Tuesday, July 18, 2017

વસંતે ફૂલો ખીલે

વસંતે ફૂલો ખીલે 


રાત્રે મોડે આવેલા સમીરે જોયું તો ઘરની સાંકળ ખુલ્લી હતી,પવનના સહારે તે લોલકની માફક હાલ્યા કરતી બારણાં ઉપર એક ઝીણો અવાજ કર્યા કરતી હતી,તે જોઈ તેના ચહેરા ઉપર હંસીની નાની લહેર દોડી ગઈ,બારણે ટકોરા મારતા પહેલા તેને ઘડીક ઓટલા ઉપર બેસવાનું મન થયું,ગામનું વાતાવરણ એનું એજ હતું,ધરતી હિલોળે ચઢી હતી,વસંતના ફૂલોની સોડમ લહેરાતા પવનની સાથે મંદ મંદ પ્રસરી રહી હતી,તેનું ગામ ગરીબ હતું પણ માણસો ખુબ સારા હતા,નાનું ગામ હતું,બસ ચુકી જતા તે મોડો પડ્યો હતો અને એક ખટારામાં તેને રાઈડ મળી હતી,ચાલકને પૈસા ચૂકવી તે ઘેર આવ્યો હતો,વર્ષ પહેલા જ તે આવ્યો હતો ત્યારે આ જ સમય હતો,અને વસંતના ફૂલોની સોડમ એવી જ હતી, તેમાં કોઈ નવું ન હતું ,વસંતે ફૂલો તો ખીલે જ એમાં કોઈ  નવી વાત નહોતી પણ તે શા માટે ખુબ ખુશ હતો કદાચ વસંત ખુશ થવાની ઋતુ હોય કોને ખબર અને આ વર્ષે તે કોલેજનો અભ્યાસ પૂરો કરી આવ્યો હતો,ઘરમાં માં અને એક નાની બેન હતી સરોજ તેનું નામ હતું,હવે તે મોટી થઇ ગઈ હતી પણ તેના માટે તો નાનકી  જ હતી ,નાનું મોટું કામ કરતુ આ કુટુંબ ગરીબ હતું,પણ તબિયતમાં સહુ ખુશ ખુશાલ હતા,સરોજની એક બહેનપણી બીજા ફળિયામાં રહેતી હતી,કુસુમ તેનું નામ હતું બંને બહેનપણીઓ ખાસ સહેલી પણ સમીર બંનેથી પાંચ વર્ષે મોટો,કુસુમનું ઘર ગરીબ નહોતું પૈસે ટકે સારું હતું,પણ સરોજ સાથેની દોસ્તી તેના  કુટુંબને થોડી માફક નહોતી આવતી પણ બંને નાના હતા અને ભણતા ભણતા માયા થઇ ગઈ પછી તો કુસુમ બીજી છોકરીઓ સાથે સરોજ જેટલો સબંધ નહોતી રાખતી,ઘણી વખત મુશ્કેલી પડતી,બીજી છોકરીયો ટોણા મારતી તે સહન કરવા પડતા પણ બંનેની દોસ્તીની મજબૂતાઈ એવી ને એવીજ રહી હતી,બંને મેટ્રિકમાં ફેઈલ થઇ ને પછી ન ભણી બસ સરોજ નાના મોટા કામમાં લાગીને માને મદદ કરતી અને કુસુમ ના ઘરમાં તો રોજ લોકોની અવરજવર વધારે રહેતી, ગામના મોટા ઘરોમાંનું એક ઘર, તેના વડીલો પાસે ગામના માણસો સલાહ સૂચનો લે આમ કારોબાર મોટો પણ કુસુમને તેની અસર લગીરે નહિ,સરોજને ક્યારેક એવું થાય કે કુસુમને તેને માટે ઘણું સહન કરવું પડે પણ કુસુમને તેની દોસ્તીની ખાસ ખબર, દાડામાં એક બે વખત મળે નહિ તો તેને ચેન ન પડે.
પણ ઉમર તો વધતી રહે તેમ સોળ પુરા થયા તો પણ બંનેની  દોસ્તીમાં  કઈ જ ફરક નહિ,એક વખત કુસુમની માને ચિતા થઇ કેમકે કુસુમ હવે સુંદરતામાં ઉમેરો કરી માથાના વાળમાં ક્યારેક ગજરો ખોસી દેતી હતી,તે એક વર્ષથી બદલાતી નજરે પડી હતી,એટલે મજાકમાં ચિંતા કરતી માએ પૂછ્યું હતું,
"શું વાત છે ?"
