Wednesday, April 18, 2018

દેવદાસનું ભૂત

દેવદાસનું ભૂત 



ગામમાં પાદરે બસ ઉભી રહી,તેમાંથી ચશ્મા પહેરેલ એક યુવાન ઉતર્યો,તેના હાથમાં બે ત્રણ પુસ્તકો હતા એટલે કદાચ કોઈ વિદ્યાર્થી હતો પણ તેની ઉંમર હિસાબે તે કોલેજમાં ભણતો હોય એવું અનુમાન કરી શકાય
ઉતર્યા પછી તેની નજરો અને ચહેરો  તેના અજાણ્યા પણાંની ચાડી ખાતા  હતા  અને તેની અસર હનુમાનની ડેરી બહાર બેઠેલા ચાર પાંચ યુવાનો ઉપર થઇ તેમાંથી એકે ઉભા થઇ પેલા યુવાન તરફ સીધું પ્રયાણ કર્યું નાનું ગામ હતું અને મોટે ભાગે ખેતીનો ધંધો હોવાથી ગામના ઘણા યુવકો નવરાશમાં આમ સમય પસાર કરવા ગપ્પા મારતાં બેઠા હોય,આજુબાજુના ઘણા મોટા ગામો સાથે શહેરનું જોડાણ હોવાથી કલાકે કલાકે બસો આવતી અને તેમાંથી અજાણ્યો યુવાન ગામ તરફ જતો હતો અને એકદમ સામે આવેલા યુવાનથી તે સજાગ થયો,પેલાએ પૂછ્યું,
“ક્યાંથી આવો છો,સાહેબ”અને સજાગ યુવક ચોંક્યો
“જુઓ,હું રાઘવ છું,અને પુષ્પાને ત્યાં આવ્યો છું “
“અચ્છા તો મામલો ઘણો ગંભીર છે,રાઘવભાઈ પણ પુષ્પાને મળતા પહેલા સામે બેઠેલા મારા મિત્ર બુધ્યાભાઈને મળવું જરૂરી છે,પછી હું જાતે પુષ્પાને ત્યાં લઇ જઈશ”સામે ઉભેલી મુસીબત કોઈ તોફાનના એંધાણ બતાવતી હતી પણ અજાણ્યા ગામમાં સામનો કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો,રાઘવ પેલા યુવક સાથે ગયો તો ત્યાં ખરેખર યુવાનોની આંખોમાં તોફાન દેખાયું ,
“બુધ્યાભાઇ,આ રાઘવભાઈ છે ને પુષ્પાબેનને ત્યાં આવ્યા છે” અને ત્યાં એક હાસ્યનું મોજું ફરી વળ્યું.
“જુઓભાઈ,પુષ્પા આ ગામની દીકરી છે અને સીધે સીધું કહું તો તે એક મોટા ઘરની દીકરી છે,જો તમારા આવવવાની તેના ઘરને ખબર ન હોય તો તમે મળી ન શકો,તમારે અહીથીજ પાછા જવું પડશે “રાઘવની આંખો પહોળી થઇ ગઈ,પ્રશ્નાર્થ તેની પાંપણે આવી લટકી પડ્યું ,તે ડેરીના ઓટલે બેસી પડ્યો યુવકો એકબીજા સામે જોવા લાગ્યા.
