Thursday, October 16, 2025

શુભકામનાઓ

 દિવાળી શુભકામનાઓ

 

કાલથી શરુ થતા દિવાળીના શુભ તહેવારોની આપ સહુ મિત્રોને કુટુંબ સહીત ખુબ ખુબ શુભકામનાઓ,પરમાત્મા સહુ પર કૃપા કરે - શુભ દીપાવલી,સાલમુબારક -જય શ્રી કૃષ્ણ 

Thursday, October 9, 2025

બાંકે બિહારી મુજકો દેના સહારા

 બાંકે બિહારી મુજકો દેના સહારા 


Parrots

બાંકે બિહારી મુજકો દેના સહારા,કહી છૂટ ન જાયે દામન તુમ્હારા 

બાંકે બિહારી મુજકો દેના સહારા.


તેરે સિવા દિલમેં સમાયે ન કોઈ, લગન કા  યે દિપક બુઝાયે ન કોઈ,

તુંહી મેરી કસ્તી,તું હી હૈ કિનારા,કહી છૂટ જાયે ……….


તેરે નામકા ગાન ગાતા રહું મૈં,સુબહ શામ તુજકો રિઝાતા રહુ મૈં 

તેરા નામ મુજકો હૈ પ્રાનોસે પ્યારા, કહી છૂટ જાયે ……….


તેરે રાસ્તેસે હટાતી હૈ દુનિયા, ઇશારોંસે મુજકો બુલાતી હૈ દુનિયા,

દેખું ના હરગિજ મૈં દુનિયાકા ઈશારા,કહી છૂટ જાયે ……….


બડી ભૂલ કી જો મૈં દુનિયામેં આયા મૂલ ભી ખોયા ઔર  વ્યાજ ભી ગવાયા

દુનિયામેં મુજકો ના ભેજના દુબારા ,કહી છૂટ જાયે ……….


બાંકે બિહારી મુજકો દેના સહારા,કહી છૂટ ન જાયે દામન તુમ્હારા 

બાંકે બિહારી મુજકો દેના સહારા.


જય શ્રી કૃષ્ણ 



Wednesday, September 24, 2025

મોત જ્યારે આવશે

 મોત જ્યારે આવશે 


મોત જ્યારે આવશે, તેને પાછું નહિ વાળી શકો (૨)

માટે જીવો એવી જિંદગી કે મોતને પણ માણી શકો 


એવા જન્મ મરણના ચક્રને,નહિ તમે થોભાવી શકો (૨)

વસંતે ખીલવું ગમે,તો ના પાનખરને ટાળી શકો 

માટે જીવો એવી …….


સત્કર્મ કરીને બસ તમે સમયને સાંધી શકો (૨) 

ઘડી પહેરી હાથમાં, નહિ વખતને બાંધી શકો,

માટે જીવો એવી ..,,,,,,,

જય શ્રી કૃષ્ણ 

Sunday, September 21, 2025

નવરાત્રીની શુભકામનાઓ


નવરાત્રીની શુભકામનાઓ


 


 કાલથી શરુ થતા માતાજીના નવરાત્રીની આપ સહુ વાચક મિત્રોને કુટુંબ સહીત ખુબ ખુબ શુભકામનાઓ 

માતાજી સહુનું ભલું કરે,

-જય માં જગદંબે 

Wednesday, September 17, 2025

હે કરુણાના કરનારા

 હે કરુણાના કરનારા 



હે કરુણાના કરનારા ,તારી કરુણાનો કોઈ પર નથી ..(૨) 

હે સંકટના હરનારા,તારી કરુણાનો કોઈ પર નથી ..(૨) 


મેં પાપો કર્યા છે એવા,હું તો ભુલ્યો તારી સેવા..(૨) 

મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાંનો કોઈ પર નથી ..(૨) 

હે કરુણાના……..


હું અંદરમાં થઇ રાજી, ખેલ્યો છું અવળી બાજી

અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પર નથી 

હે કરુણાના…..


હે પરમ કૃપાળુ હાલા,મેં પીધા વિષના પ્યાલા,

વિષને અમૃત કરનારા,તારી કરુણાનો કોઈ પર નથી 

હે કરુણાના કરનારા….


કદી છોરું કછોરું થાયે, તું મહાવીર કહેલાયે,

 મીઠ્ઠી છાયા દેનારા,તારી કરુણાનો કોઈ પાર નથી.

