Monday, July 24, 2017

તે કોણ હતી....!!

તે કોણ હતી....!!


શંકર શાકભાજીની લાળી ઉપર  શાક લેવા આવ્યો હતો,માએ જે શાક કહ્યું હતું તે લઇ તે ચાલવા મંડ્યો અને અબુ લાળીવાળો બોલ્યો ત્યારે ખબર પડી તેણે પૈસા નહોતા આપ્યા,પૈસા આપતા તેણે કહ્યું
"માફ કીજિયેંગા અબુ ભાઈ,ગલતી હો ગઈ,મૈં કહી ખો ગયા થા."અને અબુ હસ્યો,
" મુજે પતા હૈ તુમ્હારા કસૂર નહિ,લડકીકે ચક્કરમેં સારી દુનિયાકા યે  હાલ હૈ."અને શંકર બોલ્યો
"મેરેકો ઐસા કોઈ ચક્કર બક્કર નહિ હૈ" અને અબુ ભોંઠો પડી ગયો બોલ્યો
"માફ કરના ભૈયા મગર જિસ તરફ આપકી નજર થી વહી જો લડકી થી વો આપકો ઇસ તરહસે દેખ રહી થી ,મૈને સમજા આપકા કોઈ રિસ્તેદાર હોગા," અબુની નજરમાં શંકરને સત્ય  સમજતા વાર ના લાગી અબુ કોઈ મશ્કરી  મઝાક ન હોતો કરતો,શંકર ઘણા સમયથી તેને જાણતો હતો અબુ એવો બિલકુલ ન હતો કે એવા કોઈ સંજોગ ઉભા  કરે માટે તે ગંભીર હતો પણ પોતાનું કોઈ એવું સગું ન હતું,તેની માં અને તે બેજ ત્યાં રહેતા હતા.

શંકરનો એકલો એક ભાઈબંધ હતો શામજી,શામજી ભગત,લોકોએ શામજીનો ધંધો સમજીને આપેલું શુભ નામ શામજી ભગત ,શામજીનું કામ હોય તો મહાદેવના મંદિરમાં બાવાજીની ભઠ્ઠી કે જેમાં બાવાજીનો ચીપિયો ખોસેલો હોય ત્યાં પગે લાગતી મુદ્રામાં બેઠો હોય,તે લોકોમાં એટલે પ્રિય કે લોકો તેને શામજી ભગત કહીને હસતા હસતા મશ્કરી કરે તોય શામજી ગરમ ન થાય,પૈસે ટકે ગરીબ પણ તેને જોઈને હસતા લોકોનું આયુષ્ય વધારવાનો તેને સંતોષ.અને તેની એક બહેન રંજન,શંકરને શામજીની ભાઈબંધી એટલે રંજન પણ શામજીના સબંધે શંકરની બેન,બસ તે બે ભાઈ બેનની શંકરને ત્યાં અવર જવર બાકી શહેરના બીજા લોકોમાં બહુ સબંધ નહિ, તો કોણ તેને એકી નજરે જુએ,અબુને ત્યાં તે કાયમ શાક લેવા જતો પણ તેને તેનામાં વિશ્વાસ હતો તે કોઈ એવી વાત ન કરે કે જે તેને હાનિ પહોંચાડે,તો તેને કોઈ જોતું હતું તે વાત હકીકત હતી ,શા માટે..? કદાચ કોઈ અજાણ્યું  નવા સંબંધ માટે જોતું હોય,ત્રીસની  ઉંમરમાં ખોવાતા તેની જુવાનીના મેચમાં કોઈનું  ધ્યાન હોય તે શક્ય છે,સ્ટ્રેન્જ,

અબુની વાત મન ઉપર સવાર થઇ ગઈ,તેણે કોઈને જોયું ન હતું પણ કોઈએ તેને જોયો હતો,અને તે અબુની વાત હતી, તેને અબુમાં વિશ્વાસ હતો, પણ સવાર થયેલી વ્યક્તિ વિષે ત્યાંજ પડદો પાડી એ ત્યાંથી હાથ હલાવતો અબુ તરફ સ્ટ્રેન્જ નો ઈશારો કરતો,ચાલવા મંડ્યો પણ અબુની વાતમાં રહેલી વ્યક્તિ કોઈ સ્ત્રી હતી,અને કોઈ તેના તરફ જુએ તેમાં નારાજગીની તો કોઈ વાત ન હતી,ચડતા જીવનનો એક પડાવ હશે કે જે સંસાર માટે સામાન્ય છે,તેને માં માટે પ્રેમ હતો પણ માને પૂછે તો માં પણ તેજ કહેવાની હતી બેટા,
મારા માટે વહુ લાવી દે જેથી તું એકલો ન પડી જાય,બદલાવ તેતો કુદરતનો ક્રમ છે.અને તેથી શંકરને ગંભીર ન લાગતી આ વાત તેના મનમાં બળજબરીથી પ્રવેશ કરી રહી હતી,