અને મૌન રહેલી કુસુમે કઈ જવાબ ન આપતા સરોજ સાથેના સંબંધમાં ઘટાડો કરવાની વાત કરી હતી,કુસુમ તેથી ખુબ નારાજ થઇ હતી પણ તે તેના કુટુંબને પણ એટલુંજ ચાહતી હતી હવે માની વાતથી તેના અંતરમાં ધ્રાસ્કો પડ્યો હતો,સરોજને કહેવાથી તેને દુઃખ થશે એટલે કહ્યું નહિ પણ દિવસને બદલે અઠવાડીએ મળતી હતી,આ ફેરફાર સરોજ માટે થોડો ભારે હતો પણ ખબર નહિ કૈક કરતા તે તેનો બહુ વિચાર નહોતી કરતી,તેને ખબર હતી મોટા ઘરની વાતો,પણ કુસુમ માટે તે તેવું કઈ વિચારતી નહોતી,
એક દિવસ કુસુમની માએ એકદમ જ કુસુમને કહી દીધું કે
"તને જોવા તારા પાપાના એક ખાસ દોસ્ત તેના દીકરાને લઈને આવવાના છે."
માં એ તો વાત સહજમાં કરી દીધી પણ કુસુમ હેબતાઈ ગઈ,પણ શું કરે,માને ખબર પડી કે તેને સગાઈની વાત ન ગમી, પણ છોકરીને ગમે ત્યારે બહાર તો જવાનું જ હોય મોકો સામે ચાલીને આવ્યો હતો,એટલે છૂટકો ન હતો, કુસુમને કહેવું હતું કે તે તેના માટે તૈયાર ન હતી,પણ શું વાત કહેવી કે તેની માને સમજાવી શકે,તેને ખબર હતી કે તે એક વખત ના કહેશે તો કુટુંબ બરજબરી નહિ કરે પણ સામે કોઈ ચોકકસ કારણ તો કહેવું પડે,આવતા અઠવાડિયે મહેમાનો આવવાના હતા,તેણે વિરોધ ન કર્યો પણ તેના ચહેરાએ ચાડી ખાધી ને માના સવાલોનો ઢગલો થઇ ગયો.એટલા નાના ગામમાં બીજો વિચાર તો આવે જ નહિ છતાં માં હતી એટલે કહ્યું
 " તારા મનમાં જે કઈ હોય તે મને કહે છોકરાને ગમશે અને નક્કી થઇ જશે પછી બહુ મોડું  થશે."
કુસુમની માં ને કુસુમ માટે ચિંતા હતી,એટલે તે તેની દીકરીને સીધું બતાવીને કહેવા માંગતી હતી કે હું તારી સાથે છું,અને તે વાતથી નાખુશ કુસુમના ચહેરા ઉપર થોડી ખુશી આવી હતી,પણ તે ખામોશ હતી,અને તેનાથી તેની માની ચિંતા વધી ગઈ કેમકે કુસુમની જરૂર કોઈ વાત હતી, તેની વધારે અવરજવર તો સરોજને ત્યાં હતી એટલે કોઈ વાત હોય તો પણ તે બાજુની હોય તે સમજતા કુસુમની માને વાર ન લાગી પણ ઊંડાણમાં જતા પહેલા તેણે કુસુમને ઈશારો કરી પૂછ્યું,
" તારા પપ્પાને સબંધ માટે ના કહી દઉં"
 અને કુસુમ મોટેથી બોલી
" હા "
અને તેની માં તેને શાંત કરતા તેની પાસે બેસી પડી અને પૂછ્યું
"શું વાત છે બેટા,"
તો કુસુમની આંખોમાં આંસુ ભરાયા અને તેની માને માફી માંગતા વળગી પડી,માએ તેને વળગી  રહેવા દીધી,હવે તેનું મન તેના પપ્પાને કેમના સમજાવવા તેના વિચારે ચઢ્યું,સારું થયું વાત ગમે તે હોય પણ દીકરીની નારાજગીની પહેલા ખબર પડી,તેની માં કુસુમ માટે બિલકુલ નારાજ નહોતી,અને તે દરમ્યાન
સરોજ પણ ત્યાં આવી ચઢી,કુસુમે વાત છુપાવવાના સરોજ સામે ખુબ ફાંફા માર્યા પણ સરોજ તેની ખાસ મિત્ર હતી,તે કુસુમ પાસે બેઠી ને પૂછ્યું
"શું  વાત છે કે જેની મને ખબર નથી,કાકી કુસુમ કેમ રડી હતી ?"
