આપનો ખુબ ખુબ આભાર....(ટ્રેજિક સ્ટોરી )
સારિકા અને પ્રવીણ ના લગ્નને બે વર્ષ પુરા થયા હતા, સુખી જોડું હતું બંને એ કોલેજમાં ભણતા ભણતા પરિચય કેળવી સંબંધને લગ્ન સુધી મુકામ આપ્યો હતો,સુખી કુટુંબના હોવાથી પૈસે ટકે કોઈ ખામી ન હતી,બંને ની જોબ સારી હતી,પ્રવીણની માં દીકરાના લગ્ન જીવનને બે વર્ષ પુરા થયા પછી કોઈ નવા મહેમાનની આશા રાખતી હતી પણ નવા યુગના કપલને કોઈ ઉતાવળ ન હતી,બંને વેકેશન લઇ દૂર દૂર ફરવા નીકળી જતા,નવી નકોર ગાડીમાં જુદા જુદા ફરવાના સ્થળોએ તેઓ નીકળી પડતા,બંને ડ્રાઈવર હતા એટલે લાંબી ટ્રીપમાં પણ તેઓને તકલીફ નહોતી પડતી,નવો જમાનો નવી ગાડી અને નવા ઉમંગ સાથે બંને જણા ખુશ ખુશાલ હતા,મસ્તી મજાક કરતા કરતા ટ્રીપનો લ્હાવો લેતા,આ વખતે પણ બે અઠવાડિયાનું વેકેશન લઇ તેઓ નીકળી પડ્યા હતા,,સારિકાએ નીકળતા પહેલા બધી જરૂરી તૈયારી કરી લીધી હતી,આ વખતનું સ્થળ કોઈ પહાડ પર હતું,એટલે લાંબે જવાનું હતું,પહાડની વનરાઇને માણતાં માણતાં કુદરત સાથે અનુભવ કરતા બંને જઈ રહ્યા હતા,પહાડી શરુ થતાંજ પક્ષીઓના મધુર અવાજ અને ક્યારેક તો જંગલી પ્રાણીઓના અવાજ પણ સંભળાતા,પહાડી શરુ થતા ચઢાણને હિસાબે ગાડી ની ગતિ ઘટી જતી,વારેઘડી ચેતવણી અને વણાંકની સાઈનો આવતી,હજુ અડધો કલાક તો પ્રકાશ હતો,પછી સૂર્ય દાદા અસ્તાચળમાં જતા નવરંગી સંધ્યા પણ રાત્રિમાં ઓંજલ થવાની હતી,અને પહોંચવાનું સ્થળ હજુ બે કલાકની દુરી પર હતું,એટલે કારની લાઈટની મદદથી આગળ વધવાનું હતું,પણ એ રસ્તા પર અડધો કલાકથી કોઈ ગાડી દેખાતી ન હતી,એટલે એકાંતનો એહસાસ થતા બંને થોડા ગંભીર હતા,ગાડી પ્રવીણ ચલાવતો હતો અને સારિકા આજુબાજુ બરાબર ધ્યાન રાખતી હતી,બંને બરાબર સચેત હતા,અત્યાર સુધીમાં ઘણી ટ્રીપો કરી હતી એટલે બંને અનુભવી હતા પણ પહાડી ઉપર પહેલી વખત જઈ રહ્યા હતા,એટલે બંને સજાગ હતા,સાથે મોબાઈલ અને ઈમરજંસી માટેની બંને પાસે પૂરતી માહિતી હતી,ગમે ત્યારે ગમે તે થાય એટલે સાવચેતીને પ્રથમ સ્થાન દેવું જરૂરી હતું,જોકે ગાડીનું ટાયર બદલવાનું બંને જાણતા હતા,એટલે ત્યાં સુધી તો વાંધો ન હતો,નવી ગાડી હતી એટલે બીજું કઈ થવાના ચાન્સીસ ઓછા હતા,પણ જાગતા નર સદા સુખી એમ બંને જણા ખૂબ જ સાવચેત હતા,હવે સૂર્યાસ્ત થયો એટલે પ્રવીણે ગાડીની લાઈટ ઓન કરી,સારિકા આજુબાજુ જોતી હતી પણ ચઢાણ વાળા રસ્તે કોઈ વસ્તી ન હતી એકલતાનો અનુભવ લાગવા મંડ્યો હતો,ક્યાંક રસ્તા ઉપર ગાડી ઉંચી નીચી થતી,બે કલાકનો સમય હજુ પસાર કરવાનો હતો,ગાડીના કાચ અર્ધા ખુલ્લા હતા,ક્યારેક સારિકા સ્નેકનું ખુલ્લું પેકેટ પ્રવીણ સામે ધરતી એટલે તેમાંથી થોડો સ્નેક લઇ તે મોઢામાં મૂકી દેતો,આમ તો રસ્તામાં ધાબા જેવા સ્થળે તેઓ અટકતા,પણ પહાડી શરુ થયા પછી કોઈ વસ્તી દેખાતી ન હતી,બંને જણા