સ્ત્રીની વાત હતી,

સમજ્યા પછી શાક લઈને ત્યાંથી ચુપચાપ નીકળી ગયો હોત તો કોઈ વાંધો નહિ પણ અટક્યો એટલે ફસાયો,તમન્ના જાગી જાણવાની, તેને કોઈક જોતું હતું ,તે કોણ હતી?,હવે આ વાક્યને અંતે આવતા વણાંકવાળા ચિહ્નમાં તે જબરો ફસાયો.ભલે જવાબ મળે કે ન મળે પણ શંકર ઘેલો થઇ ગયો અને તેથી જ તેણે આજુબાજુ જોયું અને અત્યાર સુધી શંકરની નિર્દોષ આંખોએ કોઈક દોષનું ક્રિએશન કર્યું હતું,તે હવે એક નહિ આજુબાજુની અનેક છોકરીઓ તરફ શંકાસ્પદ રીતે જોઈ રહ્યો હતો,અને સાફ વાત છે તેને જોવાવાળી સ્ટ્રેન્જ છોકરી તેના કોઈ એક મતલબથી જોતી હતી પણ બીજી બધી છોકરીઓને તેના માટે કોઈ જ મહત્વ ન હતું અને તેની નજરો દુનિયાને સમજાવવાનો પ્રયત્ન કરે કે હું તો મારા અપરાધીને શોધી રહ્યો છું તો તે મૂર્ખ હતો સમાજ દોષિતને ક્યારેય માફ નથી કરતો,તો ત્યાં તેના મેચની ઘણી છોકરીયો શાક લેવા આવી હતી,તેણે પહેલા કોઈને એવી નજરોથી જોયું ન હતું

પણ હવે અબુની વાતે તેની નજરો ઉપર દબાણ કર્યું હતું,તે જતા જતા કોઈ સ્ટ્રેન્જ વ્યક્તિને જોવા પ્રયત્ન કરતો હતો,તેની નજરોએ નિરીક્ષણ કરતા એક છોકરી કે જેના માથાંમાં ગજરો હતો તેની ઉપર તેની નજર સ્થિર થઇ પરંતુ તે જ તે હોય એવું થોડું મનાય છે,જીવનમાં પહેલી વખત આવેલી આવી વાતે તેને હતો ન હતો કરી નાખ્યો હતો, તે અબુની લાળીથી દૂર થઇ ગયો હતો પણ અબુની વાત તેનો પીછો છોડતી ન હતી,તે આજુબાજુ જોયા કરતો હતો કે જેણે તેને જોયો તે ફરીથી  તેના તરફ જોશે,ઘડીક વાર તે ઉભો પણ રહી ગયો,આજુબાજુ ઘણી લાળીઓ હતી અને આખું શાકભાજીનું માર્કેટ હતું  પણ તેના માટે કોઈને રસ ન હતો સહુ સહુના કામમાં વ્યસ્ત હતા,આખરે તેની માં શાક માટે રાહ જોતી હશે તે વિચારે તેને ઘર તરફ ગતિ શીલ કર્યો પણ મનમાં સવાલ રહી ગયો તે કોણ હતી,કોણ જાણે હવે કેટલું બનશે,આટલી મોટી દુનિયામાં તેના તરફ જેની નજરો હશે તે સ્ટ્રેન્જ ને  શોધવામાં તેનું મન લાગી જશે,કે અત્યાર સુધીનું જીવન માં કોઈ ઝંઝાવાત આવશે, તે સમજદાર હતો ,જીવન છે એટલે તેમાં ચઢાવ ઉતાર તો આવે પણ તેનું નિરાકરણ ન હોય તો વ્યર્થ ,પ્રયત્ન કર્યા સિવાય ભૂલી જવું સમજદારીની નિશાની છે,પણ શંકરનું ઘુમરાતું મન સમજી નહોતું શકતું ,તે કોણ હતી,અને ઉભા થયેલા પ્રશ્નને પ્રયત્ન કર્યા વગર છોડી દેવો તેના બસની વાત ન હતી માટે સંગ્રામ નક્કી હતો