"આને દેવદાસનું ભૂત વળગ્યું લાગે છે."પેલી ટોળીમાંથી એક જણ બોલ્યો,રાઘવ સમજી ગયો હવે વાત વધુ બગડવા માંડી હતી,ગામના યુવકો છે,શહેરના છોકરાઓ પોતપોતાના ધંધામાં વ્યસ્ત હોય એટલે કદાચ મજાક મશ્કરી થાય તો વાતચીતમાં જ ક્યાંક અટકી જાય પણ તેને લાગ્યું કે અહીંના આ યુવકો ને શહેર સાથે સરખાવી ન શકાય,જો ગુસ્સો કરવા જાય તો જરૂર તેની મરામત થઇ જાય,શહેરમાં તો સાથી વિદ્યાર્થીની મદદ પણ મળે પણ અહીં કોણ,તે એકલો પુષ્પાને ઓળખે છે,પણ બુધ્યાની અટકાયત સામે શું દલીલ કરવી,તો શું તે પુષ્પાને નહિ મળી શકે,તેને તો તેની વાત કહેવી હતી એટલે તે અહીં સુધી ખેંચાઈ આવ્યો છે, ભવિષ્યની ખબર નથી પણ શરૂઆતમાં જ મુસીબતો નો ઢગલો થઇ જાય તો શું કરવું,
પણ જયારે મન કૈક ચોક્કસ ઉદેશ માટે નક્કી કરી લે પછી કોઈ પણ ભોગે પોતેજ સાચું તેમ માની દુનિયાના નિયમો તરફ બેદરકાર થઇ જાય, અને ખોટું તે ખોટું પછી ખોટાને સાચું કરવા જીદ કરવી તો શરીરનું પોટલું બનાવીને સમાજ બહાર ફેંકતા વાર ન લગાડે,રાઘવ શિથિલ થઈને યુવકોની મશ્કરી સાંભળો રહ્યો,પણ તેને પાછું નહોતું જવું,એટલે મક્કમ નિર્ણય સાથે ઉભો થયો,એટલે એક યુવકે કહ્યું,
"બસ આવવાને અડધો કલાકનો સમય છે,"અને રાઘવે હાથ જોડી કહ્યું,
"જુઓ હું પુષ્પાનો મિત્ર છું,અમે કોલેજમાં સાથે ભણીયે છીએ,અમે ગાઢ મિત્રો છીએ,પણ કેટલીક વસ્તુઓ કે પ્રશ્નના રૂપમાં છે અને ખાનગી છે તે તમને ન કહી શકું માટે પુષ્પાને મળવું જરૂરી છે."
અને યુવકોના ચહેરા ઉપર તેને વધુ ગુસ્સો દેખાયો,વાત વણસી,તેના જોડેલા હાથનું મૂલ્ય ઝીરો થઇ ગયું.
"એટલે તું નહિ માને,ખરુંને?"બુધ્યાએ પૂછ્યું,રાઘવ બોલ્યો,
"અરે,ભાઈ મને સમજવાની કોશિશ કરો,હું અહીં લડવા નથી આવ્યો,મને જવા દો,હું મારી જાતે પુષ્પાનું ઘર શોધી લઈશ,તમે શા માટે રોકો છો?"રાઘવે વિનંતી કરી.
"અમે,ભાઈયો છીએ,આ ગામની દીકરીના એટલે,તારા જેવા મવાલીને જાણ્યા વગર પુષ્પા પાસે મોકલી દઈએ,!!"અને એકે ઉભા થઈ તેનો હાથ ખેંચ્યો,એટલે માથાકૂટ વધે તે પહેલા ગામના એક વડીલ ત્યાંથી પસાર થતા હતા તેમણે આ જોયું અને યુવાનો વચ્ચે પડી સમજાવટ કરી,વડીલને પણ લાગ્યું કે દીકરીની બાબત છે,તેની પાસેથી જાણ્યા વગર ગમે તેને મળવા ન દેવાય એટલે યુવકો પાસે રાઘવને છોડી તે પુષ્પાના ઘરે ગયા.રાઘવને પણ લાગ્યું કે માથાકૂટ કરવામાં મઝા નથી,તેના મનમાં છેવટે કૈક આશા જાગી.પછી તે પાછો ડેરીના ઓટલે બેસી ગયો,યુવકો પણ કોઈ નવી ચહલ પહલના સંચારે રાહ જોવા લાગ્યા.દેવદાસનો શબ્દ હવે ગામે ગામ જાણીતો થઇ ગયો હોય, તેમ તેનો પ્રયોગ વારંવાર સાંભળવા મળતો.કોલેજોમાં યુવકો અને યુવતીના ટોળા હોય,તેમાં ગંભીર રીતે ભણવા વાળા નો સમુદાય બહોળો હોય પણ મઝાક મશ્કરીયાનું નાનું ગ્રુપ પણ તેઓને ભારે પડતું હોય.સિક્યુરિટીની મોટી વ્યવસ્થા હોય પણ ધમાલિયાને સંભાળવાની તેમને પણ તકલીફ પડે.
પેલા વડીલ ગામમાં સીધા પુષ્પાને ત્યાં પહોંચ્યા પુષ્પાના પિતા હીંચકા પર બેઠેલા હતા વડીલને જોતા તરત બોલ્યા, “ આવો આવો  હરજીભાઇ, આજે કઈ આ બાજુ ભૂલા પડ્યા,ખેતરે ગયા તા ?”
