બાપુની વાતો -એક જાદુગર.
દસેક વર્ષની ઉંમરમાં
બાપુએ કહેલી વાતોની હજુ સ્મૃતિ છે,તેમાં એક
જાદુગરની વાત તો બહુજ તન્મય થઇ અમે સાંભળતા,એક જાદુગર નામ તેનું મહમદ છેલ આમ તો તે એક ફકીર
હતા,અને લોકોની ભલાઈ માટે તથા
લોકોના આનંદ માટે જાતજાતના પ્રયોગો કરતા,તેમનામાં કોઈ એવો પાવર હતો કે તે ધારતા તેવું કરી શકતા,અને લોકોને પણ ખુબ ગમતું,તેઓનો જન્મ ૧૮૫૦ માં નીંગાલા,ગદાધા તાલુકા,ભાવનગર સૌરાષ્ટ્રમાં માં થયેલો અને ૧૯૨૫ માં મૃત્યુ પામ્યા હતા સામાન્ય
રીતે ટ્રેઈનમાં મુસાફરી કરતા અને મુસાફરી દરમ્યાન જાત જાતના પ્રયોગ કરી લોકોના દિલ બહેકાવતા,અને ટિકિટ તો ક્યારેય લેતા નહિ, ટિકિટ ચેકર આવે ત્યારે તેના જાદુનો રંગ દેખાડી
ગમે તે કાગળની ટિકિટ દેખાડી દેતા, ઘણી વખત મોડા
પડે અને ગાડી સ્ટેશન છોડી ચુકી હોય તો હોય
તો તેમના જાદુથી ટ્રેઇનનું એન્જીન ટ્રેઇનથી છૂટું કરી દેતા અને કહેતા હવે જાઓ મારા
વગર,લોકો પણ જાણતા તેમને ખબર
પડી જતી આ મહંમદ છેલનું કામ છે,જયારે તેઓ
ગાડીમાં આવી જતા ફરીથી એન્જીન જોડાઈ જતું,
એક વખત ગાડીમાં
ભીડમાં ઉભા હતા અને તેમણે સામે ઉભેલા એક ભાઈ ને પૂછ્યું ''કેટલા વાગ્યા"
પેલાએ પોતાના
ખિસ્સામાં રહેલું ચેઇન સાથે જોડેલું ઘડિયાળ
ઉપર નજર કરી સમય કહ્યો ,એટલે તેમણે
કહ્યું,"તમારું ઘડિયાળ
તથા ચેઇન ચાંદીનું લાગે છે,ખુબ સુંદર લાગે
છે,હું જોઈ શકું" પેલાએ
તેના વખાણ થતા ઘડિયાળ તેમને જોવા આપ્યું,મહંમદ છેલે તેનું ઘડિયાળ બારી ખુલ્લી હતી તેમાંથી બહાર ફેંકી દીધું,ઘડિયાળ એક પસાર થતા ઝાડના થડ સાથે અથડાઈને
તૂટી ગયું,પેલો અવાક બનીને જોઈ રહ્યો,અને આ બનાવ જોતા લોકોમાં પણ સોપો છવાઈ ગયો કોકે
કહ્યું તમારે આ કિંમતી ઘડિયાળના પૈસા આપવા પડશે,છેલ તેની સામે જોઈને બોલ્યા" મેં ઘડિયાળ
લીધુંજ નથી,"અને લોકો કઈ કહે
તે પહેલા એક પાઘડી વાળા ગ્રામીણ તરફ આંગળી બતાવતા કહ્યું "આ ભાઈએ ચોર્યું
છે" અને પેલા નિર્દોષ ગ્રામીણે તેનો
વિરોધ કરતા કહ્યું મેં લીધું જ નથી,અમે ચોર નથી,અને તે ગુસ્સે ભરાયો એટલે છેલે બધાને તેની
પાઘડી તપાસવા કહ્યું અને બધાની અરજથી પેલાએ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઇ જાય તે
માટે બધા સામે તેની પાઘડી ઉતારી તો પાઘડીના વળમાંથી પેલું ઘડિયાળ નીકળ્યું,પેલો નવાઈ પામી છેલ તરફ જોઈ રહ્યો,અને લોકોને પણ આનંદ આપી પેલાના માથામાં છેલ
પોતાનો હાથથી મસાજ કરતા હસતા હસતા બીજા સ્ટેશને ઉતરી ગયા,
એક વખત ગાડીમાં મુસાફરી દરમ્યાન એક ડબ્બામાં