હે કરુણાના…..


મને જડતો નથી કિનારો,મારો ક્યાંથી આવે આરો,

મારા સાચા કેવનહારા,તારી કરુણાનો કોઈ પાર નથી. 

હે કરુણાના….


છે મારુ જીવન ઉદાસી,તું શરણે લે અવિનાશી,

મારા દિલમાં હે રંગારા, તારી કરુણાનો કોઈ પાર નથી. 

હે કરુણાના…..

હે સંકટના હરનારા……


જય શ્રી કૃષ્ણ 


Monday, September 15, 2025

કાગવાસ શું કામ...... ?

 કાગવાસ શું કામ...... ?

         


  વડ કે પીંપળા.. નાં ટેટા  ગમેતેટલા...રોપશો તો પણ તે નહિ ઉગે.

 પ્રકૃતિ પરમાત્માએ આ બે અતિ મહત્વના વૃક્ષ ઉગાડવા ...માટે અલગ ગોઠવણ કરી છે.

(પીપળ માટે તો ગીતામાં ભગવાને કહ્યું છે કે વૃક્ષ માં પીપળ હું છું)

   આ પીપળ-વડ બન્નેના ફળ( ટેટા..)  કાગડા ખાય...અને એમની ..હોજરીમાં પ્રોસેસ થાય પછી જ તે ફળ(બીજ) ઉગવા .. લાયક થાય છે તે સિવાય નહિ .માટે તો ધાબે..દીવાલનીકોટે...

જ્યાં જ્યાં કાગડો વિષ્ટા કરે ત્યાં ત્યાં આ બન્ને ઝાડ ઉગે છે.

    પીંપળો...એકમાત્ર વૃક્ષ છે... જે સૂર્યોદય  પહેલાં અને સૂર્યાસ્ત પછી દોઢ પ્રહર સુધી ઓક્સિજન ..આપે છે.

    વડને જમીની અને હવાઈ(વડવાઈ) એમ બે પ્રકારના મૂળ છે.

    આ વડવાઈ 100 ગજના વર્તુળનો ભેજ શોષી લૈઈ હવાને સૂકી રાખે છે... અસ્થમા જેવા... ફેફસાંના રોગ ન થાય એટલે તો વડીલો આ વૃક્ષ(વડ) નીચે બેસે . (*વડીલો આ ઝાડ નીચે બેસે એટલે તો તે વડલો કહેવાયો.*) 

હા, વડ ના ઔષધીયગુણો અપાર છે.

    આ  *અતિ મહત્વના* વૃક્ષો .... કાગડાની મદદ વગર ઉગાડવા શક્ય નથી. 

     માટે આપણા સ્વાર્થ માટે પણ કાગડાઓને કોઇ પણ ભોગે બચાવવા પડે.

      કાગડાના ઈંડામાંથી ભાદરવામા બચ્ચા બહાર આવે તો એને તંદુરસ્ત અને ભરપૂર ખોરાક મળવો જરૂરી છે.

માટે ઋષિઓએ ..કાગડાનાબચ્ચાઓ

 .ને દરેક છત પર ખોરાક મળી રહે એ માટે શ્રાદ્ધપક્ષમાં *કાગવાસ*  ની ગોઠવણ કરી. જેથી કાગડાની   નવી પેઢી ઉછરી જાય.

  બીજું  *કાગડા ઘરની આસપાસની ગંદકી બારે માસ ખાઈને સફાઈ કરે છે એટલે તે ઋણ ચૂકવવા પણ ખીરની કાગવાસ નાખીએ છીએ*

      મગજ  દોડાવ્યા વગર પિતૃઓમા આસ્થા રાખી શ્રાદ્ધ કરજો.... પ્રકૃતિનાં રક્ષણ માટે !!

  *ધ્યાન રહે.....*

આપણી સનાતન સંસ્કૃતિની તમામ ધાર્મિક પરંપરાઓ/ઉત્સવોમાં પ્રકૃતિ *વિજ્ઞાન જોડાયેલ છે*.


   કાગવાસ નાખીએ..

 *કાગડા જીવાડી આપણે પણ જીવીએ* 

( એક પ્રસ્તૂત લેખ)

Sunday, August 24, 2025

વીર નર્મદ

--

વીર નર્મદ ! 


-----


-------

'જય જય ગરવી ગુજરાત ! 

દીપે અરુણું પરભાત ! 