એકબીજા સાથે વાતો કરતા ,ચર્ચા કરતા એટલે એકલતામાં થોડી મદદ મળતી,હવે સંધ્યાએ પણ રંગો છોડી દીધા એટલે ક્ષિતિજો ઉપર ઝાંખો પ્રકાશ દેખાતો હતો,થોડાક આગળ ગયા ત્યાં એક વણાંક આવ્યો અને વણાંક પછી તેની નજર દૂર કોઈ સ્ત્રી ઉભી હોય તેવો ભાસ થયો અને તેણે સારિકાને ચેતવી,અત્યાર સુધી કોઈ ન હતું અને અચાનક વણાંક પછી કોઈ સ્ત્રી જોતા બંને અચંબામાં પડ્યા તે સ્ત્રીની સાડીનો પાલવ પવનમાં ઉડતો હતો અને તે બંને હાથોના ઈશારે પ્રવીણની ગાડી રોકવા માટે ઈશારો કરતી હતી,બંને ખુબ અચંબામાં પડી ગયા,પહેલી વખત આ પહાડી પર આવ્યા હતા અને આ અનોખો અનુભવ થઇ રહ્યો હતો,તે સ્ત્રી કોઈ પણ હોય પણ તેના હાવભાવથી તે ચોક્કસ કોઈ મુસીબતમાં હોય એવું પ્રવીણને લાગતું હતું ,અને બંને તે અંગે ખુબજ ગંભીરતાથી શાંત થઇ ગયા હતા,આવા એકાંત રસ્તા પર કોઈ સ્ત્રી,સંધ્યા સમયે ,ભૂત વળગાડના દાખલા તેઓને વસ્તીમાં સાંભળવા મળતા,પણ વસ્તીની એ વાત તેઓ માટે કોઈ ગંભીર સમસ્યા નહોતી,સારિકા તો એમ કહેતી કે જેટલું મન નબળું એટલી માથાકૂટ વધારે,મન મજબૂત હોય તેને માટે કોઈ પરેશાની નહિ,જુનવાણી ની વાતો હવે જૂની થઇ ગઈ હતી,વાત સાચી હતી પણ આજે તે થોડી ગંભીર થઇ ગઈ, નબરાશને અનુભવતા તે પ્રવીણ બાજુ જોઈ લેતી,પ્રવીણ તેને શાંત કરતા કહેતો કઈ વાંધો નહિ,પડે એવી દેવાશે.તેઓ આગળ વધતા પેલી સ્ત્રીની નજીક આવી ગયા,અને પ્રવીણે ગાડી ધીરી કરી ઉભી રાખી એટલે પેલી સ્ત્રી પ્રવીણની બાજુ આવી પ્રવીણે ડર્યા વગર બારી ખોલી,સારિકા પણ થોડી નમીને તેને જોવા મંડી તેણે અનુભવ કર્યો,તે એક દુઃખી સ્ત્રી દેખાઈ,તે સ્ત્રીએ પ્રવીણને કહ્યું,
"ભાઈ મારી ગાડીને અકસ્માત થયો છે ને મારી દીકરી તેમાં છે પ્લીઝ એને બચાવી લો "
અકસ્માતની વાત સાંભળતા બંને બેબાકળા બની ગયા અને પ્રવીણે પૂછ્યું,
"ક્યાં છે"એટલે પેલી સ્ત્રી એ નીચેની બાજુ ઈશારો કર્યો એટલે પ્રવીણે ગાડી ન્યુટ્રલમાં મૂકી હેન્ડબ્રેક મારી અને બંને ગાડીની બહાર નીકળ્યા,ને પેલી સ્ત્રી પાછળ ચાલવા માંડ્યા ,પહાડી હતી પણ રસ્તાની આજુબાજુ પહોળાઈ હતી એટલે ખીણ દૂર હતી ,પ્રવીણે જોયું તો પેલી સ્ત્રી ની ગાડી એક ઝાડ સાથે ટકરાઈને અટકી ગઈ હતી તેમાંથી બાળકીનો રડવાનો અવાઝ આવતો હતો એટલે તેણે જલ્દી પહોંચવા દોટ મૂકી પેલી સ્ત્રી અને સારિકા પણ દોડ્યા.સારિકાએ દોડતા પેલી સ્ત્રીને પૂછ્યું
