કોતરડીના નાળે
ચાર જુવાન પાદર ઉપર એક આમલીના ઝાડ પાસે નાળાંની પાળી ઉપર બેઠા ગપ્પા મારતા હતા, આ જુવાનોની વાત એટલે રસિકતા,હાસ્ય રસ કે જોબનિયામાં મહાલતી ઝલક ,બસ આ ઉંમરે તેઓ સમજે કે ગમે તે રીતે હસવું ને વાતોની મઝા લેવી,પછી તે કોઈ તાજો બની ગયેલો બનાવ હોય કે વીતી ગયેલો પ્રસંગ ,પાત્ર ગમે તે હોય ,બસ ગમે તેમ મઝા કરવી,વચ્ચે કોઈ ટકોર આવે તો બને તેટલી ઝડપે જવાબ આપી પાછા મુખ્ય વિષય કે તે જુવાનિયાના ગપ્પા કહેવાય તેના ઉપર આવી જવું,એટલે આ નાળું એક નાના ગામના પાદરે આવ્યું હતું,ચોમાસામાં વરસાદમાં પણ દૂર દૂર સુધી બીજા ગામો અને શહેરો સાથે વાહન વ્યહાર ચાલુ રહે તે માટે આવી નાની નદી નહેરો કે કોતરડી ઉપર સરકાર પાકા નાળા બાંધતી,એટલે નીચેથી પાણી વહ્યું જાય અને ઉપર રોડ, આ ગામમાં ખાલી પચાસ ઘરો જેમાં પચ્ચીસ તો હળપતિના ઝુંપડા,ગામની વસ્તી ઘણી સારી એટલે જુવાનિયાના ગપ્પામાં પણ બહુ ખરાબી નહિ,પણ રોજ બરોજ અહીં પણ બનાવો તો બને જ,વસ્તી નાની હોય કે મોટી બનતા બનાવોને આઘા પાછા કરી આ યુવાનો પોતાની મજા માણે.હવે આ જુવાનોની મઝા ચાલતી હતી અને એક ભાભા લાકડી લઈને માથે ફાળિયું બાંધીને તેઓની બાજુ આવતા જણાયાં,એટલે સ્વાભાવિક છે,જુવાનોની વાતમાં વડીલની સામે થોડીક ધીરાશ આવી,હસવાનું ઓછું થયું ભાભા નજીક આવ્યા એટલે બધાના ચહેરા ઉપર વડીલની આમન્યા ચોખ્ખી ઉપસી આવી ભાભા ઉભા રહ્યા મોટી મોટી વણાંક વાળી સફેદ મૂછો,અને સામેની પાળી ઉપર બેઠા,છોકરાની વાતો થંભી ગઈ,હવે ભાભા જાય નહિ ત્યાં સુધી ભાભા સાથે વાતો ચાલવાની એટલે સલાહ સૂચનો કે ભાભા કે તે સાંભળવાનું અને દાટ ન પડે તેમ સમજીને જવાબ આપવાનો,નહિ તો જગ્યા છોડીને પાછું વસ્તીમાં ભળી જવાનું નહિ તો ઘર સુધી ફરિયાદ જતા વાર નહિ એટલે ફક્ત અને ફક્ત ભાભા અને ભાભાની વાતો જ સાંભળવાની,એક હાથમાં ખંજનીવાળી ભારે લાકડી અને બીજા હાથે મૂછોના વણાંક ઉપર વળ દેતા ભાભા બોલ્યા
"રજા છે"
બધાના માથા હકારમાં ડોલ્યા ને બળવંતે કહ્યું
"ભા,આજે રામનવમી છે ને"
"હા, તો શું વાતો ચાલતી હતી," જાડો અવાઝ ભાભાની પ્રતિભા દર્શાવતો હતો
હવેના જવાબમાં બધા એકબીજાની સામે જોવા લાગ્યા અને બધાના ચહેરા ઉપરના ભાવથી ભાભાએ જ જવાબ જોડી દીધો
"કઈ વાંધો નહિ,પણ અજુગતી વાતો ના કરતા,જેનાથી તમને અમને કે ગામનેકે વસ્તીને કોઈ નુકશાન થાય,સમજ્યાને...સારી વાતો કરવી એટલે ઉપર વાળો રાજી થાય,હું તો ખેતરે જવા નીકળ્યો હતો આ તમને જોયા તો આ બાજુ વળ્યો,હવે વચ્ચે ક્યાંક બેસવું પડે છે,થાક લાગે છે "અને ખિસ્સાં માંથી એક બીડી કાઢી સળગાવી એક બે કસ લીધા અને કહ્યું
"બેટા, આ કુટેવ છે છૂટતી નથી પણ તમે ના શીખતાં"
અને જુવાનોની લીડ બળવંત કરતો હોય તેમ બોલ્યો
" ભા,આખી શાળામાં કોઈ સ્મોક નથી કરતુ"
"હા ભાઈ,જાણી જોઈને તબિયત ન બગાડવી "અને ભાભા બેઠક ઉપરથી ઉઠ્યા ,છોકરા ભાભા તરફ જોતા રહ્યા
"ચાલો તો તમે વાતો કરો ને હું ખેતરે આંટો મારુ "
થોડુંક ચાલ્યા અને પાછા રોકાયા,બોલ્યા
"મારી એક વાત સાંભળવી છે,આમ તો તે કોકની પાસે સાંભળેલી વાત છે,પણ તમને મઝા પડે તેવી છે,જેણે જેણે સાંભળી તેમાં બધાજ હસ્યાં છે,કદાચ તમને પણ હસાવે. તો કહું મઝા પડે તો ભા ને માંન નહિ તો રામ રામ..!
