Tuesday, July 17, 2018

સાંભળેલી એક ધર્મ કથા......

સાંભળેલી એક ધર્મ કથા......



એકવાર વિષ્ણુ ભગવાન શેષનાગની શૈયા ઉપર આરામ કરતા વિચારતા હતા અને તેમને પૃથ્વી પર
આંટો મારવાનું મન થયું,વિચાર્યું ઘણા વખતથી ગયો નથી તો  ચાલ ભ્રમણ કરી આવું અને તેઓ તૈયાર થયા તો લક્ષ્મી માતાજીએ પૂછ્યું પ્રભુ,ક્યાંની તૈયારી તો પ્રભુએ પૃથ્વી ઉપર ભ્રમણ કરવા જાઉં છું એવું કહ્યું તો માતાજીએ કહ્યું પ્રભુ આજ્ઞા હોય તો હું પણ સાથે આવું ,તો પ્રભુએ કહ્યું એક શરતે કે ઉત્તર દિશા તરફ ન જુઓ,અને માતાજી સંમત થયા,અને પૃથ્વી પર બંને વિહાર કરવા લાગ્યા.ચારે કોરેથી સુંદરતાથી ઉભરાતી કુદરત પ્રભુના આગમનથી વધારે પ્રભાવિત થઇ ,સુગંધિત સમીરે માતાજીનું મન મોહી લીધું અને પ્રભુની શરત વિસરાઈ ગઈ,તેમણે ઉત્તર દિશામાં જોયું તો એક ખેતરમાં સુંદર રંગ બેરંગી ફૂલો ખીલ્યા હતા,તેની સુંદરતાનું આકર્ષણ માતાજી રોકી ન શક્યા અને પેલા ઉપવનમાંથી એક સુંદર ફૂલ તોડ્યું.આ ઉપવન એક ગરીબ બ્રાહ્મણનું હતું,જ્યારે પ્રભુ તરફ આવ્યા ત્યારે પ્રભુએ તેમને શરતની યાદ કરાવી અને કહ્યું,કોઈના ઉપવનમાંથી વગર પૂછ્યે ફૂલ તોડવું ન જોઈએ એ એક અપરાધ છે.દેવી ને ભૂલ સમજાતા પ્રભુ પાસે ક્ષમા યાચના કરી પણ પ્રભુએ કહ્યું દેવી અપરાધ કર્યો છે માટે સજા તો ભોગવવી જ પડે.અને તેની સજા છે ત્રણ વર્ષ સુધી તે ગરીબ બ્રાહ્મણને ત્યાં રહી નોકર તરીકે  કામ કરવાનું.ત્રણ વર્ષની અવધી પુરી થયે  તમો મૂળ સ્વરૂપ ધારણ કરી શુરસાગરમાં આવી શકશો ,માતાજી પોતાની ભૂલથી નિરાશ થયા પણ પ્રાણનાથની આજ્ઞા અને ભૂલની સજા માથે ચઢાવી ગરીબ બ્રાહ્મણના દ્વાર પર ઉભા રહ્યા બ્રાહ્મણ તેમની પત્ની અને ત્રણ પુત્રીઓ સાથે ઉપવનને છેડે પોતાની ઝૂંપડીમાં રહેતા હતા,પોતાના દ્વાર ઉપર કોઈ ને ઉભેલું જોઈ ત્યાં ગયા તો ગરીબ કન્યા ઉભી હતી તેણે
હાથ જોડી પોતાને કોઈ કામ આપવા માંગણી કરી તો ગરીબ બ્રાહ્મણે લાચાર થઇ કહ્યું કે હું પોતે ગરીબ છું અને ગુજારો ચલાવવાની ખુબ તકલીફ છે પણ તમે મારી પુત્રી જેવા ધારી હું દયા કરી તમારી વાતને સ્વીકારું છું અને તકલીફ હોવા છતાં બ્રાહ્મણે પોતાના દયા ધર્મનું પાલન કર્યું અને ગરીબ દીકરી તો સાક્ષાત લક્ષ્મીજી હતા એટલે તેજ દિવસથી બ્રાહ્મણના સારા દિવસોની શરૂઆત થઇ ઉપવનના ફૂલો વેચાઈ ગયા અને ધાર્યા કરતા વધુ ધન આવ્યું અને પછી તો માતાજી ત્યાં કામ કરતા રહ્યા અને બ્રાહ્મણની ઉત્તરોત્તર પ્રગતિ વધતી રહી,પછી તો ઝૂંપડી હતી ત્યાં ખૂબ જ સુંદર મકાન થયું પણ આ બધું કેમ થયું તે બ્રાહ્મણ ધનના મોહમાં વિચારી ન શક્યો.બધીજ સ્થિતિ ફેરવાઈ તે ધનિક બની ગયો ત્રીજા વર્ષના અંત પછીની સવારે તેણે દ્વાર પર લક્ષ્મી માતાજીને ઉભેલા જોયા,માતાજીના દર્શનથી તેનું શીશ ઝૂકી ગયું અને નોકરના વેશમાં તેણે માતાજી પાસે ત્રણ વર્ષ સુધી કામ કરાવ્યું તેનો તેને ખુબ ક્ષોભ થયો પણ તેમાં તેનો અપરાધ ન હતો એટલે માતાજીએ આશીર્વાદ આપ્યા અને જીવ્યો ત્યાં સુધીસુખ શાંતિ અને વૈભવમાં પ્રભુ ભજનમાં કુટુંબ સાથે સમય વિતાવ્યો.

એટલે જીવનમાં પ્રભુ કોઈ પણ વેશે આવી શકે છે ફક્ત પ્રેમ હોય તો,માટે જીવનમાં પ્રભુ સાથે પ્રેમ કરો,પિતા પુત્રને જન્મ આપી કદી ભૂલતો નથી પણ અહીં આવ્યા પછી મોહ માયામાં ફસાતા પુત્ર પ્રભુને ભૂલી જાય છે,અને ન કરવાના કાર્યો કરતા અધો ગતિને પામે છે.પૃથ્વી પર આપણે બધા એકલપંથી મુસાફર છીએ પણ પિતાને ભૂલી જઈને મોટો અપરાધ કરતા તેની દયાથી વંચિત થઇ જન્મોજન્મના ચક્કરમાં અટવાયા કરીએ છીએ.

જય શ્રી કૃષ્ણ.

No comments:

Post a Comment