "અને સુધીર બોલ્યો,
"બહુ બોલીને હું તને હેરાન તો નથી કરતોને ?"તરત જવાબ આવ્યો,
"ના ,ના,ધંધામાં તો બોલવું જ પડે ને !"અને થોડી રોટલી બનાવી તેણે હાથ ધોયા,સુધીર પાણી પીને ઉઠ્યો અને કહ્યું,
"ચંદા,હું પણ થાકેલો છું,કાલે વધુ વાત કરીશું,તારે કઈ કામ હોય તો, સાંકળ ખખડાવજે"અને તે બોલી
"મારે શું કામ હોય,અમારે તો રોજનું થયું,મૉટે ભાગે તો બાપા જ બધું સાંભળતા હોય,હું તો રસોઈ ને સાફ સૂફી વગેરે  સંભાળું."અને સુધીર બીજું કઈ બોલ્યા વગર તેના રૂમમાં ગયો,ચંદાએ પણ બહાર એક નજર નાખી બારણું બંધ કર્યું,રાત પડી ગઈ હતી,થાકને હિસાબે સુધીરને થોડીવારમાં જ ઊંઘ આવી ગઈ,પણ બે ત્રણ કલાક પછી તે એકદમ જાગી ગયો,રાત શાંત હતી તમરાનો અવાજ આવ્યા કરતો હતો પણ તેને લાગ્યું ચંદા કોઈની સાથે વાત કરતી હતી,તેને તપાસ કરવાનું મન થયું પણ કદાચ તેના પિતા આવ્યા હોય,એટલે મન મનાવી તે પડી રહ્યો,પણ બાજુમાં જ રૂમ હતો એટલે તેને સ્પષ્ટ સંભળાતું હતું તે કોઈ યુવાન સાથે વાત કરતી હતી,શું વાત કરતી હતી તેમાં તેને રસ નહોતો પણ તેને જાણવાની ઈચ્છા થઇ કે તે કોઈ મુસીબતમાં તો નથીને,પણ બીજી પળે તેણે વિચાર્યું ,મુસીબતમાં પણ તે શું કરી શકવાનો હતો,કોલેજમાં છોકરા ટપલી મારે તો ય સહન કરી લે તે ચંદાને કેમનો બચાવે,ગમે તેમ પણ તેનાથી ન રહેવાયું ઉભા થઇ તેણે ચંદાનું બારણું ખખડાવ્યું.ચંદાએ તરત જ બારણું ખોલ્યું,અને તેણે સામે એક પડછંદ ,મોટી મૂછોવાળો જુવાન બેઠેલો જોયો,બાજુમાં એક બંદૂક પડી હતી,યુવાનની  સામે આંખો મળતા જ તેની નજરો પાછી પડી અને યુવાન હસ્યો,ચંદા બોલી,
"શું થયું,ઊંઘ ના આવી."અને સુધીર બોલ્યો,
"ના, ના, આ તો અચાનક જાગ્યો ને અવાજ સાંભર્યો એટલે તને પૂછ્યું,"ચંદા બોલી,
"આ જયસિંગભાઈ છે,સામગ્રી આપવા આવ્યા હતા."અને એકીટસે જોતા યુવાને હાથ ઉંચો કરી સુધીરને હલોનો  ઈશારો કર્યો સુધીરે પણ માથું નમાવી તેનું અભિવાદન  કર્યું એટલે બીજી વાત ન થઇ ચંદાએ બારણું બંધ કર્યું,સુધીર બેડ પર બેઠો યુવાનને જોતા તેના હોશ ઉડી ગયા ,ઊંઘ ક્યાં ખોવાઈ ગઈ તેની ખબર જ ન પડી,ખુબ જ ઊંચો યુવાન તેને બાગી લાગ્યો,ચંબલની ખીણ નજીક હતી ,શા કારણે આવ્યો હશે,ચંદાને લૂંટી તો નહિ લે ને,અને ચંદાના ચહેરા ઉપર પણ કોઈ  ગભરાટ નહોતો,બાગી નો તેને ધાક લાગ્યો, સાંભર્યું હતું કે ચંબલના ડાકુ ખુબ જ ભયાનક હોય પણ આજે તે તેની બિલકુલ બાજુના રૂમ માં જ હતો,તે સપનું ન હતું,તેની પાસે બંદૂક પડી હતી.પણ ચંદાએકદમ બરાબર દેખાતી હતી ,કદાચ તેને બાગીનું દબાણ પણ હોય,તેનું મન જાત જાતના ભયના વિચારોમાં ઊંઘ ખોઈ બેઠું,આવા દ્ર્શ્યની સામે કોને ઊંઘ આવે.! ,તે બેઠો રહ્યો.જાણે મોત ડોકિયાં કરતુ હોય.તેણે લોટામાંથી પાણી પીધું તેની પણ તેને ખબર ન પડી. બે એક કલાક પછી ચંદાના રૂમનું બારણું ઉઘડવાનો અવાજ આવ્યો,સુધીર બધીજ પરિસ્થિતિને ખુબજ ઝીણવટથી સાંભળતો હતો,યુવાન બોલ્યો
"ચાલ તો ચંદા આવજે " અને આવજેના જવાબ સાથે  ચંદાનું બારણું બંધ થયું.તેના પગરખાનો અવાજ
સંભળાતો હતો તે જઈ રહ્યો હતો,રાત એટલી શાંત હતી કે પગરખાનો અવાજ પણ સ્પષ્ટ સંભળાતો હતો.તેને જતો જોઈ સુધીરે હાશકારો અનુભવ્યો,પણ બંધ થયેલો પગરખાનો અવાજ ફરી સંભળાવા લાગ્યો અને તે તેના બારણે અટક્યો,સુધીર ગભરાયો તેણે સાંકળ ન ખખડાવી પણ ખાતરી કરવા સુધીરે જ બારણું ઉઘાડ્યું.પેલો યુવાન ત્યાં ઉભો હતો.તેણે ઇશારાથી અંદર આવવાની પરવાનગી માંગી સુધીર નકારી ન શક્યો,સુધીરને થયું ચંદા આવે તો સારું,તેને થોડો ગભરાટ થયો.પણ યુવાન ખાટલા પર બેઠો,બેનાળી બાજુ પર મૂકી બોલ્યો