એના જવાબમાં તેની માં કઈ બોલે તે પહેલા કુસુમે તેના મોઢા પર હાથ રાખી દીધો અને હસી પડી ,સરોજે કહ્યું "મને ના કહેવું હોય તો વાંધો નહિ પણ તું ખુશ તો છે ને." અને કુસુમે હસતા માથું હલાવ્યું ,અને સરોજ બોલી "મોઢામાં મગ ભર્યા છે તે બોલાતું નથી."
પણ કાકીથી ન રહેવાયું  બોલ્યા
"કુસુમને સગાઇ નથી કરવી "અને હસ્યાં,કુસુમ બગડી પણ કાકી સરોજને કહેતા ન અટક્યા
"તું બહેનપણી છે તને ખબર તે કેમ ના પાડે છે,"અને બગડતી કુસુમને જોતા સરોજ પણ હસી અને બોલી
" મને તો કઈ જ ખબર નથી કે શું લફરું છે "અને કુસુમ વધારે બગડી કાકી ભત્રીજી હસતા રહ્યાં અને કુસુમ બગડતી રહી અવાજ બાજુના રૂમ સુધી ગયો અને કુસુમનો ભાઈ પણ આવી ચઢ્યો પણ તેની માએ કહ્યું
"તારા બસની વાત નથી"
 એટલે માથું ખંજવાળતો જતો રહ્યો.અને કુસુમ બોલી
"આખા ગામને ઢંઢોળો પીટીને જણાવો કે કુસુમને સગાઇ નથી કરવી."
અને સરોજથી ન રહેવાયું કાકીની સાથે તે પણ મન મૂકીને હસી.હવે કુસુમ બંનેથી દૂર ખસીને બેઠી એટલે સરોજ પાસે સરકી અને બોલી
"શું રાજ છે."અને કાકી બોલ્યા
"અલી બોન, આપણને ખબર પડી કૈક રાજ છે એટલું બસ નથી "
અને હવે કુસુમ પણ હસી કેમકે બધા વચ્ચે ક્યાં સુધી ગુસ્સો કરાય અને માં અને મિત્ર વચ્ચે ગમે તેવી વાત કહેવાય પણ તે શાંત રહી,પણ હસી એટલે તેની માં એક ડગલું આગળ ભરી રસોડામાં ચા બનાવવા ગઈ અને બંને બહેનપણીઓ એકલી પડી,સરોજે જાણવા પ્રયત્ન કર્યો પણ કુસુમે રાજ ન ખોલ્યું અને સામે પૂછ્યું "સમીરભાઈ આવવાના છે એવું તું કહેતી હતી ."જવાબમાં
"બે દિવસ પછી આવવાના છે" એવું સરોજે જણાવ્યું ,પણ તેની ટ્યુબલાઈટ તરત ના ઝબકી,કેમકે તેનો ભાઈ વરસ પહેલા આવ્યો હતો તો એક બે દિવસમાં તો જતો રહ્યો હતો અને હવે પાછો કોલેજ પુરી થયે પાછો આવવાનો છે ને બે દિવસમાં એક નોકરીનો ઇન્ટરવ્યૂ છે તે જતો રહેવાંનો  છે,પણ કુસુમે તેને કેમ પૂછ્યું ,પહેલા તો કોઈ એવી વાત નજરે નથી પડી ,બંને ખાસ બહેનપણીઓ છે, છાની છપની ગમે તે વાત ખબર પડ્યા વગર ન રહે,અને સરોજને ખબર ન પડી પણ મોડો મોડો પણ એક ઝબકારો થયો ને તેને યાદ આવ્યું,છેલ્લા વર્ષે સમીર આવ્યો ત્યારે કુસુમ પણ ત્યાં જ હતી અને બે દિવસ પછી આવવાનો છે તો તેના વિષે જ પૂછી રહી છે તો........આ 'તો' નો ઘણો ભાર હતો ,બધી વાતો સીધી થોડી કહેવાય,સરોજની ખુશીએ કુસુમને બોલવા ફરજ પાડી ,અને એકી ટસે જોતી સરોજ સામે તે સહમત થતા બંને એક બીજા સાથે ભેટી પડ્યા રાજ ખુલી ગયું,કાકી ચા લઈને આવ્યા ખુશીના સમાચારે તે રાજી ન હતા પણ દીકરી ની ખુશી પહેલી જોવાઈ,સહુએ મોઢું મીઠું કર્યું ,કુટુંબ ને સહમત થતા અગવડ પડી પણ સમીરમાં  ગરીબી સિવાય કોઈ ખરાબી ન હતી,

