Thursday, June 2, 2022

પોઝિટિવીટી - નેગેટિવિટી

 પોઝિટિવીટી - નેગેટિવિટી



ભીંતમાં ફેંકેલા દડાની જેમ આપણા સારા-ખરાબ કર્મો સમયની દીવાલ પર અથડાઈને પાછાં ફરે છે.... પૂર્વજન્મ અને પુનર્જન્મમાં ન માનતા હોઈએ તો પણ કર્મ, એનર્જી (ઊર્જા), ઓરા (આભા) અને વ્યક્તિના વાઈબ્રેશન્સ (ગૂઢ અસર) ઉપર તો વિશ્વાસ કરવો જ પડે. આપણી ભીતર ચાલતા સુખ-અસુખ, ઈર્ષા-તિરસ્કાર, શ્રદ્ધા-સ્નેહ, શાંતિ અને સંતોષ કે અશાંતિ અને ઈરિટેશન આપણી ઊર્જા-એનર્જી પર અસર કરે છે. ભીતરની એનર્જી બદલાય એટલે આપણી ઓરા અથવા આભા બદલાય છે. આપણી ઓરા (આભા)ની અસર આપણા વાઈબ્રેશન્સને જન્મ આપે છે.

આ વાઈબ્રેશન્સ એવુ ગૂઢ અસર છે કે જે સામેની વ્યક્તિને સંવાદ કે સ્પર્શ વગર આપણી ભીતર ચાલી રહેલી ગડમથલ કે શાંતિનો અનુભવ કરાવે છે. વ્યક્તિ જેટલી વધુ સેન્સિટિવ (સંવેદનશીલ) એટલી વાઈબ્રેશન્સ રિસિવ કરવાની એની શક્તિ વધારે... ભીતરની એનર્જી, આપણા મન સાથે જોડાયેલી છે. ઘણીવાર જાગૃત મગજમાં ન વિચાર્યું હોય એવું પણ જો મનમાં ચાલતું હોય તો એની અસર એનર્જી પર થયા વગર રહેતી નથી... જેમ પાણીમાં નાખેલું શાહીનું ટીપું ધીમે ધીમે પ્રસરે છે એમ નેગેટિવિટી અથવા નકારાત્મકતા સ્વચ્છ પાણીને ધીમે ધીમે પોતાનો રંગ આપે છે. એકવાર રંગ પ્રસરવા લાગે પછી એને પાણીમાંથી છૂટો પાડવો અઘરો છે એવી જ રીતે નેગેટિવિટીને પ્રસરવા લાગે પછી એને છૂટી પાડવાનું કામ અઘરું છે (બને તો આવું ટીપું મનના સ્વચ્છ જળમાં પડવા દેવું જ નહીં) છતાં, અશક્ય નથી.

આપણી ભીતર જે ઊર્જા ઉત્પન્ન થાય એ પ્રસ્વેદ કે ઉચ્છવાસની જેમ બહાર કાઢી નાખવાની શરીરને આદત છે... જે ઊર્જા ઉત્પન્ન થાય એ બહાર નીકળતાં આપણી આભામાં ભળે છે. ખૂબ હેન્ડસમ કે સુંદર દેખાતા લોકો સમય સાથે કદરૂપા થઈ જાય છે અને કેટલાક લોકો એવા દેખાવડા ન હોય તો પણ એમની આભા એટલી સુંદર હોય છે કે એમના તરફ જોયા વગર રહી શકાય નહીં... આ એમની ભીતરની ઊર્જા છે. જે એમની ઓરા બનીને બહાર આવે છે. 

જે ઓરા, આવા આપણા શરીરની આસપાસ રચાય છે એને અમુક રંગોમાં વહેંચવામાં આવે છે. હવે તો વિજ્ઞાન પણ આ ઓરાના રંગોને વર્ગીકૃત કરી શકે છે. આ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી વાત છે કે, શરીરની ભીતર જન્મ લેતી સારી-ખરાબ ઊર્જા અંતે આપણા અસ્તિત્વનું દર્પણ બની જાય છે... 