ઉત્તરમાં અંબા માત,

પૂરવમાં કાળી માત ! 

દક્ષિણ દિશામાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ, 

ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ

કેરા દેવ -

છે સહાયમાં સાક્ષાત્ ! 

જય જય ગરવી ગુજરાત ! '


ઈ.સ.1873માં એટલે કે આજથી 152 વર્ષ અગાઉ લખાયેલ આ અજરામર કવિતાના સર્જક કવિ નર્મદ !

 

-- વીર નર્મદ !

( નર્મદાશંકર લાલશંકર દવે )

24 ઓગસ્ટ,1833 ના રોજ સૂરત ખાતે જન્મ લેનાર નરબંકા નર્મદની આજે 192મી જન્મજયંતિ : 

વીર નર્મદની સ્મૃતિમાં આજનો એટલે કે 24 ઓગસ્ટનો દિવસ બની ગયો છે : વિશ્વ ગુજરાતી ભાષા દિવસ :

‘અર્વાચીનોમાં આદ્ય' અને 'નવયુગના પ્રહરી' તેમ જ 'સુધારાનો સેનાની' તરીકે ઓળખાતા આ વિરલાને 'સુંદરમ્' તો 'પ્રાણવંતો પૂર્વજ'નું બિરુદ આપે છે. તો વળી ઉમાશંકર જોશીને નર્મદનાં સર્જનમાં 'નવા યુગની નાંદી' સંભળાય છે. 

સૂરતમાં પ્રાથમિક શિક્ષણ અને મુંબઈમાં માધ્યમિક શિક્ષણ મેળવીને નર્મદે મુંબઈમાં શિક્ષક તરીકે નોકરીનો પ્રારંભ કર્યો.

એ જ અરસામાં મધ્યકાલીન કવિ ધીરાનાં પદો નર્મદનાં વાંચવામાં આવ્યાં,જેનાથી પ્રેરિત થઈને એમણે એ જ પ્રકારનાં આશરે 200 જેટલાં પદો રચી કાઢ્યાં.એથી નર્મદનો કવિતા તરફનો અનુરાગ અને આત્મવિશ્વાસ વધવા લાગ્યો. 

 દરમ્યાન, નોકરી નર્મદને 'દાસપણું' લાગવા માંડી.શિક્ષકના વ્યવસાયથી  કંટાળેલા નર્મદે ઘણાં મનોમંથન વચ્ચે, સાહિત્યોપાસના અર્થે, સમાજ- સુધારણા અર્થે નોકરીનો ત્યાગ કરીને એક દિવસ 'કલમ, તારે ખોળે છઉં ' એવી પ્રતિજ્ઞા કરી અને પૂરા 24 વર્ષ નર્મદે આ પ્રતિજ્ઞા નિભાવી જાણી. 

30 વર્ષના લેખનકાળ દરમ્યાન 38 જેટલી કાળજયી કૃતિઓ આપી જનાર આ વિરલાએ એવું ઘણું સર્જ્યું, જે ગુજરાતના ઈતિહાસમાં કદાચ પ્રથમ હતું.

જેમ કે-

--નર્મકોશ : 

પ્રથમ ગુજરાતી શબ્દકોશ

-- મારી હકીકત : 

પ્રથમ ગુજરાતી આત્મકથા.

-- કવિચરિત્ર : 

પ્રથમ ગુજરાતી ચરિત્ર

-- મંડળી મળવાથી થતા લાભ : 

 પ્રથમ ગુજરાતી નિબંધ

-- ડાંડિયો : 

સમાજ, સાહિત્યના દંભ, શોષણ અને કુરિવાજો સામે બંડ પોકારતું સૌ પ્રથમ ગુજરાતી મેગેઝિન.

 'ડાંડિયો'માં નર્મદે સૂરતના તત્કાલીન હવેલીના વૈષ્ણવાચાર્યની કેટલીક પાખંડી પ્રવૃત્તિઓની ઝાટકણી કાઢતાં કેટલાક 'વૈષ્ણવજનો' રોષે ભરાયા અને નર્મદને સમાધાન માટે કહેણ મોકલ્યું તો નર્મદે જવાબ શું આપ્યો તે જાણવા જેવો છે.જુઓ : 