“ હા,થોડું નિંદામણ કરી આવ્યો.” અને વાત અટકાવી પ્રેમજીભાઈએ બૂમ પાડી
“બેટા,પુષ્પા પાણી લાવજે,હરજીકાકા આવ્યા છે “અને અંદરથી કોયલના ટહુકાર જેવો અવાજ આવ્યો
 “લાવી બાપુ “ અને થોડીવારમાં નમણી કોલેજકન્યા પાણી લઈને હાજર થઇ સાથે તેની માં રેવા પણ આવી અને હરજીભાઈને નમસ્કાર કર્યા.અહીં કોઈ મહેમાન આવે તો ઘરના બધા સભ્યો સ્વાગત કરે,પુષ્પાનો ભાઈ રોનક બહાર ગયો હતો એટલે તેની ગેરહાજરી હતી,
 “અરે રેવા, બેકપ ચા તો બનાવ,હું ને હરજીભાઇ બંને થોડા ગરમ થૈયે “અને હરજીભાઈની  ના છતાં રેવાબેન “હરજીભાઇ ઘણા વખતે આવ્યા છો ,બેસોને હમણાં બની જશે “ એમ કહેતા રસોડામાં ગયા ને પુષ્પાએ બાપા ને કાકા વચ્ચે બેસી હીંચકાને પગથી ઠેસો માર્યો અને હસી ,અને સાથેજ વડીલો ખુશ થયા
 “પ્રેમજીભાઈ,પુષ્પા તો ઘરની રોનક છે”અને પેમજીભાઈ તરત બોલ્યા
 “ રોનક તો છે જ ,અહીં ક્યાં ખાવા પીવાની ખોટ,પણ પારકી થાપણ,કાલે તેના ઘેર.” અને હરજીભાઇ બોલ્યા , “દીકરીની શોભા તેના સાસરે “તરત પુષ્પા બોલી
 “હું તો લગ્ન જ નથી કરવાની” અને એક ખુશીની લહેર વચ્ચે રેવાબેન ચા લઈને આવ્યા ,પણ ચા પીતાંપીતા હરજીભાઈએ જે કહેવાનું હતું તે કહી દીધું
 “ બેટા,રાઘવ નામનો કોઈ છોકરો તને મળવા આવ્યો છે ,કે છે તારી સાથે ભણે છે,તારી સાથે કઈ વાત કરવી છે એવું તે કહેતો હતો “ દીકરીની આસપાસ છવાયેલું વહાલનું વાદળ વિખરાઈ ગયું અને ચિંતાઓ હિબકારા મારતી માં-બાપની આંખો પલાળતી ગઈ પણ પુષ્પા બોલી,
“કાકા ,રાઘવ પાગલ છે કોલેજના એક ફંક્સન માં તે મારો પાર્ટનર હતો અને કલાકાર ફક્ત કલા પૂરતો સબંધ હોય,પણ પાછળ પડ્યો છે અહીં આવીને હદ કરી છે,હવે કઈ કરવું પડશે,ચાલો હું આવું છૂ ”
“કઈ જવાની જરૂર નથી,"
પ્રેમજીભાઈના ઈશારે બધાની નજર ફેરવાઈ,પ્રેમજીભાઈના બોલમાં ધીરાશ હતી એટલે પુષ્પા પ્રત્યે તેમનો વિશ્વાસ હજી કોઈ હેરાન ગતિનો ન હતો કેમકે કદાચ તે જાણતા હતા આજની દુનિયા અને તેના યુવાનો વિષે તેમણે આગળ કહ્યું,
"હરજીભાઇ,જો તમને વાંધો ન હોય તો યુવાનને અહીં લઇ આવો."અને તરત પુષ્પા બોલી
"પણ બાપા ,અહીં આવી તે તમારી દેખતા ગમે તેમ બોલશે તે હું સાંભળી નહિ લઉં"પુષ્પાની વાત કહેવાની રીત એકદમ તેજ જોઈ રેવા બેનથી ન રહેવાયું બોલ્યા,
"બેટા,જે કઈ હોય તે તારા બાપાને આજે કહી દેજે,નહિ તો તારો ભાઈ આવશે તો તોફાન કરી  પાડશે."