આપણા અસ્તિત્વમાંથી નીકળતા આપણી ઊર્જાના તરંગો સામેની વ્યક્તિ સુધી પહોંચે છે. એને વાઈબ્રેશન્સ કહેવાય છે. રેડિયો, ટેલિવિઝન કે સાઉન્ડના તરંગો દેખાતા નથી, પરંતુ ટ્રાન્સમિટર એને રિસિવ કરે એટલે એ દૃશ્ય કે શ્રાવ્યમાં પલટાય છે એવી જ રીતે, સામેની વ્યક્તિ તરફથી આવતા અદૃશ્ય તરંગો આપણે અજાણતાં જ ઝીલી લઈએ છીએ અને આપણી ભીતરની ઊર્જા એનું અર્થઘટન કરે છે. આ બધી સાવ ક્ષણોમાં બનતી પ્રક્રિયા છે. હવે વિજ્ઞાને સાબિત કરી દીધું છે કે, માણસના શરીરનું યંત્ર એના મન સાથે અભિન્નપણે જોડાયેલું છે. માઈન્ડ એન્ડ બોડી કેન નોટ બી સેપરેટેડ... એમ તબીબી વિજ્ઞાન, અધ્યાત્મ અને આયુર્વેદ જેવા મહત્વના જ્ઞાન આ વાતને સ્વીકારે છે.

કેટલાક લોકો ગમે અને કેટલાક લોકો કારણ વગર ન ગમે... એવું કેમ થાય ? એનો આ જવાબ છે. બે લોકોની એનર્જી એકબીજા સાથે મેચ થાય, અને બે લોકોની એનર્જી એકબીજા ઉપર વિપરિત અસર કરે... એકની ભીતર શાંતિ અને એકની ભીતર અશાંતિ હોય, એક સંતોષી-આનંદી હોય અને બીજી વ્યક્તિ ચીડાયેલી-અધૂરપ અનુભવતી હોય તો એ બંને લાંબો સમય સાથે ન જ રહી શકે.

આપણે બધાએ સૌથી પહેલાં ભીતરની ઊર્જા પર કામ કરવું જોઈએ... જો આપણી ભીતર મન સ્વચ્છ હશે તો બહારથી આવતી નેગેટિવિટી તેલના ટીપાની જેમ ઉપર તર્યા કરશે, પરંતુ પાણી સાથે ભળી નહીં શકે. ઊર્જા પોઝિટિવ (હકારાત્મક) હશે તો આભા (ઓરા) પણ ધીમે ધીમે સાફ થતો જશે. સ્વચ્છ ઓરામાંથી આવતા વાઈબ્રેશન પણ પોઝિટિવ જ હશે... 

વિજ્ઞાનમાં એક બીજો શબ્દ છે, 'કોહેઝન'. એક પદાર્થ એના જેવા બીજા પદાર્થને ખેંચે છે... અર્થ એ થયો કે, નેગેટિવિટી એના જેવા, અને પોઝિટિવિટી એના જેવા વાઈબ્રેશન્સને ખેંચે. આપણે ભીતરથી સ્વચ્છ અને આનંદિત હોઈશું તો આપોઆપ એવા જ લોકો અને એવી જ ઊર્જા આપણા તરફ ખેંચાશે. ભીતરથી નેગેટિવ, ઈર્ષાળુ, ઝઘડાળુ, અસંતોષી હોઈશું તો એવી જ ઊર્જાને આપણી તરફ ખેંચતા રહીશું.

નિર્ણય આપણો છે. પ્રયાસ પણ આપણો જ હોઈ શકે. આપણે જે કરીશું તે જ આપણા સુધી પાછું ફરશે... દીવાલ પર ફેંકેલા દડાની જેમ.

 માન, સ્નેહ, ક્ષમા, વહાલ કે ઉદારતાના દડા ફેંકીશું તો એ જ પાછા આવશે. અપમાન, તિરસ્કાર, કટુતા કે ઈર્ષાના દડા ફેંકીશું તો એને પણ આપણે જ ઝીલવા પડશે, ક્યારેક નહીં ઝીલાય તો આપણને જ વાગશે.  ખરૂંને? 

(એક પબ્લિશ્ડ લેખ )

જય શ્રી કૃષ્ણ 





No comments:

Post a Comment