" અરે ભા,ગામનો કોઈ જવાન ભા ને માંન ન આપે એવું બન્યું છે ...!
"તો સાંભળો "અને ભા એ લાકડીને ટેકે વાત ચાલુ કરી
"એક વખત એક વાંદરાનું ટોળું ગામની સીમમાં ખાટી આંબલીના ઝાડ પર આવ્યું,સામાન્ય રીતે ઝાડ પાન ખાઈને તે ભૂખ સંતોષે એટલે સીમમાં લોકો તેને હેરાન ન કરે ,નાનું ટોળું અને તેનો લીડર વાંદરો રોજ નવી નવી જગ્યાએ ટોળાને ભૂખ સંતોષવા લઇ જાય,પહેલા તે જઈને સલામતીની પાકી ખાતરી કરે અને પછી તેના ટોળાને બધી સલામતીની નિશાની આપે એટલે તેની રાહબરીમાં ટોળું ભૂખ સંતોષે ને તેમનું જીવન પસાર થાય,તેમાં એક વખત દૂર એક ઝાડ ઉપર આ લીડર વાંદરો તપાસ કરવા ગયો તો ત્યાં તે જેવો ઝાડ પર જવા ગયો કૂદકો મારે તે પહેલા મોટર બ્રેક મારે ને રોકાય જાય તેમ ચાર પગે રોકાય ગયો " ભા ની અદાથી ચારે મિત્રો હસી પડ્યા
તેણે જોયું તો ઝાડ પર એક માણસ બેઠો બેઠો કોઈ ફળ ખાતો હતો ,તે નવાઈ પામી તેની સામે જોતો જોતો ત્યાંજ બેસી ગયો અને અચાનક તેને વાચા ફૂટી ,
"અલ્યા ભાઈ તું અહીં શું કરે છે"અને પેલો પણ વાંદરાને પોતાની ભાષામાં બોલતો જોઈ નવાઈ પામ્યો પણ બહુ વિચારવાનું પડતું મૂકી તેણે કહ્યું
"સફરજન ખાઉં છું "અને વાંદરો થોડો ખીજવાયો ને બોલ્યો
"આતો ખાટી આમલી નું ઝાડ છે ને અહીં સફરજન ક્યાંથી હોઈ ?"પેલો હસ્યો ને બોલ્યો
"સાથે લેતો આવ્યો છું ને"જવાબ સાંભળી વાંદરો ચક્કર ખાઈ ગયો ને બોલ્યો
"તારા જેવા માણસ જીવવા નહિ દે "અને માણસ વાંદરા સામે જોતા બોલ્યો
"કેમ કેમ ભાઈ,હું તો ઘડીક આવ્યો છું તું તારે રાત રેને,મારે ઘરબાર છે,હું અહીં રહેવા નથી આવ્યો આતો ઘડીક મોજ આવી ગઈ ને ઝાડ પર ચઢી ગયો,"અને હવે વાંદરો હસ્યો બોલ્યો
"ને હવે વાંદરો ન બની જતો,નહિ તો તું મને ભારે પડીશ"અને માણસ ઝાડ ઉપરથી ઉતરતા બોલ્યો
"એ તો ઉપરવાળાની મહેરબાની,"અને માણસે હાથ લંબાવ્યો ને બોલ્યો
"ફ્રેન્ડ"પણ લંબાવેલો હાથ તેણે પાછો ખેંચી લીધો વાંદરો બોલતો હતો પણ તેના ચહેરા ઉપરનો ભાવ બદલાતો ન હતો,તે ખુશ છે કે નહિ તેની કોઈ ખબર પડતી નહોતી ,એટલે વાંદરો બેઠા બેઠા જ બોલ્યો
"બીક લાગી કે વાંદરાનો કોઈ ભરોષો નહિ,થપ્પડ મારી દે"
અને માણસ બોલ્યો "એવું તો માનતો જ નહિ કે હું તારાથી ડરું છું,મારી શેરીનો એક દાગિયો ભસ્યો કે આખા ગામના ડાઘીયા તારી વાંહે લાગી જશે,"અને વાંદરો ઠેકડો મારી ઝાડ પર ચઢી ગયો ને બોલ્યો
"અનુભવ છે, તે તેમની ડ્યૂટી બજવે છે,હવે તું તારે ઘેર જા ને હું મારા ભૂખ્યા ટોળાને બોલાવું અને આમ માણસ જમણા હાથને ઉંચો કરી અંગુઠો બતાવતો ગામ બાજુ વળી ગયો અને વાંદરાએ હાશકારો અનુભવી પોતાના ટોળાને સલામતીનો ઈશારો કર્યો.
અને આમ વાત પુરી કરી જુવાનો સામે જોતા હસતા ભાભાએ પૂછ્યું,
"મઝા આવી" અને ચારે મિત્રો સાથે બોલ્યા
"ભા બહુ મઝા આવી,કાલે પાછા આવજો "
"ભાઈ,ઘડીક પછીની ખબર નથી તો કાલ કોણે જોઈ છે " અને ભાભા મોટા સત્યને વહેતુ મૂકી ત્યાંથી ગયા ,તાજુબીથી ચારે જુવાનો ભાને જતા જોઈ રહ્યા.
-મહેન્દ્ર ભટ્ટ
No comments:
Post a Comment