કેટલાક ગ્રામીણ હતા અને વચ્ચે એક પાસે મીઠાઈનું બોક્સ હતું તે કોઈ તેના તરફ જોતું
ન હોય ત્યારે એકાદ મીઠાઈનો ટુકડો પોતાના મોઢામાં મૂકી દેતો હતો,આ દ્રશ્ય જોતા છેલ સાહેબને કઈ કૌતુક કરવાનો
વિચાર થયો,તેમણે પેલાને
કહ્યું આ તારી મીઠાઈ બધાની સાથે વહેંચીને ખા,પેલાએ છેલની વાત પર ધ્યાન આપ્યું નહિ,એટલે તેના તરફ જોઈ રહેલા છેલે મોઢા ઉપર સ્માઈલ લાવીને કહ્યું, હવે તું જ્યારે બીજી વખત આ બાસ્કેટમાં મીઠાઈ
માટે હાથ નાખે તો ધ્યાન રાખજે,પણ છેલની આ
ચેતવણી તેણે ગણકારી નહિ,અને બીજી વખત હાથ નાખ્યો તો અંદરથી મીઠાઈને
બદલે સાપ તેના હાથમાં હતો,
આવા છેલ ક્યારેક તોફાની પ્રયોગો પણ કરતા,સાધુ સંતો સાથે પણ ક્યારેક મઝાક કરી લેતા પણ
ખાલી લોકોના આનંદ માટે,એક વખત જ્યારે
જૈન સાધુઓ પોતાના ભિક્ષા પાત્રમાં વહોરીને જે ખાવાનું લાવ્યા હતા,ત્યારે છેલને મઝાક સુધી
અને કહ્યું કે તમે જે વહોરીને લાવ્યા તે અનાજ નથી અને સાધુઓએ જોયું તો અંદર જુદું
હતું સાધુઓએ તે ફેંકી દીધું અને તે સાધુઓના ગુરુજીને છેલની આ મઝાકની પોતાના
ધ્યાનમાં ખબર પડી અને બાપાના કહેવા મુજબ ગુરુજીએ પોતાના તપથી છેલને મઝાક કરવા માટે
જ્યા ઉભા હતા ત્યાં જમીનમાં ગળા ડુબ ઉતારી દીધા ,છેલને
આ મઝાક મોંઘી પડી પણ જયારે ગુરુજી તેમની સમક્ષ આવ્યા ત્યારે એક શરતે તેમણે
છેલને માફ કરવા કહ્યું, કે આજ પછી તેમણે
ક્યારેય જાણે અજાણે સાધુ સંતોની મઝાક
ન કરવી છેલ્લે ગુરુજી ની શરત માથું નમાવી સ્વીકારી અને વચન આપ્યું, તે પણ એક ફકીર
હતા પણ તે વખતે તપનો મહિમા ખૂબ જ હતો એટલે જેટલું તે જાણતા તેનાથી વધારે ઋષિ મુનિ
પાસે જ્ઞાન હતું એટલે આ બનાવ પછી તે કાયમ સાધુ સંતોને માન આપી પ્રણામ કરતા.આ ગુરુજી જૈન મુનિશ્રી નું નામ વિજયમિસૂરીજી મહારાજ
હતું.
ભાદર નદીને
કિનારે ગિરનારની તળેટીમાં નજીકના મંજેવાડીમાં દર વર્ષે જમાતનો મેળો ભરાતો તેમાં
શાદી તથા વિધ વિધ પ્રસંગો યોજાતા મૌલાબાપાને મળવા સહુ આવતા, મંજેવાડીના ઇમામ શાહ સુલતાન એક ખાસ કેમ્પમા
નદીના કિનારે રંગીન ટેન્ટમાં રહેતા,ઇમામ તેમની ૧૮ વર્ષની ઉંમરમાં હતા,
મહંમદ છેલે
ઈમામની બાબતમાં સાંભળ્યું અને પોતાના જાદુનો પ્રભાવ દેખાડવા તે ત્યાં જઈ પહોંચ્યો,
મૌલા બાપાના કેમ્પમાં તેને પૂછવામાં આવ્યું 'તારે શું કામ છે ભાઈ?' તેણે કહ્યું 'મારે આગા સાહેબને
મળવું છે,હું જાદુગર છું ,માખણમાંથી
ગેસોલીન બનાવી દઉં છું અને ભેસમાંથી ગાય
બનાવી દઉં છું,' આ ચર્ચા દરમ્યાન ઇમામ બહાર આવ્યા તેમનો ચહેરો
