દુઃખદ પળોના સંસ્મરણો
સિત્તેર વર્ષની ઉંમરે જ્યારે પિતાજીની યાદ આવે તો જુના સ્મરણોમાં ખોવાતા ખાટી મીઠી વીતી ગયેલી ક્ષણો નજર સામે ઉપસ્થિત થાય ક્યારેક સિત્તેર વર્ષનું એ અનુભવી મન વધારે પડતું લાંગણીવશ થતા આંખો અશ્રુસભર થઇ વહી પડે કેમકે મોટી ઉમર કે જ્યાં પિતાજીની કાયા દુનિયાનું હલન ચલન છોડી શાંત થઇ ગઈ હતી,કુટુંબ શોકમાં ગરકાવ થઇ મહિના સુધી અશાંત થઇ ગયું હતું ત્યારે દુનિયાને જાણતા કેટલાક અનુભવીઓના સહારે વીતી ગયેલી દુઃખદ પળોમાંથી સમય જ ઉગારે એવા આશ્વાશનો સાથે પિતાજીના સુંદર ફોટા ઉપર સુખડનો સુંદર હાર ચઢાવી વડીલોના સહારે ધીરે ધીરે શાંત થતું ફરી એ દુનિયામાં પિતાજીની યાદોને ફોટામાં કંડારી ભળી ગયું હતું,કુટુંબના નાના સભ્યોમાં હું અને મારા મોટાભાઈના બે પુત્રો હતા,દસ વર્ષની મારી ઉંમર, મારા મોટાભાઈ કે જેઓ પણ પિતાજીને પહેલો આઘાત આપી એક જીવલેણ બીમારીમાં ભાભી તેમજ તેમના બે પુત્રોને છોડી દુનિયાથી વિદાય થયા પછી પિતાજી ખુબજ ઢીલા પડી ગયા હતા અને તેજ ઢીલાશે તેમનો હૃદય રોગમાં ભોગ લીધો હતો,પછી બાની છત્ર છાયાથી જીવન વધતું જતું હતું,
પિતાજીનો ગોર મહારાજ તરીકે વ્યવસાય હતો,ચાર ગામોની યજમાન વૃત્તિ હતી એટલે તેમના ચાહકો ઘણા બધા હતા,યજમાનોનો પ્રેમ ખુબ હતો,દરેક પાસેથી અખૂટ માન મળતું હતું,પરંતુ મોટાભાઈ કે જે તેમનો મદદ માટેનો બીજો હાથ હતો,તે કમનસીબે છીનવાતા ગમે તેવો મજબૂત માણસ પણ તૂટી જાય,તેઓ શિષ્ટ માં ખુબ કડક હતા,પહેલા તો કુટુંબને વર્તણુક માટે ખુબ સાચવતું પડતું,જો કઈ ખોટું થાય તો પછી બા પણ કઈ કરી નહોતા શકતા,પિતાજીને રાજપીપળાના રાણીએ તેમના સમયે રાજગોર બનાવ્યા હતા,પરંતુ રાણી સાથે પણ કઈ વાંધો પડતા ત્યાંથી દોરી લોટો લઈને નીકળી ગયા હતા,તેઓ જ્યારે નારેશ્વરમાં પૂજ્ય રંગ અવધૂત મહારાજનો પ્રચાર વધતો જતો હતો ત્યારે તેમના મિત્ર તરીકે મદદ કરતા એવું પૂજ્ય બા પાસેથી જાણવા મળતું,
નાનો હતો તે વખતે મને યાદ છે બાપા મને જ્યારે લગ્ન જેવા પ્રસંગો હોય ત્યારે સાથે લઇ જતા,એક વખત તો કઈ કારણસર અમે ચાલતા પાલી ગામ મુકામે એક યજમાનની દીકરીના લગ્ન કરાવવા જઈ રહ્યા હતા,અને સાંજ પડી ગઈ હતી,તે વખતે પાલીની સીમમાં એક વરુ નું ટોળું સડક તરફ આવી રહ્યું હતું,હું તો ગભરાઈને તેમની પાછળ લપાઈ ગયો પણ તેઓએ મને કહ્યું એતો કઈ ન કરે અને તેમણે તેમની ખંજરી વાળી લાકડી એક પથ્થર ઉપર અથાડી અને તેનો અવાજ થતા તે ટોળું બે ભાગમાં વહેંચાઈ અમારાથી દૂર દોડી જતું રહ્યું એ અત્યારે પણ મને યાદ છે,કે તેમણે કેવી રીતે હિંમત દાખવી હતી નહિ તો ,મારા ખ્યાલ મુજબ ટોળામાં દસેક પ્રાણીઓ તો હતા,અને સાંજનો સમય,જંગલી પ્રાણીઓ હુમલો કરે તો જરૂર જોખમ હતું,પરંતુ તેમનું કામ ધર્મનું હતું એટલે કદાચ કુદરત કે ભગવાનની પણ એટલે જ મદદ મળી રહે,તેઓ ખૂબ જ સંતોષી હતા,ગામના લોકો પણ સાંજે તેઓ ઘરે આવે એટલે ઓટલા ઉપર તકિયો લઈને અઢેલીને બેસે અને આજુબાજુ પાંચેક માણસો તો બેઠેલાજ હોય,દીવો કરવાનો સમય થાય ત્યાં સુધી ગામની તેમજ ધર્મની વાતો ચાલતી રહે,
પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ જ્યારે નર્મદા નદીને કિનારે શુક્લતીર્થ ગામમાં ભક્તોને દર્શન આપી રહ્યા હતા ત્યારે પૂજ્ય પિતાશ્રી મને લઇ ગયા હતા ત્યારે પૂજ્ય ગુરુજીએ એક કેળું મને પ્રસાદમાં આપ્યું હતું ત્યારથી આજ સુધી મને ગુરુજીમાં શ્રદ્ધા છે ઘણી વખત ગુરુજીની પ્રતીતિનો ભાસ થાય છે ત્યારે પૂજ્ય પિતાશ્રીની પણ યાદ આવી જાય છે,જેનો જન્મ છે તેનું મરણ પણ છે,તે કુદરતનો ક્રમ છે,પૂજ્ય પિતાશ્રી ને પણ હૃદય રોગ થયો અને બચાવ શું કરી શકાય ,ધર્મમાં ખુબજ ચુસ્ત બાએ માતાજીના પુંજા સ્થાને દીવો કર્યો પણ તે પણ બુઝાઈ ગયો ત્યારે સહુ વિષાદમાં પડી ગયા,તે સમયે અમારા નાના ગામમાં કોઈ ડોક્ટર નહિ એટલે યજમાનો બળદ ગાડામાં બાજુના સેવણી ગામમાંથી બચુભાઈ ડોક્ટરને બોલાવી લાવ્યા પણ આવીને તેમણે પણ દુઃખદ સમાચાર આપ્યા,મારી દસ વર્ષની આંખો એ તે વખતે અશ્રુ નહોતા સાર્યા પણ ડોક્ટરના નિદાન પછી રડતા બાને જોઈ રડી પડ્યો હતો,પણ ગામલોકોની માવજતથી થોડીવારમાં બધા સાથે ભળી ગયો હતો, દસ વર્ષની ઉંમર કઈ ખોટું થયું છે તેને સમજવા એટલી ગંભીર નહોતી,પૂજ્ય પિતાશ્રીની સ્મશાન યાત્રામાં ચાર ગામના લોકો જોડાયા હતા, પણ આજે તે દુઃખદ પળોના સંસ્મરણો આંખો ભીંજવી દે છે
No comments:
Post a Comment