--" લ્યૂથરે એમ કહેલું કે રાજમહેલનાં જેટલાં નળિયાં છે એટલા મારા દુશ્મનો હશે તો પણ હું મારો અભિપ્રાય નહીં બદલું. પરંતુ હું તો એમ કહું છું કે નળિયાં ભાંગ્યાથી જેટલી ન્હાની ન્હાની કકડીઓ થાય એટલા મારા દુશ્મનો હશે તો પણ હું 'મહારાજ'ની દરકાર રાખતો નથી. "

વિધવાવિવાહની હિમાયત કરતા નર્મદની હિંમત વિશે ક.મા.મુનશી નોંધે છે : --- " એ સમયે જગતને આગ લગાડવાનું સહેલું હતું.પરંતુ વિધવાવિવાહ વિશે કંઈ બોલી ન શકાય.એ વખતે નર્મદે વિધવાઓને પરણાવવાની હિંમત કરી હતી." 

વિવેચક વિશ્વનાથ ભટ્ટ નર્મદનાં કવિકર્મ વિશે નોંધે છે : 

-- "નર્મદે ગુજરાતી કાવ્યનૌકાનું સુકાન જ ફેરવી નાખ્યું અને એકદમ નવી દિશામાં, નવાં જ પાણીમાં એને તરતી મૂકી દીધી." 

ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોશ 'નર્મકોશ'ને તૈયાર કરતાં નર્મદને 12 -12 વર્ષ લાગ્યાં. આ શબ્દકોશ માટે નર્મદે કેવી ચીવટ અને ચોક્કસાઈ રાખેલી એ નીચેનાં બે ઉદાહરણો ઉપરથી ખ્યાલ આવશે : 

(1) નર્મદે લાકડાનું એક નાનકડું બળદગાડું બનાવડાવ્યું.એ પછી એના વિવિધ ભાગો ઉપર કાગળની ચબરખી ચોંટાડીને  ભાવનગર રહેતા તેમના એક મિત્રને એ રીતે લેબલ મારેલું બળદગાડું મોકલ્યું અને સૂચના આપી કે તમારા ગોહિલવાડમાં ક્યા ભાગને શું કહેવાય છે તે લખી મોકલજે.

(2) જૂનાગઢ રહેતા એક મર્મી મિત્ર લક્ષ્મીરામને નર્મદે પત્રમાં લખેલું :

 --"આપણાં દેશી રાજ્યોમાં વપરાતા હથિયારોનાં નામ,જુદી જુદી જાતની બંદૂક, જુદી જુદી જાતની તરવાર વગેરે શબ્દ,વાતો અને નામ જેમ જેમ મળતાં જાય તેમ તેમ મોકલ્યાં કરવાં "

પૈસાવિહોણા અને સાધનવિહોણા એ જમાનામાં નર્મદે આ રીતે વર્ષો સુધી મથી મથીને આશરે 25000 જેટલા શબ્દો ભેગા કરીને 'નર્મકોશ' તૈયાર કરેલો.

સુધારાકાળના આખા યુગ પર પોતીકાં તેજ અને તરવરાટ થકી છવાઈ જનાર નર્મદે માત્ર 53 વર્ષનું ટૂંકું આયખું ભોગવીને વિદાય લીધી 1886માં. 

અને હવે, નર્મદની કેટલીક પ્રાણવાન પંક્તિઓ- ઉક્તિઓ યાદ કરી લઈએ: 

--*--

' જય જય ગરવી ગુજરાત,

   દીપે  અરુણું  પરભાત  ! '


'સહુ ચલો જીતવા જંગ,બ્યૂગલો વાગે

યા હોમ કરીને પડો, ફતેહ છે આગે.' 


'નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક,

યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી' 


'વીર, સત્ય ને ટેકીલાપણું, અરિ પણ દિલથી ગાશે,

જુદાઈ દુઃખ તે નથી જવાનું,જાયે માત્ર મરણથી '


' ડગલું ભર્યું કે ના હઠવું, ના હઠવું,

  વેણ કાઢવું કે ના લટવું,ના લટવું '


' તાપી દક્ષિણ તટ, સૂરત મુજ ઘાયલ ભૂમિ, 

 મને ઘણું અભિમાન, ભોંય  તારી   મેં ચૂમી.'


' કોઈ હોયે હાલે મસ્ત, કોઈ હોયે     મ્હાલે મસ્ત, 

કોઈ હોયે ઈશ્કે મસ્ત, સુખિયો નર્મદ ખ્યાલે મસ્ત.'


' રચના  રૂડી  છંદમાં, તે  કવિતા નવ   હોય, 

અર્થ ચમત્કૃતિ ચિત્ર તે કવિતા રસથી હોય.' 