આ સંગ્રામના કિનારે પેલી ગજરા વાળી યુવતી અંગે જાણવા તેના મને ,વિચાર્યું આ એક ઝંઝાવાતી વિચાર હતો,મન માં જાણે આંધી આવી ,તેની આજુબાજુ ફરતી નજર રસ્તો શોધવા લાગી ,જાતે જઈને પૂછે તો સજા પણ થાય ને આબરૂના કાકળા થાય તે જુદું,એટલે એતો શક્ય જ ન હતું,તેણે અબુનો સહારો લેવાનું વિચાર્યું,પણ અટક્યો કેમકે તે તેને સમજતો હતો પણ વેપારી હતો,અને તેણે જ તેને કહ્યું હતું
 "મેરેકો ઐસા કોઈ ચક્કર બક્કર નહિ હૈ"ના ભાઈ, તેના જેવા તો કેટલાય આવે,બધાનું સાંભળવા જાય તો તેનું શું થાય એટલે તે પણ શક્ય ન હતું,અનેક રસ્તા શોધતી તેની આંખોમાં તે વખતે રંજન પડી,શામજી ભગતની બેન,તે પણ શાક લેવા આવી હતી,નજર મળી એટલે  તેણે પણ દૂરથીજ શંકર સામે હસીને હાથ હલાવ્યો, ઘણી વખત રંજનનો તેના તરફનો વ્યવહાર શંકરને વધુ પડતો લાગતો ,તે  ઘણી વખત ભાન વગરની ચેષ્ટા કરતી ત્યારે તે ખૂબ જ સાવચેત રહેતો.  રંજન  તેના તરફ આવવા લાગી શંકરને મોકો મળી ગયો તેના મનમાં ઝડપથી રંજનને પેલી ગજરાવાળી મહિલાની માહિતી મેળવવા કહેવાનું વિચારી લીધું.
રંજન આવી ને તેણે કહ્યું એટલે તે ચકકર ખાઈ ગઈ,.અને હસી ,બોલી,
"શંકર ભાઈ,તમને ગજરાવાળીની શું જરૂર પડી ...?"
" જો રંજન ,તું મશ્કરી ન કર,આ એક ગંભીર વાત છે,તને પછી સમજાવીશ,પ્લીઝ ."
"ઓકે,ઓકે શંકરભાઇ,હું પ્રયત્ન કરું,પણ હું રંજન છું તમારા મિત્રની બહેન ,માં ને આજે મળી હતી એટલે આ ચોખવટ કરું છું,માં એ મને પૂછ્યું હતું ," અને શંકર કઈ કહે તે પહેલા તે નીકળી ગઈ ગજરાવાળી સ્ત્રી હજુ ત્યાંજ હતી, તે તરફ આગળ વધેલી રંજનને જોઈ શંકર ભોંઠો પડી ગયો,એક સવાલ હતો" તે કોણ હતી" અને તેને જાણવા તે અટવાયો ને હવે જવાબ શોધવા રંજનનો સહારો લીધો તો  તે પણ  પણ છેલ્લે બોલી" માએ મને પૂછ્યું " ,હવે માએ તેને શું પૂછ્યું  તે બીજો સવાલ ઉભો થયો અને તે ગુંચવાયો,