"માં એવું કઈ નથી,વિશ્વાસ રાખ આ એક પાગલ માણસ છે,કોલેજમાં બધા છોકરાઓ મઝાક મસ્તી તો કરતાજ હોય છે,આની સાથે મારો રોલ હતો અને તે મને કહેવા મંડ્યો છે હું તને ખુબ પ્રેમ કરું છું,હવે કોલેજમાં પણ બધા મઝાક કરે છે,એટલે હું તેનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરું છું પણ  તે હવે અહીં સુધી આવી ગયો છે."પુષ્પાએ પોતાની વાત દિલ ખોલીને કરી દીધી.એટલે હરજીભાઇ તરત બોલ્યા
"પ્રેમજીભાઈ,હું વચ્ચે પડ્યો ન હોત તો  બુઢિયો તેની મરામત કરી નાંખતે."
"ના ના એવું કઈ કરવાની જરૂર નથી,એમ કઈ મારવાથી કોઈ મુસીબત ન ટળે,એને અહીં લઇ આવો પુષ્પા,આપણે તેને શાંતિથી સમજાવીશું.પછી ન માને તો કાયદેસર જે કરવાનું હોય તે કરીશું.પણ પહેલા તેનું ગાંડપણ દૂર કરવું જરૂરી છે.મારપીટ કરવાથી મુસીબત થોડીવાર ટળી  જાય પણ પછી તારે તેજ કોલેજમાં ભણવાનું હોય તો ફરીથી હેરાનગતિ થાય, તેને માટે પણ ઉપાય છે,પણ હાલ પૂરતું તેની સાથે વાત કરી તેને જાણવાની જરૂર છે.એટલે તેને અહીં લઇ આવો."અને હરજીભાઇ ગયા,શાંત અને એક મોભાવાળા ઘરમાં મુસીબતો ના  વાદળો ફરી વળ્યાં,રેવાબેનનો ચહેરો પુષ્પાના સમજાવ્યા છતાં માયૂષ થઇ ગયો અને તે શાંત થવા રસોડામાં જતા રહ્યાં.
પુષ્પા વિચારોની હારમાળામાં અટવાઈ ગઈ,કોલેજના દ્રશ્યોની ઝડી લાગી ગઈ કે જ્યાં રાઘવની આકૃતિ તેની પાછળ પ્રેમનો ઝંડો ફરકાવી ઘસતી દેખાઈ,બચાવ કરતી તે તેને મર્યાદા બતાવતી રહી,પણ કોલેજનું વાતાવરણ તો ફક્ત મસ્તીને જોતું રાઘવને દેવદાસનું તખલ્લુસ દઈ બેઠું,તેની ખાસ સહેલીઓ પણ ધીરે ધીરે તેનાથી છેડો ફાડતી ટોળામાં ભળી ગઈ,તે એકલવાયી ઝઝૂમતી રહી અને રાઘવ તેનો પીછો કરતો હવે તેના ગામ અને ઘરમાં આવી રહ્યો હતો,ડેરીના યુવકોએ તો તેને દેવદાસનું ભૂત બતાવી દીધું,હવે તેનો કેમનો સામનો કરવો તેના વિચારો તેની શ્વાસોની રિધમ વધારી ગયા.હરજીકાકા ગયા અને થોડીવારમાં તેને લઈને આવ્યા.તેને જોતા જ પ્રેમજી ભાઈનું આંખો ઢળી ગઈ,ચશ્માવાળો યુવાન દેખાવમાં તો કોઈને ગમે તેવો ન હતો તો પુષ્પાએ તેની સાથે કેમનો રોલ કર્યો.પણ તે પ્રેમજીભાઈ સામે હાથ જોડીને ઉભો રહ્યો રસોડામાંથી રેવા બેન ધસી આવ્યા.પુષ્પા કઈ બોલવા જતી હતી તેને પ્રેમજીભાઈએ રોકી,