ચમકતો હતો,તે એક ખુબ તેજસ્વી ગુણવત્તા ધરાવતા હતા,છેલે તેમનો આદર કર્યો તેમણે છેલને પૂછ્યું,'તારે શું કામ છે,'છેલે કહ્યું 'હું એક મોટો જાદુગર છું,ઘણી મોટી ટ્રિકથી જાદુ કરી શકું છું ,'ઇમામે કહ્યું,'મને આવી ટ્રિક કે જાદુનું મહત્વ નથી,'તેમણે પોતાના
માણસ તરફ જોયું અને જાદુગરને ૨૦૦ રૂપિયા આપવા કહ્યું,છેલે કહ્યું ' મારે પૈસાની જરૂર નથી સાબ ભગવાનની કૃપાથી ખુબ
પૈસો છે' મૌલા હસ્યાં અને કહ્યું 'તો બીજું શું,'તો છેલે કહ્યું 'સાબ મારે તમને
મારી ટ્રીકો બતાવવી છે,હું એવી ટ્રિક બતાવીશ કે તમે અચરજ પામશો અને જીવન ભર તમને યાદ રહેશે,'
ઇમામે કહ્યું 'એમ એટલે' છેલે કહ્યું 'તમે મને જીવનભર યાદ રાખશો,'તેણે ઇમામને વધુ મોહિત કરવા પ્રયત્ન કર્યો,સાંભળી રહેલા
ઇમામે કહ્યું,'હવે કઈ વધારે' ત્યારે છેલ
બોલ્યા' ના સાબ હું તમારી પરવાનગીની રાહ જોઉં છું.' મૌલા તેમના હાથમાં એક શેરડીનો નાનો ટુકડો લઇ
આવ્યા અને જમીન
પર ફેંક્યો,અને જાદુગરને કહ્યું' ઉઠાવી લે' છેલ બોલ્યો 'એમાં શું મોટી વાત છે એ તો બચ્ચાનો ખેલ છે,'તેણે તેનો જાદુ
કરતા પહેલા કહ્યું
'પછી મને આપ,તું જોઈએ તો બે
હાથનો ઉપીયોગ કરી શકે છે' ઇમામે કહ્યું છેલે મંત્ર વગેરે બોલી તાલિ પાડી
ફૂંક મારી ટુકડાને ખસેડવા પ્રયત્ન કર્યો જયારે ટુકડો ન ખસ્યો ત્યારે મૌલાએ કહ્યું 'ખાલી હાથથી ઉઠાવી લે' તેણે એક હાથનો
ઉપીયોગ કર્યો પછી બેહાથનો ઉપીયોગ કર્યો અને પછી શરીરની બધી તાકાત લગાવી દીધી પણ
શેરડીના ટુકડાને જાણે જમીન સાથે ચોંટાડી દીધો હોય તેમ તે પરસેવે રેબઝેબ થઇ ગયો પણ
ટુકડો ખસેડી ન શક્યો.મૌલા હસતા રહ્યા
છેલ બોલ્યો
"હું માફી માંગુ છું,મારુ કમનસીબ છે કે હું આપની શક્તિ સમજી ન શક્યો,મને માફ કરો'
મૌલા બોલ્યા 'તું પરાસ્ત થયો"છેલ કઈ પણ બોલ્યા વગર વીલા મોઢે ચાલવા મંડ્યો ત્યારે
મૌલાએ તેને પાછો બોલાવ્યો'અને કહ્યું 'કેમ ચાલવા
માંડ્યો?'
અને મૌલાએ સામે
રમતા એક રસોયાના સાત વર્ષના છોકરાને બોલાવી કહ્યું 'બેટા મને આ ટુકડો
આપ' અને પેલા છોકરાએ સહેલાઈથી ઉઠાવી મૌલાને આપી
દીધો અને છેલને કહ્યું 'જો આ ખરેખર બચ્ચાનો ખેલ હતો ' આ સાંભળી છેલ ખુબ શરમાયો ત્યારે ઇમામે સાદાઈથી કહ્યું 'જો હું એક ઇમામ છું અને ઈમામની ઈચ્છા વગર કઈ બની શકતું નથી'છેલ ખુબ શરમ જનક સ્થિતિમાં ત્યાંથી જતો રહ્યો.
આવા તો ઘણા
કિસ્સાઓ મહંમદ છેલના હતા,ગણી વાર્તાઓ પણ
બની,મારા પૂજ્ય પિતાશ્રી
જેમને હું બાપુ કહીને બોલાવતો તેમની પાસેથી આવી ઘણી વાર્તાઓ બાળપણમાં સાંભળવા મળી
હતી જેનું આજે પણ સ્મરણ છે.
-મહેન્દ્ર ભટ્ટ.