( રચ્યા છે રૂડા છંદ દલપતરામે - ના પ્રતિવાદ રૂપે) 


'  આ તે શા તુજ હાલ !

  સુરત સોનાની મૂર્ત ! '


'  દાસપણું ક્યાં સુધી  ? ' 

( શિક્ષકની નોકરીથી કંટાળીને) 


' હવે, તારે ખોળે છઉં ! '

( કલમને કહેલું )  


-- "કવિતા જેને વશ છે તે કવિ નથી પણ જે કવિતાને વશ છે તે કવિ હોય ખરો." 

---" કેટલાક ગરબડિયા બહુશ્રુત કવિ એવા હોય છે કે સભામાં વાણીની છટાથી જેવું તેવું, ગટરપટર બોલી   'દિગ્વિજયી છઉં' એવું દેખડાવે છે. એવા લોકોને સભામાં મૂર્ખ લોકો માન આપે છે પણ તે માન ઝાઝી વાર ટકતું નથી."

-- " ઊગતા કવિઓએ શીઘ્ર કવિતા કરવાનો લોભ થોડો રાખવો.. શબ્દને માટે ગુજરાતી ભાષાનાં જૂના કવિઓનાં પુસ્તકો વાંચવાં.. જુવાનોએ પ્રથમ પોતાનું વિદ્યાજ્ઞાન, વ્યવહારજ્ઞાન, રસજ્ઞાન વધારવું ને પછી કામ માથે લેવું."

 -- " રાંડેલીનાં લગ્ન કાં નહીં ? " 

(વિધવા વિવાહની હિમાયત)

--*--

આવા પ્રતિભાવંત યુગપ્રવર્તક સર્જક અને સુધારક નર્મદની સ્મૃતિમાં ગુજરાતી સાહિત્યના પ્રચાર, પ્રસાર, વિકાસ માટે નોંધપાત્ર સાહિત્યિક પ્રદાન કરનાર સર્જકને દર પાંચ વર્ષે  'નર્મદ સાહિત્ય સભા'તરફથી છેક 1940 થી 'નર્મદ સુવર્ણચંદ્રક' એનાયત થાય છે.

સૂરત ખાતેનાં નર્મદનાં નિવાસસ્થાનને સરકાર દ્વારા મ્યૂઝિયમ બનાવડાવીને તેને 'સરસ્વતી મંદિર' તરીકે નવી ઓળખ અપાયેલ છે.

આજે સુરતના ઘોડદોડ રોડ ઉપર કોર્પોરેશન સંચાલિત વિશાળ 'નર્મદ સેન્ટ્રલ લાયબ્રેરી' ધમધમે છે.

 2005 માં 'દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી'નું નવું નામાભિધાન 'વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી' થયેલ છે.

નર્મદ વિશે નર્મદ-નગરી સુરતના જ સુખ્યાત કવિ-લેખક શ્રી રઈશ મનીઆર દ્વારા લિખિત એક નાટિકાનું ઔચિત્યપૂર્ણ શીર્ષક છે :

       : મર્દ નામે નર્મદ : 

 સાંપ્રત સંદર્ભે નર્મદનું તુલનાત્મક ગૌરવગાન કરતાં આપણા કવિવર્ય સ્વ.નિરંજન ભગત ઉચિત રીતે વદે છે : 

" ક્યાં તુજ જોસ્સો, કેફ, ક્યાં આ જંતુ માણહા !                               

 માથા  પરની  રેફ, નર્મદ !  સ્હેજ  ખસી   ગઈ  ! "

( 'નર્મદ'ની જગ્યાએ 'નમર્દ' )

( वाह ભગતસાહેબ ! )

‘કબીરવડ' કાવ્યનો આ બડકમદાર શબ્દ-બંદો ગુજરાતી ભાષાનાં કાવ્ય- કાનનમાં ઘેઘૂર 'કબીરવડ'ની માફક છવાયેલ હતો, છે અને રહેશે.

'જય જય ગરવી ગુજરાત' જેવી અજરામર પંક્તિઓમાં ગુજરાતની અસ્મિતાને પ્રસ્થાપિત કરનાર આ વટવાળા વિરલા વીર નર્મદની વિરલ ચેતનાને વિનમ્ર નમન.

-- नमस्कार ! 

(-- R. P. Joshi : Rajkot :)