"જો ભાઈ રાઘવ,હું પુષ્પાનો ફાધર છું,અને તને શાંતિથી એક જ વસ્તુ કહું છું ,તું પુષ્પાનો પીછો છોડી દે,તે તને બિલકુલ પસંદ નથી કરતી,તે તારે માટે યોગ્ય નથી.અને તું તેમ નહિ કરે તો તારે ઘણું સહન કરવું પડશે,હવે અહીંથી જેમ આવ્યો તેમ જતો રહે અને મને ખબર પડી કે હજુ તું મારી દીકરીને હેરાન કરે છે તો હું તને જેલભેગો કરીશ. હવે આને તારે ધમકી સમજવી હોય તો ધમકી પણ હવે ચાલતી પકડ,ગામના છોકરાઓ જો હેરાન કરવાનું ચાલુ કરશે તો હું બચાવી નહિ શકું.માટે ચુપચાપ  ચાલ્યો જા."અને રાઘવ વિનંતી કરતો બોલ્યો,
"સર,તમે વડીલ છો,હું અહીં લડવા નથી આવ્યો,હું પુષ્પાને દિલથી ચાહું છું,અને તેને પણ મારા માટે લાગણી છે,ભલે તે તમારી સામે ના પડે.પણ હું તેને કેટલીય વખત કોલેજમાં પૂછતો રહ્યો પણ તે વાત જ નથી કરતી,એટલે અહીં આવ્યો છું,જો એકવાર તે મને કહી દે તો હું ચાલ્યો જઈશ,"
અને પુષ્પાનો જોરદાર અવાજ આવ્યો,
"મૂરખ મને ખરાબ શબ્દો બોલતા નથી આવડતા, પણ તારી સામેં  કોઈ છોકરી જોશે પણ નહિ,મારા કમનસીબ કે મેં તારી સાથે રોલ કર્યો.તારી મૂર્ખાઈની હદ તે વટાવી દીધી,અરીસામાં તે તારો ચહેરો જોયો છે ?,.બધા મારી સામે ટીકી ટીકીને જુએ છે ,તારી પાસે આબરૂ જેવી વસ્તુ હોય તો ચાલ્યો જા." અને તેનો હાથ બારણા બાજુ ઊંચો થઇ ગયો."અને પ્રેમજીભાઈ ઉભા થયા.રાઘવ ખચકાયો,પણ બોલ્યો,
"જતો રહું છું,અને તને ક્યારેય હેરાન નહિ કરું ફક્ત તને પૂછવા અહીં સુધી ખેંચાઈ આવ્યો હતો,પણ ચહેરાને જોઈને પ્રેમ ન કરતી,પ્રેમનું સ્થાન દિલમાં છે અને દિલથી તું મને ભલે ભૂલી જાય પણ હું તને નહિ ભૂલું,વચન આપું છું કે તને હવે ક્યારેય હેરાન નહિ કરું." ખબર નહિ પણ તે નિરાશ ચહેરે બીજું કઈ પણ બોલ્યા વગર જતો રહ્યો,વચ્ચે ડેરી ઉપર બેઠેલા,છોકરાઓએ ટકોર કરી,
"રાઘવ ,આવજે પાછો ન આવતો, નહિ તો પથરા પડશે.,"અને રાઘવ નીચું ઘાલીને ચાલતો રહ્યો.
કોઈ બોલ્યું "દેવદાસનું ભૂત " પણ તેણે સાંભળ્યું ન સાંભર્યું અને બસ આવી એટલે તે જતો રહ્યો,


એક મોભાના ઘરમાં અમાનુષી વાત ઘરના દરેક સભ્યોને અસર કરતી ગઈ પછી તો રોનક પણ આવ્યો અને તેનો ગુસ્સો આસમાને પહોંચે તે પહેલા પ્રીતમભાઈએ તેને આ દીકરીનો કેસ છે અને તેના માટે સમજી વિચારીને પગલાં ભરવા પડે,ગમે ત્યારે ગમે તે કુટુંબમાં કોઈ પણ વસ્તુ બને ,ગુસ્સો એ બધાનું સમાધાન નથી,આજ સુધી આ ઘરમાં એવું કઈ બન્યું નથી માટે આપણે અજાણ છીએ,પણ હવે બન્યું તો સજાગ થવાની જરૂર છે.અને બાપાની વાત થી રોનક સંમત હતો,પણ પછી દિવસો વીતતા ગયા, પછી પુષ્પાને કોલેજ બદલાવી પણ પેલા રાઘવ તરફ્થી કોઈ હેરાનગતિ ના થઇ,કોઈ પણ દુઃખનું સમાધાન સમય  થી જ થાય તેમ,પ્રીતમ ભાઈનું કુટુંબ પણ સહજ થઇ ગયું.