જયારે સમીરે બારણું ખખડાવ્યું ત્યારે રાહ જોતી સરોજ ઝબકીને જાગી અને બારણું ખોલ્યું પણ હસતા ભાઈ તરફ જોઈ ફરી બંધ કરી દીધું,તેની માં પણ પાછળ આવી હતી અને સમીર મોટેથી બોલ્યો ને પૂછ્યું
"નાનકી શું વાત છે ?"
 ત્યારે ફરીથી બારણું ખુલ્યું ભાઈ બેન ભેટ્યા માં પણ ખુશ થઇ દીકરાને આશીર્વાદ આપ્યા નવાઈની વાત તો એ હતી કે વસંતના ખીલેલા ફૂલોની સોડમ આવતી હતી અને સમીરને સમજતા વાર ના લાગી કે નાનકી સાથે સહુ ને છુપા રાજની ખબર પડી ગઈ,પણ તાજ્જુબ થતા તેણે શું જોયું....!!    માની પાછળ ત્રીજી વ્યક્તિ પણ ત્યાં હાજર હતી , સરોજ મોટેથી બોલી
" કુસુમના ભાઈ સમીરભાઈ "
ત્યારે સમીરને નાનકીની મજાકનો કઈ ખ્યાલ ન આવ્યો પણ કુસુમ હસી કેમકે તેણે રાજ ખોલતા સમીરભાઈ કહ્યું હતું તેની આ મજાક હતી, કુસુમની માએ કુસુમની ખુશીનો પુરે પૂરો ખ્યાલ કર્યો હતો,પણ કુસુમે પણ તેમાં પાછી પાની ન કરી આગળ વધતા સમીરને.એક નાના સ્માઈલ ની ભેટ સાથે અટકવું પડ્યું સમીરની ખુશીનો પણ પાર ન હતો,નાનકીનાં ખુલ્લા હાસ્ય વચ્ચે ખરેખર આ વર્ષની વસંત તેના માટે પૂર્ણ રૂપે ખીલી હતી.

-મહેન્દ્ર ભટ્ટ 

No comments:

Post a Comment