મનમાં" તે કોણ" ની જગ્યા ક્યાંક રંજન લઇ રહી હતી,એક વખત તો થયું ,તે ખોટા વિચારે ચઢી ગયો છે ,એવો વિચાર જ કેમ આવે,પણ રંજને જાતેજ માને કઈ કહ્યું હોય તો તે થોડી તેની બેન હતી,મૂઢ બનીને ઉભેલા શંકરના મનમાં પ્રશ્નોનો જવાબ વગરનો ઢગલો થઇ ગયો,તે લગભગ  રંજનમાં ખોવાઈ ગયો ત્યારે કોઈ બેન તેની સાથે અથડાયા તેની પણ ખબર ન પડી ,પેલા બેનની શાકની થેલી પડી ગઈ,અને તેમણે તેને માર્યો ધક્કો,માંડ પોતાની જાતને પડતા બચાવતો શંકર બે હાથ જોડીને બેનની માફી માંગતો સોરી સોરી કરતો વિનંતી કરતો રહ્યો,બેન એક ઘૃણાની  નજરે તેના  તરફ જોતા શાકની થેલી લઇ ત્યાંથી જતા રહ્યા,તમાશાને તેડું ન હોય તેમ ત્યાં ઉભેલા લોકો ભેગા થવા લાગ્યા પણ પેલા બેન જતા રહેતા પાછો મામલો શાંત પડ્યો,શંકરને  થયું આજનો દિવસ ભારે  છે,ભાગી જા  નહિ તો હવે માર પડશે,ને ઘડીક માટે તો ત્યાંથી જતું રહેવાનું મન થયું પણ હવે રંજનની રાહ જોવા લાગ્યો,પ્રશ્નોના  વમળમાં પહેલી વખત સ્ત્રી શબ્દ સાથે અટવાતો શંકર ફીકો પડી ગયો હતો.અને રંજન પણ આવી ગઈ,તેના મોઢા ઉપર છવાયેલા હાસ્ય તે વાતની ચાડી ખાતું હતું કે તેને વિગતમાં કૈક મળ્યું હતું,તે જાણવા ઉત્સુક બન્યો અને રંજન હસી ,હવે શંકરને લાગ્યું તે બધા માટે હાસ્યાસ્પદ છે બધાજ તેને સમજવા તૈયાર નથી તેની દરેક વાતમાં તેની મશ્કરી થાય છે, હવે રંજન પણ જોડાઈ ગઈ ,ઘડીક માટે ઉપજેલી રોમાન્ટિક રંજન તેના માનસ ઉપર હસીને વેદનાના તિર ભોંકી રહી હતી, તેને ત્યાંથી ભાગી જવાનું મન થયું પણ તે રોકાયો ,જયારે કોઈ સ્ત્રી નો પ્રવેશ જીવનમાં થઇ રહ્યો હોય તો ભાગવું એટલું સહેલું નથી હોતું ,રંજને ખુલાસો કરતા  કહ્યું
"સાંભળ,"
"સાંભળું જ છું ચબાવલી,છાની માની બોલને....જાણે એક કામ કર્યું તે બહુ મોટો ઉપકાર કર્યો ....".
અને રંજન મન મૂકીને તેના રઘવાટ ઉપર હસી પડી.,બોલતા પણ તકલીફ પડી હવે શંકરને ભાગવાનું મન થયું,રંજને પણ મન મૂકીને લાભ લીધો
"તે,બધી બાજુ ફાંફા ના મારતા હોય તો "અને રંજનનો આ તડતડતો જવાબની શંકરને ખબર ન પડી પણ તેના  ગુસ્સાને ઓગાળવામાં તે જરૂર કામ આવ્યો તે ઢીલો પડ્યો,અને રંજન વધુ મજબૂત થઇ
"ગજરાવાળીનો જવાબ સાંભળવો ના હોય તો હું આ ચાલી..."
"ના, ના, ચાલી ક્યાં..બોલને મારી બુન"અને શંકર થોડો ઘેલો થયો એટલે રંજને 'બુન 'શબ્દ ઉપર ઉદગાર  છેડ્યો પણ બોલી,
"તે બહેન બહુ શાંત હતા,તેમને તેમના છોકરા ઘેર રાહ જોતા હશે  તેની ચિંતા હતી
એટલે બહુ વાત ના કરી,હવે વધુ કઈ"
"ના, ના,વધુ કઈ નહિ આ તો...ખાલી જાણવું હતું તે કોણ હતી..."
"અને હવે જાણી લીધું શંકર ભાઈ ,તે છોકરાવાળી હતી"
" છોડ હવે એ વાતને ,ઘેર આવજે પછી વાત કરીશું"અને ત્યાંજ ટૂંકાવી  તે ખંધુ હસ્યો અને તેના જવાબમાં રંજન પણ ત્યાંથી ટૂંકાવી શાક લેવા ગઈ,શંકરે તેને છેલ્લે જોઈ ત્યારે તેની નજરોમાં કોઈ ખુશીની  મહોર હતી.અને તેથી તેનો મોભે ચઢેલો પ્રશ્ન" તે કોણ હતી ?",મીણની માફક ઓગળીને ક્યાં ભળી ગયો તેની તેને ખબર ન પડી
તે વખતે સાંજ પડી ગઈ હતી પશ્ચિમે સુરજ આથમવા લાલ બન્યો હતો, હવે તેને " તે કોણ હતી " તે જાણવાની કોઈ ઇંતેજારી ન હતી કેમ કે તે સવાલ આથમતી સાંજના સૂર્ય સાથે ક્યાંક ઓગળી ગયો હતો  જયારે પૂર્વે પૂનમનો ચંદ્ર સોળે કળાએ પોતાનું તેજ વધારતો ઉગી રહ્યો હતો,સૂરજનું આથમવું અને ચંદ્રનું ઊગવું એ તો કુદરતનો નિત્ય ક્રમ હતો,સૂર્ય ઉગે અને આથમે ,ચંદ્ર ઉગે અને આથમે,,મનુષ્યનું જીવન પણ ઉગે અને આથમે ,પણ  આ કુદરતની નિત્ય કાયમી  ઘટના મનુષ્યની સાથે કેમની સરખાવવી અલ્પ આયુષ્યની તેની સફર માં મળતી ખુશીની મોઝ જયારે લેવાઈ ત્યારે લઇ લેવી એ જ શંકરનો આશય હતો, તેથી મનમાં ચાલતા ઘમાસાણમાં શાંત થવા પ્રયત્ન કરતો હતો કેમકે કોઈક તેના જીવનમાં દાખલ થઇ રહ્યું હતું, શાકની ઝોળી હાથમાં લેવાને બદલે ખભે નાખી તે ત્યાંથી નીકળી ગયો,તે તેના આનંદની પ્રતીતિ હતી.

-મહેન્દ્ર ભટ્ટ 

No comments:

Post a Comment