પણ ગામની હવાએ આ બનાવની નોંધ લઇ, પુષ્પાને કોઈ આશંકાના ઘેરામાં ફસાવી દીધી અને તેમાંથી છૂટવા વખત જતા પ્રેમજીભાઈએ એક આફ્રિકાથી પોતાના પુત્રનું લગ્ન કરાવવા આવેલા એક કુટુંબમાં પુષ્પાને પરણાવી દીધી,પાંચ વર્ષનો સમય પસાર થઇ ગયો,આફ્રિકામાં રહેતી દીકરી માટે શરૂઆતમાં ખુબજ સારું રહ્યું,પ્રેમજીભાઈને પણ શાંતિ થઇ પણ બે વર્ષમાં રેવાબેન ન રહ્યા,એક હાર્ટએટેક તેમને ભરખી ગયો,રોનકે લગ્ન કર્યા એટલે થોડો સમય ફરી પાછો  ખુશીનો માહોલ સર્જાયો,વહુ સારી હતી,પણ દીકરીની વાત અને રેવાબેનની વિદાય પછી પ્રેમજીભાઈ જાણે એકલવાયા થઇ ગયા,કુટુંબ પાસે હજુ પૈસા બાબતની ખોટ ન હતી,આટલી જિંદગી ન હારેલા પિતાજીનું એકલવાયું રોનકે પણ નોંધ કર્યું,અને પુત્રના હિસાબે જે કરવું પડે તે તેણે કર્યું ,થોડો સમય સારું લાગ્યું ,પણ પછી એક દિવસ પુષ્પાના ઘરમાં માથાકૂટ થઇ,પતિની ખોટી આદતો માટે કહ્યું અને એક છોકરીની માને પતિએ છૂટાછેડા આપી દીધા,મજબૂત પુષ્પા એક સારી નોકરી કરતી એક વર્ષ તો રહી પણ પછી બેટીને લઇ પિતાની સંમતિથી ફરીથી પ્રેમજીભાઈને ત્યાં આવી ગઈ,તેને અહીં  સેટ કરવામાં તેની ભાભીએ ખૂબ જ સાથ આપ્યો,અને પુષ્પા ઝડપથી સેટ થઇ ગઈ.અને તેનું એક મોટી ફર્મમાં ઇન્ટરવ્યું નીકળ્યું ઘરના બધા સભ્યોની સંમતિથી તે ઇન્ટરવ્યૂ માટે ગઈ ,ભાઈ ભાભી પણ સાથે ગયા.દીકરીની મજબૂતાઈ જોઈ  પ્રેમજીભાઈ પણ મજબૂત થઇ ગયા,તેમનો સમય પસાર કરવા હવે તેમની સાથે નાની ગુડિયા હતી.પુષ્પાને નોકરી મળી ગઈ,હવે ફરીથી આ ઘર ખુશીયોથી ભરાઈ ગયું.એક દિવસ પુષ્પાનો બોસ તેમજ કેટલાક મિત્રો તેના ગામ આવ્યા,જયારે પુષ્પાનો બોસ પ્રેમજીભાઈ ને મળ્યો ત્યારે તેમની આંખો જીણી થઇ, અને તેને ઓળખી લીધો હોય તેમ બોલ્યા
"તું રાઘવ તો નહિ" અને આખું કુટુંબ ત્યાં આવી ગયું,પુષ્પા પણ તેને ઓળખી  શકી ન હતી તે ફક્ત તેને બોસ જ સમજતી હતી.આટલા વર્ષો પછી બધું બદલાઈ ગયું તો રાઘવ કેમ ન બદલાય.તે એક મોટી ફર્મનો મેનેજર હતો.રાઘવ માટે અત્યારે કોઈને ફરિયાદ ન હતી કેમકે તેણે પુષ્પાને ક્યારેય ફરી હેરાન કરી ન હતી.પણ પ્રીતમભાઈએ જે શોધ કરી તે સામે પુષ્પા ખુશ થઇ ગઈ,રાઘવે તેની વાત કરી તેણે હજુ લગ્ન નહોતા કર્યા,જો પુષ્પા હજુ પણ લગ્ન કરવા ઇચ્છતી હોય તો કોઈ પણ દબાણ વગર રાઘવ તેને દીકરી સાથે અપનાવવા તૈયાર હતો,અને જ્યાં બધું સારું જ થતું હોય ત્યાં પુષ્પાએ પણ તેની વાતનો સ્વીકાર કર્યો,શરણાઈએ તેના સુર રેલાવ્યા.અને ઘરની બગડેલી બાજીને દેવદાસના ભૂતે ફરી સંભાળી લીધી.

-મહેન્દ્ર ભટ્ટ. 

No comments:

Post a Comment