"ઇમર્જન્સીને ફોન કર્યો "પણ કોઈ જવાબ વગર પેલી સ્ત્રી દોડતી રહી,પ્રવીણે પાછળનું ડોર ઉઘાડવાનો પ્રયત્ન કર્યો અને ઉઘડી ગયું,પણ બાળકીની હાલત ગંભીર હતી તે રડી શકતી હતી એટલે તેને ઇમર્જન્સીની જરૂર હતી તેને તેણે બહાર કાઢી તેની પીઠ અને માથા પર હાથ ફેરવી શાંત કરવાનો પ્રયત્ન કર્યો અને સારિકાને ફોન કરવા કહ્યું એટલે સારિકાએ ઇમર્જન્સીને કોન્ટેક કર્યો,અને તે તેમાં બીઝી થઇ ગઈ,પાંચેક મિનિટમાં તો ઘણા બધા વાહનો ચઢાણ ઉપરથી સાયરન સાથે નીચે આવતા દેખાયા,અને પ્રવીણે માથું ઊંચું કરી પેલી સ્ત્રીને પૂછવા પ્રયત્ન કર્યો તો તે ઘભરાઈ ગયો તે સ્ત્રી ત્યાં ન હતી તેણે સારિકાને પૂછ્યું પણ તે પણ હાંફળી ફાફળી બેબાકળી બની આજુબાજુ જોવા મંડી પણ પ્રયત્ન નિષ્ફળ રહ્યો,સારિકા કાર બાજુ ધસી કદાચ ઘભરાઈને તે કારમાં બેસી ગઈ હોય પણ પ્રવીણ મોટેથી બોલ્યો
"શું કરે છે,કારમાં ક્યાંથી હોય? ,આજુબાજુ જો "તે બાળકીને તેના ખભા પર ઉંચકીને શાંત કરી રહ્યો હતો, સારિકા પણ ઘભરાઈ, પણ કઈ ન સૂઝતા તેણે આગળનું ડોર ખોલી કાઢ્યું ,અને તે ચીસ પાડી ઉઠી પ્રવીણ પણ ગભરાઈને દોડ્યો, દરમ્યાન પોલીસના માણસો તથા બધા આવી ગયા,પેલી સ્ત્રી સ્ટીયરીંગ ઉપર માથું ઢાળીને પડી હતી લોહી વહીને થીજી ગયું હતું ,તેનું માથું ફૂટી ગયું હતું,ઈમરજન્સીના માણસોએ સ્ત્રીને મરેલી જાહેર કરી ,અને પોલીસે કેસની નોંધણી કરતા પ્રવીણ તથા સારિકાને અકસ્માત અંગે કેટલાક સામાન્ય પ્રશ્નો પૂછ્યા,એમ્બ્યુલસ તથા બીજા કેટલાક વાહનો બાળકી અને સ્ત્રીના શબને લઇ હોસ્પિટલ માટે રવાના થઇ ગયા,પેલી સ્ત્રી થોડીવાર પહેલા તો સામે હતી,પણ પોલીસનો છેલ્લો પ્રશ્ન હતો
"તમારે આ અંગે વધુ કઈ કહેવું છે?,"પણ ખબર નહિ બંનેએ માથું હલાવી નકારો ભણ્યો,તે જે હકીકત હતી તે અંગે કઈ કહી ન શક્યા,પોલીસ જે સામે હતું તે તથા અકસ્માત માટેની વિગતો લઇ બંનેને ઓકે કહી ફાયરબ્રિગેડે અકસ્માતની ગાડી બહાર રોડ પર લીધી એટલે ત્યાં સારિકા ને પ્રવીણ રહ્યા અને તે પણ પોલીસ રોડ પર ઉભી હતી એટલે ત્યાંથી પોતાની ગાડી બાજુ ચાલવા મંડ્યા અને ગાડીમાં બેઠા પછી જ પોલીસ ત્યાંથી ગઈ,ગાડીમાં બેઠા પછી બંને જણા સતત ગંભીર હતા,તો તેઓ જ્યાં જવાનું હતું તે તરફ ગયા પણ થોડીવાર પછી સારિકા બોલી,
"પ્રવીણ ચાલ ઘેર પાછા જઇયે ,"પ્રવીણે જોયું સારિકા આ બનાવથી ખુબજ તૂટી ગઈ હતી,તેણે પણ તે પ્રમાણે જ કર્યું અને આગળ થી ગાડીને યુ ટર્ન કરી પાછી લીધી ,
સારિકા બોલી '
"કોઈના મૃત્યુ ઉપર આનંદ લેવાનો કોઈ અર્થ નથી " અને પ્રવીણ સંમતિ સાથે માથું હલાવતો હતો ત્યાં ફરી તેની નજર પડી તે સ્ત્રી ફરીથી રોડ ઉપર ઉભી હતી,તેણે ગાડી ધીરી કરી ઉભી રાખી ,તેઓં તે સ્ત્રી સાથે વાત કરવા ખુબ ઉત્સુક હતા,પણ તે સ્ત્રી બારી પાસે નમીને હાથ જોડી એટલુંજ બોલી
"આપનો ખુબ ખુબ આભાર "અને સારિકા હસી તેને વધુ પૂછવું હતું પણ ત્યાં કોઈ જ ન હતું,અને બંને અવાક બની ગયા,ગાડી થોડીવાર ત્યાંજ ઉભી રહી,પ્રવીણે નીચે ઉતરીને પણ જોયું પણ ત્યાં બધું એકદમ શાંત હતું ઝાડીમાંથી તમરાંનો અવાજ આવતો હતો, નિરાશ કપલની ગાડી અંધારું ચીરતી ત્યાંથી પહાડી ઉતરી ગઈ.
-મહેન્દ્ર ભટ્ટ .
No comments:
Post a Comment