"સુધીર,મને બહુ  સમય નથી,અને તમે પણ થાકેલા હશો,મારા હાવ ભાવ ડ્રેસ થી તમને  થોડીક તકલીફ થઇ હશે,પણ એ અંગે બહુ ચર્ચા ન કરતા,હું એક વિનંતી કરવા પાછો આવ્યો છું,જોકે મારી તમારી મુલાકાત પાંચ મિનિટ કરતા પણ ઓછા સમયની હતી,પણ જો તમે કોલેજ પછી વિવાહિત થવા માંગતા હો તો,અમારી બેન ચંદાની ઈચ્છા છે,જો કે તેના હાવભાવથી મેં તેને દબાણ કરીને પૂછી લીધું હતું અને  કાલે તો તમે જતા રહેશો એટલે તે કહેતી હતી કે તમે કોલેજમાં ભણો છો અને ચંદા બહુ ભણી નથી,એટલે એ વાત નો કોઈ અર્થ નથી.કાકાની પણ ઉમર થઇ એટલે તેમની પણ ચંદાને સારા ઘરમાં વિવાહિત કરવાની ઉગ્ર ઈચ્છા છે,ચંદા તો પોતાની વાત નહિ કહે એટલે મને થયું કે આવ્યો છું અને યોગ્ય વ્યક્તિ છો તો જણાવતો જાઉં,કોઈ દબાણ નથી,ના ગમતું હોય તો કઈ વાંધો નહિ.દરેક દરેકના નસીબ"
ઊંડા વિચારમાં ઉતરી ગયેલા સુધીર અને એક ભાઈ તરીકે બેન માટે વાત કરી રહેલો ગંભીર માણસ ને જવાબ તો આપવો જ પડે,એટલે સુધીર બોલ્યો,
"ચંદા સુંદર છે પણ મારુ કુટુંબ ફક્ત બે વ્યક્તિનું છે હું અને મારી માં,માં ફેક્ટરીમાં કામ કરે છે,એટલે પૈસે ટકે,અમે મીડીયમ વર્ગના કહેવાય,માની પણ ઈચ્છા મારા વિવાહ જલ્દી થાય તેવી છે,અને કોલેજમાં મારે એવી કોઈ ખાસ દોસ્તી નથી ,પણ આ હકીકત છે, મને પણ ચંદા, તેની મજબૂતાઈ અને આંખોના તેજને જોતા જ ગમી ગઈ હતી,પણ એવી હિમ્મત થોડી કરાઈ,એટલે તમે મારા મનની વાત કરી છે."અને યુવાન હસ્યો અને ઉભો થયો,
"હમણાં જ પૂછી લઉં,મારી બેન છે.'હા' હોય તો નક્કી, ખરું.?"અને જવાબમાં સુધીર કઈ ન બોલ્યો પણ માથું નમાવી હકાર ભણી.
ફરી એકવાર ચંદાના બારણે ટકોરા પડ્યા ,બારણું ખુલ્યું,હસતા ભાઈને જોઈ ચંદા સમજી ગઈ ,શરમાઈ ગઈ ,વાત થઇ, સંમતિ થઇ, એ રાત તો ખુશીની રાત તરીકે પસાર થઇ ગઈ પણ પછી કાકાના આવ્યા પછી જે થવાનું હતું તે થયું અને આમ  વેરાનીમાં ચંદાના પ્રકાશનો સ્ત્રોત એક ભૂલા પડેલા મુસાફર સુધીર સાથે જોડાઈ વહેતો થયો.


-મહેન્દ્ર ભટ્ટ.

No comments:

Post a Comment